૨૩ જુલાઈ ૧૯૯૦ લોકો આતુરતાથી ફિલ્મ જોવાની રાહ જોતા બેઠાં હતા,
કારણ હતું ’આશિક” ફિલ્મ રીલીઝ થવાની હતી. એ જમાનો હતો જ્યારે ફિલ્મના ઘણા સમય
પહેલા મ્યુઝિક રીલીઝ થઈ જાતું હતું. ’આશિકી’નું મ્યુઝિક એટલું હીટ હતું કે મ્યુઝિક માટે
લોકો ફિલ્મ જોવા આતુર હતા. રાહુલ રોય અને અનુ અગરવાલને લઈને બનેલી ફિલ્મની વાર્તા,
કલાકારો કે પછી આખી ફિલ્મમાં કંઈ હોય કે ન હોય પણ ફિલ્મ સિલ્વર જ્યુબિલી એવૉર્ડ મેળવી
શકી. ૧૯૯૦ અને ૨૦૧૩ સુધીનો લાંબો સમય અને આટલાં લાંબા સમય પછી જ્યારે સમય, પરિસ્થિતિ,
પ્રમાણો, ટેકનિક, વિચારધારા બધું જ બદલાય ગયું હોય ત્યારે એક લવ સ્ટોરી રજૂ કરવી અને
એ પણ એવા સમયમાં જ્યારે રીયાલીસ્ટીક ફિલ્મ્સ, મારામારી, ગાળો આ બધું જ ચાલતું હોય ત્યારે!
મને તો જુનું ’આશિકી’ પણ નહોતી ત્યારે નવી ફિલ્મ કેમ ગમશે? આવા પ્રશ્ન સાથે ફિલ્મ
જોવા ગયો પણ જ્યારે ફિલ્મ જોઈ ત્યારે કહેવું જ પડ્યું કે ’આશિકી 2’ એટલે જેન્યુન લવ
સ્ટોરી...
આમ તો આ ફિલ્મના
ડિરેક્ટર તરીકે વિશાલ મહાડકરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું પણ ભટ્ટ કૅમ્પની ફિલ્મ
હોય અને મહેશ ભટ્ટ મોહિત સુરીના અંકલ થતા હોય સ્વભાવિક છે કે ફિલ્મ મોહિત સુરીને મળે
તો આશ્ચર્ય પામવા જેવું નથી. મોહિત સુરીના નસીબ કે મહેશ ભટ્ટ કૅમ્પમાં રહેવાથી બીજા
બેનર્સની ફિલ્મ્સ ડિરેક્ટ કરવા જવાની જરૂર પડી નથી. મોહિત સુરીની પહેલી ફિલ્મ હતી
’કલિયુગ’ ૨૦૦૫માં.
આ ફિલ્મ ખાસ ચાલી નહોતી પણ લોકોને પસંદ જરૂર પડી હતી. આ પછી ભટ્ટ કૅમ્પના મોહિત સુરી
માનિતા ડિરેક્ટર બની ગયા. ’રાઝ’ની ત્રણે ત્રણ સીક્વલ મોહિત સુરીને જ ડિરેક્ટ કરવા મળી. આશ્ચર્ય
વચ્ચે ’મર્ડર’ અતિ
હીટ ફિલ્મ હોવા છતા ’મર્ડર 2’ મોહિતને સોંપવામાં આવી. ’મર્ડર’ જેટલી
સફળતા ’મર્ડર 2’ને ન મળી પણ ફિલ્મ ચાલી ગઈ. આ વર્ષે ૨૯ જાન્યુઆરી ના રોજ મોહિત સુરીએ ઉદીતા ગોસ્વામી
સાથે લગ્ન કર્યા. લગ્ન પછી રીલીઝ થયેલું મોહિતની આ પહેલી ફિલ્મ છે અને સારી પણ છે.
આશા રાખીએ કે આવનારા વર્ષોમાં ઉદીતાની જેમ જ મોહિત પણ હોટ રહે!
ફિલ્મ સારી હોવા
પાછળ મોટો ફાળો લેખકનો હોય છે. સગુફ્તા રફીકીએ ફિલ્મ લખી છે. ફિલ્મની વાર્તા એકદમ સરળતાથી
સરતી જાય છે. ફિલ્મના અમુક ડાયલોગ્ઝ કાયમ માટે યાદ રાખી શકાય એવા લખાયા છે. વાર્તા
એટલી સરળતાથી વહે છે કે તમને ક્યાંય એવું નહીં લાગે કે એક્સ્ટ્રા લાગણીઓ ઉમેરી છે,
વાર્તામાં ક્યાંય એવું પણ નહીં લાગે કે કારણ વગર સીન ઉમેરવામાં આવ્યો છે, કોઈ જુની
લવ સ્ટોરીની જેમ ખોટી આશિકી નથી છતા ફિલ્મ ગમે એવી બની છે. હાં ઇન્ટરવલ પછી ફિલ્મ થોડી
ખેંચાય છે એવું લાગશે તો પણ એવું તો નહીં જ લાગે કે સાવ ખોટે ખોટી ખેંચી છે. એક સમય
હતો જ્યારે પ્રેમીને પ્રેમિકા માટે ગાંડાઘેલા ખેલ કરતો બતાવતા, રડીને કે આંસુંઓ સારીને
ગમમાં ડૂબતો આશિક કે પછી લૈલા જોવા મળતા પણ જો આધુનિક જમાનામાં વાત કરવી હોય તો લાગણીઓ
આધુનિક યુગની જેમ જ ચાલવી જોઈએ અને તો પણ અતિશય પ્રેમ છે એ નજર આવવું જોઈએ. આ ફિલ્મના
યુગલની સાથે પણ ઘટનાઓ બને છે પણ સંબંધની સરસ રીતે ગૂંથણી કરવામાં આવી છે કે બંનેનો
પ્રેમ પણ દેખાય આવે છે અને એ પણ કોઈ જ વેવલા વેડા વગર. સંગીત માટે પણ ખરેખર મહેનત કરવામાં
આવી જ હશે એ ઊડીને આંખે વળગે છે. શ્રેષ્ઠ સંગીત આપવા માટે મીથુન, જીત ગાંગુલી અને અંકીત તીવારી એમ ત્રણ ત્રણ
મ્યુઝિક કંપોઝર પાસે ગીતો કંપોઝ કરાવવામાં આવ્યા છે. ગીતમાં દર્દ છે અને શબ્દોમાં વજન
છે. ફિલ્મના મ્યુઝિકને ક્રીટીક્સ તરફથી એવરેજ ૩.૫ સ્ટાર આપવામાં આવ્યા છે.
