Friday, 26 December 2014

અગ્લી: સંબંધના બંધનની ક્લાસ ફિલ્મ







       "હેલ્થ મીનીસ્ટ્રીની ફરજમાં આવે છે કે તમાકુનો ઉપયોગ ફિલ્મમાં કરવો કે નહીં, ફિલ્મમાં નોન-સ્મોકીંગની એડવર્ટાઇઝ કરવા માટે અમે નથી" આવા સ્ટેટમેન્ટ સાથે અનુરાગ કશ્યપે સેન્સર બોર્ડ સામે ફાઇટ શરૂ કરી અને એટલે જ ૨૦૧૩માં રીલીઝ થનારી ફિલ્મ આપણને ૨૦૧૪માં જોવા મળી છે. આ વાત પર અનુરાગ કોર્ટમાં પણ ગયો છે જો કે હજુ રિઝલ્ટ આવવું બાકી છે અને પ્રોડ્યૂસર્સથી રહેવાતું ન હતું માટે સિગારેટ સ્મોકીંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ લખીને પણ ફિલ્મ રીલીઝ કરી. ફિલ્મની બીજી એક વાત પણ બહુ જ સરસ છે કે જ્યાં જ્યાં ફિલ્મમાં દારૂનો ઉપયોગ થયો છે ત્યાં ત્યાં સાચો જ દારૂ વાપરવામાં આવ્યો છે અને આર્ટિસ્ટ્સને પિવડાવવામાં પણ આવ્યો છે. આટલું જ નહીં જો રાત ઉજાગરો બતાવવાનો હોય તો આર્ટિસ્ટને જગાડવામાં પણ આવ્યા છે જેથી ઉજાગરો તેના ચહેરા પર જ દેખાય. આટલી મહેનત પછી જ્યારે સંબંધની વચ્ચે રમતી લાગણી સાથેની ફિલ્મ બનાવવામાં આવી હોય તો સંબંધના બંધનની ક્લાસ ફિલ્મ બને એમાં કોઈ જ નવાઈ પામવા જેવું નથી....



        અનુરાગ કશ્યપ એટલે સાચે જ એક અનોખો ડિરેક્ટર. ફિલ્મના શોટથી લઈને લાઇટીંગ સુધી દરેક બાબતની તકેદારી રાખતો ડિરેક્ટર. ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ જોઈને ફિલ્મના રવાડે ચડેલ અનુરાગ આજે ભારતના સૌથી પ્રખ્યાત ડિરેક્ટર્સમાં એક હશે એવું કોણે વિચાર્યું હશે! ૧૯૯૭માં અનુરાગે ટી.વી. સિરિયલ લખવાથી પોતાના કેરિયરની શરૂઆત કરી જો કે તેનું એક ડ્રામા ’મૈં ખૂબ જ વખણાયું હતું. રામ ગોપાલ વર્માને મનોજ બાજપેયીએ અનુરાગને મેળવ્યો અને ’સત્યા ફિલ્મનો સ્ક્રીનપ્લે અને ડાયલૉગ લખવાનું કામ તેને મળ્યું. આજે પણ ’સત્યા ઘણા લોકોની લાઇફ ટાઇમ પસંદગીની ફિલ્મમાં આવે છે. અનુરાગનું પહેલું ડિરેક્શન શૉર્ટ ફિલ્મ ’લાસ્ટ ટ્રેઇન ટુ મહાકાલી હતું. સમય મળે તો યુટ્યુબ પર આ ફિલ્મ છે એકવાર જોઈ લેવી. પુત્રના પગ પારણામાંની જેમ તેની પહેલી શૉર્ટ ફિલ્મમાં જ અનુરાગ એક અનોખો ડિરેક્ટર છે એ દેખાય આવ્યું હતું. જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી તેનું પહેલું ફૂલ લેન્થ ફિલ્મ ’પાંચ હતું જે હજુ સુધી રીલીઝ નથી થયું. ૨૦૦૭માં તેણે સાવ જ એબ્સર્ડ સબ્જેક્ટ પર ’નો સ્મોકીંગ ડિરેક્ટ કરી જે ખાસ ચાલી નહોતી પણ નોંધ લેવાનું ચુકાય એવી ફિલ્મ તો ન જ હતી. આ પછીની તેની ફિલ્મ ’બ્લેક ફ્રાયડે લગભગ બે વર્ષ સુધી સેન્સર સામે લડીને પછી રીલીઝ થઈ શકી હતી. ’રિટર્ન ઑફ હનુમાન, ’દેવ ડી, ’ગુલાલ આ બધી ફિલ્મ્સનું તો શું કહેવું? ’ગેંગ્સ ઑફ વસેપુર પણ આવી જ ફિલ્મમાંની એક ફિલ્મ. એક્ટીંગ, રાઇટિંગ, ડિરેક્શન બધું જ અનુરાગને જાણે ગળે ઊતરી ગયું છે. ’અગ્લીમાં તો સ્ટોરી, સ્ક્રીનપ્લે, ડાયલૉગ અને ડિરેક્શન બધું જ અનુરાગનું છે પછી કંઈ બાકી રહે ખરું?



        ટી.વી. સિરિયલ ’હીનાનો સમીર એટલે રાહુલ ભટ્ટ આ પહેલા બે અજાણી ફિલ્મ કરી ચૂક્યો છે પણ ખરા અર્થમાં આ ફિલ્મથી તેની શરૂઆત થઈ ગણાય. તેજશ્વીની કોલ્હાપુરી એટલે કે પદ્મિની કોલ્હાપુરીની બહેન મેઇન લીડ હીરોઇન છે. આ પહેલા તેજશ્વીનીએ પણ ૮ કે ૯ ફિલ્મ્સ કરી છે પણ કોઈ જાણીતી ફિલ્મ ન કહી શકાય. રોનીત રોયે ૧૯૮૪થી ફિલ્મ ક્ષેત્રે પગ માંડ્યો હતો ત્યારબાદ સિરિયલમાં પણ રોનીતનું ખાસ્સું નામ બની ગયું છે. રોનિત વર્ષોનો અનુભવી છે એટલે સારા ડિરેક્ટર મળે તો પોતાની એક્ટીંગનો નિચોડ આપી જ શકે. આ ફિલ્મમાં પોલીસ હેડની ભૂમિકામાં પોતાના પ્રેમ, સ્ટાઇલ અને સંબંધ વચ્ચે રમતો રોનીતને જોવો એ એક લહાવો છે. સુરવિન ચાવલાને લોકો ’કૉમેડી સર્કસને લીધી વધારે ઓળખે છે. સુરવિન આ ફિલ્મ પહેલા પંજાબી, તામીલ ઉપરાંત બે હિન્દી ફિલ્મ્સ ’હમ તુમ ઔર શબાના અને ’હિમ્મતવાલા કરી ચૂકી છે. રાખી મલ્હોત્રા નામની મોડેલ તરીકે દેખાતી સુરવિન જાણે આ પાત્ર માટે જ સર્જાય હોય એવું લાગે છે. સિદ્ધાર્થ કપૂર એટલે શક્તિ કપૂરનો દીકરો. આમ તો પ્રિય દર્શનના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ઘણી ફિલ્મ કરી ચૂક્યો છે પણ એક્ટીંગનો ચાન્સ ’શૂટ આઉટ એટ વડાલામાં છેક ૨૦૧૩માં મળ્યો. તેજશ્વીનીના ભાઈના પાત્રમાં જે કામ તેને મળ્યું છે તેને પૂરો ન્યાય આપી શક્યો છે. એકદમ ક્લાસ ઑફ ધ ક્લાસ કામ હોય તો ગીરીશ કુલકર્ણી એટલે કે ફિલ્મનો ઇન્સ્પેક્ટર જાધવ. રેડિયો મીર્ચીના પ્રોગ્રામીંગ હેડ તરીકે રહી ચૂકેલ ગીરીશ ૨૦૦૮થી ફિલ્મમાં કામ કરે છે પણ તેની એક પણ જાણીતી ફિલ્મ નથી. આ ફિલ્મમાં ગીરીશને જે ફૂટેજ મળ્યું છે એ હીરો કરતા પણ વધારે છે. વિનીત કુમાર સિંઘ આ પહેલા અનુરાગ સાથે ’ગેંગ્સ ઑફ વસ્સેપુર અને ’બોમ્બે ટૉકીઝ કરી ચૂક્યો છે. વિનીત અનુરાગનો માનીતો કલાકાર છે. આ ફિલ્મમાં રાહુલના મિત્ર ચૈતન્યના પાત્રમાં વિનીતને જોવો પણ ખૂબ જ ગમશે. આ ઉપરાંત અબીર ગોસ્વામી એટલે કે એસીપી ગુપ્તા, માધવી સિંઘ એટલે એસીપી ઉપાધ્યાય, અંશીકા શ્રીવાસ્તવ એટલે કે કૈલી બધા જ ખૂબ સારુ કામ કરી ગયા છે....



        દાર મોશન પીકચર્સ અને ફેન્ટમ ફિલ્મ્સના બૅનર નીચે ફિલ્મ પ્રોડ્યૂસર થયું છે. ફિલ્મમાં તમને એક જ ગીત સાંભળવા મળશે પણ મ્યુઝિક રીલીઝમાં ૪ ગીતો છે જેમાંથી ૨ વી. પ્રકાશ કુમારે કંપોઝ કર્યા છે અને બાકીના બે બ્રેઇન મેકોન્સરે કંપોઝ કર્યા છે. બૅકગ્રાઉન્ડ સ્કોર પણ બ્રેઇન મેકોન્સરનો છે. નીકોસ એન્દ્રત્સકીસની સિનેમેટોગ્રાફી પણ આફરીન થઈ જવાય તેવી છે....



        હું હંમેશાથી કહેતો આવ્યો છું કે ફિલ્મનો જો સૌથી મહત્વનો ભાગ હોય તો ફિલ્મનો સ્ક્રીનપ્લે છે. સ્ક્રીનપ્લે જેટલો મજબૂત એટલી જ ફિલ્મ નીખરીને બહાર આવે. અનુરાગની વાત કરી એમ તે વર્ષોથી ફિલ્મ સાથે સંકળાયેલો છે અને તેણે એટલું બધું લખ્યું છે કે સ્ક્રીનપ્લે લખવાના એક એક પાસા પર તેના લેખનની અસર જોવા મળે જ. આ ફિલ્મને ભવિષ્યમાં સારો સ્ક્રીનપ્લે કેમ લખાય એ માટેના અભ્યાસક્રમમાં મૂકવામાં આવે તો નવાઈ નહીં પામતા કેમ કે ફિલ્મને એકદમ રીયાલીસ્ટીક બેઝ પર લખવામાં આવી છે અને ક્યા સમયે કોનું કેવું રીએક્શન હોવું જોઈએ એ છે જ. અનુરાગની આ પહેલાની ફિલ્મ્સમાં પણ આ વાત જોવા મળી છે પણ ’અગ્લીમાં તો ખાસ નોંધવા લાયક રહી. ફિલ્મ જ્યારથી શરૂ થાય છે ત્યારથી તમે એક મીનીટ માટે પણ ફિલ્મથી અલગ નથી થઈ શકતા. એક વાતને બીજી વાત સાથે ગૂંથીને જે જાળ વણવામાં આવી છે એ અદભૂત છે. ’પીકેની અસર હજુ ચાલુ જ છે માટે અગ્લીને માત્ર ૮૦૦ સ્ક્રીન જ રીલીઝ મળી છે અને તેમાં પણ રાજકોટને તો એક ટૉકીઝ જ મળી છે. તો પણ સમય કાઢીને જો તમારા શહેરમાં આ ફિલ્મ લાગી હોય તો અચૂક જોઈ જ લેજો કેમ કે એક ઉત્તમ ફિલ્મ તરીકે અને એક રીયલ રીયાલીસ્ટીક ફિલ્મ તરીકે તમારે આ ફિલ્મને ૪ સ્ટાર આપવા જ પડશે...




પેકઅપ:
"આલિયા ભટ્ટ હજુ પણ માને છે કે સોનુ નિગમ એ ભારત સંચાર નિગમનો છોકરો છે અને જીવન વિમા નીગમ તેના કાકા છે"

Thursday, 18 December 2014

પીકે : અદભૂત મનોરંજન







              ફિલ્મ ત્યારે જ ખરા અર્થમાં સારી બની શકે જ્યારે ફિલ્મના તમામ પાસાં સરખી રીતે ગોઠવવામાં આવ્યા હોય અને ખાસ તો વાર્તા તેમજ સ્ક્રીનપ્લે પર સાચે જ ખૂબ ધ્યાન આપવામાં આવ્યું હોય. જો તમને ખબર ન હોય તો જણાવી દઉં કે ’પીકે.’ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે પર લગભગ ત્રણ વર્ષ કામ ચાલ્યું હતું. ફિલ્મ માટે જરૂરી ઇમોશન, કોમૅડી, ગુંથણી તમામ બાબતો પર ખૂબ ચર્ચા પછી સ્ક્રીપ્ટ અને સ્ક્રીનપ્લે ફાયનલ કરવામાં આવ્યો છે અને એટલે જ તમે જ્યારે ફિલ્મ જોશો તો તમારે પણ કહેવું જ પડશે કે ’પી.કે.’ એટલે અદભૂત મનોરંજન…


             રાજકુમાર હીરાણી એટલે મારા મોસ્ટ ફેવરીટ ડિરેક્ટર્સ માંના એક. સિંધી પરિવારમાં જન્મેલા આ વ્યક્તિ નાગપુરમાં ટાઇપીંગ ઇન્સ્ટીટ્યુટ ચલાવતા હતા. ભારતના ભાગલા પડ્યા અને માત્ર ૧૪ વર્ષની ઉમરે તેમને ભારતમાં રહેવાનો લહાવો મળ્યો. તેમનું ખરું સ્વપ્ન તો હિન્દી ફિલ્મમાં એક્ટીંગ કરવાનું હતું અને એ માટે પૂના ઇન્સ્ટિટયૂટમાં એકટીંગના કોર્સમાં જોડાવવા ગયા પણ એડમીશન ફુલ્લ હતું એટલે ડિરેક્ટરના કોર્સમાં જોડાવવાનું નક્કી કર્યું પણ વિચાર માંડી વાળ્યો અને આખરે એડીટીંગમાં એડમીશન લીધું પણ એક્ટીંગનો કીડો હોવાને લીધે ફેવીકોલની એડ ’જોર લગા કે હૈસા’ અને ’કાઇનેટીક લૂના’ની એડમાં સૌથી પહેલા જોવા મળ્યા હતા. આ પછી તેમણે વિધુ વિનોદ ચોપરા સાથે કામ શરૂ કર્યું અને ’૧૯૪૬ અ લવ સ્ટોરી’ના પ્રોમો અને ટેઇલર્સ એડીટ કર્યા પણ એડિટર તરીકેનો તેમનો પહેલો બ્રેક હતો ’મિશન કાશ્મીર. વિધુ વિનોદ ચોપરાને તેમના પર પૂરો વિશ્વાસ બેઠો અને તેમણે ’મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’નું સુકાન તેમના હાથમાં સોંપ્યું. આ પછી ’લગે રહો મુન્નાભાઈ’ અને ’૩ ઇડીયટ્સ’ તેમણે ડિરેક્ટ કરી. તેમની બધી ફિલ્મ્સને લાઇફ ટાઇમ મેમરીમાં મૂકી શકાય. અત્યાર સુધીમાં કોણ જાણે એટલાં એવોર્ડસ મળ્યા હશે એ પણ ન કહી શકાય એવી મજેદાર એમની સફર રહી છે....



             મહમદ આમિર હુશેનખાન એટલે કે આમિર ખાન જેને ઇન્ડસ્ટ્રી મી. પરફેક્ટનીશ તરીકે ઓળખે છે પણ તેની સફરની જો વાત કરીએ તો બહુ જ લાંબી છે છતા થોડું કહું તો ૧૯૭૩માં ’યાદોં કી બારાત’ ફિલ્મમાં પહેલી વાર ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે આમિર ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. યુવાન થયા પછી તેની પહેલી ફિલ્મ ’હોલી’ હતી. કેતન મહેતાના ડિરેક્શનમાં જો આ ફિલ્મ જોઈ હોય તો તમે પણ એ કહેવતને માનો જ કે પુત્રના પગ પારણામાં જ વર્તાય રહે. આમિર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સમજવા માટે આસિસ્ટન્ટ ડિરેક્ટર અને આસિસ્ટન્ટ રાઇટર પણ રહી ચૂક્યા છે. અરે ’ગુલામ’ ફિલ્મનું ગીત ’ક્યા બોલતી તું?’ માટે પ્લેબેક સિંગર પણ બન્યા! ’તારે જમીં પે’ જેવી અઘરી ફિલ્મ તેમણે ડિરેક્ટ પણ કરી છે. જો કે ’ધોબી ઘાટ, ’તલાશ’ અને ’ધૂમ ૩માં ઘણા લોકો નારાજ થયા પણ તેનું સાટું તેમણે ’પી.કે.’માં વાળી દીધું...




