બોલીવુડમાં ઘણા એવા ડિરેક્ટર્સ
છે જે દર્શકોની નાડ ઓળખે છે. ફિલ્મમાં કંઈ હોય કે ન હોય, વાર્તા યોગ્ય હોય કે ન હોય,
ડિરેક્શન યોગ્ય હોય કે ન હોય તો પણ ફિલ્મ ચાલી જાય છે. એમાં પણ અત્યારના સંજોગોમાં
એક ખાસ વર્ગને આકર્ષવાનો જાણે ક્રેઝ જાગ્યો છે અને કેમ ન હોય? ફિલ્મને હીટ કરવા માટે
આ વર્ગ જરૂરી છે, આ વર્ગ છે આજનું યંગીસ્તાન. ફિલ્મને ખરા અર્થમાં માણતો આ યુવા વર્ગ
જ ફિલ્મનું ભવિષ્ય નક્કી કરે છે. આજની યુવા પેઢી માટે જો કોઈ મહત્વનું પાંસુ હોય તો
એ છે ’એન્ટરટાઇન્મેન્ટ’. જે ફિલ્મમાં એન્ટરટાઇન્મેન્ટ નથી એ એમના મતે ફિલ્મ જ નથી.
ફિલ્મ જોવા વાળી ૭૫% યુવાપેઢી છે. શરૂઆતમાં વાત થઈ એ મુજબ દર્શકોને ખરા અર્થમાં ઓળખતા
ડિરેક્ટર્સમાં કરણ જોહરનું નામ આવે છે. કરણ જોહર આ પહેલા પણ ઘણી સુપર હીટ ફિલ્મ્સ આપી
ચૂક્યા છે ત્યારે આ ફિલ્મને હીટ કરાવવાની તાકાત તો ધરાવતા જ હોય. મને કરણ જોહરનું ડિરેક્શન
ક્યારેય ગમ્યું નથી પણ ’સ્ટુડન્ટ ઑફ ધ ઇયર’ ખરેખર ટાઇમપાસ મુવી છે. જેમાં યુવા પેઢીને
મઝા કરાવતી ક્ષણો છે અને હળવી શૈલીમાં પીરસાતું મનોરંજન પણ છે. ફિલ્મમાં ઘણા નબળા પાસાઓ
પણ છે છતા માણવા લાયક ફિલ્મ તો ખરી જ.
આમ તો કરણ જોહર વર્ષોથી ફિલ્મ
ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ રહ્યો છે પણ ખરા અર્થમાં ફિલ્મમાં કરણની એન્ટ્રી કરાવી શાહરુખ
ખાને. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું કહેવાય છે કે શાહરુખ અને કરણ એટલાં બધા ખાસ મિત્રો
છે કે લોકો એમને ઘણીવાર પતિ-પત્ની સમજી બેસે છે. કરણ જાહેરમાં પણ એવું તો સ્વીકારી
જ ચૂક્યો છે કે એ ’ગે’ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી વાત સામાન્ય છે. ચાલો આપણે આવી
અંગત બાબતોમાં માથુ મારવાને બદલે કરણ જોહરના ડિરેક્શન વિષે થોડીક વાતો કરીએ. કરણ શાહરુખના
કહેવાથી ’દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યો છે. આ
ફિલ્મ માટે કરણે આદિત્ય ચોપરાને સ્ક્રીનપ્લે લખવામાં પણ મદદ કરી હતી. આ પછી તો લગભગ
શાહરુખની કોઈ પણ ફિલ્મ હોય કરણનો ક્યાંક ને ક્યાંક રોલ રહ્યો છે. પુરા અનુભવ પછી કરણે
પોતે એક ફિલ્મ લખી અને ડિરેક્ટ કરવાનું નક્કી કર્યું. આ ફિલ્મ હતી ’કુછ કુછ હોતા હૈં’. ફિલ્મ
હીટ તો ગઈ જ ઉપરાંત આ ફિલ્મને બેસ્ટ ફિલ્મફેર એવૉર્ડ અને નેશનલ ફિલ્મ એવૉર્ડ ફોર બેસ્ટ
પૉપ્યુલર એન્ટરટાઇન્મેન્ટ પણ મળ્યો. બસ કરણભાઈ કી તો નીકલ પડી. આ પછી ’કભી ખુશી કભી
ગમ’, ’કભી
અલવિદા ના કહેના’ અને ’માય નેમ ઇઝ ખાન’ ડિરેક્ટ કરી. આ બધી જ ફિલ્મ્સ બોક્ષ ઓફીસ
પર સક્શેસ રહી. સારુ મ્યુઝિક, લોકોને ગમે તેવા ઇમોશન્સ, ભવ્ય સિનેમેટોગ્રાફી જેવી તમામ
બાબતોનો ખ્યાલ રાખીને ફિલ્મ્સ બનાવી. કરણ જોહર પોતાની જાતનું માર્કેટિંગ કરવા માટે
