ફિલ્મ બને એ પહેલા લગભગ બધાં જ પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ
એક વિચાર તો અચૂક પણે કરતા જ હોય કે એમનું ટાર્ગેટેડ ઑડિયન્સ કયું હશે? દરેક ડિરેક્ટરનો
પણ એક અનોખો વ્યુ હોય છે. અમુક ડિરેક્ટર રીયાલીસ્ટીક બેઝ પર ફિલ્મ બનાવતા હોય, અમુક
ડિરેક્ટર માત્ર આનંદ કરાવવા કૉમેડી જ બનાવતા હોય, અમુક ડિરેક્ટર માટે ફાઇટ મહત્વની
હોય તો અમુક ડિરેક્ટર આ બધી જ વાતોને એક જ વાતમાં વણીને પ્યોર મસાલા ફિલ્મ આપતા હોય
છે. આ બધાથી હટીને હમણાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે એ મોડર્ન કહી શકાય એવી લવ સ્ટોરીનો.
’આશિકી 2’ સુપર ડુપર હીટ થઈ એટલે થોડો સમય આ પ્રકારની ફિલ્મ્સ આવતી રહેશે કેમ કે બોલીવુડ
હંમેશા વહેતી ગંગામાં હાથ ધોવા ટેવાયેલું છે. આ બધા ઉપરાંત હાલ એક મહત્વની વાત બની
રહી છે કે ટાર્ગેટ ઑડિયન્સ તરીકે યુથને જ પકડવું કેમ કે યુથ જ એવો વર્ગ છે જે ખરેખર
મનોરંજન માણે છે, રૂપિયા ખર્ચે છે અને માઉથ પબ્લીસીટી પણ કરે છે. આ યુથને આકર્ષવા જ
ટાઇટલ ’યહ જવાની હૈં દિવાની’ રાખવામાં આવ્યું છે. ઇન્ટરવલ પછીની ફિલ્મ આઠ વર્ષના ગાળા પછીની
છે એટલે કહી શકાય કે ઇન્ટરવલ સુધીનું જોરદાર મનોરંજન એટલે ’યહ જવાની હૈં દિવાની’
માત્ર ૨૬ વર્ષની
ઉમરના એક ડિરેક્ટરનું નામ અચાનક જ લોકો વચ્ચે ઊભર્યું. ફિલ્મ જોવા વાળો વર્ગ જ નહીં
પણ ક્રિટીક્સ પણ ફિલ્મના વખાણ કરતા થાકતા નહોતા. એ ડિરેક્ટર એટલે અયાન મુખર્જી. આમ
તો અયાનના બ્લડમાં જ ફિલ્મ છે. અયાન એટલે દેવ મુખર્જીનો દીકરો અને જોય મુખર્જીનો ભત્રીજો.
અયાને પોતાના કેરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. આશુતોષ ગવલીકરની ફિલ્મ
’સ્વદેશ’માં
અયાન ફર્સ્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. અયાનની આસિસ્ટન્ટ તરીકેની બીજી ફિલ્મ હતી ’કભી
અલવિદા ના કહેના’. આ ફિલ્મમાં અયાને કરણ જોહરને આસિસ્ટ કર્યા હતા. કરણ જોહર
અને અયાનના સંબંધો ત્યારથી જ મજબૂત રહ્યા છે. અયાનની પહેલી ફિલ્મ હતી ’વેક અપ શીદ’. ખૂબ
જ સારી કહી શકાય એવી ફિલ્મ. આ ફિલ્મ પણ કરણે જ પ્રોડ્યુસ કરી હતી. કરણના યુટીવી જોડેના
ખૂબ સારા સંબંધોને લીધે આ ફિલ્મના પ્રોડ્યુસર્સમાં યુટીવી મોશન પીક્ચર્સ પણ જોડાણી.
