Friday, 8 February 2013

સ્પેસિયલ છબ્બીસ: દરેક વખતે સારુ ક્રીએશન શક્ય નથી





       ફિલ્મનો મુખ્ય આધાર ફિલ્મની વાર્તા હોય છે. ઘણીવાર લોકો માને છે કે જો સારા સ્ટાર હોય તો ફિલ્મ સફળ થઈ જાય છે, આવું બનતું પણ આવ્યું છે તો પણ જો ફિલ્મની વાર્તા સારી હોય તો સોનામાં સુગંધ ભળે. નીરજ પાંડે પાસે એક ખૂબ સારી વાર્તા હતી. આ વાર્તા લઈને નીરજ ઘણી જગ્યાએ ફર્યો હતો પણ લોકોને વાત ગળે ઊતરતી ન હતી. નીરજે અતિ મહેનતને અંતે અમુક લોકોને તૈયાર કર્યા અને ’વેનસડે બનાવી. પહેલા અઠવાડિયામાં ફિલ્મ લગભગ ક્યાંય ચાલી નહોતી પણ અમુક બુધ્ધિજીવી વર્ગ આ ફિલ્મ જોવા ગયો હતો અને આ વર્ગે ચર્ચા શરૂ કરી. ધીમેધીમે મીડિયા પણ સાથે જોડાયું. દરેક સ્ટેટના સારા લેખકોએ ’વેનસડે પર ખાસ આર્ટીકલ્સ લખ્યા. બીજા વીકથી ફિલ્મ હીટ જવા લાગી. કારણ હતું એક શ્રેષ્ઠ અને નવી રીતની વાર્તા, નશીરુદ્દીન શાહ, અનુપમ ખૈર જેવા એક્ટર્સ અને નીરજ પાંડેનું એક્સ્ટ્રા ઓર્ડીનરી ડિરેક્શન. ’સ્પેસિયલ છબ્બીસ માટે પણ આવી જ આશા હતી પણ દરેક વખતે સારુ ક્રીએશન શક્ય નથી!


        ’વેનસડેની સક્સેસ પછી તરત જ નીરજે ’સ્પેસિયલ છબ્બીસની કથા અને પટકથા લખી રાખી હતી. નીરજ રાતોરાત સેલીબ્રીટી બની ગયા હતા એટલે આ વખતે સાથ આપવા માટે કોઈને કોઈ તૈયાર થશે જ એવી નીરજને પૂરી આશા હતી પણ સમય પસાર થયો પૂરા ત્રણ વર્ષનો. આ પાછળના કારણો ઘણા હશે પણ મુખ્ય કારણ હતું અક્ષય કુમાર. ફિલ્મના લીડ રોલ માટે નીરજને અક્ષય જ જોતો હતો. અક્ષય પાસે ત્રણ વર્ષ સુધી સમય નહોતો. આ સમય દરમિયાન નીરજ પાસે પણ કોઈ પ્રોડ્યૂસર નહોતો. નીરજના અંગત સંબંધો પોન્ટી ચઢ્ઢા સાથે એટલે પોન્ટી આ ફિલ્મને રીલીઝ કરવા તૈયાર થયો અને થોડા પ્રોડ્યુસર્સ જોડે મીટિંગ કરાવી. નીરજે આ ફિલ્મ પણ લો બજેટ જ બનાવવી હતી પણ વાયાકોમ 18, ફ્રાયડે ફિલ્મ વર્કસ અને કુમાર મંગત જેવા ત્રણ ત્રણ પ્રોડ્યુસર્સ મળ્યા એટલે ફિલ્મનું ઓરીજીનલ બજેટ ૮ કરોડ હતું એ ૨૦ કરોડ કરવામાં આવ્યું. પોન્ટી ચઢ્ઢા આ ફિલ્મને ૨૫૦૦ સ્ક્રીનમાં રીલીઝ કરવાના હતા એટલે એમને ખાતરી હતી કે પ્રોડ્યુસર્સના રૂપિયા નહીં ડૂબે. આમ તો પ્રોડ્યુસર્સ પહેલા વર્ષથી જ તૈયાર હતા માટે જાણવા મળતી વિગત મુજબ અજય દેવગણને પણ મુખ્ય પાત્ર માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો. અજય પાસે પણ સમયનો અભાવ હતો એટલે વાત ન બની. આ પછી અભિષેક બચ્ચનને પણ આ ફિલ્મ માટે એપ્રોચ કરવામાં આવ્યો પણ કોઈક કારણસર વાત ન બની. અક્ષય કુમાર એણે આપેલા પ્રોમીસ પર હજુ ઊભો જ હતો માટે અક્ષયની રાહ જોવામાં આવી અને આખરે ફેબ્રુઆરી ૬, ૨૦૧૨માં ફિલ્મની શરૂઆત કરવામાં આવી. 