             અનુષ્કા શર્માનું પણ કંઈક એવું જ છે. યશરાજ ફિલ્મ્સમાં ત્રણ ફિલ્મના કોન્ટ્રાક્ટ સાથે તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મેળવી હતી. તેની પહેલી ફિલ્મ ’રબ ને બના દી જોડી’, બીજી ફિલ્મ ’બેન્ડ, બાજા, બારાતી’ અને ત્રીજી ફિલ્મ ’જબ તક હૈ જાન’યશરાજ બૅનર માટે હતી. તેની આ શરૂઆતની ફિલ્મ્સમાં જ તેણે બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ સ્પોર્ટીંગ એક્ટ્રેસનો ખિતાબ જીતીને બતાવ્યો. ધીમે ધીમે જોરદાર ઍક્ટર બનતા લોકોમાં હું અનુષ્કાને ખૂબ જ આગળ સ્થાન આપીશ. ’કાય પો છે’થી પોતાની ફિલ્મ કેરિયરની શરૂઆત કરનાર સુષાંત સિંધ રાજપૂત ખૂબ જ સારો કલાકાર છે. ટેલિવિઝનમાં તો લોકો સુષાંતને ઘણો વખાણી ચૂક્યા છે પણ મને ’શુદ્ધ દેશી રોમાંશ’માં જોયા પછી લાગ્યું હતું કે આ છોકરો આગળ વધવાની કેપીસીટી ધરાવે છે. ફિલ્મના એક મહત્વના પાત્રમાં રામ શેટ્ટી છે. રામ શેટ્ટીને આમ કોઈ નહીં જાણતું હોય પણ કહી દઉં કે ૧૯૭૩માં ’ઝંઝીર’તેમની પહેલી ફિલ્મ હતી જે સફર હજુ પણ ચાલુ જ છે. બોમન ઇરાની હવે ઓળખાણ આપવી પડે એ ક્ષેત્રની બહાર નીકળી ચૂક્યા છે. મોટી ઉમરે પણ ફિલ્મમાં પ્રવેશ થાય એ તેમણે સાબિત કર્યું છે. ૨૦૦૧માં તેમની પહેલી ફિલ્મ હતી ’એવરીબડી સેયઝ આઇ એમ ફાઇન’અને આજે કેટ કેટલી સુપર ડુપર હીટ ફિલ્મનો હિસ્સો રહી ચૂક્યા છે. આ રીતે જ સૌરભ શૂકલા એ પણ છેક ૧૯૯૪માં ’બેન્ડીટ ક્વીન’ ફિલ્મ સાથે તેમની કેરિયર મોટી ઉમરે જ શરૂ કરી હતી પણ અત્યાર સુધીમાં લગભગ ૭૫ ફિલ્મ્સમાં એક્ટીંગ અને ૫ ફિલ્મ્સમાં ડિરેક્શન કરી ચૂક્યા છે. સ્ક્રીનપ્લે રાઇટર તરીકે પણ તેમની ૧૫થી વધારે ફિલ્મ હશે...



           ફિલ્મના એક્ટર્સ માટે ડિરેક્ટર સ્યોર જ હતા. કોઈ જ ફેરફારો વગર ફિલ્મનું કાસ્ટ આવે એવું ઓછું બને છે પણ આ ફિલ્મમાં બન્યું છે. જુલાઈ ૨૦૦૧૨માં આ ફિલ્મનું મહુરત કરવામાં આવ્યું હતું. ૨૦૧૩ જાન્યુઆરીમાં દિલ્હી અને રાજસ્થાન ખાતે સળંગ ૪૫ દિવસનું શૂટ શેડ્યૂલ ગોઠવવામાં આવ્યું હતું. રાજકુમાર હીરાણી, વિધુ વિનોદ ચોપરા અને સિદ્ધાર્થ રોય કપૂર-યુટીવી મોશન પીક્ચર્સ એમ ત્રણ પ્રોડ્યૂસર્સ તરફથી પ્રોડ્યૂસ કરવામાં આવી છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે રાજકુમાર હીરાણી અને અભિજીત જોષીએ લખ્યો છે. મ્યુઝિક અજય અતુલ, શાંતનું મોઈત્રા અને અંકીત તિવારી એમ ત્રણ ત્રણ મ્યુઝિક ડિરેક્ટર્સ એ આપ્યું છે. સિનેમેટોગ્રાફી સી. કે. મુરલીધરનની છે...


             આમિર ખાને જ્યારે પહેલું પોસ્ટર ૩૧ જુલાઈ ૨૦૧૪ના રોજ રજૂ કર્યું ત્યારે ઘણો વિરોધ નોંધાયો હતો. હવે આ વિરોધ માટે પોસ્ટર કારણભૂત હતું કે પછે પછી પબ્લીસીટી એ તો પ્રોડ્યૂસર્સ જ જાણે! જ્યાં સુધી સાંભળવા મળ્યું છે ત્યાં સુધી ૩૨ કરોડના ખર્ચે બનેલ આ ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ ૧૫ કરોડ અને સેટેલાઇટ રાઇટ્સ ૮૫ કરોડમાં ફિલ્મ રીલીઝ પહેલા જ વહેંચી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ફિલ્મ ૫૦૦૦ સ્ક્રીન પર રીલીઝ થવાનું છે ત્યારે આ ફિલ્મની કમાણીનો આંકડો ૧૦૦ કરોડ જલદી આંબી જશે એ વાત પર શંકા જ ન થઈ શકે....


