Friday, 29 November 2013

બુલેટ રાજા: ડાયલોગના કમાલ સાથેની ઠીક ઠીક ફિલ્મ




         યુ.પી.ની પરિસ્થિતિ મુજબ ગમે ત્યારે ગમે ત્યાં ગોળીઓ વરસી શકે અને કોઈ પણ વ્યક્તિ રાતોરાત બાહુબલી બની શકે. વાત ગોળીઓથી જ આગળ વધે અને ગોળીઓ જ પ્રશ્નો ઉપસ્થિત કે પૂરા કરી શકે. યુ.પી.ના બૅકગ્રાઉન્ડને લઈને સતત ફાઇટ સાથે તિગ્માંશુ ધુલિયાએ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મનું ટાઇટલ પહેલા ’જય રામજી કી’ નક્કી કરવામાં આવ્યું હતું પણ સૈફ અલી ખાનના માનવા મુજબ ફિલ્મ જ્યારે બુલેટ પર જ ચાલતી હોય અને આખુ ફિલ્મ લગભગ બુલેટ પર સ્થિર હોય ત્યારે ફિલ્મનું નામ ’બુલેટ રાજારાખવું વધુ યોગ્ય ગણાય. સૈફનું સજેશન સ્વીકારવામાં આવ્યું અને એ સાથે જ તિગ્માંશુને તેની આવનારી ફિલ્મનું ટાઇટલ પણ મળી ગયું. ’રીવોલ્વર રાની. કંગના રાણાવત ’રીવોલ્વર રાની બનશે. ડાય્લોગ્ઝ તિગ્માંશુના જ છે એટલે આખી ફિલ્મમાં ક્યાંય એક પણ નબળો ડાયલૉગ નથી પણ ફિલ્મ લગભગ ’સાગીર્દ સ્ટાઇલ કહી શકાય એટલે કંઈ નવું ન આવ્યું, આ કારણથી જ સ્ટેટમેન્ટ તો એ જ આવે કે ડાયલોગના કમાલ સાથેની ઠીક ઠીક ફિલ્મ....


        તિગ્માંશુ ધુલીયાને હું ઉત્તમ ડિરેક્ટરની કક્ષામાં રાખુ છું. તિગ્માંશુની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી જ ધમાકેદાર રહી હતી. ૧૯૯૦માં ’બેન્ડીટ ક્વીનના કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ શરૂ કર્યું. ’બેન્ડીટ ક્વીન’ના કાસ્ટિંગ માટે જે લખો એટલું ઓછું છે. આ પછી એમણે ’સરદારમાટે કેતન મહેતાને આસિસ્ટ કર્યા. પોતાના સ્વતંત્ર ડિરેક્શનમાં એમની પહેલી ફિલ્મ હતી ’હાંસીલ’. ઝી સિને એવૉર્ડમાં ’હાંસીલ ૬ અલગ અલગ કેટેગરીમાં નોમીનેટ થયું અને બેસ્ટ સ્ક્રીનપ્લે એવૉર્ડ પણ જીત્યો. ’સાહેબ, બીવી ઔર ગૅંગ્સ્ટર માટે તો કહેવું જ શું? ઓલ ટાઇમ ફેવરીટ મૂવીમાં મૂકી શકાય એવી ફિલ્મ. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મની બીજી સિક્વન્સ આવતી હોય ત્યારે એ પહેલી કરતા નબળી જ સાબિત થઈ છે પણ તિગ્માંશુની ’શાહ, બીવી ઔર ગૅંગ્સ્ટર રિટર્ન પણ એટલી જ મજબૂત ફિલ્મ રહી. આ વચ્ચે આવેલી ’સાગીર્દ આમ હીટ ફિલ્મ ન હતી પણ પહેલીવાર દર્શકોને ખબર પડી કે આટલી સરસ રીતે વાર્તા લખાય શકે. ’પાનસિંગ તોમરમાટે નેશનલ એવૉર્ડ જીતીને બતાવી દીધું કે તિગ્માંશુ હટકે ડિરેક્ટર છે. ગઈ કાલે ફોન પર તિગ્માંશુ જોડે વાત થઈ ત્યારે ’બુલેટ રાજા માટે કહ્યું કે ’ઑફ બીટ ફિલ્મ્સ ઘણી બનાવી એટલે આ વાર મને થયું કે હું કોમર્સિયલ ફિલ્મ બનાવું. જોઉં કે લોકો મારી વાત સ્વીકારે છે કે નહીં’....


        એક સમય હતો જ્યારે હું સૈફ અલી ખાનને એક્ટર જ નહોતો ગણતો. સૈફની અંદર પુરુષ કરતા સ્ત્રીના લક્ષણો વધારે નજર આવતા પણ ’ઓમકારા જોયા પછી મારા વિચારો બદલાયા. એ પછી આવેલી સૈફની ફિલ્મ્સ પ્રમાણમાં સારી જ રહી છે. સૈફ આ ફિલ્મના પાત્ર માટે યોગ્ય છે જ. સોનાક્ષી આમ તો ઘણા ડિરેક્ટર માટે લક્કી રહી ચૂકી છે પણ એણે ’લૂટેરામાં રણવીર સિંઘની કારકિર્દી દાવ પર લગાડી દીધી હતી એ વાત અલગ છે. સોનાક્ષી સૈફ સાથે પહેલીવાર કામ કરી રહી હતી માટે મીડિયા સમક્ષ ઘણી ઉત્સાહિત થઈને સ્ટેટમેન્ટ્સ આપતી હતી. જોઈએ હવે દર્શકો કેવી રીતે આ ફિલ્મને લે છે. સ્પેશીયલ અપીરીયન્સમાં વિદ્યુત જામવાલને લેવામાં આવ્યો છે. વિદ્યુત વાળુ પાત્ર પહેલા ઇરફાનને આપવામાં આવ્યું હતું પણ ઇરફાન હવે ખૂબ જ વ્યસ્ત કલાકાર છે એટલે આખરે વિદ્યુતના હિસ્સે કામ આવ્યું. ફિલ્મમાં વિદ્યુતે કોઈ પણ ડુપ્લીકેટનો ઉપયોગ કર્યા વગર બધા જ સ્ટંટ દ્ગશ્યો જાતે જ ભજવ્યા છે. ગુલશન ગ્રોવર આજે પણ એ જ ફીટનેસ ધરાવતો માણસ છે. પોતાનું કોઈ પણ પાત્ર હોય ગુલશન ગ્રોવર એને વફાદાર હોય જ છે. રાજ બબ્બર પણ જિંદગી આખીનો અનુભવ લઈને કામ કરતા હોય ત્યારે એમના પાત્ર માટે પણ કંઈ કહેવું જ ન પડે. ફિલ્મના એક ઇમ્પૉર્ટન્ટ પાત્રમાં વિપીન શર્મા છે. જેલમાં રહીને નેટવર્ક ચલાવતા વિપીન શર્મા વિના જાણે ફિલ્મ શક્ય જ ન હોય એવું લાગે. રવિ કિશન ઘણી ફિલ્મ્સ કરી ચૂક્યો છે પણ આ ફિલ્મમાં એક સાવ અનોખાં કૅરેક્ટરમાં જોવા મળશે. સ્ત્રીના કપડા પહેરેલો રવિ જુઓ કે પછી ખૂંખાર શૂટર તરીકે જુઓ બંને માટે વખાણ કરવા જ પડે. ફિલ્મમાં જો કોઈ બાજી મારી ગયું હોય તો જીમી શેરગીલ. જીમી શેરગીલની એક્ટીંગ તિગ્માંશુના ડિરેક્શનમાં ખાસ ખીલે છે. હીરો કરતા પણ ફિલ્મમાં જીમીને જોવો ગમે છે.....


        ફિલ્મ ખરાબ નથી પણ આખી ફિલ્મ પ્રીડીક્ટેબલ છે. એક પછી એક સતત બનતા પ્રસંગો તમને ગમશે ખરા પણ જો તમે ફિલ્મના શોખીન વ્યક્તિ હશો તો તમને આગળ શું બનવાનું છે એનો ખ્યાલ આવી જ જશે. સાજીદ-વાજીદના ગીતો તમને ખુશ કરવા માટે પૂરતા નથી. ફિલ્મમાં વચ્ચે આવતા ગીતો તમને સ્ટોરી ડીસ્ટર્બ કરતા લાગે છે. માહી ગીલને સંબંધોના નાતે બોલાવીને એક આઇટમ સોંગ કરાવવામાં આવ્યું પણ એ ગીત ખાસ અસર છોડી શક્યું નથી. ફિલ્મનું જમા પાસું એનો સ્ક્રીનપ્લે છે. એકાદ બે જગ્યા પર ફિલ્મ ખોટા ટ્રેક પર ફંટાય છે પણ મહદંશે ફિલ્મનો સ્ક્રીનપ્લે ખૂબ જ ટાઇટ છે. હીરોઇન માત્રને માત્ર ફિલ્મમાં જગ્યા પૂરવા માટે જ લેવામાં આવી છે. હીરોઇનના હિસ્સે કોઈ જ કામ નથી કે પછી એ પાત્રને ફિલ્મ માંથી કાઢી નાખવામાં આવે તો ફિલ્મને કોઈ જ ફેર પડતો નથી. હવે હીરોઇન લીધી જ છે અને હીરોઇન બંગાળી બતાવી છે તો ફિલ્મને કલકત્તા લઈ જવી જ પડે. સોનાક્ષીના ઘેર બનતા તમામ પ્રસંગો કોઈ જ અર્થ વગરના છે. જીમી શેરગીલની એક્ઝીટ પછીની વાતો થોડી બોર કરી જાય છે.

        ફિલ્મનું સબળ તત્વ ફિલ્મના ડાયલોગ્ઝ છે. એક પણ જગ્યા પર વજન વગરની વાત નથી. જે પાત્ર સ્ટેટમેન્ટ કરે એ સ્ટેટમેન્ટની વેલ્યૂ છે. ફિલ્મ જો તમને હસાવશે તો દિલ દઈને હસાવશે અને જો જકડશે તો એ પ્રસંગ પૂરતી જકડી જ રાખશે. હાં તિગ્માંશુ જેવા ડિરેક્ટર દ્વારા થતી એક ભૂલ ખૂબ જ ખટકી. પોલીસથી બચવા રવિ કિશન પાગલ બનીને સ્ત્રીના વેશમાં રાધા બની રહે છે. ગુલશન ગ્રોવર પોતાના કામ માટે રવિ કિશનને પરત બોલાવે છે. રવિના પરત આવ્યા સાથે જ રવિની મોટી બધી મૂછો આવી જાય છે. બસ એક જ દિવસમાં સ્ત્રી માંથી ફરી ખૂંખાર શૂટર બનતા રવિને આવડી મોટી મૂછો કેમ વધી હશે એ પ્રશ્ન તમને થાય તો માનવું કે ભૂલ ડિરેક્ટરની છે.....


        ઓવર ઓલ તમને ફાઇટ ગમતી હશે, રાજનીતિમાં થતી રમત ગમતી હશે અને સૌથી વધુ એ કે સતત હીરોને જીતતો જોવો ગમતો હશે તો આ ફિલ્મ ગમશે જ. ફિલ્મમાં કોઈ પણનું એક્ટીંગ નબળું નથી એટલે એ બાબતે ખાંચો કાઢી શકાય એમ નથી. વાત પણ પ્રમાણમાં મજબૂત છે. જો કે ’બુલેટ રાજાનું પ્રમોશન એટલું જોરદાર નથી માટે દર્શકોની પાંખી હાજરી પહેલા જ શોમાં દેખાય આવી. ફિલ્મને ૨.૫ સ્ટાર તો આપી જ શકાય...



પેકઅપ:
’બુલેટ રાજામાં સોનાક્ષીના બોલ્ડ દ્ગશ્ય માટે ખૂબ ચર્ચાઓ થઈ પણ ફિલ્મમાં એ દ્ગશ્ય જ ન આવ્યું....

નેતાઓ કરી શકે તો ડિરેક્ટરે ખોટો પ્રચાર ન કરી શકે?

