બોલીવૂડના બદલાયેલા ટ્રેન્ડમાં વહેતી ગંગામાં ડૂબકી મારીને
બૉક્સ ઓફિસ પર શક્ય એટલું પુણ્ય કમાઈ લેવાની
રેસ ઘણા નિર્માતાઓ વચ્ચે લાગેલી જ છે. નિર્ભેળ હાસ્યપ્રધાન ફિલ્મના દોર ની સાથે સાથે
ઍક્શન ફિલ્મ્સનો મારો પણ સતત ચાલી રહ્યો છે. રોમાન્સના નામે રોમાંચિત કરી દેતા દ્ગશ્યો
અને ગીતો માટે બૂક કરાતી અભિનેત્રીઓ અને સ્ટંટ એ જ અભિનય ની થિયરી માટે તૈયાર કરાતા
અભિનેતાઓનો સરવાળો કરવા અંગ્રેજી ફિલ્મ્સના ગણિતમાંથી કેટલીક રકમો તફડાવી નવા દાખલાઓ
બોલીવૂડના ફિલ્મ સર્જકો બનાવે જ રાખે છે. રહસ્ય
ઉપર સારી હથોટી ધરાવતી દિગ્દર્શક બેલડી અબ્બાસ-મસ્તાનની ’રેસ-2’ એના નિર્માણ સમયથી
જ બહુચર્ચિત હતી જ.કરીના કપૂર અને પ્રિયંકા ચોપરાની રાહ જોવામાં સમય બગાડ્યા પછી દીપિકા
પાદુકોણ સાથે જહોન અબ્રાહમ અને જેકવીલીન ફર્નાડીસને લઈને જૂની સફળ ફિલ્મ ’રેસ’ની સીકવલ
બનાવવા નિર્માતા રમેશ તૌરાણી અને દિગ્દર્શક બેલડી અબ્બાસ-મસ્તાને, ’રેસ’ કરતા
વધુ સારી વાર્તા મળશે તો જ એની સીકવલ બનાવીશું,
વાળી એમની જ ઉક્તિને દોહરાવવા ’રેસ’ના જ લેખક શિરાજ અહેમદ સાથે મળીને ’રેસ-2’
ની વાર્તા તૈયાર કરી છે. ’રેસ’ના જૂના પાત્રો ’રણબીર કપૂર’ અને ’રોબર્ટ ડીકોસ્ટા’ ના
મજેદાર કિરદારમાં અનુક્રમે સૈફઅલી ખાન અને અનીલ કપૂર તો ફાઇનલ હતા જ. ’ચેરી’ની શોધ
કરતા ચિત્રાંગદા સિંઘ અને મલ્લિકા શેરાવતના નામ પણ રેસમાં હતા અંતે જોડી જામી અનીલ
અને અમીષા પટેલની. બ્લેક કેટ બિપાશાના મર્ડર અને એના બદલાની આસપાસ ચકરાવા લેતી ફિલ્મ
અબ્બાસ-મસ્તાન સ્ટાઇલની ઍક્શન સસ્પેન્સ ફિલ્મ છે.
ઇસ્તંબૂલ-ટર્કીના
નયનરમ્ય દ્ગશ્યો અને કેટલાક ખરેખર માણવા લાયક ઍક્શન-સ્ટંટ પ્રેક્ષકોને થિયેટરમાં બેસાડી
રાખી શકે. અલબત્ત ગીતો યુવા દર્શકોમાં જરૂર લોકપ્રિય થાય પરંતુ દીપિકા ને જેક્વીલીનના
રોમાંચિત કરી દે એવા રોમાંશના દ્ગશ્યો અને જહોન-સૈફની સારી ટક્કર છતા ઇન્ટરવલ પછી ધીમી
પડી જતી ફિલ્મ માટે સિરાજ અહેમદના સ્ક્રીનપ્લે અને કીરીન કોટિયાલના સંવાદોને જવાબદાર
ગણવા કે ’રેશ’ની સફળતા
પછી એ જ સ્ટાઇલની ઇલાસ્ટીસીટીને જાણ્યા વિના વાર્તાને શૂટ કર્યે જવાની અબ્બાસ મસ્તાનની
સ્ટાઇલને જવાબદાર ગણવી એ આ ફિલ્મના સસ્પેન્સ જેવું જ સસ્પેન્સ છે. જરૂરી ન હોય એવા
પાત્રો, ડ્રામેટીક ટ્વીસ્ટનો અભાવ અને સારુ હોવા છતા ઓવરડોઝના કારણે ખટકતું સંગીત પ્રેક્ષકોને
જરૂર નિરાશ કરે.
’રેશ સાથે ’રેશ-2’ની
સરખામણી કરવાનો કોઈ અર્થ જ નથી. ’રેસને જોઈ ચૂકેલા પ્રેક્ષકોને એની એ જ વાત ગળે ઉતારવામાં
જરૂર તકલીફ પડે જ. એક્શનના શોખીન લોકો માટે પુરતો મસાલો છે પણ સસ્પેન્સના ચાહકોને પ્રી-ડીસાઇડેડ
ટ્વીસ્ટમાં જરૂર કંઈક ઊણપ દેખાય. સંગીતના ચાહકોને પણ ગીત બહાર સાંભળવા જ વધારે ગમશે.
દર થોડા અંતરે મુકાયેલા ગીતો કથાનકમાં પ્રેક્ષકોને ઓતપ્રોત થવા દેતા જ નથી એ કદાચ સંગીતકાર
પ્રીતમની નહીં તો દિગ્દર્શકની નબળી કડી ગણી શકાય. અબ્બાસ-મસ્તાન સારા ડિરેક્ટર્સ રહ્યા
છે કે ખરાબ એ દરેકના અંગત મંતવ્ય પર આધાર રાખે તો પણ અત્યાર સુધીમાં આ ડિરેક્ટર બેલડીએ
ઘણી હીટ ફિલ્મ્સ આપી છે. આમ તો ગુજરાતી ફિલ્મ ’મોતી વેરાણા ચોકમાં’ એમની પહેલી ફિલ્મ
હતી. આ પછી બોલીવૂડમાં એમનું પ્રથમ પગલું હતું ’અગ્નીકાલ’ જે
ખૂબ ખરાબ રીતે પછડાટ સહન કરી ચૂકયુ હતું પણ એમની બીજી ફિલ્મ ’ખીલાડી’ સાથે
બોલીવૂડમાં દબદબો જમાવી શક્યા. અક્ષય કુમારને ખીલાડીનું બિરુદ અપાવનારી આ દિગ્દર્શક
બેલડી સાથે અક્ષય કુમાર ગમે ત્યારે કામ કરવા તૈયાર હોય છે એવું જાહેર નિવેદન આપે એ
અબ્બાસ-મસ્તાનની પોપ્યુલારીટી સાબિત કરે છે. અબ્બાસ-મસ્તાનના ડિરેક્શનમાં બનેલી આ પછીની
ફિલ્મ્સ જેમ કે ’બાજીગર’, ’સોલ્જર’, ’અજનબી’, ’36 ચાઇના ટાઉન’, ’નકાબ’ અને
’રેશ’ બોક્ષ
ઓફીસ પર સફળતાનો સ્વાદ ચાખી ચૂકી છે. બોલીવૂડમાં ઉંમર ખાઈ ચૂકેલા આ દિગ્દર્શક લોકોને
કેવી રીતે દોરવા એ સારી રીતે જાણે છે.
ફિલ્મ છે તો
હીરોઇન જોઈએ જ બાકી આ ફિલ્મ હીરોઇન વગર પણ બની શકી હોત. આમ પણ અબ્બાસ-મસ્તાનની ફિલ્મમાં
હીરોઇનના ભાગે થોડું અંગ પ્રદર્શન, થોડા ઠૂમકા મારવા, એકાદ કે બે ગીત ગાવાથી વધુ કામ
હોતું નથી. આ ફિલ્મની બંને હીરોઇન પોતાનું કામ વફાદારી પૂર્વક નિભાવી શકી છે. જો કે
અનિલ કપૂરની નવી સેક્રેટરી ચેરીના રોલમાં અમીષા પટેલ વર્ષો પછી મોટા પરદે જોવા મળી
અને મેદાન મારવામાં સફળ રહી. લોકોની માન્યતા હતી કે અમીષાની હવે ઉમર દેખાશે પણ ભેજાગેપ
ચેરીના રોલમાં અનીલ કપૂર સાથે સેક્સી સીન અને ગીતના લટકા-ઝટકા બંનેમાં હીરોઇન કરતા
આગળ નીકળી ગઈ છે. અનીલ કપૂર તો લાજવાબ છે જ. આટલાં વર્ષોનો અનુભવ અને અનેક ડિરેક્ટર્સ
સાથે કામ કરી ચૂકેલો અનીલ કપૂર પોતાની છાપ છોડવામાં અહીં પણ સફળ રહ્યો છે. જહોન અબ્રાહમ
અને સૈફઅલી ખાન વચ્ચે ચાલતી ટક્કરમાં સ્વભાવિક રીતે જ વાર્તાને અનુલક્ષીને સૈફનો હાથ
ઉપર રહ્યો છે. કદાચ જૂની ’રેશ’ અને અબ્બાસ-મસ્તાનનો સાથ એને કામ લાગ્યો હશે. તો પણ જહોન અબ્રાહમ
ધીમેધીમે મોડેલ માંથી એક્ટર બનતો જાય છે. નાનકડી એન્ટ્રીમાં પણ આદિત્ય પંચોલીએ પોતાના
અભિનયથી વાર્તાને પોતાના ખભે ઊંચકી લીધી છે. એકંદરે અભિનયને માણવા ગયેલા પ્રેક્ષકો
નિરાશ ન થાય એની કાળજી રાખવામાં આવી છે.