હવે જ્યારે યુટીવી આવે ત્યારે થોડા ઘરના વ્યક્તિઓ તો લેવા જ પડે! જો કે આદિત્ય રોય
કપુરના કાસ્ટિંગ માટે કોઈ શંકા કરી શકાય એમ નથી તો પણ આદિત્યને આ ફિલ્મ મળી હોય તો
ભાઈ સિદ્ધાર્થ રોય કપુરનો પૂરો ફાળો. તમે જાણતા જ હશો કે સિદ્ધાર્થ એટલે યુટીવી મોશન
પીક્ચર્સનો સીઇઓ અને વિદ્યા બાલનનો પતિ. આદિત્ય સાથે આ ફિલ્મમાં આદિત્યનો ભાઈ કુણાલ
રોય કપુર પણ સ્કીમમાં મળ્યો છે. આદિત્ય મૂળ તો ’વી ટીવી’નો વીડિયો
જોકી. વિજે તરીકે મેં એને બોલતો સાંભળ્યો છે કે મારે ફિલ્મ્સ નથી કરવી પણ વિપુલ શાહની
’લંડન ડ્રીમ્સ’ની ઑફર
આવી એટલે તરત જ સ્વીકારી લીધી હતી અને તાજેતરમાં જ ’આશિકી 2’ સુપર હીટ ગઈ એટલે લાગે
છે કે હવે ફિલ્મ સિવાય કંઈ નહીં કરે. જો કે આ ફિલ્મમાં વખાણવો પડે એવો અભિનય કર્યો
છે. ફિલ્મમાં તેના પાત્રને વધુ ન્યાય આપી શકાય એમ હતો પણ લેખકે નથી આપ્યો. કુણાલના
હિસ્સે કોલકીના થનારા પતિનું પાત્ર હતું. કુણાલ ધારત તો પોતાની આશિકી સારી રીતે બતાવી
શકત પણ પ્રમાણમાં નબળો સાબિત થયો.
અભિનયની વાત
કરીએ તો દરેક પાત્ર પોતાને અનુરૂપ પાત્ર ભજવવામાં સફળ રહ્યા છે. ફારૂક શેખ અને તન્વી
આઝમી રણબીર કપુરના માતા-પિતા છે. ફારૂક શેખને ગમે તેટલું નાનું પાત્ર આપો પોતાના કામ
માટે પ્રશ્ન જ રહેવા ન દે. એવું જ કંઈક તન્વી આઝમીનું પણ છે. જર્મનીમાં ઊછરેલી અને
લંડન સ્થાયી થયેલી ઇવલીન શર્મા પણ બાખુબી પોતાનું પાત્ર ભજવી ગઈ છે. ઇવલીનને આ પહેલા
’ફ્રોમ સીડની વીથ લવ’, ’ઇશ્ક’ અને ’નૌટંકી સાલા’માં જોઈ હતી ત્યારે લાગ્યું તો હતું કે છોકરીમાં
દમ છે પણ કદાચ ફર્સ્ટ લીડ મળતા હજુ વાર લાગશે. ઇવલીનની સૌથી પહેલી ફિલ્મ ’ટર્ન લેફ્ટ’
હતી. બ્રિટનમાં બનેલી આ ફિલ્મ સારી ચાલી હતી. માધુરીને એક ખાસ આઇટમ સોંગ માટે લાવવામાં
આવી પણ માધુરીની ઉમર એટલી વધારે લાગે છે કે હવે એની પાસે આવું કામ કરાવીને માધુરીની
આબરૂ ઓછી કરવા જેવી છે. બોલીવુડ માટે અફસોસ એ જ રહ્યો છે કે દર્શકો તગડે ત્યારે જ લત
છૂટે બાકી તો ગમે તે ઉમરે હીરોઇન બનવાનો જ ક્રેઝ રહે છે! આ રીતે જ રાણા દિગ્ગુબુટ્ટીને
પણ એક નાના રોલ માટે લાવવામાં આવ્યો છે. રાણા ગેસ્ટ એપીરીયન્સ આપવા લાગ્યો છે એટલે
લાગે છે કે બોલીવુડ રાણાને માફક નથી આવ્યું. રાણા તેલુગુ ફિલ્મ તરફ પાછો ફરી જાય તો
નવાઈ નહીં! રહી વાત રણબીર કપુરની તો છોકરાનો ચહેરો જ એવો છે કે એક્ટીંગ ઊપસે છે. દીપિકા
પાદુકોણ સમય સાથે કદમ મીલાવતી જાય છે. એક સમયે દીપિકા માત્ર શો પીસ જ હતી પણ સમય જતા
શ્રેષ્ઠ એક્ટીંગ શીખી છે. આમ તો કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ લીડ રોલ માટે મેદાનમાં
હતા પણ બાજી તો દીપિકાએ જ મારી. દીપિકાના એક એક શોટમાં દમ છે કદાચ બની શકે કે સામે
રણબીર કપુર હતો એટલે વધારે પ્રેમ દેખાડી શકી હોય! કાલ્કી મને તો પહેલેથી જ ગમતી આર્ટિસ્ટ
રહી છે એમ છતા આ ફિલ્મમાં એક બિન્દાસ ગર્લનું પાત્ર સાચે જ વખાણવા લાયક છે.
