ઓછા ખર્ચે ફિલ્મ બનાવવી અને કમાણી કરી લેવી એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો
પાયાનો ફંડા છે પણ આવી ફિલ્મ માટે એક પાયાની શરત પણ છે કે ફિલ્મની વાર્તા સુંદર હોવી
જોઈએ, સ્ક્રીનપ્લે મજબૂત હોવો જોઈએ અને એક્ટીંગ અદભૂત હોવી જોઈએ. આ ત્રણ વસ્તુઓનું
કોમ્બીનેશન થાય તો જ ઓછા બજેટની ફિલ્મ્સ હીટ થઈ શકે નહિતર ખર્ચ તો ચોક્કસ કાઢી જ લે
પણ ધાર્યા પ્રમાણેની કમાણી ન કરી શકે. ઓછા બજેટમાં સારી ફિલ્મ બનાવવા માટે મહેશ ભટ્ટ
કૅમ્પ અને એકતા કપૂર પ્રખ્યાત છે. મહેશ ભટ્ટની કેટલી બધી એવી ફિલ્મ્સ છે જે અધધ કમાણી
કરી ચૂકી છે. જો તમે ખાસ રિમાર્ક કર્યું હોય તો ખ્યાલ હશે જ કે ઉપરની ત્રણે બાબતોની
વિશેષ કાળજી લેવામાં આવી હશે અને એમાં પણ મહેશ ભટ્ટ કૅમ્પની ફિલ્મ હોય તો મ્યુઝિક પર
પણ સરસ કામ થયુ હોય એટલે સોનામાં સુગંધ ભળે. એકતા કપૂર પણ ધીમેધીમે આ રસ્તા પર ચાલી
રહી છે. ’રાગિણી એમ.એમ.એ’. એક જ લોકેશન હોવા છતા હીટ ફિલ્મ બની શકી. ઇન્કાર પાછળ પણ
સુધીર મિશ્રાની આવી જ ભાવના રહી હશે. કેમ ના હોય? એમની પ્રખ્યાત ફિલ્મ્સ જેમ કે ’ઇસ
રાત કી સુબહા નહીં હોગી’, ’ધારાવી’, ’હજારો ખ્વાઇશેં ઐસી’, ’ખોયા
ખોયા ચાંદ’, ’યે
સાલી જિંદગી’ જેવી
લો બજેટ ફિલ્મ્સ દ્વારા પોતાની જાતને એસ્ટાબ્લીશ કરી જ ચૂક્યા છે. પણ ઇન્કાર માટે તમે
ઇન્કાર કરી દો તો વધુ કંઈ ગુમાવવાનો અફસોસ નહીં રહે.
સુધીર મિશ્રા
એક અચ્છા સ્ક્રીનપ્લે રાઇટર રહ્યા છે એટલે આ ફિલ્મના સ્ક્રીનપ્લે માટે એમનાથી ઘણી બધી
આશાઓ હતી. વાંચકોની જાણ માટે કહી દઉં કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજની તારીખે પણ બેસ્ટ
કૉમેડી ફિલ્મ ગણાતી હોય તો ’જાને ભી દો યારો’ છે. સુધીર મિશ્રા આ ફિલ્મના સ્ક્રીનપ્લે
રાઇટર છે. એ રીતે જ ઇન્ડસ્ટ્રીની ફૂટ માર્ક સસ્પેન્સ ફિલ્મ ’ખામોશ’ના સ્ક્રીનપ્લે
રાઇટર પણ સુધીર મિશ્રા જ છે. હવે જ્યારે એમણે જ ફિલ્મ લખવાની હોય અને ડિરેક્ટ કરવાની
હોય ત્યારે આપણે એટલી આશા તો રાખી જ શકીએ કે ફિલ્મનો સ્ક્રીનપ્લે તો એટલો મજબૂત હશે
જ કે ફિલ્મ ખેંચી જાય પણ ન જામ્યું યાર! ફિલ્મ માટે જરૂરી હોય છે ફિલ્મને વફાદાર રહેવાનું
અને વફાદારી તો જ નીભાવી શકાય જો ફિલ્મનું એક સ્ટેન્ડ હોય. એવું બની શકે કે દર્શકોને
કન્ફ્યુઝ કરવા માટે મૂળ વાત બહાર ન લાવવામાં આવે અને દરેકને અલગ વિચારવા માટે મજબૂર
થવું પડે પણ અહીંયાં ડિરેક્ટર કોના તરફ છે એ જ સમજાયું નહીં! સુધીર મિશ્રા એક સારા
રાઇટર-ડિરેક્ટર હોય ત્યારે થોડું દુ:ખ થાય. સુધીર મિશ્રા એક સારા એક્ટર પણ છે. જો તમને
યાદ હોય તો મધુર ભંડારકરની ફિલ્મ ’ટ્રાફિક સિગ્નલ’માં વિલનની ભૂમિકા પણ ભજવી ચૂક્યા
છે.
