Friday, 27 June 2014

એક વિલન: ખરાબ સ્ટોરી-સ્ક્રીનપ્લેનો ઉત્તમ નમૂનો





         ફિલ્મની સ્ટોરી સરસ હોય, સ્ક્રીનપ્લે સારા હોય અને સોનામાં સુગંધની જેમ જો સારા ડાયલૉગ્ઝ પણ હોય તો તમને શરૂઆતથી અંત સુધી ફિલ્મ જોવાનો આનંદ જ અનોખો હોય! ઘણીવાર સારી સ્ટોરી અને ખરાબ સ્ક્રીનપ્લે હોય તો પણ ફિલ્મ ગમે અને ઉલ્ટુ સ્ટોરી સારી હોય અને સ્ક્રીનપ્લે ખરાબ હોય તો પણ તમે ફિલ્મ એન્જોય કરી શકો પણ ’એક વિલનમાં તો ખબર જ નથી પડતી કે સ્ટોરીનો અર્થ શું નીકળે છે! લેખક તુષાર હીરનંદાણીને ખબર જ ન પડી કે લવ સ્ટોરી બનાવવી છે, સાઇકોડ્રામા બનાવવી છે, ફાઇટ ફિલ્મ બનાવવી છે કે પછી બીજી કોઈ પ્રકારની ફિલ્મ! આ ઉપરાંત સ્ક્રીનપ્લે ક્યાંથી ઉપાડવો અને ક્યાં વાર્તા ક્યાં જોડવી એ પણ એટલી જ મહત્વની છે. સ્ક્રીનપ્લેમાં પણ એક વાત જામે ત્યાં જ સ્ટોરી ફ્લેસબેકમાં જતી રહે અને એ પણ તમને ખબર ન પડે કે અહીં આ વાત રાખવાનો અર્થ શું હતો? આ અખી ફિલ્મને ખરાબ સ્ટોરી અને સ્ક્રીનપ્લેનો ઉત્તમ નમૂનો કહી શકાય.....


        જ્યારે સારા ડિરેક્ટરના હાથમાં ખરાબ સ્ટોરી આવે તો ધારે તો પણ સારુ ન કરી શકે. મોહિત સુરીનું ડિરેક્શન થોડા સમયથી વખાણવા લાયક રહ્યું છે. મોહિત સુરી એટલે મહેશ ભટ્ટનો ભત્રીજા, આ કારણથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમની એન્ટ્રી સરળ હતી. વિક્રમ ભટ્ટની ફિલ્મ ’કસૂરથી એમણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. આ પછી ૨૦૦૨માં ’આવારા પાગલ દિવાના અને ૨૦૦૫માં ’ઝહર આસિસ્ટ કરી. ૨૦૦૫માં જ ’કલિયુગ એમના સ્વતંત્ર ડિરેક્શનમાં આવ્યું. ’કલિયુગના ખૂબ વખાણ પણ થયા. આ પછી એમણે ’રાઝ-મીસ્ટ્રી કન્ટીન્યુસ, ’કૃક-ઇટ્સ ગૂડ ટુ બી બેડ જેવી ઘણી ફિલ્મ્સ ડિરેક્ટ કરી પણ તેની મોટા ભાગની ફિલ્મ્સ ભટ્ટ કૅમ્પ સાથે જ રહી. ખૂબ લાંબા સમય પછી ભટ્ટ કૅમ્પ બહારની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે ત્યારે એમના પર ઘણી જવાબદારી હતી કે લોકો એમ ન માને કે ભાઈ એક જ બૅનર હેઠળ સારી ફિલ્મ આપી શકે છે. જો કે એમના માટે એક સારી વાત એ હતી કે બાલાજીનું બૅનર મળી રહ્યું હતું. આમ જુઓ તો શોભા કપૂર-એકતા કપૂર પાક્કા બીઝનેસમેન કે વુમન થઈ ગયા છે. એમને ખબર છે કે માત્ર ફિલ્મના ધંધામાં જ ગુણાકારો થાય છે એટલે જ કદાચ હવે ફિલ્મમાં તુષાર કપૂરને લેવાની ભૂલ પણ નથી કરતા....


        સિદ્ધાર્થ મલ્હોત્રા દેખાવડો હોવા સાથે સારા મસલ પણ ધરાવે છે વળી બોલીવુડમાં પ્રવેશને હજુ જુમા જુમા ચાર દિવસ જ થયા છે તો સસ્તો પણ પડે. જો કે સિધ્ધાર્થના કેરિયરની શરૂઆત તો ’માય નેઇમ ઇઝ ખાનના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે થઈ હતી અને ખરા અર્થમાં એક્ટીંગની શરૂઆત ’સ્ટુડન્ટ ઑફ ધ ઇયરથી થઈ. ફિલ્મ ખૂબ સારી ચાલી હતી. આ પછીની સિધ્ધાર્થની ફિલ્મ ’હસી તો ફસી ક્યારે આવી અને ગઈ એ પણ ખબર નથી પડી! સિદ્ધાર્થ માટે પણ ફિલ્મ મહત્વની હતી. શ્રદ્ધા કપૂરને ફિલ્મનો વારસો હોવા છતા પપ્પા શક્તિ ક્પૂરની ખાસ મદદ મળી શકી નથી. શ્રદ્ધા ’તીનપત્તી અને ’લવ કા ધ એન્ડમાં કોઈની નજરમાં આવી ન હતી પણ ’આશિકી 2’ સાથે જ જાણીતી હીરોઇન બની ગઈ. આ ફિલ્મ માટે એવોર્ડ્સ પણ મળ્યા. રીતેષ દેશમુખ વિલાસરાવ દેશમુખ જેવા નેતાનો પુત્ર એટલે શરૂઆતમાં તો એમ જ થયું કે ફિલ્મમાં રીતેષને આ કારણે જ કામ મળ્યું હશે પણ ’તુજે મેરી કસમ’થી કેરિયરની શરૂઆત કરનાર રીતેષ આજ સુધીમાં લગભગ ૩૭ ફિલ્મ્સ આપી ચૂક્યો છે. રીતેષને આમ તો લોકો કોમેડિયન તરીકે જ જોવા ટેવાય ગયેલા છે પણ આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા એના માટે પડકાર હતી અને તેણે નિભાવી. હવે સારી કે ખરાબ એ તો દર્શકો જ નક્કી કરશે. ફિલ્મમાં રીતેષની પત્નીની ભૂમિકા આમના શરીફે ભજવી છે. આમનાને લોકો ટેલિવિઝન સિરિયલ ’કહીં તો હોગા અને ’હોંગે જુદા ના હમથી ઓળખે છે. જો કે બોલીવુડની બે ફિલ્મ્સ ’આલુ ચાટ અને ’આઓ વિશ કરે આફતાબ શિવદાસાની સાથે કરી ચૂકી છે જે લગભગ ઓછા લોકોએ જોઈ હશે. શરદ રંધાવાને ખાસ સીબીઆઇ ઇન્સ્પેક્ટર તરીકે લેવામાં આવ્યા છે પણ એટલો જ અર્થ વગરનો રોલ છે અને આવો જ બીજો રોલ જેમાં ’રેમો ફ્રર્નાડીશને વેડફવામાં આવ્યા છે...