Friday, 22 November 2013

ગોરી તેરે પ્યાર મેં: લૂટ ગયે હમ પૈસે મેં





        ફિલ્મ માટે મને એક પ્રશ્ન ઉપસ્થિત થાય જ છે કે ફિલ્મ બનાવતા પહેલા સ્ક્રીપ્ટ પર કોઈ ડિરેક્ટરને નહીં કહેતું હોય કે આવી ફિલ્મ ના બનાવાય! આ પ્રશ્ન એટલો જ ખતરનાક છે જે હું સાવ નાનો હતો ત્યારે મેં ’કુરબાની જોઈને પપ્પાને પૂછ્યું હતું કે ’જિન્નત અમાનને ઘેરથી કોઈ કંઈ કહેતું નહીં હોય?’ ધર્મા પ્રોડક્શન ખૂબ કમાણી કરી ચૂકેલું બૅનર છે એટલે ખોટા રૂપિયા બગાડી શકે જો કે અહીં આ ઉપરાંત ડિરેક્ટર પુનિત મલ્હોત્રા સાથેના કરણ જોહરના ખાસ અંગત સંબંધો પણ આ ફિલ્મ બનાવવાનું એક કારણ હોય શકે! સારી ફિલ્મ ન બનાવી શકાય તો ચાલે પણ ખરાબ ફિલ્મ તો ન જ બનાવવી જોઈએ એવું મારું માનવું છે કારણ કે આખરે તો દર્શકો પૈસા ખર્ચે જ છે, એટલે જ તમે ફિલ્મ જોઈને કહેશો કે ’ગોરી તેરે પ્યાર મેં લૂટ ગયે હમ પૈસે મેં.....


        પુનિત મલ્હોત્રાના કરણ જોહર સાથે વર્ષોથી સંબંધો વણાયેલા છે. પુનિતે ૨૦૦૧માં ’કલ હો ન હોમાં આસિસ્ટન્ટશીપથી કેરિયરની શરૂઆત કરી હતી. આ પછી ’પહેલી અને ’દોસ્તાનામાં પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે. આ દરમિયાન કરણ-પુનિતના અંગત સંબંધોને કારણે કરણે પુનિતની લખેલી ’આઇ હેટ લવ સ્ટોરીઝ પ્રોડ્યુસ કરી. ફિલ્મ ખાસ ચાલી નહીં પણ પુનિત પર કરણ ફરી જુગાર રમવા તૈયાર થયો અને ’ગોરી તેરે પ્યાર મેં ડિક્લેર કરી. જો કે ૨૦૧૧માં જાહેર થયેલી ફિલ્મ કોણ જાણે ક્યા મહુરતે શરૂ થઈ હશે કે એક પછી એક પ્રૉબ્લેમ આવતા જ ગયા. ફિલ્મ જાહેર થઈ ત્યારે ઇમરાન ખાન અને સોનમ કપૂર લીડ કરશે એવી રજૂઆત પ્રેસ સમક્ષ કરવામાં આવી. થોડા સમયમાં જ ઇમરાને સ્ક્રીપ્ટ સામે વાંધો ઉઠાવ્યો અને ફિલ્મ કરવાની ના પાડી. ફિલ્મની ઑફર ગઈ શહીદ કપૂર પાસે પણ શહીદને પણ સ્ક્રીપ્ટ જામી નહીં એટલે શહીદે પણ ફિલ્મ માટે ના પાડી. આ દરમિયાનમાં જ પુનિત અને સોનમ કપૂરના સંબંધોની ચર્ચા મડિયામાં છપાતી એટલે સોનમે પણ ફિલ્મ કરવાની ના પાડી અને કારણ આપ્યું કે એ નથી ઇચ્છતી કે લોકો એમ માને કે ડિરેક્ટર સાથેના સારા સંબંધોને કારણે આ ફિલ્મ એને મળી રહી છે. આ પછી કરીનાને કન્વીન્સ કરવામાં આવી અને ફરી ઇમરાન સાથે ચર્ચા શરૂ થઈ. ઇમરાનના કહેવા પ્રમાણે સ્ક્રીપ્ટમાં ફેરફારો કરવામાં આવ્યા અને ઇમરાને આ પછી ફિલ્મ કરવાની હા પાડી. જો કે મને એક પ્રશ્ન એ થયો કે જો ફેરફાર પછી પણ આટલી ખરાબ સ્ક્રીપ્ટ છે તો ફેરફાર પહેલા કેટલી ખરાબ હશે? ફિલ્મના આખરમાં શ્રધ્ધા કપૂરને લેવામાં આવી. ’આશિકી ૨ હીટ રહી એનો ફાયદો ઉપાડવાની કોશિશ કરવામાં આવી. મેં કહ્યું એમ ફિલ્મમાં એટલાં બધા રીપ્લેશમેન્ટ્સ થયા છે કે વાત ન પૂછો. નરગીશ ફખ્રી એક સોંગ માટે સાઇન કરવામાં આવી હતી અને છેલ્લે એનું રીપ્લેશમેન્ટ ઇશા ગુપ્તાએ કર્યું. આટલી બધી મહેનત પછી ફિલ્મનું શૂટ શરૂ થયું છેક ફેબ્રુઆરી ૨૦૧૩માં અને આટલી રાહ જોઈને પણ એટલી જ ખરાબ ફિલ્મ બની....


        ઇમરાન એવું માને છે કે તેની વાઇફ અવંતિકા તેના માટે લક્કી છે એટલે પોતાની ફિલ્મમાં એક ઝલક માટે પણ અવંતિકાને લાવે છે પણ અફસોસ કે અવંતિકાના લક પણ આ ફિલ્મને ઉગારી શકે એવું એક પણ લક્ષણ ફિલ્મમાં નથી! ઇમરાનને હું બહુ સારો આર્ટિસ્ટ માનતો જ નથી પણ આ ફિલ્મમાં તો એટલી હદે ખરાબ એક્ટીંગ કર્યું છે કે સતત આમીર ખાનની નકલ કરવા છતા એક્ટીંગ જરા પણ ગમે એવી નથી. કરીના કપૂર સેલેબલ સ્ટાર છે. કરીનાની છેલ્લી ફિલ્મ ’સત્યાગ્રહ પણ હીટ રહેલી. કરીનાના કહેવા મુજબ એ ભારી ભરખમ ફિલ્મ્સ કરીને થાકી છે એટલે થોડી લાઈટ ફિલ્મ કરવી હતી જેથી એણે આ ફિલ્મ સ્વીકારી પણ ફિલ્મના પહેલા દ્ગશ્યને બાદ કરતા કરીનાને હિસ્સે તો દુ:ખ ભર્યો રોલ જ છે. કરીના જેવી સેલેબલ સ્ટાર કેમ આવી ફિલ્મ સાઇન કરતી હશે? અનુપમ ખૈર જેવા ગ્રેટ કલાકારને પણ વેડફી નાખવામાં આવ્યો છે.