ફિલ્મની વાત
ખૂબ જ સામાન્ય છે. રાહુલ વર્મા (અર્જૂન રામપાલ) એક એડ એજન્સીનો સી.ઇ.ઓ. છે. એડવર્ટાઇઝીંગ
ઇન્ડસ્ટ્રીમાં પોતે એક રુતબો ધરાવે છે. અચાનક એક કોપીરાઇટર છોકરી માય લુથરા (ચિત્રાંગદા
સિંઘ) મળી જાય છે. રાહુલ માટે માયા ખાસ છે. માયાને રાહુલ એડ ઇન્ડસ્ટ્રીની તમામ રીતભાત
શિખવાડે છે. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાય છે પણ એક ઝગડા અનુસંધાને માયા દિલ્હી
ઓફીસ શીફ્ટ થઈ જાય છે અને ત્યાંથી ન્યુયોર્ક જતી રહે છે. એ જ્યારે ત્યાંથી પરત ફરે
છે ત્યારે માયાને સીધુ જ પ્રમોશન મળે છે. માયાને ક્રીએટીવ ડિરેક્ટર ઓન બોર્ડ લેવામાં
આવે છે. માયા કંપનીના સી.ઇ.ઓ. પર સેક્સ્યુલ હેરેસમેન્ટનો કેશ દાખલ કરે છે. આ કેશ કંપની
બોર્ડની અંદર એક સોશિયલ વર્કર દિપ્તી નવલના નેજા હેઠળ ચલાવવામાં આવે છે. હવે પ્રશ્ન
એ છે કે ખરેખર આ સેક્સ્યુલ હેરેસમેન્ટ છે કે એક બીજાના ઇગો નો અથવા કંપનીના પોલીટીક્સનો
ભાગ છે. એક પછી એકને બોલાવીને થતા સવાલો અને સવાલો વચ્ચે ચાલતો ફ્લેશબેક અંત સુધી જકડી
રાખવામાં તો નિષ્ફળ ગયો જ પણ ડિરેક્ટરનો વ્યુ પકડવામાં પણ નિષ્ફળ ગયો છે. જ્યાં સુધી
સ્ક્રીનપ્લે મજબૂત ન હોય ત્યાં સુધી એક્ટર્સ પણ પોતાનું યોગ્ય એક્ટીંગ આપી શકતા નથી.
સ્ક્રીનપ્લે સાથેના ડાયલોગ્ઝ પણ ક્યાંય ખાસ અસર છોડી શક્યા નથી. વિષય એકદમ સામાન્ય
છે. આવી ઘટનાઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે એડ ઇન્ડસ્ટ્રી માટે નવાઈ પમાડે તેવી નથી. સ્ત્રી
પોતાની મરજીથી સંબંધો રાખે ત્યાં સુધી એ હેરેસમેન્ટ નથી પણ વાંધો પડતા એ રેપ, હેરેસમેન્ટ
બની શકે છે. તમે ફિલ્મ જોશો તો ફિલ્મના અંતે થશે કે ઓહો આ બધું આ કારણોસર હતું ત્યારે
તમને લાગશે કે મૂળ વાત પર પહોંચવા માટે આટલાં લાં...બાં... સ્ક્રીનપ્લેની જરૂર ન હતી!