        ફિલ્મની મૂળ વાર્તામાં હીરોઇન હતી જ નહીં પણ પાછળથી થયેલા ફેરફાર મુજબ હીરોઇન ઉમેરવામાં આવી. ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને જ્યારે ફિલ્મ બનાવવી હોય તો હીરોઇન પર ગીતો ફિલ્માવવા જ પડે! હીરોઇન વગરનું કંઈ ફિલ્મ હોતું હશે? આવો પ્રશ્ન આવે જ. ફિલ્મની હીરોઇન માટે ખાસ લાંબી શોધ નથી ચાલી. કાજલ અગ્રવાલને સીધુ જ સિલેક્શન મળી ગયુ હતું. તમને એક હિન્દી ફ્લોપ ફિલ્મ ’ક્યોં હો ગયા ના?’ યાદ નહીં જ હોય. આ ફિલ્મ કાજલની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ પછી કાજલે ઘણી બધી તામીલ અને તેલુગુ ફિલ્મ્સ કરી. સાઉથની ફિલ્મ્સમાં એ ખાસ્સી જાણીતી પણ બની. કાજલના હોઠ પર ફિલ્માવવામાં આવેલા તામીલ ગીત પર ચર્ચાઓ થઈ હતી. ફિલ્મ જોઇશો તો તરત જ સમજી જશો કે આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ ન હોત તો પણ ફિલ્મમાં કોઈ ફેર ન પડત. માત્ર ફિલર તરીકે કાજલને ફિલ્મમાં સમાવવામાં આવી છે. અહીં એક વાત નોંધી લઈએ કે કાજલના પગલે કાજલની બહેન નિશા પણ તામીલ અને તેલુગુ ફિલ્મમાં હીરોઇન છે. નીરજ સાથે સફળતાનો સ્વાદ ચાખી ચૂકેલા અનુપમ ખૈર તો આ ફિલ્મ માટે ખાસ્સા એક્સાઇટેડ હતા જ. અનુપમ ખૈરની અદાકારી માટે તો કંઈ કહેવું જ ન પડે. અનુપમ ખૈરનો વર્ષોના અનુભવ ને લીધે લાજવાબ રીતે પાત્રની સમજ બહુ ઓછા કલાકારો પાસે હોય છે એટલે જ ફિલ્મ ખાસ હોય કે ન હોય અનુપમ ખૈરને તો જોવા ગમે જ. જીમ્મી શેરગીલને હું ખૂબ સારો કલાકાર માનુ છું અને મને ખાસ ગમ્યો હોય તો ’શાહબ, બીવી ઔર ગૅંગ્સ્ટરથી. જીમ્મી પણ આ ફિલ્મમાં પોતાનું પાત્ર ખૂબ સરસ ભજવી ગયો છે. દિવ્યા દત્તા નાના પાત્રમાં પણ પોતાનું અસ્તિત્વ દેખાડી જ શકે. મનોજ બાજપેયી ફિલ્મમાં સીબીઆઇ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં છે. મનોજ દેખીતી રીતે શરીરથી દૂબળો લાગે છે પણ અભિનય માટે તો મનોજના પણ વખાણ કરવા જ  પડે. ફિલ્મની વાત આવે તો દરેક પાત્ર યોગ્ય રીતે કામ કરે છે પણ થોડો કથાનો અને થોડો ડિરેક્શનનો ખાંચો નરી આંખે દેખાય આવે છે.