        ફિલ્મ એડપ્ટ કરવી એ સૌથી સહેલી વાત છે પણ સાથેસાથે એટલી અઘરી વાત પણ છે. આ ફિલ્મ કોરિયન ફિલ્મ ’શો ધ ડેવિલ પરથી ઉઠાવવામાં આવી છે જો કે મોહિત સુરીના કેહેવા મુજબ આ ફિલ્મના પાત્રો સાવ અલગ છે માટે આ ફિલ્મ મૂળ ફિલ્મથી સાવ અલગ છે. જો તમે ’શો ધ ડેવિલ જોઈ હશે તો તમે કહેશો કે કાશ ફિલ્મની એમને એમ જ ઉઠાંતરી કરી હોત તો ફિલ્મ સારી બની શકી હોત!

        ફિલ્મનું મ્યુઝિક અંકીત ત્રીવેદી, મીથુન અને સોચ બેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મના ગીતો કર્ણપ્રિય છે. ગીતોને તો ક્રીટીક્સ અગાઉથી જ ૪ સ્ટાર આપી ચૂક્યા છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી વિષ્ણુ રાવની છે. ફિલ્મના દ્ગશ્યો અદભૂત લાઇટથી અને સતત ફરતા કૅમેરાથી સુંદર લાગે છે. આ ફિલ્મમાં દરેક દ્ગશ્યમાં ઇવન લાઇટનો જ પ્રયોગ છે માટે જે સુંદર રીતે દ્ગશ્યો ઊભરીને આવવા જોઈ એ રીતે નથી આવ્યા. આ ફિલ્મમાં ચોક્કસ પણ સૌથી અઘરું કામ એડીટીંગનું જ રહ્યું હશે. દેવેન મૃદેશ્વરે ફિલ્મ એડીટ કર્યું છે. જ્યારે ફૂટેજ જ દમ વાળુ ન હોય ત્યારે એડિટર પણ શું કરી શકે? જો કે એક વાત ખૂબ સારી રહી કે ફિલ્મનો રન ટાઇમ માત્ર ૧૩૨ મીનીટનો હતો એટલે બહુ વધુ ફિલ્મ સહન કરવી નથી પડી! આટલી તો દર્શકોની દયા ખાધી એ જ ઘણું...


        સમયની સાથે તાલ મિલાવતા દર્શકો પ્રયોગાત્મક ફિલ્મ્સ, આર્ટ ફિલ્મ્સ, નાના બજેટની ફિલ્મ્સ જોતા થયા છે અને વળી અલગ પ્રકારની વાર્તા માટે પણ ફિલ્મ જોવા ટેવાતા થયા છે પણ દર્શકો કદાચ એટલી બધી છૂટ તો નહીં જ આપે કે વાર્તાનો હાર્દ કે મુખ્ય વિષય જ નક્કી ન થાય! ફિલ્મના કોઈ પણ પાત્રનું પણ પાત્રાલેખન થાય છે. હીરો કેવો હશે, એની ખાસિયત શું હશે, એનો સ્વભાવ કેવો હશે જેવી કેટલી બધી બાબતો ફિલ્મ લખાય ત્યારે જ લખવામાં આવે છે. આ વાત માત્ર હીરો, હીરોઇન કે વિલન માટે જ નહીં, નાનામાં નાના પાત્ર માટે પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. અહીં આ ફિલ્મમાં એક પણ પાત્રનું ધ્યેય શું છે એ જ તમને ખબર નહીં પડે. કદાચ ફિલ્મ સાથે પાત્રાલેખન કરવામાં નહીં આવ્યું હોય. ફિલ્મને ૨ સ્ટારથી વધારે આપી શકાય એમ નથી પણ અન્ય ક્રીટીક્સ અત્યાર સુધીમાં ૪ સ્ટાર સુધી પહોંચી ગયા છે....



પેકઅપ:
"હમણાં જ એક અખબારના ઇન્ટર્વ્યૂમાં અનુષ્કાએ કહ્યું કે તે યશરાજ બેનરની ફેવરીટ હીરોઇન છે અને જ્યારે હીરોનું પૂછવામાં આવ્યું ત્યારે હસતા જવાબ આપ્યો કે ઉદય ચોપરા .. હવે શાહરુખનું શું થશે???"