        ફિલ્મની વાર્તા જ એટલી નબળી છે કે ક્યાંય પણ કોઈ પણ કન્વીન્સીંગ કે લોજીકલ વાત નથી. ઇમરાન સાઉથના ઇન્ડિયન છે જે અમેરિકાથી ભણીને પાછો આવ્યો છે. એ શા માટે દિલ્હી રહે છે એ વાતનો કોઈ જ ખુલાસો નથી અને અચાનક જ વાર્તા બેંગ્લોર તરફ ફંટાય જાય! શ્રધ્ધા કપૂરને શા માટે ફિલ્મમાં લેવામાં આવી છે એ વાત પણ તમને નહીં સમજાય. શ્રધ્ધા કપૂર સાથે ઇમરાન મેરેજની હા પાડી દે છે અને શ્રધ્ધા એક પંજાબી છોકરાને પ્રેમ કરે છે. ઇમરાન વારંવાર શ્રધ્ધાને કહેતો રહે છે કે જો તું પ્રેમ કરતી હો તો તારા ઘેર કહી દે, હું કોઈ મદદ નહીં કરું. શ્રધ્ધા કરીના સાથેના સંબંધોની વાત ઇમરાન પાસેથી જાણે છે અને લગ્નના મંડપ પર એને કન્વીન્સ કરીને ત્યાંથી ભગાવે છે. હવે આ લોજિક ન સમજાયું કે જો ઇમરાન ભાગી જાય તો શ્રધ્ધા માટે એના ઘરના બીજો કોઈ છોકરો નહીં શોધે? ફિલ્મ પંજાબી બૅકગ્રાઉન્ડ, સાઉથ બૅકગ્રાઉન્ડ થઈને સીધી ગુજરાત પહોંચે છે. કરીના એક ગામડામાં વસી રહી છે અને ત્યાંના લોકોની સેવા કરે છે. પ્રોડ્યુસરને હશે કે સાઉથ, નૉર્થ અને ગુજરાત ત્રણ ટેરીટોરીની વાતો કરીએ તો બધી પ્રકારનું ઑડિયન્સ મળે પણ જો એક પણ વસ્તુ યોગ્ય રીતે પ્રદર્શિત ન થઈ હોય તો પછી બચારા પ્રેક્ષકો પણ શું કરે? અચાનક જ ફિલ્મ વળાંક લે પૂલ બનાવવાના પ્રશ્ન પર અને વિલનની એન્ટ્રી થાય. અનુપમ ખેરને જો કોઈ પોલીટીકલ નેતા બતાવ્યો હોત તો વાત અલગ હતી પણ ધોતિયું ઝભ્ભો પહેરીને ગુંડાગીરી કરતો કલેક્ટર બતાવવામાં આવ્યો! આટલી હદે સ્ટોરીની નબળાઈ કોઈને પણ નજરમાં નહીં આવી હોય! ફિલ્મને કૉમેડી બનાવવાની કોશિશ કરવામાં આવી છે પણ લેખકને એક પણ પંચ નથી મળ્યો જ્યાં દિલ મૂકીને હસી શકાય. અરે ફિલ્મમાં મેલોડ્રામા ઉમેરવાની કોશિશ પણ કરી એમ છતા કોઈ રીતે મેલોડ્રામાં પણ ઊભો ન થયો! પૂલનું કામ અટકી જાય છે અને આખુ ગામ મળીને પૂલના કામમાં લાગે અને જાતે પૂલ બનાવીશું એવું નક્કી કરે. વાત કેટલી સરસ છે પણ જે રીતે ગામવાળા કામ કરવામાં જોડાય છે એ જુઓ તો ટ્રેજડી કરતા કૉમેડી વધુ લાગશે....


        વિશાલ શેખરનું મ્યુઝિક પણ ફિલ્મને ઉગારી શકશે નહીં. એક પણ ગીતના વખાણ થઈ શકે એમ નથી. મહેશ લીમીયે આ પહેલા ઘણી સારી સિનેમેટોગ્રાફી કરી ચૂક્યા છે પણ આ ફિલ્મમાં એક પણ જગ્યા પર એક પણ દ્ગશ્ય સારી રીતે ફિલ્માવેલું નથી, ઉલ્ટાનું ટેક્નિકલ ખામીઓ દેખાય છે કે ઘણી જગ્યા પર કેમેરો ડીફોકસ થઈ જાય છે. રેમો ડીસોઝાના ડાન્સનો પણ કમાલ ન દેખાયો. ફિલ્મમાં ગામડું બતાવવામાં આવ્યું છે પણ ક્યાંય આર્ટ ડિરેક્શન એવું નથી કે તમે ખરા અર્થમાં ગુજરાતનું કોઈ ગામડું કલ્પી શકો. ટૂંકમાં કહીંએ તો ખરાબ ફિલ્મ બનાવવા માટે બધાએ સાથે મળીને મહેનત કરી હોય એવું લાગે છે! અને સાચે જ બધાએ મળીને એક ખૂબ જ સરસ રીતે પૂરા દિલથી ખરાબ ફિલ્મ બનાવી છે. સ્ટાર આપવાની કોઈ પણ રીતે મારી હિમ્મત નથી થતી એટલે ક્ષમા કરજો....





પેકઅપ:

"આજે ’ગોરી તેરે પ્યાર મેં જોઈને મેં સમય સાથે બદલો લીધો...

સમયે મને ઘણીવાર બરબાદ કર્યો છે આજે મેં સમય બરબાદ કર્યો...’