        ફિલ્મના સારા પાસાની વાત કરીએ તો આખી વાતને ૮૦ થી ૯૦ના દાયકામાં લઈ જવી એ સૌથી અઘરી વાત છે. જ્યારે વાતને ટાઇમ ટ્રાવેલ કરાવો ત્યારે પાત્રને જ્યાં જ્યાં ફેરવો ત્યાં ત્યાં  એ સમયની કાર, સ્કૂટર, બોર્ડ બધી જ બાબતો હોવી જોઈએ. આ માટે પ્રોડક્શનનો ખર્ચ ખૂબ મોટો થાય છે પણ ફિલ્મ ગોર્જીયસ બને. એકાદ જગ્યાને બાદ કરતા સમયનો ખાંચો ક્યાંય વર્તાતો નથી. બીજી વખાણવા લાયક વાત એ છે કે દરેક પાત્રો ખૂબ સારી એક્ટીંગ કરવામાં સફળ થયા છે. એમ છતા પણ ફિલ્મ કેમ એવરેજ એવો તમને સવાલ થતો હોય તો થોડા વિસ્તારથી ચર્ચા કરી લઈએ. ફિલ્મની મુખ્ય કથા ત્રીભોવન વેલજી જ્વેલર્સમાં નકલી સીબીઆઇ દ્વાર થયેલી લૂંટની સત્ય ઘટના છે. ફિલ્મના પાત્રોને એસ્ટાબ્લીસ કરવા ફિલ્મમાં નકલી સીબીઆઇ દ્વારા એક રેડ બતાવવામાં આવે છે. પાત્રોની સ્ટાઇલ અને સ્કીમ બતાવવા માટે એક નકલી રેડ ઘણી થઈ જાય છે પણ અડધા કલાકના ફિલર માટે બીજી આવીને આવી ઇન્કમ ટેક્ષ રેડ બતાવવામાં આવે છે. ફિલ્મ માંથી આ બીજી રેડ કાઢી નાખો તો ફિલ્મની કથામાં કોઈ જ ફેર નથી પડતો કે ફિલ્મ માટે કોઈ જ રીતે એ મહત્વની ઘટના નથી. આ રીતે જ ફિલ્મમાં અગાઉ કહ્યું એમ હીરોઇનની જરૂર હોય માટે જ એક છોકરી ખાસ રીતે ઉમેરવામાં આવી છે. અક્ષય-કાજલની લવ સ્ટોરીનું કોઈ જ મહત્વ નથી. આ લવ સ્ટોરી પણ એક બે ગીત અને એક બે પ્રસંગો માટે આવે છે જેને પણ ફિલ્મની મૂળ વાર્તા સાથે ધરાર જોડવાની કોશિશ કરી છે. હાં ફિલ્મના અંતમાં ખુલતુ સસ્પેન્સ સામાન્ય દર્શકોને ઇમ્પ્રેસ કરવા માટે પૂરતું છે. મારી વાત કરુ તો મારા માટે વાત પ્રીડીક્ટીબલ હતી, હવે તમે જ જોઈને નક્કી કરો કે તમારા માટે આ સસ્પેન્સ કેટલું અઘરું હતું.


        ફિલ્મમાં મ્યુઝિકની ક્રેડિટ એમ.એમ. કીરવાનીને જ આપવામાં આવી છે પણ જ્યાં સુધી હું જાણુ છું ત્યાં સુધી હ્રિમેશ રેશમીયા અને ચંદન શર્માએ પણ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે. મ્યુઝિકમાં તો કંઈ ખાસ કાઢી લેવા જેવું નથી પણ ફિલ્મ જોવી હોય તો એકાદ બે ગીતો તો સહન કરવા જ પડે. ફિલ્મને મુખ્યત્વે દિલ્હીમાં શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મનો બેઝ દિલ્હી, કલકત્તા અને મુંબઈ છે પણ મોટાભાગની ફિલ્મ દિલ્હીમાં જ શૂટ થઈ છે. આમ તો ફિલ્મ રીલીઝની તારીખ ૨૦ ડિસેમ્બર નક્કી થઈ હતી પણ પ્રોમોશન માટે કલાકારો પાસે સમય ન હોવાથી અને બીજી ફિલ્મ્સની રીલીઝને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી ૮ના રોજ રીલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું. સીબીઆઇ માટે ૬ ફેબ્રુઆરીના રોજ ખાસ શો યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત કલાકારોના સમુહે ઓપેરા હાઉસ ત્રીભોવન વેલજી જ્વેલર્સની માર્ચ કરીને ફિલ્મ પ્રોમોટ કરી હતી. લગભગ બધાંએ ફિલ્મ વખાણી છે તો પણ હું ફિલ્મને મસ્ટ વોચ લિસ્ટમાં ન મૂકતા ૩ સ્ટાર આપુ છું.




પેકઅપ:

"तमसो मां ज्योतिर्गमय" નો અર્થ શું થાય?"

"તું સૂઈ જા માં, હું જ્યોતિના ઘેર જઈને આવું"

1 comment: