Friday, 15 February 2013

મર્ડર 3: ફિલ્મનું મર્ડર






       

         ૨૦૦૪ની એપ્રિલમાં જ્યારે પહેલીવાર ’મર્ડર રીલીઝ થયું ત્યારે કદાચ પ્રોડ્યુસર્સને પણ ખબર નહીં હોય કે ફિલ્મ આટલી હદે લોકોને પસંદ પડશે! એકદમ ઓછાં બજેટમાં બનેલી ફિલ્મ જ્યારે બે અઠવાડિયામાં ૮૦ કરોડનો ધંધો કરે ત્યારે આશ્ચર્ય જ થાય! ’મર્ડર જોવા ગયેલા દર્શકોને માત્ર મલ્લિકા શેરાવતનું શરીર જ નહીં પણ ફિલ્મ પણ ગમી હતી. ફિલ્મનું મ્યુઝિક આજની તારીખ સુધી કર્ણપ્રિય છે. વાર્તાને જે રીતે ગીલ્ટ અને હકીકત વચ્ચે રમાડવામાં આવી હતી એ રીતે ફિલ્મને હીટ થવાનો પૂરો અધિકાર હતો. કેમ ન હોય? સ્ટોરી અને ડિરેક્શન અનુરાગ બસુનું હતું. જો ફિલ્મ હીટ ગઈ હોય તો સીક્વલ આવે જ એ વાત પ્રેક્ષકો માટે પણ એક્સ્પેક્ટેડ હોય. આ પછી વારો આવ્યો ’મર્ડર 2'નો. જુલાઈ-૨૦૧૧માં જ્યારે ’મર્ડર 2’ રીલીઝ થઈ ત્યારે લગભગ લોકો ’મર્ડરની જેમ જ ઘણું જોવા મળશે એવી આશાથી ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મમાં એમની એવી ખાસ આશાઓ તો પૂરી ન થઈ પણ પ્રશાંત નારાયણ જેવો ખતરનાક વિલન જોઈને લોકો રાજી થયા. ડિરેક્શનનો દોર આ ફિલ્મ વખતે મોહિત સુરીને સોંપવામાં આવ્યો હતો. ફિલ્મની કથા મહેશ ભટ્ટે જ લખી હતી. સંપૂર્ણ અપેક્ષા પર ખરી ન ઊતરી પણ વિલન માટે તો ફિલ્મ જોવા જેવી હતી જ. બીજી ફિલ્મ પણ પ્રમાણમાં સારો ધંધો કરી શકી હતી એટલે ત્રીજીની રાહ જોવાતી જ હતી.  ’ મર્ડર 3’ પાસે મનોરંજન તો પરસશે એવી આશા પણ ઠગારી નીકળી. ’ મર્ડર 3’ એટલે બીજુ કંઈ નહીં પણ ફિલ્મનું મર્ડર...

        આ પહેલાની ફિલ્મની બંને સીક્વલમાં ઇમરાન હાસમીને લેવામાં આવ્યો હતો જ્યારે આ ફિલ્મમાં રણદીપ હુડાને લેવામાં આવ્યો. ભટ્ટ કૅમ્પને પૂછતા એવો જવાબ મળ્યો હતો કે ’આ સ્ટોરી મુજબ ઇમરાન ફીટ નહોતો અને પ્રેક્ષકોને કંઈક નવીન આપવું હતું માટે રણદીપને લેવામાં આવ્યો. આ જ કૅમ્પના બીજા મેમ્બર પાસેથી એવું સાંભળવા મળ્યું કે ’ઇમરાન પાસે બીજી ફિલ્મ્સ હતી અને ઇમરાન ડેટ્સ ફાળવી શકે તેમ ન હતો માટે રણદીપને લેવામાં આવ્યો પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક મિત્રોનું કહેવાનો ભાવાર્થ એવો નીકળતો હતો કે વાર્તા વાંચીને ઇમરાને સ્પષ્ટ ’ના પાડી હતી. હવે સાદુ શું એ તો મહાદેવ જાણે અને કાં મહેશ જાણે!. ફિલ્મની વાર્તા મહેશ ભટ્ટે લખી છે અને દિગ્દર્શન વિશેષ ભટ્ટને સોંપવામાં આવ્યું છે. આમ જુઓ તો આખો ઘરનો ડાયરો હોય તો રૂપિયા તો બચે પણ ફિલ્મનો ઓટલો વળી જાય એનો વાંધો નહીં! ’દિલ્હી 6’, ’યે સાલી જિંદગી, ’રોકસ્ટાર જેવી ફિલ્મમાં નાના મોટા પાત્રો ભજવી ચૂકેલી અદિતિ રાવ હૈદરી અને મૂળ પાકિસ્તાની સિરિયલની આર્ટિસ્ટ અને એક હિન્દી ફિલ્મ ’કજરારેમાં દેખાય ચૂકેલી સારા લોરેનને લેવામાં આવી. સારાના હિસ્સામાં થોડી કીસ, થોડા બેડ સીન્સથી વધારે કંઈ જ નહોતું તો પણ બચારી બરાબર ન કરી શકી. અદિતિ પાસે તો વધુ અપેક્ષા હતી જ નહીં અને અદિતિ ક્યારેય હીરોઇન મટીરિયલ મને નથી લાગી માટે એ વિષય પર વધુ લખવા જેવું લાગતું નથી. રણદીપ હુડા આ પહેલા નાના નાના પાત્ર પણ ખૂબ સારી રીતે નિભાવી ચૂક્યો છે પણ આ ફિલ્મમાં નથી અંડર એક્ટીંગ કરી શક્યો કે નથી પોતે કરવા ધારેલ ઓવર એક્ટીંગ કરી શક્યો. કારણ ડિરેક્શન હોય કે વાર્તા પણ રણદીપ રીતસર વેડફાયો છે. 


        ફિલ્મ માટે અતિ જરૂરી તત્વ એવું વાર્તા આ ફિલ્મમાં છે જ નહીં. રણદીપ વિદેશમાં જાનવરોના ફોટા પાડતો ફોટોગ્રાફર છે. રણદીપની પ્રેમિકા અદિતિ ત્યાં તેની સાથે છે. અચાનક જ રણદીપને એક ભારતીય કંપનીમાં મોડેલ ફોટોગ્રાફર તરીકે ઑફર મળે છે. લેખકને એટલી પણ ખબર નથી કે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી અને મોડેલીંગ ફોટોગ્રાફીમાં કેટલો ફેર છે. રણદીપને સાથ આપવા તેની પ્રેમિકા અદિતિ તેની સાથે ભારત આવવા તૈયાર થઈ જાય છે. આવતાની સાથે જ રણદીપને એક એટલો મોટો આલીશાન બંગલો આપવામાં આવે છે કે જોઈને તમે દંગ રહી જશો. અહીં લેખકને એ પણ ખબર નથી કે મોડેલીંગ કરતા કોઈ પણ ફોટોગ્રાફર પાસે આટલો શાનદાર બંગલો ખરીદવાની તાકાત ન હોય. બંને પ્રેમી યુગલ ખૂબ સરસ અને સુખેથી રહે છે પણ રણદીપને તેના કૅમ્પની એક હેરડ્રેસર સાથે વેનીટીમાં દારુ પીતો જોઈ અદિતિ ગુસ્સે થઈ જાય છે. કોઈ પણ પ્રકારના પૂર્વ બંધારણ વગર બંગલાની જૂની માલિક અંગ્રેજી લેડી આવે છે અને અદિતિની દુ:ખભરી દાસ્તાન સાંભળે છે. આ લેડી બંગલામાં રહેલુ એક ચોર તહેખાનું બતાવે છે. આ તહેખાના માંથી બહાર ચાલતી તમામ પ્રવૃત્તિ જોઈ શકાય પણ અંદર શું થાય છે એ બહારના માણસો જોઈ શકે નહીં. અદિતિ રણદીપની પરીક્ષા લેવા એક વીડિયો રેકૉર્ડ કરીને આ તહેખાનામાં ઘૂસી જાય છે પણ ઉતાવળને લીધે ચાવી બહાર જ રહી જાય છે. અદિતિ આ તહેખાનામાં છે જ્યારે બીજી તરફ રણદીપ અદિતિને ભૂલીને સારાના પ્રેમમાં પડી જાય છે. આ આખી વાર્તા ફ્લૅશ બેક અને કરંટ સ્ટેટમાં બતાવવામાં આવે છે. ફિલ્મમાં થોડું ફિલ્મી તત્વ ઉમેરવું પડે માટે રાજેશ શ્રીનાગપુરાને ઇન્સ્પેક્ટર તરીકે લેવામાં આવ્યો છે. વધારાનું ફિલ્મી તત્વ નાખવા માટે આ ઇન્સ્પેક્ટરને સારાનો જૂનો પ્રેમી બતાવવામાં આવ્યો છે. સૌથી સરસ વાત એ છે કે બાથરૂમના પાઇપ પર લાકડી મારીને સિગ્નલ આપે છે અને માત્ર એ સિગ્નલથી સારા સમજી જાય છે કે અદિતિ કાચ પાછળ કૈદ છે. લેખક માટે તો માત્ર સ્ક્રીનપ્લે જ લખવાનો પણ બચારા કલાકારોએ તો લોજિક વગરની વાતો પર એક્ટીંગ કરીને રીયલ બતાવવાનું એ સાચે જ ખૂબ અઘરું કાર્ય છે. મૂળ વાર્તામાં એક પણ એંગલથી કોઈ પણ પ્રકારનો દમ નથી આ કારણે જ ફિલ્મ સહન કરવી પડે છે. બાકી રણદીપ, અદિતિ કે સારા સાવ નબળા આર્ટીસ્ટ્સ તો નથી જ.