Friday, 20 June 2014

હમશકલ્સ: મગજ વગરનું મનોરંજન







        દર અઠવાડિયે લગભગ એક કે બે ફિલ્મ્સ રીલીઝ થતી જ હોય છે. દરેક ડિરેક્ટરની પોતાની ખાસિયત મુજબની ફિલ્મ બનાવતા હોય છે પણ ચોઈસ તો બધાની કૉમેડી જ રહે છે. આમ પણ માણસ આખો દિવસ સવારથી સાંજ સુધી હેરાન-પરેશાન થતો મનોરંજન મેળવવાની કોશિશ કરે તો હસવું જ પસંદ કરે ને! ફિલ્મમાં ફાઇટ, ઍક્શન, ડ્રામા, ઇમોશન બધું જ હોય તો પણ કૉમેડી તો ઉમેરવામાં આવે જ છે જે સાબિત કરે છે કે આખરે તો માણસ માટે ખુશી જ મહત્વની છે. બે પ્રકારે કૉમેડી દર્શકોને આપવામાં આવે છે, એક સિચ્યુએશનલ કૉમેડી અને બીજી ડાયલૉગ કૉમેડી. ’હમશકલમાં આ બંને પ્રકારનું કોમ્બીનેશન જોવા મળ્યું પણ એક શરત છે જ કે મગજને ઘેર મૂકી દેવાનું અને માત્ર આનંદ માટે જ ફિલ્મ જોવાની. ’હમશકલ્સ મગજ વગરનું મનોરંજન છે..


        સાજીદ ખાનને લોકો આ પહેલા ઘણા ટીવી શોમાં જોઈ ચૂક્યા હશો. એક વાત તો છે જ કે સાજીદ પોતાની જાત પર ત્યારે પણ હસી શકતો અને આજે પણ હસી શકે છે. સાજીદનો નાતો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે બચપણથી જ છે. સાજીદ એટલે મેનકા ઇરાની અને કમરાન ખાનનો પુત્ર. મેનકા ઇરાની એટલે હની ઇરાની અને ડેઝી ઇરાનીની બહેન. સાજીદનું સેન્સ ઑફ હ્યુમર સાચે જ ખતરનાક રહી છે. સાજીદની બહેન ફરાહ ખાન પણ ફિલ્મ સાથે જોડાયેલ છે. સાજીદે ’જૂઠ બોલે કૌઆ કાટે, ’મૈં હું ના અને ’હેપ્પી ન્યુ ઇયર જેવી ફિલ્મ્સમાં એક્ટીંગ પણ કર્યું છે. સાજીદના ડિરેક્શનની શરૂઆત ’ડરના જરૂરી હૈં ફિલ્મથી થઈ. ફિલ્મ ખાસ ચાલી ન હતી પણ સાજીદની કેરિયર તો શરૂ થઈ જ ગઈ. ૨૦૦૭માં સાજીદે ’હે બેબી ડિરેક્ટ કરી. ફિલ્મ ભલે ચાલી નહીં પણ અમુક કૉમેડી પંચ વખાણવા લાયક હતા. સાજીદને ખરી સફળતા ’હાઉસફૂલથી મળી. ફિલ્મ ચાલી અને આ પછી ’હાઉસફૂલ-૨-ડર્ટી ડઝન્સ પણ ચાલી ગઈ. સાજીદને થયું કે લાવ રીમેકમાં પણ હાથ જમાવું અને તેણે ’હિમ્મતવાલા ડિરેક્ટ કરી. ફિલ્મ તો સરસ રીતે પીટાય જ ગઈ પણ સાજીદ પરનો ભરોસો ઊઠવા લાગ્યો. જો કે સલામ તો વાસુ ભગનાનીને કરવી પડે કે ’હિમ્મતવાલા પછી પણ ’હમશકલ્સ માટે હિંમત કરી અને નસીબ જોગે ફિલ્મ પ્રમાણમાં ઘણી સારી છે..


        તમે એક વાત માર્ક કરી હશે કે ફિલ્મના ટાઇટલ ઘણી વાર વિચાર્યા વગર આપવામાં આવતા હોય છે તો ક્યારેક ખરેખર બુધ્ધીથી આપવામાં આવતા હોય છે. આ ફિલ્મના ટાઇટલ માટે બુધ્ધીનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. અંગ્રેજીમાં બહુવચન માટે પાછળ એસ લગાડવામાં આવતો હોય છે. હવે જો હિન્દી શબ્દની પાછળ એસ લગાડવામાં આવે તો નામ ઇટસેલ્ફ કૉમેડી બની જાય છે. આ ઉપરાંત સ્ટોરી પર પણ ઘણી મહેનત કરવામાં આવી છે. ફિલ્મ ફરહાદ અને સાજીદે બંને એ મળીને લખી છે. તમે આ પહેલા એક સરખાં દેખાતા બે મિત્રોની વાર્તા ’અંગુર ફિલ્મમાં સંજીવ કુમાર અને દેવેન વર્માની જોઈ જ ચૂક્યા છો પણ અહીંયાં બે ઉપરાંત ત્રીજો અવતાર પણ છે. આ ત્રીજો અવતાર અલબત બહુ થોડા સમય માટે લગભગ ફિલ્મના અંતમાં આવે છે પણ કહાનીને ટ્વિસ્ટ આપવા માટે પૂરતો છે. આ ઉપરાંત રામ કપૂરના પણ ત્રણ રોલ કમાલના છે. રામ કપૂરના ત્રણે રોલ જોઈને તમે પણ એવું માનશો કે આ ત્રણે વ્યક્તિ અલગ છે. રામ કપૂર સાચે જ તગડો કલાકાર છે એ આ ફિલ્મમાં તો સાબિત કર્યું જ છે....