Friday, 15 November 2013

ગોલિયોં કી રામલીલા: વિરોધ વચ્ચેનું અનોખું મનોરંજન








         વાર્તા લખવા માટે તમારે કોઈ બેઝ તો ઊભો કરવો જ પડે અને એ બેઝ પછી કોઈ કોમ્યુનીટી, કોઈ સ્થળ, કોઈ પ્રસંગ સાથે જોડાયેલો પણ હોઈ શકે. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં માણસોની ધાર્મિક લાગણીઓ, જ્ઞાતિની લાગણીઓ કે પાયા વગરની વાતની લાગણીઓ તરત જ દુભાય જાય છે. ફિલ્મ એક મનોરંજન છે, એક ખોટી વાત પર લોકોને પીરસાતું સાહિત્ય છે પણ આ વાત આપણે સ્વીકારી નહીં જ શકીએ. જો કે એ વાત સાથે સંપૂર્ણ પણે સહમત કે જો ફિલ્મમાં કોઈ પણ કોમ્યુનીટીને નીચી દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તો એ દૂર કરવો જ જોઈએ. જો કે હજાર વિરોધ હોય પણ જો વૃત્તિ સારી હોય તો ફિલ્મ સારી બની જ શકે. મોટા ભાગે ફિલ્મને પ્રમોટ કરવા માટે આવા વિરોધ ઊભા કરવામાં આવતા હોય છે પણ અહીં એવું નથી. ખરા અર્થમાં કહીએ તો વિરોધ વચ્ચેનું અનોખું મનોરંજન એટલે ’ગોલિયોં કી રામલીલા...


        સંજય લીલા ભણસાલી એટલે ક્રીએટીવીટીના માસ્ટર. સંજયની પહેલી ક્રીએટીવીટી એના નામમાં જ દેખાય છે. સંજયે પોતાના નામ પાછળ પિતાનું નામ રાખવાને બદલે માતાનું નામ લીલા જોડ્યું છે. વિધુ વિનોદ ચોપરાના આસિસ્ટન્ટ તરીકે પોતાના કેરિયરની શરૂઆત સંજયે કરી. ’પરીંદા, ’૧૯૪૨ અ લવ સ્ટોરી અને ’કરીબમાં વિધુ વિનોદ ચોપરાનો સાથ આપ્યો. જો કે ’કરીબ વખતે જ સંજયને ફિલ્મ ડિરેક્ટ કરવાની ઑફર થઈ હતી પણ સંજયે ના પાડી. સંજય ફિલ્મની વાતથી કન્વીન્સ ન હતા. એમણે ડિરેક્શન કેરિયરની શરૂઆત કરી ’ખામોશીથી. ખામોશી લોકોને પસંદ પડી. આ પછીની એમની ફિલ્મ ’હમ દિલ દે ચૂકે સનમ. બોક્ષ ઓફીસ પર ફિલ્મ સુપર ડૂપર હીટ રહી. અજય દેવગણને ખરા અર્થમાં એક્ટર બન્યો હોય તો આ ફિલ્મથી. એ પછીની ફિલ્મ ’દેવદાસ આમ ગોર્જીયસ હતી પણ ખાસ ચાલી નહીં. કારણ કદાચ શાહરૂખ ખાનનું ઓવર એક્ટીંગ હતું. સંજય લીલા ભણસાલીને એક ઉચ્ચત્તમ કક્ષાના ડિરેક્ટર માનવા પડે એવી એમની એ પછીની ફિલ્મ એટલે ’બ્લેક. સંજયે ’સાવરીયા અને ’ગુજારીશ પૂરી મહેનતથી બનાવી પણ ખાસ ન રહી. ’ગોલીયોં કી રામલીલા ઑડિયન્સ માટે એક પ્રશ્ન હતો કે ફિલ્મ ખરેખર સારી હશે કે નહીં? પણ અદભૂત ફિલ્મ બનાવી ફરી સંજયે સાબિત કરી આપ્યું કે એ ઉચ્ચા દરજજાના ડિરેક્ટર છે...


        ફિલ્મમાં હીરોઇન તરીકે છેટ સુધી પ્રિયંકા ચોપરાનું નામ બોલાતું રહ્યું અને અચાનક જ દિપીકા પાદુકોણનું નામ આવી ગયું અને પ્રિયંકા માત્ર એક ગીત કરીને જતી રહી. જો કે દિપીકા ધીમેધીમે એક્ટીંગ અંદર ઉતારતી જાય છે. આ ફિલ્મ માટે દિપીકાના એક્ટીંગને માર્ક આપીએ એટલાં ઓછા. દિપીકાનો ડાન્સ હોય, અદા હોય કે પછી ઇમોશનલ સીન હોય કોઈ જગ્યાએ ઊણી ઊતરી નથી. રણવિર સિંઘ અમુક જગ્યાએ થોડો નબળો પડે છે પણ એક્ટર તો સારો છે જ. પહેલી ફિલ્મથી જ પોતાની જાતને એસ્ટાબ્લીશ કરી ચૂકેલ રણવીર માટે આ ફિલ્મ સૌથી મોટો બ્રેક સાબિત થશે. સુપ્રિયા પાઠક માટે તો કહેવું જ શું? આ ગુજરાતી સ્ત્રી ગુજરાતનું નાક છે. ૧૯૮૧માં એમની પહેલી ફિલ્મ ’કલયુગમાં ફિલ્મફેર એવૉર્ડ ફોર બેસ્ટ સપોર્ટીગ એક્ટ્રેસ જીત્યો. આ પછી તો કોણ જાણે કેટલી બધી ફિલ્મ્સ એમણે કરી. ફિલ્મથી જ ન અટકતા નાના પડદે પણ એટલાં જ સફળ એક્ટ્રેસ રહી ચૂક્યા છે. આ ફિલ્મ ગુજરાતી બૅકગ્રાઉન્ડની છે એટલે અહીં એમના ’ખીચડી સિરિયલના પાત્રની અસર દેખાય આવે છે તો પણ એટલું નક્કી કે સુપ્રિયાને આ પહેલા તમે આવા શાનદાર રોલમાં ક્યારેય નહીં જોયા હોય! લીલાના ભાઈના પાત્રમાં શરદ કેલકર છે અને રામના ભાઈના પાત્રમાં અભિમન્યુ સિંઘ છે. શરદના નસીબ નબળાં કે એની એક પણ ફિલ્મ સફળ નથી રહી પણ સિરિયલ્સમાં શરદ સારી બ્રાન્ડ ઊભી કરી શક્યો છે. અભિમન્યુએ પોતાના કેરિયરની શરૂઆત ૨૦૦૧માં ’અક્સથી કરી પણ જો અભિમન્યુનું એક્ટીંગ જોવું હોય તો ’ગુલાલ જોઈ લેવું. રીચા ચઢ્ઢા એકદમ કલાસ એક્ટ્રેસ છે એ એણે ’ગેંગ્સ ઑફ વસ્સેપુર અને ’ફૂકરે બંને દ્વારા બતાવી દીધું છે. દિપીકાની ભાભી તરીકે નપીતુલી રીતે કરેલું કામ જોવું ગમશે જ. રણવિરની ભાભીની ભૂમિકામાં બરખા બીત્સ પણ એટલી જ સરસ જામે છે. પોતાનું પહેલું ફિલ્મ હોવા છતા ભવાનીના કૅરેક્ટરમાં ગુલશન દેવિયાહ પણ ક્લાસ જ રહ્યો છે. આખે આખી ફિલ્મમાં એક્ટીંગ માટે કોના વખાણ કરવા એ પ્રશ્ન તમને ચોક્કસ ઊભો થશે જ....