સક્ષમ પણ ખરો એટલે બહુ ઓછા લોકો હશે જે કરણના નામથી પરિચિત નહી હોય. કરણ પ્રોડ્યૂસર
તરીકે પણ ખૂબ જ સફળ રહ્યો છે. ’દોસ્તાના’, ’વેક અપ શીદ’, ’અગ્નીપથ’ જેવી
ઘણી ફિલ્મ એણે પ્રોડ્યુસ પણ કરી છે. કરણ સાથે જ્યારે સ્ટુડન્ટ ઑફ ધ ઇયર માટે વાત થઈ
ત્યારે એણે એક ખાસ વાત કહી જે મને ખૂબ ગમી. કરણના કહેવા મુજબ ’હું એક સ્ટુડન્ટ રહી
ચૂક્યો છું એટલે એવી કેટલીએ બાબતો હતી જે મારે કરવી હતી પણ નહોતો કરી શક્યો એટલે મને
થયુ કે આ ફિલ્મ દ્વારા હું એવી વાતો રજૂ કરુ જે લોકો પસંદ કરે. આ ફિલ્મ યુવા વર્ગને
પણ આકર્ષે અને કૉલેજ પૂરી કરી ચૂકેલા લોકોને પણ પોતાના સ્મરણો તાજા કરવાનો મોકો આપે’. વાત
એકદમ સાચી નીકળી. મને પહેલીવાર કરણની ફિલ્મ જોવા લાયક લાગી છે. આ પહેલાની લગભગ બધી
જ ફિલ્મ્સમાં ઓવર ઇમોશન, ઓવર એક્ટીંગ અને દુ:ખથી વિશેષ કંઈ નવું નથી લાગ્યું પણ બોક્ષ
ઓફીસ પર ચોક્કસ ચાલી છે. આનું કારણ એ પણ હોય શકે કે સ્ટાર વેલ્યૂથી ભરપૂર ફિલ્મ્સ જ
કરણે બનાવી છે.
ફિલ્મમાં લીડ કરતા ત્રણે ત્રણ
આર્ટિસ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. ફિલ્મનો હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા આમ તો ગુજરાતી
છે. સુરતમાં રહેતો સિદ્ધાર્થ આ પહેલા માત્ર મોડેલ તરીકે થોડી એડ કરી ચૂક્યો છે. આ ફિલ્મમાં
અભિમન્યુ નામથી કૅરેક્ટર કરતો અને સ્ટુડન્ટ ઑફ ધ ઇયર બનવા ઝઝૂમતો યુવાન છે. સિધ્ધાર્થમાં
પુરી હીરો વેલ્યૂ છે. ફિલ્મનો બીજો હીરો છે વરુણ ધવન. વરુણ ધવન એટલે આ પહેલા ઘણીવાર
આપણને પેટ પકડીને હસાવી ચૂકેલા ડિરેક્ટર ડેવીડ ધવનનો દીકરો. ફિલ્મમાં રોહન હાંડા (વરુણ
ધવન) એટલે એક ખૂબ મોટા બીઝનેસમેન અશોક નંદા (રામ કપૂર)નો પુત્ર. ઘરથી અલગ વિચાર ધરાવતો,
બીઝનેસને બદલે ઇમોશનથી જીવતો છોકરો જરા પણ નબળો આર્ટિસ્ટ નથી. ફિલ્મમાં ત્રીજુ ઇન્ટ્રોડક્શન
થયુ છે આલીયા ભટ્ટનું આલીયા એટલે મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની પુત્રી. આલીયાનો ચહેરો
ખરેખર એક માસૂમ બાળકી જેવો જ છે. કદાચ ફિલ્મ દરમિયાન એવુ પણ લાગે કે આ છોકરીની પ્રેમ
કરવાની ઉમર છે કે નહીં! ફિલ્મમાં આલીયા સાનિયા સિંઘાનીયા નામનું પાત્ર ભજવે છે. આમ
તો એ ગર્લ ફ્રેન્ડ વરુણની છે પણ કહાની મેં ટ્વીસ્ટ હૈં તો સિધ્ધાર્થને પ્રેમ કરવા લાગે
એ સ્વભાવિક છે. તો પણ અહીં એક ખુલાસો કરી દઉં કે કોઈ પણ પ્રકારના મેલોડ્રામા વગર આ
ટ્વીસ્ટ આવ્યો છે. ફિલ્મમાં એક ઓર ઇન્ટ્રોડક્શન છે કેયોઝ ઇરાનીનું. કેયોઝ એટલે એક્ટીંગના
મહાન બાદશાહ બોમન ઇરાનીનો પુત્ર. ફિલ્મમાં પોતાના નામથી જ એણે ભૂમિકા ભજવી છે. ફિલ્મનું
ઇન્ટ્રોડક્શન પણ કેયોઝથી જ થયું છે. શરૂઆતના તબક્કાઓમાં ઓકે ઓકે લાગતો કેયોઝ ફિલ્મના