        શૈફ અલીખાન સમય સાથે એક્ટીંગ શીખેલો કલાકાર છે પણ શૈફ તેની ટીપીકલ સ્ટાઇલ માંથી બહાર નથી નીકળી શક્યો. ત્રણે રોલ અલગ અલગ હોવા છતા તમને ત્રણે રોલમાં શૈફ જ દેખાશે, પાત્ર નહીં. જો કે આ બાબતે આ ફિલ્મમાં રીતેષ દેશમુખ શૈફ કરતા ચડિયાતો સાબિત થયો છે. રીતેષ પાસે પણ કૉમેડીની પોતાની એક આગવી સ્ટાઇલ છે અને તેનું રીપીટેશન જોવા મળે જ છે પણ એમ છતા શૈફ કરતા તો ખૂબ સારી એક્ટીંગ આ ફિલ્મમાં જોવા મળી. ફિલ્મમાં તમન્ના ભાટીયા એક ચેનલના રીયાલીટી શો હોસ્ટ તરીકે દેખાડવામાં આવી છે અને પહેલા શૈફની પ્રેમિકા. તમન્નાનું પહેલું ફિલ્મ હતું ’ચાંદ સા રોશન ચહેરા બસ આ ફિલ્મ પછી તામિલ અને તેલુગુ ફિલ્મ જ કરવા લાગી. એકાદ બે હિન્દી ફિલ્મ્સ પણ કરી હતી પણ ખાસ નહીં. ખૂબ લાંબા ગાળા પછી તમન્નાએ સાજીદની ’હિમ્મતવાલા કરી હતી અને ફરી સાજીદ સાથેના સંબંધોને લીધે જ આ ફિલ્મ પણ કરી. બીજા શૈફની પ્રેમિકા તરીકે એશા ગુપ્તા છે. એશાની કેરિયર ’જન્નત ૨થી શરૂ થઈ હતી. આ પછી ’રાઝ ૩ડી, ’ચક્રવ્યૂહ, ’ગોરી તેરે પ્યાર મેં જેવી થોડી ફિલ્મ્સ કરી પણ પોતાનું સ્થાન જમાવી શકી નથી. જો કે આ ફિલ્મમાં ડૉક્ટર બનતી એશા બાકીની બે હીરોઇન કરતા તો સારુ કામ કરતી જોવા મળી. બિપાસા બસુને રીતેષ સામે લેવામાં આવી છે. રીતેષ કરતા બિપાસા મોટી લાગે છે પણ ખાસ મોટો રોલ ન હોવાથી ચાલી જાય છે. ત્રણ નાના રોલની અહીં વાત કરવી પડે એમ છે. જેમ કે ચંકી પાંડે. સિંધી ડ્રગ વેચતો વેપારી એક કે બે વાર દેખાય છે પણ તમે તેના રીએક્શન અને એક્ટીંગ પર હસવાનું રોકી નહીં શકો. આ રીતે જ ગાંડાની જેલના જેલર તરીકે સતીષ શાહ એટલે ફિલ્મની જાન છે. બહુ જ નાના પાત્રમાં પણ ખૂબ જ સારુ એક્ટીંગ મારા અંગત મિત્ર દર્શન ઝરીવાલાને કરતા જોયા. દર્શનભાઈની ખાસિયત છે કે ગમે તે પાત્ર હોય તે ન્યાય તો આપે જ. ભલે નાનો પણ એમનો ફિલ્મમાં કી રોલ કહી શકાય...


        ફિલ્મનું મ્યુઝિક હ્રિમેશ રેસમિયાએ આપ્યું છે. ફિલ્મના ગીતો લાંબા ચાલે તેમ નથી પણ સાંભળવા ન ગમે તેવા તો નથી જ. આ ઉપરાંત ખોટો ગીતોનો મારો પણ નથી. ફિલ્મ મગજ મૂકી દો તો આનંદ આપે એવી છે જ, તો થોડો ઘણો અતિરેક પણ છે. શાહબુદ્દીન રાઠોડ કહે છે કે પુરુષ જો સૌથી વધુ ભૂંડો લાગતો હોય તો એ જ્યારે સ્ત્રીનો વેશ કાઢે ત્યારે લાગે છે. અહીં પણ શૈફ, રીતેષ અને રામ કપૂર છોકરીઓ બને છે ત્યારે બહુ જ ખરાબ લાગે છે. આ ઉપરાંત ત્યાં ફિલ્મની વાત ખેંચાતી પણ લાગે છે. ફિલ્મ માંથી કૉમેડી બહાર આવતી જ હતી પણ જો આટલું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો વધુ સારી બની શકી હોત. ફિલ્મની સિનેમેટોગ્રાફી રવિ યાદવની છે. ફિલ્મને લોકેશન્સ પણ ફોરેનના જ મળ્યા છે છતા ખૂબ સારી રીતે કૅમેરામાં કૈદ કરી શક્યા છે. ડાન્સ ડિરેક્ટરની ખબર નથી પણ દરેક ગીતમાં એક નવી ટીપીકલ સ્ટાઇલ અને એ પણ ગમે તેવી આપવામાં સફળ રહ્યા છે. ૫૫ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ છે માટે ધંધો ૧૦૦ કરોડ કરવો જ પડે તો જ પરવડે. ફિલ્મને ૩ સ્ટાર આપી શકાય એમ છે...




પેકઅપ:

’ફિલ્મનો સૌથી પંચ વાળો સતીષ શાહનો ડાયલૉગ "આજ જો મૈ તુમ્હે ટૉર્ચર કરને વાલા હું ઉસકે લીયે મુજે મેડલ મીલેગા... આજ મૈં તુમ્હે સાજીદ ખાનકી ’હિમ્મતવાલા દીખાઉંગા"....’