        ફિલ્મનો મુખ્ય વિવાદ હતો ’જાડેજા અને ’રબારી શબ્દ માટે. ઘણી જગ્યાએ તોડફોડ થઈ, ફિલ્મ અટકાવાના પ્રયત્નો થયા પણ સંજય લીલા ભણસાલીએ માફી માંગી લેતા આખરે ફિલ્મ રીલીઝ થઈ શકી. આ રીતે જ રામલીલા કમીટી દ્વારા તો કોર્ટમાં અપીલ પણ થઈ કે ફિલ્મમાંથી રામ લીલા શબ્દો દૂર કરવામાં આવે. ફિલ્મને જ્યારે ધાર્મિક વાતો સાથે કંઈ જ લાગતું વળગતું નથી ત્યારે આવું ટાઇટલ રાખીને ધાર્મિક લાગણીઓ દુભાવવાનો કોઈ જ અર્થ બનતો નથી. ફિલ્મના સંવાદો, ફાઇટ્સ, અમુક દ્ગશ્યો એવા હોય અને ટાઇટલ રામલીલા હોય તો કેમ ચાલે? આખરે સંજયે ત્યાં પણ ટૂંકી કરીને ’ગોલીયોં કી રામ લીલા નામ કરી નાખ્યું. ફિલ્મમાં જાડેજા ની જગ્યાએ સનેડા સરનેમ કરી નાખવામાં આવી અને રબારીની જગ્યાએ રજારી કરી નાખવામાં આવ્યું. જે થયું એ આખરે તો એક અનોખી ફિલ્મ જોવા મળી એ જ ઘણું...


        ફિલ્મનું મ્યુઝિક તો વાત જ ન પૂછો. કદાચ મ્યુઝિક ગમવાનું કારણ એ પણ હોઈ શકે કે પ્યૉર ગુજરાતી ફોક માંથી ઉપાડેલું મ્યુઝિક છે. ટાગોરની રચના પરથી ઝવેરચંદ મેઘાણીએ બનાવેલું ગીત ’મન મોર બની થનગાટ કરે અત્યાર સુધીમાં ૧૫૦૦૦૦ લોકોની રીંગ ટોનમાં ગુંજતું થઈ ગયું છે અને આ ગીત ગાયું છે રાજકોટના ઓસમાણ મીરે. આ રીતે જ ’રામ ચાહે લીલા..’ પણ ગુજરાતનું ગૌરવ એવી ભૂમિ ત્રિવેદીએ ગાયુ છે. અરવિંદ વેગડાનું ’ભલા મોરી રામા...’ પણ મઝા જ કરાવે છે. માત્ર મ્યુઝિક જ નહીં ફિલ્મની સિનેમેટોગ્રાફી આ પહેલા ક્યારેય જોઈ ન હોય એવી સિનેમેટોગ્રાફી છે. એસ. રવિ વર્મનના કૅમેરાથી સર્જાતો કમાલ જામે છે. ફિલ્મના રુલને ખરા અર્થમાં રવિએ ફોલોવ કર્યો છે. ફિલ્મનો રુલ છે કે જો ઑબ્જેક્ટ હલતો ન હોય તો કેમેરો હલવો જોઈએ. ફિલ્મના અંત સુધી આ રુલ જળવાય રહ્યો છે. ફિલ્મમાં આર્ટ ડિરેક્શન કોનું છે એ જાણી શકાયું નથી પણ આથી સારુ આર્ટ ડિરેક્શન બહુ જ ઓછી ફિલ્મ્સમાં જોયું છે. આ રીતે જ મેક્સીમા બસુ અને અંજુ મોદીના કૉસ્ચ્યુમ પણ એટલાં જ વખાણને પાત્ર છે...


        આમ જુઓ તો જૂની અને જાણીતી લવ સ્ટોરી જ છે એટલે જ શરૂઆતમાં જ બેઝ ઓન ’રોમિયો-જુલિયટ લખવામાં આવ્યું છે પણ ફિલ્મના સંવાદો, સ્ક્રીનપ્લે, સ્ટોરી એ રીતે વણવામાં આવી છે કે તમે એક પલ પણ ફિલ્મની બહાર નીકળી નહીં શકો. ફિલ્મની નાનકડી નબળી કળી હોય તો જામેલી વાત વચ્ચે આવતા સોંગ્સ ફિલ્મને થોડા ડીસ્ટર્બ કરી જાય છે અને બીજી બાબત એ રહી કે રીચા ચઢ્ઢા એવું સ્ટેટમેન્ટ કરે કે ’રામ ઔર લીલા કો એક નહીં હોને દુંગી યે મેરા વાદા હૈં પછી બીજી જ મીનીટે ફેવર કરતી જોવા મળે એ કેટલી હદે વાજબી વાત? પણ આવી નાની બાબતોને ઇગ્નોર કરો કે ધ્યાનમાં રાખો ફિલ્મને ૪ સ્ટાર તો આપવા જ પડે....