ફિલ્મની શરૂઆતથી
જ ઘણી વાતો બદલતી રહી છે. સૌ પહેલા ડિરેક્ટરનું નામ બદલાયું એ રીતે જ ફિલ્મના લીડ રોલ
માટે જેકી શ્રોફના પુત્ર ટાઇગર શ્રોફનું નામ રજૂ કરવામાં આવ્યું હતું પણ સમય જતા લીડ
રોલમાં આદિત્ય રોય કપૂરને લેવામાં આવ્યો. આદિત્ય હજુ સુધી લીડ રોલમાં જોવા નહોતો મળ્યો
પણ બંદામાં દમ તો છે જ. આ પહેલ ’લંડન ડ્રીમ્સ’, ’ઍક્શન રીપ્લે’ અને
’ગુજારીશ’માં
નાના રોલમાં જોવા મળ્યો હતો. આદિત્ય માટે મુખ્ય ભૂમિકામાં આ પહેલી ફિલ્મ હતી. આદિત્યની
એક ખાસિયત રહી કે એકદમ ક્લીન સેવમાં સારો નથી લાગતો પણ આછી દાઢી સાથે એકદમ મસ્ત લાગે
છે. શક્તિ કપૂરની દીકરી એટલે કે શ્રદ્ધા કપૂરને ફિલ્મની લીડ હીરોઇનમાં લેવામાં આવી
છે. શ્રદ્ધા કપૂરે આ પહેલા ૨૦૧૦માં ’તીનપત્તી’ કરી હતી. ફિલ્મ એટલી ફ્લોપ ગઈ કે શ્રદ્ધા
માટે ઘણી ગોસીપ થવા લાગી. આ કારણસર જ શ્રદ્ધા ઘણી ચર્ચાઓમાં રહી કે ૨૦૧૦માં આઇ ટાઇમ્સના
પોલમાં હોટેસ્ટ ન્યુફેસ ફીમેલમાં ત્રીજા નંબર પર રહી. શ્રદ્ધાને ’લવ કા ધી એન્ડ’ માટે
સ્ટારડસ્ટ સર્ચ લાઇટ એવૉર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ પણ મળ્યો. શ્રદ્ધા પાસે નથી કોઈ એવો
ફીગર કે નથી કોઈ હોટ અપીલ પણ શ્રદ્ધા સારી આર્ટિસ્ટ છે એ હકીકત છે. આ ફિલ્મમાં હીરો-હીરોઇનની
ફિઝીકલ કેમેસ્ટ્રી મેચ નથી થતી પણ લાગણીઓથી ચોક્કસ પણે એક સરસ કેમિસ્ટ્રીથી ચાલે છે.
આખી ફિલ્મમાં
જો સહેજ ખુંચ્યુ હોય તો એક માત્ર વાત કે શ્રદ્ધાને અતિ ગરીબ ખાનદાનની છોકરી બતાવવામાં
આવી છે. શ્રદ્ધાના ઘરની પરિસ્થિતિ એવી છે કે ૧૦૦ રૂપિયા માટે પણ તકલીફ પડે પણ જ્યારે
ફિલ્મના બેકડ્રોપમાં શ્રદ્ધાનું ઘર બતાવવામાં આવે ત્યારે કોઈ પણ એંગલથી ગરીબ ઘર નથી
લાગતું. રસોઈ કરવા માટે માત્ર કેરોસીનનો સ્ટવ મૂકી દેવામાં આવે એથી ગરીબાઈ દેખાતી નથી!
ડિરેક્ટર ઇચ્છત તો આ માટે થોડું વધુ ધ્યાન આપી શકત. આ રીતે જ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ
મુંબઈ જ છે પણ ફિલ્મ કેપટાઉન, સાઉથ આફ્રિકામાં શૂટ થઈ છે જે છુપાવી શકાયું નથી. જો
કે સારી ફિલ્મ બનાવવામાં નાની નાની ભૂલો થતી રહે છે. આશા રાખીએ કે હવે પછીની ફિલ્મ્સમાં
મોહિત સુરી આવી બાબતોનું પણ ધ્યાન રાખે. ઓવરઓલ ફિલ્મ માણવા લાયક છે. હું ફિલ્મને ૩.૫
સ્ટાર આપીશ. સંપૂર્ણ પૈસા વસૂલ ફિલ્મ નહીં હોય તો પણ પૈસા પડી ગયા એવો અફસોસ નહીં જ
રહે...
પેકઅપ:
" ’એક થી ડાયન’ એકલાં જોવા જવાની મનાઈ છે....
.
.
તમારી પત્નીને પણ સાથે લઈ જવી..."