Friday, 13 June 2014

ફગલી: ગળે ન ઊતરે એવી વાર્તા








    ફગલી શબ્દનો અર્થ થાય છે અતિશય ખરાબ દેખાતું અથવા કદરૂપું. જેવો નામનો અર્થ થાય છે એટલું ખરાબ ફિલ્મ નથી પણ ફિલ્મ જે રીતે અલગ અલગ રીતે જ્યાં ને ત્યાં ફંગોળાય છે અને વાર્તાનો જ નેઠો ન હોય ત્યાં વધારે તો શું કહેવું? આ પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રી ’ફનો જાદુ દેખાડી ચૂકી છે માટે ’ફુકરેની જેમ જ ’ફગલી પર ઘણી આશા બંધાયેલ હતી. આ ઉપરાંત ટ્રેઇલરમાં જીમ્મી શેરગીલની સ્ટાઇલનો જાદુ પણ એટલો જ સરસ ઊભરતો હતો એટલે થયું કે એક નવા કલાકારો સાથે બીજી ઓછા બજેટની સારી ફિલ્મ બનશે પણ ફિલ્મ જોઈને એટલો અહેસાસ થાય છે કે ફિલ્મની વાર્તા જ ગળે ઊતરે એવી નથી તો પછી સારી ફિલ્મ કેવી રીતે બની શકે?


        ફિલ્મમાં લગભગ બધું જ કાસ્ટિંગ નવોદીતોથી ભરેલું છે. ફિલ્મનું લીડ કૅરેક્ટર મોહિત મારવાહને સોંપવામાં આવ્યું છે. સંદીપ મારવાહ એટલે બોની કપૂરનો ભત્રીજો. આમ તો બોની કપૂર પોતે સંઘર્ષ કરી રહ્યા છે તો પણ થોડી ફેવર તો મળે જ. સંદીપ સામે કિરણ આડવાણીને લેવામાં આવી છે. કિઆરા પણ ન્યુકમર જ છે. અનુપમ ખૈર એકેડેમી માંથી એક્ટીંગનો કોર્સ કરેલી કિઆરા ઘણા ઓડીશન આપી ચૂકી હતી અને આખરે આ ફિલ્મ તેને મળી. કિરણ ધ લિજેન્ડ અશોક કુમારની ગ્રાન્ડ નીસ થાય માટે થોડો સહારો તો એને પણ મળે જ. કિઆરા જાણે ઇશા દેઓલની બહેન હોય એવી જ લાગે છે અને એથી પણ વધારે આ ફિલ્મમાં તેના કોશ્ચ્યુમ પણ જાણે એ રીતે જ ડિઝાઇન થયા હોય એવું લાગે છે. ચાર મિત્રો માંનો એક મિત્ર એટલે વિજયેન્દ્ર સિંઘ, ભારત તરફથી ઘણી બોક્સીંગ ચેમ્પીયનશીપ રમી અને જીતી ચૂક્યો છે. વિજયેન્દ્રને પદ્મશ્રી એવૉર્ડ પણ મળ્યો છે. ૨૦૧૨માં ડ્રગ લેવા માટે એના પર શંકા નાખી અને ઇન્ક્વાયરી બેસાડવામાં આવી હતી જો કે ૨૦૧૩માં નાડા (નેશનલ એન્ટી ડોપીંગ એજન્સી) એ ક્લીન ચીટ આપી હતી. વિજયેન્દ્ર ૨૦૦૮થી જ રેમ્પ વોક કરતો જોવા મળ્યો હશે. ચોથા મિત્ર તરીકે અર્ફી લાંબા છે. અર્ફી મૂળ રીતે સ્ટેજનો કલાકાર. ખૂબ ખ્યાતનામ નાટકોમાં એક્ટીંગ કરી ચૂક્યો છે. આ પહેલા ઇન્ટરનેશનલ ફિલ્મ્સ જેવી કે ’સ્લમ ડોગ મિલિયોનર, ’ધ પોલ્યુટન અને ’પ્રેગ્યુમાં કામ કરી ચૂક્યો છે. જો કે આગલી ફિલ્મ્સના મુકાબલે આમાં વધુ મોટો અને સારો રોલ આપવામાં આવ્યો છે. 


        આતો ઇન્ટ્રોડક્શન થયું તો ચાલો વાત કરીએ એક્ટીંગની. જીમ્મી શેરગીલ અને આજુબાજુના થોડા પાત્રોને બાદ કરતા આ મુખ્ય ચાર કલાકારો પાસે એક્ટીંગ તો કરાવવામાં આવી છે પણ માત્ર પ્રયત્ન જ કરતા હોય એ દેખાય આવે છે. ગમે તે કહો કોઈ પણ હીરો કે હીરોઇન સમય અને અનુભવ સાથે જ ઘડાય છે. ખાસ કરીને વિજયેન્દ્ર સિંઘમાં સીધે સીધુ દેખાય આવે છે કે વિજયેન્દ્ર કલાકાર નહીં માત્ર મોડેલ જ છે. સંદીપ મારવાહ એક્ટીંગ કરવા અને ઇમોશનલ દ્ગશ્યો ભજવવા કોશિશ કરે છે તો સંવાદો તૂટે છે અને સારો ડાયલૉગ બોલે તો એક્ટીંગ ખૂટે છે. આ પહેલા જ્યારે જ્યારે નવા કલાકારોને લેવામાં આવ્યા છે ત્યારે મોટા ભાગે સિરિયલ માંથી જ લેવામાં આવે છે, એનું કારણ સાવ સરળ છે કે બીજુ કંઈ હોય કે ન હોય ખૂબ એક્ટીંગ કરી ચૂક્યા હોય છે માટે એટ લીસ્ટ અનુભવની કમી તો નજર આવતી નથી. કિરણ આડવાણી દેખાવડી છે અને એક્ટીંગ માટે ખૂબ પ્રયત્ન કરતી નજર આવે છે. આ બધા માંથી કદાચ સૌથી પહેલો આગળ વધવાનો મોકો મળે તો કિરણને મળશે એવી મારી ધારણા છે...