પેકઅપ:

સંજય લીલા ભણસાલી લખીને જાહેર માફી માંગે એ કેમ ચાલે?
.
.
.
જેને વાંચતા નથી આવડતું એનું શું?

Friday, 1 November 2013

ક્રિશ ૩: વધુ પડતું લંબાણ



        હોલીવુડ મૂવીની ખાસિયત રહી છે કે મોટા ભાગે ફિલ્મ ટેબલ પર જ બનાવવામાં આવે. ટેબલ મેડ મૂવી એટલે કે જેમાં સ્ટુડિયો શૂટ હોય અને એ પછી જાત જાતની ઇફેક્ટ્સ, એનીમેશન, ક્રોમા શૂટ બધું જ ભેળવીને એક કથા વણી લેવામાં આવે આ ઉપરાંત હોલીવુડ ફિલ્મમાં બજેટની કોઈ જ લીમીટ રાખવામાં આવતી નથી. આ વાતને ધીમેધીમે બોલીવુડ પણ સ્વીકારતું થયુ છે જો કે એનીમેશન અને વીઝ્યુઅલ સ્પેશીયલ ઇફેક્ટ ઉમેરતા થયા છે પણ આ ઇફેક્ટ્સનો ઉપયોગ સાઉથની ફિલ્મની જેમ બતાવવામાં આવતી અતિશયોક્તિ માટે જ થાય છે. ’ક્રિશ ૩ એ ખરા અર્થમાં હોલીવુડ સ્ટાઇલ મૂવી છે પણ આખરે એક વાત તો રહે જ કેમ કે ભારતીય મેન્ટાલીટીથી ફિલ્મ બનાવવામાં આવે એટલે સ્ટોરી અને ઇમોશન્સ ખેંચવા જ પડે. ફિલ્મ સારી છે પણ વધુ પડતી લાંબી છે....


        ’કોઈ મીલ ગયા સફળ રહી અને ઋત્વિકનો અભિનય પણ વખાણવામાં આવ્યો હતો. ઋત્વિક પર દયા આવતી હતી જે માટે એના સફળ અભિનયના વખાણ કરવા જ પડે. ફિલ્મ સફળ રહી એટલે બીજો ભાગ આવે જ પણ પ્રયોગાત્મક રીતે ’કોઈ મીલ ગયા ૨ કરવાને બદલે ફિલ્મને ’ક્રિશ ટાઇટલ સાથે રજૂ કરવામાં આવી. હવે જ્યારે આ સીક્વલને આગળ વધારવામાં આવી ત્યારે કોઈ પણ પ્રયોગ વગર ’ક્રિશ ૩ ટાઇટલ રાખવામાં આવ્યું. આ ટાઇટલ માટે ઘણી ચર્ચાઓ પણ થઈ કે જો ’ક્રિશનો જ ભાગ હોય તો ’ક્રિશ ૨ કેમ નહીં? પણ રાકેશ રોશને ફાઇનલ નિર્ણય આપ્યો કે ટાઇટલ ’ક્રિશ ૩ જ રહેશે. ફિલ્મમાં ડિરેક્ટર અને સ્ટોરીની ક્રેડિટ રાકેશ રોશને પોતાની પાસે જ રાખી છે. આ વાત ઉદય સિંઘને ખટકી જ હતી એટલે એક ઉદય સિંઘે મુંબઈ હાઇ કોર્ટમાં દાવો દાખલ કર્યો કે આ ફિલ્મ માત્ર ભારતમાં જ રજૂ થશે એવી મારી સાથે વાત થઈ હતી અને મને એ મુજબ મહેનતાણું ચૂકવવામાં આવ્યું છે પણ ફિલ્મ જ્યારે વિદેશમાં પણ રીલીઝ થાય છે તો ૨ કરોડ વધારાના મને ચૂકવવામાં આવે. હવે આ ખરેખર મહેનતાણાની વાત હતી કે બળતરાની એ ખબર નથી પણ હાઇકોર્ટે દાવો ઉડાડી દીધો એ હકીકત છે. માનવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં રીલીઝ થયેલી સ્ક્રીનમાં તમામ રેકૉર્ડ આ ફિલ્મ તોડશે. ભારતમાં ૪૦૦૦ સ્ક્રીન અને વિદેશમાં ૬૦૦ સ્ક્રીન રીલીઝ થવા જઈ રહ્યું છે. દિવાળીની રજાઓનો પૂરો લાભ ઉઠાવવાની રાકેશ રોશનને ખાત્રી છે. રાકેશ રોશનના માનવા મુજબ ૧૦૦ કરોડ ૨૦૦ કરોડ નહીં પણ આ ફિલ્મ માટે એનો ટાર્ગેટ ૧૦૦૦ કરોડનો છે. સાંભળતા આ દિવાસ્વપ્ન જેવું લાગે પણ આટલી સ્ક્રીન રીલીઝ હોય તો શક્ય બને પણ ખરું. જ્યારે વાત વહેતી થઈ ત્યારે ફિલ્મ 3D અને 2D બંનેમાં બનશે એવી જાહેરાત હતી પણ આખરે 2D જ બની. એક જાણીતા સોર્સ દ્વારા એવી વાત પણ આવી છે કે ફિલ્મ 3D કૅમેરાથી શૂટ કરવામાં આવી છે તો કદાચ પાછળથી 3D પણ જોવા મળે.