અર્જૂન રામપાલને
જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં જોઉં છું ત્યારથી એક વાત રિમાર્ક કરી છે કે એ ડિરેક્ટરનો એક્ટર
રહ્યો છે. અર્જૂનને તમે નબળી એક્ટીંગ કરતા પણ જોયો હશે અને સારી પણ. ’રાજનીતિ’ના નાનકડા
રોલ માટે પણ તમારે વખાણ જ કરવા પડે. આ ફિલ્મમાં મજબૂત એક્ટરને વેડફ્યો છે. આ રીતે જ
ચિત્રાંગદા મને દરેક વખતે ગમી છે. આ ફિલ્મમાં પણ પોતાના રોલને વફાદાર રહી જ છે પણ વાર્તાને
વફાદાર રહેવામાં ચિત્રાંગદાનું કન્ફ્યુઝન સીધે સીધુ દેખાય આવે છે. વિપીન શર્મા ફિલ્મમાં
ગુપ્તાનું પાત્ર ભજવે છે. વિપીનની એક ખાસિયત છે કે દર્શકોને સીધો જ વિલન દેખાય આવે.
આ ફિલ્મમાં ખૂબ બેલેન્સ રહીને પોતાના પાત્રને એ ભજવી શક્યો છે. ખાસ ધ્યાન ખેંચવામાં
સફળ રહ્યો હોય તો આશિષ કપૂર. ફિલ્મમાં પ્રફુલ્લ નામનું પાત્ર ભજવતો આશિષ ખરેખર ભવિષ્યમાં
સારા રોલ મેળવશે જ. મારી એક ખાસ મિત્ર આંકાક્ષા નહેરાને ફિલ્મમાં પાયલનો રોલ ભજવતી
જોઈને ખુશ થઈ જવાયું. હું એને પ્રેમથી અક્કી કહું છું. અક્કીમાં પણ સ્પાર્ક દેખાય જ
છે. વર્ષોથી અભિનયને પચાવીને બેઠેલી દિપ્તી નવલ અંત પહેલા સુધી સારુ એક્ટીંગ કરી શકી
છે પણ ફરી અંતે એ જ સ્ટોરી કન્ફ્યુઝન આગળ ઊભી કરેલી છાપને ભૂંસી નાખે છે. અહીં એક ખાસ
વાત અલબત રહી છે કે નાના નાના પાત્રો પણ સ્ક્રીન પર દેખાય શક્યા છે. બધા પાસે કંઈને
કંઈ પરફોર્મ કરવાનો મોકો હતો જ.
ફિલ્મની સિનેમેટોગ્રાફી
સચીન ક્રિષ્ન એ સંભાળી હતી. ઘણા એવા દ્ગશ્યો હતા જ્યાં સિનેમેટોગ્રાફર રમી શકે પણ બોર્ડરૂમમાં
ચાલતા સિનના એક પછી એક કટ લગભગ સરખા જ જોવા મળતા હતા. કૅમેરા પેન થતી વખતે દ્ગશ્યો
જે રીતે બ્લર થઈ જતા હતા એ જોતા લાગ્યું કે સારો ફોકસ પુલર પણ સાથે નહીં હોય. બોર્ડરૂમમાં
ચાલતા કેશ દરમિયાન સમય બદલાતો રહે છે પણ લાઈટીંગ એમનું એમ જ છે. સમય સાથે કૅમેરા દ્વારા
લાઇટ્સની થોડી રમત થઈ હોત તો જામી શકત. શાંતનુ મિત્રાનું મ્યુઝિક સારુ હોવા છતા યોગ્ય
રીતે ફિલ્મીંગ ન થવાને લીધે ખાસ અસર છોડી શક્યું નથી. ઇન્કાર રીલીઝ કરવામાં પણ ત્રણેક
તારીખો ફરી. કદાચ વાયાકોમ 18 જાણતું હશે કે કોઈ સારી ફિલ્મ સાથે કોમ્પીટ કરી શકે એટલું
સક્ષમ ફિલ્મ નથી બન્યું. ફિલ્મના પ્રોમો જોઈને જેટલો આનંદ થયો હતો એટલો આનંદ ફિલ્મ
જોઈને ન થયો. લગભગ બધા જ ક્રિટીક્સ તરફથી ૨ કે ૩ સ્ટાર મળ્યા છે પણ હું ૨.૫ સ્ટાર આપીશ
કેમ કે આખરે મહેનતનો અડધો સ્ટાર તો મળે કે નહીં?
પેકઅપ:
"જજ સાહેબ મારે મારા પતિ પાસેથી કંઈ જ નથી જોઈતું, બસ
જે હાલતમાં હતી એ હાલતમાં છોડી દે"
"તમે કઈ હાલતમાં તમારા પતિને મળ્યા હતા?"
"વિધવા"
No comments:
Post a Comment