માણસના જીવનમાં કેટકેટલી ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક કોઈકના
જીવનમાં બનતી ઘટના એકદમ સામાન્ય હોય છે તો ક્યાંક બનતી ઘટના જીવનમાં ઝંઝાવાત ફેલાવવા
માટે પૂરતી હોય છે. લેખકનું કામ છે આવી અલગ અલગ ઘટનાઓને એકઠી કરીને એક વાત બનાવવી.
અલગ અલગ ઘટનાઓ એક ભાગમાં જોડાય ત્યારે આપણે એને વાર્તા કહીએ છીએ. ફિલ્મની ભાષામાં કહીએ
તો સ્ટોરીલાઇન. આ સ્ટોરીલાઇનને સ્ક્રીનપ્લેમાં ગોઠવવામાં આવે અને પછી સંવાદ એટલે કે
ડાયલોગથી સજાવવામાં આવે. ગમે તેટલા સારા ડાયલૉગ હોય પણ જો ફિલ્મની વાત જ ગળે ઉતરે એવી
ન હોય તો? વાર્તા પસંદ કરવામાં આમીર ખાનનો કોઈ જોટો જ ન મળે. આમ પણ આમીર જ્યારે ફિલ્મ
કરતો હોય ત્યારે તો એક એક વાત પર એ નજર રાખે. આ કારણોથી જ આમીરને મી. પર્ફેક્ટનીશ કહેવામાં
આવે છે પણ ’તલાશ’ની વાર્તા માટે એટલું તો કહેવું જ પડે કે ક્યારેક મી. પર્ફેક્ટ પણ
ભૂલ ખાઈ શકે!
રીમા કાગ્તી
એટલે ઝોયા અખ્તરની ખાસ મિત્ર. આ પહેલા ’હનીમૂન ટ્રાવેલ્સ પ્રા.લી’ ડિરેક્ટ કરી ચૂકી
છે. આ વાર્તા આમ તો વર્ષો પહેલા ઝોયા અને રીમા બંને મળીને લખી ચૂક્યા હતા. રીમાના કહેવા
મુજબ આ ફિલ્મ માટે મુખ્યપાત્રની પસંદગીમાં સૌથી પહેલો વિચાર આમીર ખાનનો જ હતો પણ આમીર
એ વખતે ’ગઝની’ માટે પોતાનો સમય ફાળવી ચૂક્યો હતો. આ પછી રીમા સૈફ અલી ખાન પાસે ગઈ પણ
સૈફ પણ પોતાના કામમાં વ્યસ્ત હતો. આમીર ’ગઝની’ પછી ઘરની ફિલ્મ ’ધોબીઘાટ’માં ધોબીપછાડ
ખાવાની તૈયારીઓમાં હતો એટલે ફરી આ ફિલ્મ માટે ’ના’ આવી. આમ પણ ફિલ્મ ચાલવા માટે યોગ્ય
કલાકારની પસંદગી એ સૌથી મહત્વનું પાંસુ છે. હમણાં જ એક ફિલ્મ શૂટ લેવલ પર છે ’શોભાઝ
સેવન નાઇટ્સ’ જે ફિલ્મ ગ્રેટ કોલમીસ્ટ શોભા ડે ના જીવન પર આધારિત છે. આ માટે ખૂબ બધી
તપાસના અંતે રવિના ટંડનને શોભા ડે તરીકે રજૂ કરવામાં આવી છે. ફરી મૂળ વાત પર પાછાં
ફરીએ. આમીર ’ધોબીઘાટ’ પછી ફ્રી થયો અને રીમાને સ્ટોરી ટેલીંગ માટે બોલાવવામાં આવી.
આમીરને વાર્તા પસંદ આવી અને પછી શરૂ થયો પસંદગીનો દોર. ફિલ્મમાં થોડા ઘણા ફેરફાર પણ
કરવામાં આવ્યા. ડાયલૉગ લખવાનું કામ ફરહાન અખ્તરને સોંપવામાં આવ્યું અને એમ છતા સંતોષ
ન થતા વધારાના ડાયલૉગ અનુરાગ કશ્યપ પાસે લખાવવામાં આવ્યા. સૌથી મહત્વની વાત તો એ રહી
કે પૂરેપૂરી ટીમ નક્કી થયા પછી બધા પાસે નોન-ડીસક્લોઝર એગ્રીમેન્ટ સાઇન કરાવવામાં આવ્યા
જેથી ફિલ્મની વાર્તા ક્યાંય લીક ન થઈ જાય.