        મહેશ ભટ્ટ કૅમ્પમાં સૌથી વધુ સારી બાબત જોવા મળતી હોય તો ફિલ્મની સિનેમેટોગ્રાફી. એકથી એક ચડે એવા દ્ગશ્યો અને અઢળક લાઇટીંગના કારણે કોઈ પણ દ્ગશ્ય વિઝ્યુઅલી રીચ ન લાગે એવું બને જ નહીં. આ ઉપરાંત એમના ફિલ્મની બીજી ખાસિયત એ હોય છે કે ફિલ્મમાં સેક્સ ખૂબ સિફતથી અને સારી રીતે રજૂ કરવામાં આવે અને ત્રીજી ખાસિયત છે કે ફિલ્મનું મ્યુઝિક હંમેશા લોકપ્રિય હોય. ’ મર્ડર 3’ માં વિઝ્યુઅલી રીચનેસ તો જોવા મળી પણ વાતનો અર્થ બહાર ન નીકળ્યો. સેક્સ બતાવવાની કોશિશ ચોક્કસ થઈ પણ કંઈ જોવા ન મળ્યું અને રહી વાત મ્યુઝિકની તો એક ગીત ઠીકઠીક બાકી તો ગીતના નામે ફિલ્મનો સમય જ પસાર કરવામાં આવ્યો છે. અંગ્રેજી ફિલ્મ્સની જેમ હવે બોલીવુડ ફિલ્મ્સ પણ સમયમાં ટૂંકી થતી જાય છે. માત્ર ૧૦૦ મીનીટનો રનટાઇમ ધરાવતી આ ફિલ્મમાં વાર્તા વધીને ૨૦ થી ૨૫ મીનીટની જ છે. બાકીનો સમય માત્ર સાયલેન્ટ શોટ્સ, ગીત અને કારણ વગરની વાતમાં વેડફવામાં આવ્યો છે. જો સ્ટાર આપવાની વાત આવે તો મને એક પણ સ્ટાર આપવાની ઇચ્છા થતી નથી પણ સુનિલ પટેલની સિનેમેટોગ્રાફી માટે ૧ સ્ટાર આપી દઈએ. તમે તો સુજ્ઞ દર્શકો છો માટે કહી દઉં કે ડીવીડીનો ખર્ચ કરવો પણ આ ફિલ્મ માટે વાજબી નથી...





પેકઅપ:

"તમે તમારી પત્નીને છરી શા માટે મારી?"
"જજ સાહેબ, મારી પાસે બંદૂક નથી એટલે..."

No comments:

Post a Comment