અંતમાં બાઝી મારી જાય છે. ઋષિ કપૂરનું તો કંઈ કહેવું જ ક્યાં પડે? સ્કૂલના ડીન યોગીન્દર
વશિષ્ટ (ઋષિ કપૂર) છે. કરણ જોહરે પોતાના લક્ષણો થોડા આપીને ઋષિ કપૂરને ગે જેવા લક્ષણો
આપ્યા છે પણ ઋષિ કપૂર બાખુબી નિભાવી શક્યા છે. ફિલ્મમાં સ્પોર્ટ્સ કોચ તરીકે રોનીત
રોય છે. ઋષિ કપૂરની કોચ પર નજર બગાડવાની સ્ટાઇલ પર તમે ચોક્કસ વાહ બોલશો જ. સિધ્ધાર્થની
દાદીની ભૂમિકામાં ફરીદા જલાલ છે. કેટલા વર્ષોનો અનુભવ ફરીદા જલાલ પાસે છે! તો પછી નાનુ
પાત્ર હોય કે મોટુ ફરીદા જલાલ તો ફરીદા જલાલ જ છે. કરણ સાથે બાળ કલાકાર તરીકે કામ કરી
ચૂકેલી શાના સઇદ હવે જુવાન થઈ ગઈ છે. જૂના સંબંધોને યાદ રાખીને કરણે આ ફિલ્મમાં તાન્યા
ઇસરાની નામની સ્ટુડન્ટનું પાત્ર આપ્યું છે. અન્ય સ્ટુડન્ટ્સના પાત્રોમાં મનજોત સિંઘ,
અક્ષય આનંદ, પ્રાચી શાહ, મનીની મીશ્રા જેવા અનેક યુવા કલાકારો છે જેમણે પોતાના ગજા
પ્રમાણે પોતપોતાનું યોગદાન આપ્યું જ છે.
વિશાલ-શેખરનું મ્યુઝિક વખાણવા
લાયક છે. જૂના ગીતોનો ફિલ્મમાં જે નવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે એ અદભૂત છે. મ્યુઝિક
પહેલા રીલીઝ થયુ ત્યારથી જ હીટ રહ્યું છે એટલે ફિલ્માંકનમાં વધુ સારુ લાગે છે. આધુનિક
યુગના ઇન્ટ્રુમેન્ટસને આગવી રીતે રજૂ કરવુ એ બહુ અઘરું કામ નથી તો પણ એટલું સહેલુ પણ
નથી. લગભગ બધા જ ગીતો કર્ણપ્રિય તો છે જ. એ રીતે અયંકા બોઝની સિનેમેટોગ્રાફી પણ સારી
રહી. સાંભળ્યું છે કે આખુ ફિલ્મ રેડ ૩ કૅમેરામાં રેકૉર્ડ કરવામાં આવ્યું છે એટલે ઘણી
જગ્યા પર ઓવર સોલ્ડર શોટમાં ડી-ફોકસ દ્ગશ્યો નજરે ચડે છે પણ ઓવરઓલ પબ્લીકને ધ્યાનમાં
આવે એવા નથી.
આ થઈ ફિલ્મના સારા પરિબળોની વાત,
તો થોડી ક્ષતિઓ વિષે પણ વાત કરવી જરૂરી બને. ફિલ્મમાં જ્યારે સ્પોર્ટ્સ ઉમેરવામાં આવે
છે ત્યારે એક્સાઇટ્મેન્ટ એક હદથી વધારે હોય છે. તમે યાદ કરો ’જો જીતા વહી સિકંદર’, તમે
યાદ કરો ’ચક દે ઇન્ડિયા’ તમે યાદ કરો ’ઇકબાલ’. આ બધી જ ફિલ્મ્સ જોયા પછી હું દાવો કરી શકુ કે તમે જીત વખતે જકડાય ગયા જ હશો અને એક્સાઇટમેન્ટનું
એક લેવલ પણ જબરજસ્ત જ હોય છે. આ ફિલ્મમાં અંતની કોમ્પીટીશન એવું કંઈ પણ એક્સાઇટમેન્ટ
ઊભું કરવામાં નિષ્ફળ રહી છે. એ રીતે જ નવી રીતે સ્ટોરીની રજૂઆત ચોક્કસ પણે થઈ જ છે
છતા ફિલ્મ નકામી વાતોમાં ઘણો સમય બગાડે છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે વાત સ્કૂલની
છે પણ સ્ટુડન્ટ્સની ઉમર કૉલેજ જેટલી લાગે છે. એમ છતા પણ ફિલ્મને ૩.૫ સ્ટાર આપી જ શકાય.
પેકઅપ:
દબંગ2નો ડાયલૉગ આવો કંઈક હશે
“ગાડી
ચલાને સે ડર નહીં લગતા સા’બ, પેટ્રોલ ભરવાને સે ડર લગતા હૈં
for me good to read ur write up then to watch movie...:P
ReplyDeleteMaytri,
DeleteHowever I am able to write because movies are there... :-)
Sam