        ફિલ્મનું ડિરેક્શન કબીર સદાનંદનું છે. કબીરને ડિરેક્ટર તરીકે કેમ લેવામાં આવ્યા એ વાત હજુ સુધી સમજમાં નથી આવી કેમ કે ડિરેક્શન ક્ષેત્રે કબીરનો કોઈ જ ફાળો નથી! સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ’શગુન માં કબીર કરણ નામથી લીડ કૅરેક્ટર કરતા. ડિરેક્શનની ખામીઓ ઘણી જગ્યા પર જોવા મળે છે. ફિલ્મમાં જીમ્મી શેરગીલનું નામ ચૌટાલા છે. એક દ્ગશ્યમાં ચારે ફ્રેન્ડઝને નીચે બેસાડ્યા હોય ત્યારે વિજયેન્દ્ર સિંઘ ચૌટાલાને ચૌધરી કહી બોલાવે છે પણ ડિરેક્ટરના ધ્યાનમાં એ વાત પણ ન આવી નહિતર ડબીંગમાં તો સુધારી શકાય હોત જ! ફિલ્મનું સંગીત ત્રણ ત્રણ મ્યુઝિક ડિરેક્ટર પાસે કરાવવામાં આવ્યું છે. યો યો હનીસિંઘ, રફતાર અને પ્રશાંત વધ્યાર ત્રણે મળીને અલગ અલગ ગીતો કંપોઝ કર્યા છે પણ ખાસ વખાણવા લાયક નથી.. મિલિંદ જોગની સિનેમેટોગ્રાફી છે. કૅમેરાના નિયમ મુજબ કેમેરો ઘણી સારી રીતે ફેરવ્યો છે પણ આર્ટીસ્ટની કૅમેરા સાથેની ક્રોનોલોજી તૂટે છે એ દેખાય આવે છે....


        ચાલો તો સ્ટોરીની વાત પણ કરી જ નાખીએ. ચાર મિત્રો જેમાં એક છોકરી, એકબીજાને અનહદ પ્રેમ કરતા અને એકબીજાને સાથ આપતા રહે છે. સુખરૂપ જીવનમાં બદલાવ ત્યારે આવે છે જ્યારે સ્ત્રી મિત્રની છેડતી માટે દુકાનદારને ઉપાડીને પોતાની કારમાં લઈ જાય છે. કાર એકાએક પોલીસ ઇન્સ્પેક્ટર ચૌટાલા સામે આવી જાય છે. ચૌટાલા સાથે પંગો થાય છે અને ચૌટાલાને ખબર પડે છે કે કારની ડેકીમાં કોઈ છે. ચૌટાલા એ માણસને મારી નાખે છે અને આ લોકો પાસે રૂપિયા માંગે છે. આ ચારે મિત્રોનો ચૌટાલા રૂપિયા કમાવવા માટે પૂરતો ઉપયોગ કરે છે વળી આમાંથી એક મીનીસ્ટરનો છોકરો છે. આ આટલી વાત સરળ લાગીને? પણ હવે જો આમા વધારાનો કોઈ કારણ વગરનો મસાલો ઉમેરવામાં આવે તો શું થાય? કોણ જાણે ક્યાં ક્યાંથી તાઉ આવી જાય, પોલીટીક્સ આવી જાય અને વાર્તા લખનારને ખબર નહીં હોય કે ’રંગ દે બસંતી એક લેવલથી બનાવેલું ફિલ્મ હતું માટે આખરે રંગ દે જેવો અંત લેવાની કોશિશ કરવામાં આવે તો દર્શકોને ગળે ન જ ઊતરે. ફિલ્મ જોતા દરમિયાન લગભગ દર્શકો તરીકે યંગ સ્ટાર્સ જ હતા. ફિલ્મના અંતે એક સંવાદમાં મોહિત મારવાહ ૧૦૦ રૂપિયાની નોટ આપતા વિજયેન્દ્રની સાથે ઇમોશનલ દ્ગશ્ય ભજવે છે અને તાત્પર્ય એવું નીકળે કે આ ૧૦૦ રૂપિયા ગુમાવવાની વાત છે. મોટા ભાગના યંગસ્ટાર્સ કહેતા હતા કે અમારા પણ રૂપિયા પડી ગયા.... 


        આ ફિલ્મમાં એક દ્ગશ્ય જે મને ખૂબ જ ગમ્યું. કિરણ આડવાણીના ઘર પર બહાર કોઈ ’બીચ લખીને જતું રહે છે અને ત્યારે પાણીથી સાફ કરતા વિજયેન્દ્ર અને સંદીપને થતું દર્દ આંખોમાં પાણી લાવી દે એવું છે. ચલો આખા ફિલ્મ માટે નહીં તો આ દ્ગશ્ય માટે પણ આ ફિલ્મને ૨ સ્ટાર તો આપવા જ પડશે....




પેકઅપ:

’આરબાઝ ખાનની નવી મુવી માટે પુલકીત સમ્રાટે ૧.૫ કરોડની માગણી કરી અને સલમાન ભાઈએ જ્યારે પુલકીત સાથે વાત કરી તો પુલકીતે જવાબ આપ્યો કે "મૈં તો મજાક કર રહા થા".. હવે સલમાન સામે કેવો મજાક કરે છે એ જોઈએ...’