        ’ક્રિશ ૩ કોઈ ખરાબ મહુરતે શરૂ કરવામાં આવ્યું હશે કેમ કે ફિલ્મની જાહેરાત ડિસેમ્બર ૨૦૧૧માં કરવામાં આવી હતી અને રીલીઝ છેટ ૨૦૧૩માં કરવામાં આવ્યું. આ દરમિયાન ઋત્વિકની તબિયત પણ બગડી હતી. ફિલ્મ માટે ચર્ચા ઊભી કરવા કરવામાં આવ્યું હોય કે હકીકત હોય કોણ જાણે ફિલ્મના કાસ્ટિંગ માટે કેટલી જાતની વાતો સાંભળવા મળી છે. કંગના રાણાવત વાળા રોલ માટે ચિત્રાંગદા સિંઘનું નામ છેક સુધી બોલાતું રહ્યું પણ અચાનક જ નરગીશ ફખ્રી, એશા ગુપ્તા અને બિપાશા બસુના નામો ચર્ચાવા લાગ્યા. આ વહેતી ગંગામાં જુમા જુમા એક તેલુગુ ફિલ્મ કરી ચૂકેલી લક્ષ્મી માચુએ પણ હાથ ધોઈ લીધા. લક્ષ્મીએ પણ માર્કેટમાં કહેવાનું શરૂ કરી દીધું કે મને પણ આ રોલ માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો. પ્રિયંકા રીપીટ થશે કે નહીં એ તો છેટ સુધી સસ્પેન્સ જ રહ્યું અને છેલ્લી ઘડીએ નક્કી થયું. નાઝિયા શૈખ આમ તો બ્યુટીશીયન છે પણ આ ફિલ્મમાં પહેલીવાર ચિતા ગર્લ તરીકે જોવા મળી હવે જોઈએ કે બહેન ધંધો મૂકીને એક્ટીંગમાં ન લાગી જાય તો સારુ. જો કે એ હકીકત છે કે વિવેક ઓબેરોયના રોલ માટે પહેલી પસંદગી અજય દેવગણ અથવા શાહરુખ ખાન હતા. આ બંને માંથી કોઈ પણ નેગેટિવ રોલ માટે તૈયાર ન હતા એટલે છેલ્લે વિવેક ઓબેરોય સિલેક્ટ થયો. વિવેકે સિલેક્ટ થયા પછી ખૂબ ડાહી ડાહી વાત કરી હતી. વિવેકે કહ્યું કે "કાલ મારા નેચરના વિરુદ્ધનું પાત્ર છે. હું ફ્રેન્ડલી છું, કાલ નથી. મેં સાડા ત્રણ મહીના મહેનત કરી તમને કારી ફીઝીકલ એક્ટીવીટી ફિલ્મમાં વાસ્તવિક લાગશે, ફ્લોલેશ લાગશે. હું ૨૮ કીલોના મેટલ કોસચ્યુમમાં જોવા મળીશ. હું પ્રેસર કુકરની અંદર હોઉં એવું લાગતું હતું. હું ચાલી પણ નહોતો શકતો. એક પંચ, એક કીક મારી એનર્જી કરતા દશ ગણી વધારે હતી" હવે જો ફિલ્મ જોશો તો ખબર પડશે કે સૌથી નબળો લાગતો હોય તો વિવેક એક માત્ર... 


        ફિલ્મના માર્કેટિંગ માટે ઘણા નવતર પ્રયોગ કરવામાં આવ્યા અને એનું પરિણામ સીધુ યુટ્યુબ પર જોવા મળ્યું. આ પહેલા ’જબ તક હૈં જાનને યુટ્યુબ પર સૌથી વધુ ક્લિક્સ મળી હતી અને આશ્ચર્ય વચ્ચે ’ક્રિશ ૩ ને રીલીઝ પહેલાના અઠવાડિયે ૧ કરોડ ૨૦ લાખ હીટ્સ મળી ચૂકી હતી. ફેસ બૂક પર ક્રિશના ઇમોશન રીલીઝ કરવામાં આવ્યા અને આ રીતે જ ’ક્રિશ ૩ એનીમેશન ગેઈમ પણ રીલીઝ કરવામાં આવી. મ્યુઝિક પણ હોમ પ્રોડક્શન એટલે કે રાજેશ રોશનનું છે. બહુ ખાસ નહીં પણ ઠીકઠીક તો ખરું જ. બૅકગ્રાઉન્ડ સ્કોર સલીમ-સુલેમાનને સોંપવામાં આવ્યો છે.


        હિન્દી ફિલ્મની વાત આવે ત્યારે ટેકનિકલ રીતે સારી ફિલ્મ બનાવવાનો પ્રયોગ કરવો અને એ પણ એવડા મોટા બજેટમાં કે વાત ન પૂછો! ફિલ્મની જાહેરાત થઈ ત્યારે બજેટ ૯૦ કરોડ નક્કી કરવામાં આવ્યું હતું પણ પુરુ થતા થતા બજેટ પહોંચ્યું ૧૧૫ કરોડે. ૧૧૫ કરોડ નાની રકમ નથી. ફિલ્મનું જમા પાસું ટેકનિક જ છે અને સ્ટોરીની સૌથી મોટી ખૂબી છે કે ક્યાંય લોજિક બહાર વાત નથી. હોલીવુડ મૂવી વાળા પણ લોજિક બહાર સ્ટોરીને લઈ જતા હોય છે જ્યારે રાકેશ રોશને આ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે. ફાઇટ્સ, અમુક શોટ્સ, એનીમેશન બધું જ સારુ છે પણ ફિલ્મમાં જરૂરી ન હોય એવા ઇમોશન્સ નાખી અને ખૂબ ખેંચેલી સ્ટોરી તમને વચ્ચે વચ્ચે બોર કરવાની પુરી તાકાત ધરાવે છે. આ રીતે જ અમુક દ્ગશ્યો એનીમેટેડ છે એ સીધે સીધુ દેખાય આવે છે. મહદ અંશે બાળકો માટેની ફિલ્મ કહી શકાય પણ વડીલોએ ફિલ્મ જોવા તો જોઈએ જ એટલે લવ ટ્રાયેંગલ, ફેમિલી પ્રેમ જેવા ઘણા તત્વો ઉમેરવામાં આવ્યા છે. મારી દ્રષ્ટિએ તો કોઈ એક જ ટાર્ગેટ રાખ્યો હોત તો વધુ સારુ ફિલ્મ બની શકત. ફિલ્મને ૨.૫ સ્ટારથી વધારે સ્ટાર હું આપતો નથી.... વાંચકોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...





પેકઅપ:
પત્ની: હું રીસાય જાવ તો તમે મનાવતા પણ નથી...


પતિ: તું થોડી દિવાળી છો કે તને મનાવું... "