આમીરે આ ફિલ્મ
માટે તમામ મહેનત કરી. જેમ કે એક્ટીંગના ખાસ વર્કશોપ ગોઠવવામાં આવ્યા. બધા જ આર્ટીસ્ટ્સ
ફરજિયાત આ વર્કશોપ એટેન્ડ કરતા. આમીર પોતે સ્વીમીંગ જાણે જ છે છતા આ ફિલ્મ માટે એક
ખાસ સ્વિમીંગ કોચ રાખીને અંડર વોટર સ્વીમીંગ પ્રેક્ટીસ કરી અને એ પણ પૂરા ત્રણ મહીના.
આ દ્ગશ્યો ભારતમાં ફિલ્માવવામાં આવ્યા પણ આમીરને એ યોગ્ય ન લાગતા અંડર વોટર દ્ગશ્યોને
વોટર સ્ટુડિયો લંડન ખાતે ફરીથી શૂટ કરવામાં આવ્યા. ફિલ્મ કલાકારો ગમે તેટલી વાત કરતા
હોય પણ અંતે તો ધાર્મિક જ હોય છે. જેમ કે હમણાં જ અનુપમ ખેર, હ્રિતેષ દેશમુખ, રવિના
ટંડન, અનીલ કપૂર અને સોનમ કપૂર દલાઈ લામાના આશીર્વાદ લેવા પહોંચી ગયા હતા અને બધે જ
દલાઈ લામાની મીઠી ભાષા, જ્ઞાન વિગેરેના વખાણ કરતા ફરે છે. આ રીતે જ આ ફિલ્મ રજૂ થતા
પહેલા આમીર એની મમ્મીને લઈને હજ પઢી આવ્યો. આ ફિલ્મ આમીરના જતા પહેલા રીલીઝ કરવાનું
પ્લાનિંગ હતું પણ અટકાવી દેવામાં આવ્યું. આ ઉપરાંત સી.આઇ.ડી. જેવી ખરાબ સિરિયલમાં પણ
એક પાત્ર તરીકે આવીને ફિલ્મનું પ્રમોશન કરી ગયો. આમીરને સી.આઇ.ડી. માં જોઈને એક વિચાર
તો આવ્યો જ ’દયા કુછ તો ગરબડ હૈં’
’તલાશ’ ૨૦૧૨ની
સૌથી મોસ્ટ અવેઇટેડ ફિલ્મ હતી. આ પહેલા જેમ ’ડોન ૨’ અને ’એક થા ટાઇગર’ માટે એક હાઇપ
ઊભો થયો હતો એમ જ આ ફિલ્મ માટે પણ લોકો રાહ જોઈને બેઠાં હતા વળી આ પહેલા બે હથોડા ફિલ્મ્સ
’સન ઑફ સરદાર’ અને ’જબ તક હૈં જાન’ હમણાં જ આવી અને ગઈ ત્યારે ફિલ્મ પ્રેમીઓને ’તલાશ’
માટેની અપેક્ષા વધી ગઈ હતી. ક્રીટીક્સે ગઈ કાલે રાતે જ ફિલ્મ જોઈ હશે એટલે રીવ્યુઝ
ફટાફટ છપાવવા લાગ્યા. ઓવરઓલ બધા જ લોકો એક ક્લાસ ફિલ્મ કહી રહ્યા છે પણ ફિલ્મ જોઈને
મારુ મંતવ્ય નોખુ રહ્યું. ફિલ્મમાં દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે
ફિલ્મની સિનેમેટોગ્રાફી કે. યુ. મોહનનની છે. જે રીતે રાતના દ્ગશ્યો, મુંબઈના રોડના
દ્ગશ્યો, ફિલ્મના કટ્સ, અંડર વોટર સિનેમેટોગ્રાફી બધું જ અદભૂત. આ રીતે જ એક પત્ની
તરીકે રાણી મુખર્જી માટે ’અય્યા’ના અતિ ખરાબ રોલ પછી કમબેક કરી શકી છે. કરીના કપૂર
અનુભવના અંતે બનેલી હીરોઈન છે એટલે પોતાનું કામ એકદમ સચોટ રીતે રજૂ કરી શકી છે. નવાઝુદ્દીન
સીદ્દીકી માટે તો કંઈ કહેવું જ ન પડે. નવાઝુદ્દીનનું ફિલ્મમાં લંગડાનું પાત્ર છે. ભલભલાં
મંજાયેલા આર્ટિસ્ટ પણ થાપ ખાઈ જાય પણ નવાઝુદ્દીન જે રીતે પગને લંગડાવે છે એ રીતે જ
ભાગવાનું હોય કે ફિલ્મનું કોઈ પણ દ્ગશ્ય હોય એક જ સ્ટાઇલથી પગને લંગડાવે છે. રાજકુમાર
યાદવ આમીરના સાથી ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવે છે. આ છોકરામાં ગજબ ટૅલેન્ટ છે. પોતાનું
પાત્ર ગમે તે હોય એ યોગ્ય રીતે રજૂ કરી શકે છે. આત્માઓ સાથે વાત કરતી સ્ત્રીના બહુ
નાના પાત્રમાં સેનાઝ પટેલ છે. અન્ય ફિલ્મ્સની જેમ સેનાઝને કોઈ ખાસ ડ્રેસિંગ, કોઈ ખાસ
સાધન સામગ્રી કે કોઈ પણ રીતે અલગ પાડી વિચિત્ર દેખાડવામાં નથી આવી, કદાચ એટલે જ નાના
પાત્રમાં પણ સેનાઝ ધ્યાન ખેંચે છે.