Friday, 6 June 2014

હોલીડે-અ સોલ્જર ઇઝ નેવર ઑફ ડ્યુટી: વધુ એક સાઉથની કોપી




         ફિલ્મને સફળ બનાવવા માટે અનેક ફૉર્મ્યુલામાં અત્યારે એક ફૉર્મ્યુલા ખૂબ હીટ ચાલી રહી છે અને એ છે સાઉથની ફિલ્મની બેઠી કોપી કરો અને તેને હિન્દીમાં રીલીઝ કરો. ૨૦૧૨માં તામિલ ભાષામાં આવેલી ફિલ્મ ’થુપ્પકી ખૂબ સારી કમાણી કરવામાં સફળ રહી હતી. ફિલ્મના વખાણ પણ ઘણા થયા હતા. આ ઉપરાંત સાઉથની ખાસિયત મુજબ જ્યારે હીરો એકલે હાથે દુશ્મનોને પરાસ્ત કરે ત્યારે તાલીઓના ગડગડાટ સાથે પ્રેક્ષકો વધાવે જ. આ પહેલા પણ અક્ષય કુમાર ’રાવડી રાઠોરમાં કોપી કેટ બની ફિલ્મને ૧૦૦ કરોડ ઉપર ધંધો કરાવવામાં સફળ રહ્યો હતો એટલે જ પ્રોડ્યૂસર્સના લિસ્ટમાં ટવિંકલ ખન્નાનું નામ ઉમેરાવી આ રીમેક માટે પૈસા ઉપરાંત પોતાની તારીખો પણ ફાળવી. ફિલ્મ ધંધો તો કરી જ લેશે કેમ કે ખૂબ મોટું રીલીઝ મળ્યું છે પણ ફિલ્મ માટે એટલું જ કહી શકાય કે વધુ એક સાઉથની કોપી દર્શકો સહન કરશે કે નહીં એ તો સમય જ નક્કી કરશે...


        ફિલ્મમાં નાનું પણ સરસ પાત્ર ભજવનાર અપૂર્વા અરોરાથી ફિલ્મની વાત શરૂ કરું. હમણાં જ મારા ડિરેક્શનની ફિલ્મ ’સાથિયો ચાલ્યો ખોડલધામમાં અપૂર્વા મુખ્ય ભૂમિકામાં છે. અપૂર્વા આ ફિલ્મમાં અક્ષય કુમારની બહેનના પાત્રમાં છે. અપૂર્વાની એક ખાસિયત અહીં લખવાનું મન થાય છે. અમારી ફિલ્મના શૂટીંગ દરમિયાનમાં સમાચાર આવ્યા કે અપૂર્વાની મમ્મીને હાર્ટ ઍટેક આવ્યો. કોઈ પણ વ્યક્તિ આ વાતથી દુ:ખી થાય જ પણ અપૂર્વાનો ખુશ વાતાવરણનો શોટ હતો. એ છોકરીએ જરા પણ પોતાના ચહેરા પર દુ:ખ લાવ્યા વગર એક્ટીંગ કરી છે એ માટે એક સલામ આપવી જ પડે. ચાલો ત્યારે ફિલ્મના મુખ્ય પાત્રો પર આવીએ. અક્ષય કુમાર કે જેની ઉમર થતી જ નથી. હર હંમેશા તાજો અને પોતે જે પાત્ર ભજવે તેને પૂરતો ન્યાય આપવાની તેની કોશિશ હોય જ. સોનાક્ષીને ફિલ્મમાં કેમ લે છે એ એક પ્રશ્ન છે પણ કદાચ આ પહેલા ’રાવડી રાઠોરમાં આ ટીમ મઝા કરાવી ગઈ હતી એટલે હોય શકે! સોનાક્ષીનું શરીર મજબૂત થતું જાય છે એટલે લાગે છે કે એ આવનારા વર્ષોમાં માત્ર સાઉથની ફિલ્મ્સમાં જ જોવા મળે એવું બની શકે! વર્ષો પછી ગોવિંદાને જોયો. એક વખત આખી ફિલ્મને પોતાના ખભા પર ખેંચતો ગોવિંદા સાવ નાના પાત્રમાં અને એ પણ વેલ્યૂ વગરના પાત્રમાં જોવા મળે ત્યારે દુ:ખ થાય. આપણો ગુજરાતી એટલે કે સુરત રહેવાસી ફ્રેડી દારુવાલા ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકામાં છે. ફ્રેડીની પર્સનાલિટી હીરો જેવી છે. કદાચ આવનારા વર્ષોમાં ફ્રેડી હીરો તરીકે પણ જોવા મળે. ૨૦૧૧માં ફ્રેડી એ ’મમ્મી પંજાબી ફિલ્મ કરી હતી પણ કોઈના ધ્યાનમાં આવ્યો ન હતો. સુમિત રાઘવને ટીવી માંથી પહેલીવાર મોટા પડદા પર પગ મૂક્યો છે. સુમિતે ઘણી બધી સિરિયલ્સ અને શો કર્યા છે. સુમિતને કદાચ કોઈ પણ કામ કરવામાં વાંધો નહીં હોય કેમકે એણે યુ ટ્યૂબ પર ચાલતા ’સવિતાભાભી કે સેક્સી સોલ્યુસન્સ જેવો શો પણ હોસ્ટ કર્યો છે. બાકી બધા પોતપોતાના રોલમાં યોગ્ય કામ કરી ગયા છે.