ફિલ્મની વાર્તા
ઇન્ટરવલ પહેલા આઠ વર્ષથી શરૂ થાય છે. રણબીર કપુર, આદિત્ય રોય કપુર અને કાલ્કી ત્રણે
ખાસ મિત્રો મનાલી માઉન્ટેનિયરિંગ માટેની એક ટ્રીપ પ્લાન કરે છે. કાલ્કીની મુલાકાત વર્ષો
જૂની મિત્ર દીપિકા જોડે થાય છે. ડૉક્ટરનું ભણતી દીપિકા માટે અભ્યાસ સિવાય બીજુ કંઈ
જ મહત્વનું નથી. ઘેર ચિઠ્ઠી મૂકીને દીપિકા આ ત્રણે મિત્રો સાથે મનાલી જવા નીકળી જાય
છે. ઇન્ટરવલ સુધી એમની બિન્દાસ મસ્તી, પ્રેમની શરૂઆત અને મઝા મઝા જ છે. કોલ્કી અચાનક
જ કુણાલ રોય કપુર સાથે પોતાના લગ્ન માટે બધાને આમંત્રણ આપે છે. બધાં જ મિત્રો ફરી મળે
છે. ઇન્ટરવલ પછીની ફિલ્મ લગ્નના પ્રસંગોમાં જ જાય છે. વચ્ચે વચ્ચે સ્ટોરીના થોડા તત્વો
ઉમેરવામાં આવ્યા છે પણ આ ધરાર ઉમેરવામાં આવેલા પ્રસંગો લાગે છે. ઇન્ટરવલ પછીના ભાગની
વાર્તાનો કોઈ પણ સામાન્ય દર્શકને પણ અંદાજ આવી જ જાય. માત્ર અંતમાં બંને કેમ મળે છે
એ જોવા જ ફિલ્મ પુરી કરવાની છે.
ફિલ્મના શૂટીંગ
માટે ખાસ્સી મહેનત લેવામાં આવી છે. આમ તો આ ફિલ્મ માર્ચમાં જ રીલીઝ થવાની હતી પણ પ્રમોશન
માટે આર્ટીસ્ટ્સ સમય ફાળવી શકે એમ ન હતા અને એ ઉપરાંત એક ગીત પણ પાછળથી ઉમેરવામાં આવ્યું
હતું. મનાલીના હાઇ પોઇન્ટ્સ ગુલાલા, બંજાર, નાગર એટલે કે લગભગ સમુદ્રથી ૧૪૦૦૦ ફૂટની
ઊંચાઈ પર શૂટીંગ કરવામાં આવ્યું છે. શૂટીંગ દરમિયાન ત્યાંનું ટેમ્પરેચર માઇનસ ૧૦ ડિગ્રી
સુધી ગયું હતું. આ રીતે જ ઉદેપુરમાં ૪૨ ડિગ્રી પ્લસ ટેમ્પરેચરમાં પણ ફિલ્મ શૂટ કરવામાં
આવ્યું છે. ફિલ્મમાં ૧૦ મીનીટની સિક્વન્સ પેરીસ અને ફ્રાન્સમાં શૂટ કરવામાં આવી છે.
યુનીટનો ખર્ચ બચાવવા આ માટે રણબીર કપુરને એકલો જ ત્યાં મોકલવામાં આવ્યો હતો પણ ૧૦ મીનીટ
માટે પુરા ૧૦ દિવસ શૂટ ચાલ્યું હતું. ફિલ્મનું સંગીત ભાનુ કિશોરે આપ્યું છે. સંગીત
માટે અલગ સ્ટાર આપવાની વાત હોય તો ૪.૫ સ્ટાર આપવા પડે. તોચી રૈનાના અવાજ વાળા કબીરા
ગીત માટે તો આફરીન બોલી જવાય છે પણ ઇન્ટરવલ પછી જે રીતે ફિલ્મ નબળું પડ્યું છે એ જોતા
ઓવરઓલ ૩ સ્ટાર જ આપી શકાય...
પેકઅપ:
સરસ દુકાનો
૧. ગાંધી હેર ડ્રેસર્સ
૨. મલ્લિકા ટેક્ષટાઇલ્સ
૩. કલમાડી કંન્સ્ટ્રકશન
૪. જય લલિતા ફીટનેસ સેન્ટર
૫. ધર્મેન્દ્ર ડાન્સ એકેડેમી
૬. માયવતી બ્યુટી પાર્લર
૭. યમરાજ ટ્રાવેલર્સ
૮. સુરદાસ ઓપ્ટીકલ્સ
૯. સલમાન મૅરેજ બ્યુરો
૧૦. રાખી સાવંત સત્સંગ કેન્દ્ર