આટલું બધું સારુ
હોવા છતા ફિલ્મને ખરાબ કેમ કહી શકાય? ફિલ્મને ખરાબ નહીં પણ આમીર પાસેથી કોથળા માંથી
બિલાડાની અપેક્ષા ન જ રાખી શકાય! જ્યારે મર્ડર મીસ્ટ્રી જેવો સામાન્ય વિષય આમીર ખાન
પસંદ કરતો હોય ત્યારે અચાનક જ ફિલ્મને બીજે રસ્તે વાળીને ભૂત પ્રેતની વાતો સાથે જોડી
દેવામાં આવે તો કેવું લાગે? આ એક ઉપરાંત એક વાત સમજી જ ન શકાણી કે ડિરેક્ટરે મુખ્ય
શું બતાવવું હતું? શું ફિલ્મમાં ડિરેક્ટર આમીર ખાનની માનસિક અસમતુલા બતાવવા માગતી હતી?
એક મર્ડર મીસ્ટ્રીને સોલ્વ કરતો એક ડી.સી.પી. દેખાડવા માગતી હતી? ભૂતપ્રેતની વાર્તા
બતાવવા માગતી હતી? આત્માઓને ન માનતો આમીર ખાન આત્માને માનવા લાગે એ બતાવવા માગતી હતી?
પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ બતાવવા માગતી હતી? કે પછી રેડ લાઇટ એરિયામાં
છાશવારે બનતી ઘટના બતાવવા માગતી હતી? ફિલ્મ બે છેડેથી ચાલે છે. એક તરફ આમીર ખાન એક
હાઇ પ્રોફાઈલ એક્ટરના એક્સીડન્ટની તપાસ કરી રહ્યો છે અને બીજી તરફ આમીરની પત્ની આત્મા
સાથે વાતો કરી રહી છે. આખરે બંને વાતોને એક તો થવું જ હતું માટે બીજી તરફ ચાલતી ઘટના
એબ્રરપ્ટલી તમને ડીસ્ટર્બ કરતી રહેશે. ગમે તેટલું સસ્પેન્સ છુપાવવાની કોશિશ કરી છે
પણ બુધ્ધીશાળી પ્રેક્ષક ઇન્ટરવલથી જ સમજવા લાગે છે કે અહીં કોથળા માંથી બિલાડું જ નીકળવાનું
છે. ખૂબ મહેનત, ખૂબ સારી એક્ટીંગ, ખૂબ સારી સિનેમેટોગ્રાફી અને અદભૂત કહી શકાય એવું
મ્યુઝિક વચ્ચે એક ખૂબ સારી વાર્તા હોત તો ફિલ્મને ચાર ચાંદ લાગી જાત. જો કે આમીરની
કોઈ પણ ફિલ્મ હોય ખોટનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. આ ફિલ્મના નિર્માણનો કુલ ખર્ચ ૪૦
કરોડ થયો જ્યારે પહેલાથી જ રીલાયન્સ એન્ટર્ટાઇન્મેન્ટને ૯૦ કરોડમાં રાઇટ્સ વેચી દેવામાં
આવ્યા છે. બોક્ષ ઓફીસ પર ફિલ્મ હીટ જ રહેશે પણ એક ઉમદા દર્શક તરીકે કદાચ તમે દુ:ખી
થઈ શકો
પેકઅપ:
"તું છોકરી થઈને દારુ પીવે છે?"
"તો શું બે પેગ માટે જેન્ડર ચેઇન્જ કરાવું?"