        ફિલ્મનું સૌથી ખરાબ પાંસુ છે ફિલ્મમાં ધરાર ઘુસેડવામાં આવેલી લવ સ્ટોરી. ફિલ્મની વાર્તા મુજબ અક્ષય કુમાર મુંબઈ આવે છે અને જતાની સાથે જ એક છોકરી જોવા જાય છે. છોકરી સાથે તેની લવ સ્ટોરી શરૂઆતની અડધી કલાક ખાય છે. આ પછી અચાનક જ સ્ટોરી ટર્ન મારે છે અને વાત ઇન્ટરેસ્ટિંગ બને છે. મુંબઈની એક બસમાં બૉમ્બ બ્લાસ્ટ થાય છે. અક્ષય કુમાર આ કામ માટે જ આવ્યો હોય એ રીતે કામ પર લાગી જાય છે પણ પોલીસ મીકેનીઝમ મુજબ નહીં પોતાના અંગત રીતે પોતાની ઇન્ટેલીજન્સીને સાથે જોડીને મૂળ વાત સુધી પહોંચવાનું શરૂ કરે છે. આતંકવાદના એક ખૂબ જ અજાણતી વાત આમાં લેવામાં આવી છે એ છે સ્લીપર સેલની. સ્લીપર સેલ એટલે આંતકવાદનો એવો હિસ્સો જે આઇ.બી.ની જેમ કામ કરે. સ્લીપર સેલમાં જોડાયેલા વ્યક્તિ આમ માણસ જ હોય પણ જો તેને હાઇ કમાન્ડ માંથી ઑર્ડર મળે તો તરત જ જીવ પર ખેલવા તૈયાર થઈ જાય. ફિલ્મની સ્ટોરીનો સૌથી મહત્વનો કહી શકાય એ સ્ટોરી થોટ એવો છે કે જો હાઈ કમાન્ડ જ ખતમ કરી નાખવામાં આવે તો નીચેના લોકોને કોઈ સૂચના આપવા વાળુ ન રહે અને સ્લીપર સેલની નીચેની ટીમ બેકાર થઈ જાય. આ માટે બંને પક્ષે ચાલતી રમતો ખૂબ જ સરસ રીતે ચાલે છે પણ સ્ટોરીની પથારી ત્યારે ફરે છે જ્યારે જ્યારે સોનાક્ષી સિંહાની એન્ટ્રી થાય અને લવ સ્ટોરી આવે. હવે જ્યારે નેકસ્ટ ટુ બોસ પકડાયો હોય ત્યારે અચાનક જ કીસ માટે સોનાક્ષી આવી જાય અને ફિલ્મ બંનેને એક સારા લોકેશન પર ગીત ગાવા મોકલી દે છે. આ ઉપરાંત પોણા ત્રણ કલાકની ફિલ્મની પેશન આજકાલ કોનામાં હોય છે? જો હિન્દી ફિલ્મ મુજબ હીરોઇન લેવી ફરજિયાત ન હોત તો ફિલ્મ ૨ કલાકની અંદરની રહી શકી હોત અને માણવા લાયક બની શકી હોત...


        એ.આર. મૃગદોશનું ડિરેક્શન છે. આમ તો કાર્ટૂનીસ્ટ તરીકે કૉલેજ કાળ દરમિયાન ઓળખાતા આ ડિરેક્ટરને મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટે રીજેક્ટ કરી દીધા હતા પણ જેમના નસીબમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું હોય તેને ગમે ત્યાંથી પ્રવેશ મળે જ. તામિલના પ્રખ્યાત લેખક પી. કલાઇમણીએ એમને કો-રાઇટર તરીકે ’મદુરાઈ મીનાક્ષી ફિલ્મના ડાયલૉગ લખવા આપ્યા. એ પછી તામિલ ફિલ્મ ’રતચંદનમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. તેના ડિરેક્શનમાં ’ધીના પહેલી ફિલ્મ હતી. આ પછી એમની ત્રણ સારી ફિલ્મ્સ આવી. ૨૦૦૮માં એમણે આમિર ખાનને લઈને ’ગજનીથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર પગ મૂક્યો. ફિલ્મ એમના ડિરેક્શનને લીધે ચાલી કે પછી આમિર ખાનને લીધે એ તો ઈશ્વર જાણે. આ પછી આટલાં વર્ષે એટલે કે ૨૦૧૪માં એમની હિન્દી ફિલ્મ આવી. આ હિન્દી ફિલ્મ એટલે એમણે જ ડિરેક્ટ કરેલી ’થુપ્પુકી ની રીમેક. આમ તો ફ્રેમ ટુ ફ્રેમ જ કોપી થતી હોય પણ આ ફિલ્મમાં ઘણા ફેરફાર કર્યા છે. ટૂંકમાં ફોટો કોપી નથી કરી એટલે ડિરેક્શનનો થોડો ઘણો ટચ જોવા મળ્યો જ છે...


        અરુણા ભાટિયા, વિપુલ શાહ અને ટવિંકલ ખન્નાનું પ્રોડક્શન છે. સ્ક્રીનપ્લે, ડાયલૉગ અને ડિરેક્શન એ.આર. મૃગદોશનું જ છે. મ્યુઝિક પ્રિતમનું છે. આમ તો પ્રિતમનું મ્યુઝિક કોપી હોય તો પણ સાંભળવું તો ગમે એવું જ હોય છે પણ આ ફિલ્મ માટે પ્રિતમને માફ કરવામાં આવે! નટરાજન સુબ્રમણિયમની સિનેમેટોગ્રાફી છે. અમુક કૅમેરા એંગલ માણવા લાયક છે. ફિલ્મનું બજેટ ૬૦ કરોડનું બજેટ છે. આ ફિલ્મની રીલીઝની એક ખૂબી એ છે કે માત્ર મલ્ટીપ્લેક્ષને જ ધ્યાનમાં ન રાખતા નાના નાના સિંગલ સ્ક્રીન પણ કવર કરવામાં આવી છે. ગમે તે કહો જેટલું ઝાઝું રીલીઝ એટલો ઝાઝો નફો એટલું તો હવે સારા નિર્માતાઓ શીખી જ ગયા છે. ૧૦૦ કરોડ ક્લબની ફિલ્મ માનવામાં આવે છે તો જોઈએ ક્યારે ૧૦૦ કરોડ ભેગાં કરે છે... સ્ટારની વાત આવે તો સારા સારા લોકો જ્યારે ૪+ સ્ટાર આપી ચૂક્યા છે ત્યારે હું ૨.૫ સ્ટારથી વધારે નથી આપતો...



પેકઅપ:


"અમારા ફિલ્મ લાઈન વાળાના એક્સ્ટર્નલ અફેરની મીડિયામાં નિંદા થાય અને સુષ્મા સ્વરાજને  ભારતની એક્સ્ટર્નલ અફેર માટે અભિનંદન મળે! યે બહોત નાઇન્સાફી હૈ-આલિયા ભટ્ટ"