          ફિલ્મની વાર્તા સાચે જ કંઈક અલગ અંદાઝ સાથે લખવામાં આવી છે. તમને ક્યાંક ’ઓહ માય ગોડ’નો અંશ દેખાસે જ પણ જો બારીકાઈથી નિહાળશો તો ફેર સીધો જ નજર આવશે કે ’ઓહ માય ગોડ’માં વાત સીધી રજૂ કરવામાં આવી હતી જ્યારે ’પીકે’ સાબિતી સાથે રજૂ કરે છે. છેલ્લા ઘણા સમયથી સારા બજેટની અને સારા સ્ટાર વાળી સારી ફિલ્મ જોવા નથી મળી પણ કોઈ પણ સંજોગોમાં ’પીકે’ ન ચૂકવા જેવી ફિલ્મ છે. હું આ ફિલ્મને ૪ સ્ટાર કેટેગરીમાં મૂકું છું…

પેકઅપ:

“ફરાહ ખાનની ગાળો બોલતી ક્લીપ વોટ્સએપ પર ફરતી થયા પછી ફરાહ ખાને આપેલું સ્ટેટમેન્ટ ’કેમ મેં આટલી ઓછી ગાળો બોલી હશે?’..”

Friday, 12 December 2014

બદલાપૂર બોયઝ: કબડ્ડીનું ખાલી મેદાન








            ભારતમાં અન્ય દેશ કરતા રમતનું મહત્વ ખૂબ જ ઓછું રહ્યું છે. જેમ ફૂટબોલનો વર્લ્ડકપ શરૂ થવાનો હોય એ પહેલા ભાઈચારા, શાંતિ, પ્રેમની વાતો કરવામાં આવે, ટેલિવિઝન પર શાંતિની વાતો શરૂ થાય, બધા જ દેશ એક છે એવો પ્રચાર કરવામાં આવે કેમ કે પબ્લિક તો ઠીક જોવા વાળા પ્લેયર્સને પણ મારી નાખે એટલું ઝનૂન ભરીને આવ્યા હોય છે. એમ છતાં ભારતમાં જ્યારે જ્યારે સ્પોર્ટ્સ પર ફિલ્મ બની છે અને સારી રીતે બની છે ત્યારે હીટ તો રહી જ છે. જેમ કે ’જો જીતા વહી સિકંદર વાત ભલે માત્ર સાઈકલ રેસની હોય પણ રજૂઆત એટલી સરસ હતી કે ફિલ્મ આજની તારીખે લોકોની સૌથી ગમેલી ફિલ્મના લીસ્ટમાં વાંચવા મળેલી છે. આ રીતે જ હંમેશા ઓવર એક્ટીંગ કરતા શાહરૂખ ખાનના ગમે તેટલા વિરોધી હોય પણ જો ’ચક દે ઇન્ડિયાની વાત આવે તો શાહરૂખના વખાણ સાંભળવા મળશે જ. આ તો બે ઉદાહરણ છે બાકી સ્પોર્ટ્સ પર ફિલ્મ બનતી જ આવી છે અને ચાલતી આવી છે. ભારત માટે કહીએ તો ઓલમ્પીકમાં ભારત તરફથી પ્રદાન કરવામાં આવેલી એક માત્ર રમત એટલે કબડ્ડી. કબડ્ડી વિષયને ધ્યાનમાં લઈને ’બદલાપૂર બોયઝનું નિર્માણ થયું છે પણ પહેલો શો કૅન્સલ થયા પછી આજે ફિલ્મ જોવા ગયા ત્યારે માત્ર ૬ વ્યક્તિ ફિલ્મ જોવામાં હતા જેના પરથી લાગ્યું કે આ તો કબડ્ડીનું ખાલી મેદાન....


        આમ તો ૨૦૦૯માં સાઉથની સુપર હીટ ફિલ્મ હતી ’વીનીલા કબડ્ડી જેનો આધાર લઈને ફિલ્મની કથા, પટકથા, સંવાદ લખવામાં આવ્યા છે. હિન્દી લખાણ શૈલેશ વર્માએ કર્યું છે. ફિલ્મને ફિલ્મી બનાવવાની ખૂબ કોશિશ કરવામાં આવી છે. એ. મુથ્થુ આ ફિલ્મ ડિરેક્શન સાથે પોતાના જીવનની પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. જો કે એ મુથ્થુનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેનો નાતો ખૂબ જૂનો છે. આ પહેલા એમણે ’સડક, ’દિવાના, ’બલરામ, ’રાજાબાબુ, ’જૂડવા, ’જીદ્દી, ’હસીના માન જાયેગી જેવી ૫૦ થી પણ વધારે ફિલ્મ એડીટ કરી ચૂક્યા છે. એડિટર જ્યારે ડિરેક્ટર બને ત્યારે એક વાત તો માનવી જ પડે કે તેને ખબર હોય કે શોટ ક્યાંથી કટ થશે એટલે ખૂબ સારુ ટેકીંગ આવી શકે. એ મુથ્થુની શોટ ટેકીંગની એ કરામત ફિલ્મ દરમિયાન જોવા મળે છે. અમુક શોટ્સના કટિંગ ખરેખર ખૂબ જ સારા છે જે જોઈને વાહ કહેવાનું મન થાય જ પણ હાં એક બાબતે ડિરેક્ટર નબળા દેખાય આવે છે કે બીન જરૂરી ઓવર એક્ટીંગ કરાવીને ફિલ્મને નબળી પાડી દીધી છે. તો પણ પહેલા પ્રયાસના પ્રમાણમાં ખૂબ જ સારુ કામ કહેવાય....