અબ્બાસ-મસ્તાન
સાથે કૅમેરા સંભાળી ચૂકેલા સિનેમેટોગ્રાફર રવિ યાદવ કદાચ હવે જાણી ચૂક્યા છે કે દિગ્દર્શકને
શું જોઈએ છે. આ પહેલા એ ’હમરાઝ’, ’ઐતરાઝ’, ’પ્લેયર્સ’, ’૩૬
ચાઇના ટાઉન’, ’ટારઝન-
ધ વન્ડર કાર’, ’રેસ’ જેવી
ફિલ્મ્સમાં પોતાની આગવી છટા દેખાડી ચૂક્યા છે. ’રેસ-૨’માં
ટર્કીના નયનરમ્ય દ્ગશ્યો અને ઍક્શન દ્ગશ્યોમાં રવિ યાદવની આગવી સૂઝ દેખાઈ આવે છે. અમુક
દ્ગશ્યો માટે તો ખરેખર એમની સિનેમેટોગ્રાફી વાહ બોલાવી દે છે.
'રેસ’ની વાર્તાને
આગળ વધારવા માટે નવીન પ્લોટની ઝાઝી માથાકૂટમાં પડ્યા વિના ’રેશ’ની જોડી
રણવીર-સાનિયાને તોડી નાખી સાનિયા (બિપાશા બાસુ)નું મર્ડર કરાવવું અને બિપાશાને ખૂબ
ચાહતા સૈફ દ્વારા એના હત્યારાઓ સામે બદલો લેવા ચોક્કસ સ્ટાઇલની ગેઇમ રમવી એ જ ’રેસ-૨’ની વાર્તા.
ટાઇટ સ્ક્રીનપ્લેમાં જ્યાં કંઈ ન સૂઝે ત્યાં ગીતો મૂકી દેવાથી વાર્તાનું સસ્પેન્સ જળવાઈ
રહેવાને બદલે વાર્તા ઇન્ટરવલ પછી એટલી ધીમી પડી જાય છે કે પ્રેક્ષકો થિયેટરમાં બેઠાંબેઠાં
જ હવે શું આવી શકે એની સફળ ચર્ચા કરતા થઈ જાય છે. જો કે વાર્તાને વધારે ગૂંચવીને પ્રેક્ષકોને
વિચારતા કરી દેવા કેટલાંક ન જોઇતા પાત્રો, આદિત્ય પંચોલીની એન્ટ્રી અને જહોન અબ્રાહમની
રીંગ ફાઈટનો સહારો લેવાયો છે જે વાર્તામાં કોઈ રીતે બંધ બેસતો લાગતો જ નથી.
જો કે અત્યારના
બદલાયેલા ટ્રેન્ડમાં ’દબંગ’ની દબંગાઈ અને રાવડી રાઠોડના ધમાકા પછી નિર્માતા રમેશ તૌરાણીએ
’રેસ-2’માં કંઈ ગુમાવવાનું તો નથી જ. આમેય અબ્બાસ-મસ્તાનની ફિલ્મ્સ મોટેભાગે સફળ ફૉર્મ્યુલા
ફિલ્મ્સ જ હોય છે એટલે બોક્ષ ઓફીસ પર સફળતાનો સ્વાદ તો જરૂર ચાખશે જ. ઇન્ટરવલ પછીની
ધીમી ગતી માટે દોઢ સ્ટાર કાપતા ૩.૫ સ્ટાર આપી શકાય.
પેકઅપ:
"હું આ ડ્રેસમાં જાડી લાગુ છું ડિયર?"
"પ્લીઝ હવે ડ્રેસ પર આરોપ મૂકવાનું બંધ કરીશ?"
અદભુત .....ફિલ્મ ની જેમ જ તમારો રીવ્યુ ગમ્યો . રેસ જેવી મજા રેસ 2 માં ના આવી પણ સારી છે
ReplyDeleteઅને હા આમજ લખતા રહેજો , હું ફિલ્મ જોતા પહેલા તમારો બ્લોગ જોવ છું , કોઈ નવું મૂવી આવ્યું હોઈ એટલે સૌથી પહેલા તમારો બ્લોગ ચેક કરું છું અને રીવ્યુ જોવ છું !!