        ફિલ્મના હીરો તરીકે નિશાન છે. નિશાન કલકત્તામાં ઊછરેલો છોકરો છે અને એફ.ટી.આઇ.આઇ.માં એક્ટીંગનો ડિપ્લોમા કરીને મુંબઈ લક અજમાવવા જતો રહ્યો. ૨૦૦૯માં સુભાષ ધાઈ એકેડેમીની ફિલ્મ ’સાઈકલ કીકમાં રોલ કર્યો. આ પછી ૨૦૧૦માં ’સોચ લો, ૨૦૧૨માં ’ડેવિડ ઉપરાંત થોડી મલયાલમ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે પણ ખરા અર્થમાં કહીએ તો અસલ હીરો તરીકેની તેની આ પહેલી ફિલ્મ કહી શકાય. નિશાન પોતાના પાત્ર માટે મહેનત કરતો જોવા મળે છે પણ તેની અંદર આવતી સાઉથની છાપ દેખાય આવે છે જે તેની પર્સનાલિટી ડાઉન કરે છે. નિશાન સામે હીરોઇન તરીકે સરાયના મોહન છે. સરાયના પણ વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે. તેની બાળ કલાકાર તરીકે પહેલી ફિલ્મ ૧૯૯૭માં ’અન્યાથી પ્રવુ હતી. આ પછી તેણે તામીલ અને મલયાલમ ઘણી ફિલ્મ્સ કરી. આ ઉપરાંત ફિલ્મની બીજી હીરોઇન તરીકે પુજા ગુપ્તા છે જેની વાત આગળ ઉપર કરીએ. પુજા ઉપરાંત અમન વર્મા, કિશોર સહાની, અંકીત શર્મા, બોલારામ દાસ, શશાંત ઉદપુરકર, નીતીન જાધવ, મઝહર ખાન, પ્રિત સલુજા, વરુણ કશ્યપ જેવા ઘણા સાથી કલાકારો છે જેની આ પ્રથમ ફિલ્મ છે.


        અનુ કપૂર માટે તો શું કહેવું? ફિલ્મ જોવાનો ચાર્મ હોય તો અનુ કપૂર છે. એક્ટીંગ તો જાણે અનુ કપૂરની રગેરગમાં વહે છે. એક એક પ્રસંગને પોતે જે રીતે ફિલ્મમાં ખેંચી ગયા છે એ જોવું એક લહાવો છે. ટૂંક સમયમાં જ મારી અગામી ફિલ્મ માટે મેં અનુ કપૂરને સાઇન કરેલા છે એટલે વધારે લહાવો રુબરુ મળશે જો કે આ ફિલ્મની બીજી હીરોઇન એટલે પુજા ગુપ્તા સાથે કામ કરવાનો ગયા મહીને જ મોકો મળ્યો. મારી અગામી ફિલ્મ ’આઇ પ્રોમીસ યુની હીરોઇન એટલે પુજા ગુપ્તા. પુજા આ પહેલા ’બ્લડ મની, ’ઓહ માય ગોડ, ’વિક્કી ડોનર, ’મીક્કી વાયરસ, ’અસી દેશી, ’સમ્રાટ એન્ડ કંપની જેવી ૧૦ થી ૧૨ ફિલ્મ કરી ચૂકી છે. પુજા સાથે કામ કરવાનો મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો. પુજા કદાચ દેખાવમાં બ્યુટી નથી પણ એક્ટીંગ માટે તો પુજામાં કંઈ જ ન ઘટે. રોજ એ પોતાના સિનને મારી પાસે બેસી બરાબર સમજતી, આ દ્ગશ્ય પહેલાનું દ્ગશ્ય ક્યુ હતું, ડિરેક્ટર તરીકે હું આ સિનને કેવી રીતે જોઈ રહ્યો છું વગેરે વાત પહેલા જ કરી લેતી અને જ્યારે સેટ પર આવે ત્યારે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય પણ એક જ મીનીટમાં જેવું ઍક્શન બોલાય કે તરત જ પોતાના પાત્રમાં ઘૂસી જતી. મોકો મળે એટલે પોતે કેટલી વધારે કૅમેરા પર દેખાય શકે એનો ફાયદો ઉઠાવતા પુજાને ખૂબ જ સારી રીતે આવડે છે....


        ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર મોન્ટી શર્માએ આપ્યો છે જે અમુક જગ્યા પર ખૂબ જ ઘોંઘાટીયો થઈ જાય છે અને ખૂંચે છે. મ્યુઝિક સચીન ગુપ્તા, સમીર ટંડન અને રાજુ સરદારનું છે. ત્રણ ત્રણ મ્યુઝિક ડિરેક્ટર હોવા છતા કોઈનું એક પણ ગીત સુપર હીટ નીવડે તેવું લાગતું નથી. સંકેત શાહની સિનેમેટોગ્રાફી ક્યાંક ખૂબ જ સારી છે તો ક્યાંક ખરાબ પણ ઓવર ઓલ આટલું મોટું ક્રાઉડ હેન્ડલ કરીને યોગ્ય દ્ગશ્ય કાઢવાના હોય તો કામ કઠીન બને જ એટલે એ ભૂલોને અવગણી શકાય. કર્મ મૂવીઝના બૅનર હેઠળ સતીષ પીલંગવડ પ્રોડ્યૂસર છે અને એ મુથ્થુ પોતે પણ એક પ્રોડ્યૂસર તરીકે છે. ફિલ્મને રીલીઝ મળવામાં ઘણું મોડું થયું છે. આ પહેલા બે વાર રીલીઝ ડેટ આવી પણ છેલ્લે આજે જ રીલીઝ થઈ શક્યું. ફિલ્મના અંતને બે વાર રી-શૂટ કરવામાં આવ્યો છે તો પણ અંત જમાવટ કરી શક્યો નથી. ફિલ્મને ૨.૫ સ્ટારથી વધારે આપી શકાય તેમ નથી જ પણ સાવ બોરિંગ ફિલ્મ પણ નથી...



પેકઅપ:

"આલ્કોહોલ વગરની પાર્ટી એ રેડિયો પર ફિલ્મ જોવા જેવું છે"

Friday, 5 December 2014

ઍક્શન જેકશન: એક સારી નીંદર માટેનું ફિલ્મ







         લગભગ ત્રણ અઠવાડિયાના લાંબા સમય પછી આજે ફિલ્મ જોવા જવાનું થયું અને એ પણ જ્યારે પ્રભુ દેવાનું ડિરેક્શન હોય ત્યારે એક આશા તો રાખી જ શકાય કે ગમે તેમ હશે ફિલ્મમાં મનોરંજન તો હશે જ. આથી પણ વધારે જ્યારે અજય દેવગણ હીરો છે ફાઇટ્સ પણ કમાલની હશે! પણ આવા કમાલની કલ્પના સાથે ફિલ્મ જોવા ગયો ત્યારે રીવ્યુ ન લખવાનો હોત તો ગઈ કાલનો થાક ઉતારવા ઊંઘ ખેંચી જ લેત પણ જાગીને આખુ ફિલ્મ સહન કરવું જ પડ્યું. ફિલ્મની લેન્થ પણ ૧૪૪.૩૫ મીનીટ એટલે આદર્શ રીતે વિચારો તો માણસ બે કલાકની ઊંઘ ખેંચી લે તો ઘણો આરામ મળી રહે. તમે જો સરસ નીંદર કરવા માગતા હો અને ૧૭૦ રૂપિયા ખર્ચવા માંગતા હો તો નીંદર કરવા માટે એકદમ યોગ્ય ફિલ્મ છે....


        ફિલ્મની શરૂઆત જોતા તમને ફિલ્મમાં દમ હશે એવો ભાસ ઊભો થશે પણ જેવી સોનાક્ષી સિંહાની એન્ટ્રી થશે કે તરત જ ફિલ્મ આખરે શું બતાવવા માગે છે એ પ્રશ્ન ઉપસ્થિત થશે. તમે ઇન્ટરવલ સુધી સતત એ આશામાં રહેશો કે ફિલ્મમાં હવે ચોક્કસ કંઈક બનાવ બનશે પણ તમારી એ આશા છેક ઇન્ટરવલમાં પૂરી થશે જ્યારે એક અજય દેવગણ તમારાથી સહન નહીં થતો હોય અને અચાનક જ બીજો અજય દેવગણ તમારી સામે આવશે પણ તમારે એ પ્રશ્ન નહીં જ કરવાનો કે ઇન્ટરવલ સુધી જે સમય ગયો એનું શું? ઇન્ટરવલ પછી બીજા અજય દેવગણ આવશે અને તે પોતાની સ્ટોરી કહેવા લાગશે એટલે બીજી લવ સ્ટોરીમાં તમે લગભગ અંત સુધી પહોંચી ગયા હશો એટલે છેલ્લી ૧૫ કે ૨૦ મીનીટ તો ટાઇટલ જ્યારે ’ઍક્શન જેકશન રાખ્યું હોય ત્યારે એકશનને આપવી જોઈએ કે નહીં? હાં તો ઈમાનદારી પૂર્વક આ છેલ્લી ૨૦ મીનીટ આપી ફિલ્મમાં ઍક્શન ઉમેરવાની કોશિશ કરવામાં આવી છે પણ આખી ફાઇટ જેમ અગાઉ ઘણી ફિલ્મ્સમાં તમે જોઈ ચૂક્યા હશો એમ જ ચાલે છે....


        સિરાઝ અહેમદ, એ.સી. મુઘલ અને ખુદ પ્રભુ દેવા એમ ત્રણ વ્યક્તિએ મળીને ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો છે ત્યારે મને એક વિચાર આવે છે કે ત્રણ માંથી એક પણને એવો વિચાર નહીં આવ્યો હોય કે ફિલ્મ પાસે એક કે બે પ્રસંગો જ છે તો જ્યારે એન્ટરટેઇન્મેન્ટની દુનિયામાં જ પ્રવેશતા હોઈએ તો પછી સ્ટોરી એ પ્રકારની હોવી જોઈએ. જ્યારે કોમર્સિયલ ફિલ્મ બનાવવામાં આવે ત્યારે એક ખાસ વાત ધ્યાનમાં લેવામાં આવે છે કે જ્યાં લોજિકને સાઇડ પર મૂકીને ફિલ્મને માણી શકાય તેવી જ બનાવવી. જેમ કે ફિલ્મમાં ફાઇટ દરમિયાનમાં બંદૂક હોવા છતા તલવાર વાપરવામાં આવે તો હીરોને એ હક્ક હોય, ગમે તેટલી દિશા માંથી ગોળીઓ છૂટતી હોય તો પણ હીરોને એક પણ ગોળી ના લાગે એ પણ માની લઈએ, ગમે તેટલી ગોળી હીરોને લાગે પણ હીરોને કંઈ ન થાય એ પણ માની જ લઈએ પણ લોકોને એક વાત તો જોઈએ જ કે ફિલ્મમાં વાર્તા તત્વ તો હોવું જ જોઈએ. માત્ર કૉમેડીના એક બે પ્રસંગો મૂકી દો અને ભવ્ય લાગે એવી બે ત્રણ ફાઇટ્સ મૂકી દો એટલે ફિલ્મ જોરદાર બને જ એવું શક્ય નથી. પ્રભુ દેવા એન્ટરટેઇન્મેન્ટના તો માસ્ટર ગણાય છે. સાઉથની સાથે સાથે તેમણે હિન્દી ઇન્ડસ્ટ્રી પર પણ પોતાનો કમાલ દેખાડ્યો જ છે. આમ જોઈએ તો રોહિત શેટ્ટી અને પ્રભુ દેવા એવા બે જ ડિરેક્ટર્સ છે જે લોકોને ખરા અર્થમાં મનોરંજન પૂરુ પાડે છે... 


        મુગુર સુંદરના પુત્ર એટલે પ્રભુ દેવા. મુગુર સુંદર પણ સાઉથની ફિલ્મના કોરિયોગ્રાફર જ હતા. પ્રભુ દેવાના ડાન્સ ડિરેક્શનમાં પહેલું ફિલ્મ ૧૯૮૯માં ’વેત્રી વિઝ્હા. તમની ફિલ્મ ડિરેક્શનની સફર શરૂ થઈ હતી છેક ૨૦૦૫માં અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમનું પહેલું ડિરેક્ટેડ મૂવી હતું ’વોન્ટેડ. આ ફિલ્મ પછી લોકો સ્વીકારવા લાગ્યા કે એન્ટરટેઇન્મેન્ટ હી બીકતા હૈ. ’રાવડી રાઠોર પછી તો લોકોને લાગવા માંડ્યું કે પ્રભુ દેવાની ફિલ્મ મનોરંજક જ હોય પણ એ પછીની તેમની બે ફિલ્મ એટલે કે ’આર. રાજકુમાર અને ’રમૈયા વસ્તાવૈયા જોઈને લાગ્યું કે જો હવે સિલેક્ટેડ મૂવી નહીં કરે તો લોકો જેમ સાજીદ ખાન, ફરાહ ખાનથી ભાગે છે એમ જ ભાગતા થઈ જશે. કદાચ આ ફિલ્મ પણ આવી ખરાબ ફિલ્મમાં થયેલો એક વધારો જ સાબિત થશે....


        ફિલ્મમાં આમ તો સાઉથની ઘણી ફિલ્મ કરી ચૂકેલા આનંદ રાજને મુખ્ય વિલન તરીકે લેવામાં આવ્યા છે પણ ખરી વિલનની ભૂમિકા મનસ્વી મંગઈની છે. આનંદ રાજની બહેનની ભૂમિકામાં છોકરીએ ઘણી મહેનત કરી છે એ દેખાય આવે છે પણ એમ છતા નબળી આર્ટિસ્ટ લાગે જ છે. મનસ્વી ૧૪ વર્ષની ઉમરથી ડાન્સીંગ ક્ષેત્રે નામ ધરાવે છે. ડાન્સ માટેના ઘણા એવોર્ડ્સ મનસ્વીને મળ્યા છે. આ ઉપરાંત મનસ્વી ઇલાઇટ મોડેલ મૅનેજમેન્ટ ઇન્ડિયા તરફથી ઇલાઇટ મોડેલ લૂક એવૉર્ડ પણ જીતી ચૂકી છે અને ૨૦૧૦માં ફેમીના મીસ ઇન્ડિયા પણ રહી ચૂકી છે. ડાન્સીંગને હિસાબે પ્રભુ દેવા સાથે ખાસ પરિચિત હોવાથી આ ફિલ્મમાં તેને રોલ ઑફર થયો અને તેણે સ્વીકારી પણ લીધો. ફિલ્મને ન્યાય આપવા માટે મનસ્વીએ અંગ પ્રદર્શનમાં પણ છોછ નથી રાખ્યો તો પણ મનસ્વીનું આ પહેલું ફિલ્મ છે એ દેખાય જ આવે છે. સોનાક્ષી સિંહા માટે તો એટલું જ કહેવું પડે કે હવે તે બહુ જલ્દી સાઉથની ફિલ્મ્સ તરફ વળી જશે એવું લાગે છે કેમ કે શરીર દરેક ફિલ્મ વખતે વધુ અને વધુ મજબૂત બનતું જાય છે. અજય દેવગણની સારી ઇનિંગ પછી તે પણ કોમર્સિયલ થઈ ગયો છે પણ એક ગેરફાયદો એ થયો કે ’હિમ્મતવાલા જેવી ફિલ્મ પણ સાઇન કરતો થઈ ગયો. લોકોની નજરમાં વસવા ઘણો સમય લાગે છે પણ ઊતરતા ખાસ નહીં. અજયને આ વાત વહેલી સમજાય તો સારુ. યામી ગૌતમ માટે કોઈ સ્કોપ જ નહોતો એટલે બસ હાજરી પૂરતી જ નોંધ લેવાણી છે. પુરુ રાજકુમાર એક નાનકડી ભૂમિકામાં છે. પુરુની એન્ટ્રી એવી રીતે લેવામાં આવી છે કે આ રોલ કદાચ મહત્વનો હશે પણ ખાસ રોલ નથી....


        હ્રિમેશ રેશમિયા પણ બીજી ઇનિંગમાં સારા મ્યુઝિકની ઝલક આપી ચૂક્યો છે પણ આ ફિલ્મ માટે જાણે મહેનત વગર જે હાથમાં આવે એ પીરસી દીધું છે. આખી ફિલ્મમાં એક પણ સોંગ એવું નથી કે જે કર્ણપ્રિય હોય અને લાંબુ આયુષ્ય ધરાવતું હોય. ફિલ્મમાં એમ થાય કે હવે કંઈક જામશે ત્યારે જ ગીત આવી જાય અને તમને સરસ રીતે ડીસ્ટર્બ કરી જાય. ગીતો ન હોય તો ફિલ્મની લેંથ પણ ટૂંકી રાખી શકાણી હોત અને થોડું તો એન્જોય કરી શકાય એવું બની શક્યું હોત. ફિલ્મની સિનેમેટોગ્રાફી ખૂબ જ સારી છે અને લોકેશન સરસ છે. ટેક્નોલૉજીની દ્રષ્ટિએ ફિલ્મ સારી બનાવવાની કોશિશ થઈ છે પણ અન્ય નબળાઈને લીધે ફિલ્મ માણવા લાયક નથી જ. સ્ટારની વાત કરીએ તો ફિલ્મ ૧.૫ સ્ટારથી વધારે ડીઝર્વ નથી કરતી....



પેકઅપ:

"જો તમારો મોબાઇલ સ્વિચ ઑફ હોય અને તો પણ રીંગ વાગે તો ઉપાડી સીધું જ કહેવું ’બોલો રજનીકાંત સર શું કામ હતું?"