Friday, 12 October 2012

ઐય્યા: કૉમેડીના નામે હથોડો




         ફિલ્મ બધાંના જીવન સાથે જોડાયેલી હોય છે. દરેક પાસે પોતપોતાના ફિલ્મ માટે અભિપ્રાયો પણ હોય છે. ઘણી ફિલ્મ એક વ્યક્તિને પસંદ ન પડે એ બીજી વ્યક્તિને પસંદ પડે પણ ખરી. દરેક વ્યક્તિને ગમતું ઝોનર હોય છે. ફિલ્મના અનેક ઝોનર વચ્ચે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખેલુ ઝોનર હોય તો એ છે કૉમેડી ઝોનર. આ પાછળનું એક કારણ એ પણ છે કે લોકો ફિલ્મ જોવા એટલાં માટે જાય છે કે તેમનો થાક ઊતરી જાય, મગજ ફ્રૅશ થઈ જાય અને ચહેરા પર હાસ્ય સાથે મિત્રો વચ્ચે કૉમેડી દ્ગશ્યોની વાતો કરતા કરતા ફરી આનંદ મેળવે. ફિલ્મમાં બીજો મસાલો ગમે તેટલો હોય પણ જો કૉમેડી ન હોય તો ન ચાલે. આ શીલશીલો આજકાલનો નથી, આ તો જૂની ફિલ્મ્સથી ચાલ્યું આવે છે. એક જમાનામાં મહેમુદના ભાવ ફિલ્મના હીરો કરતા પણ વધારે હતાં. અમિતાભના આવ્યા પછી હીરો પોતે જ હાસ્ય પીરસતાં થયા. આ કારણથી જ કદાચ રાની મુખર્જી લાંબા સમય પછી ફરી પાછી જોવા મળી અને એ પણ એક કૉમેડી ફિલ્મ દ્વારા પણ મારા જેવા ફિલ્મ પ્રેમી માટે આ ફિલ્મ જોવું એ દુ:ખદ ઘટના રહી. ઐય્યા એટલે કૉમેડીના નામે સૌથી મોટો હથોડો!!


        રાની મુખર્જી એટલે અભિનયનો ખજાનો. મને બરાબર યાદ છે મેં રાનીનું પહેલું ફિલ્મ ’રાજા કી આયેગી બારાત જોયું. બહાર આવીને પહેલું વાક્ય એ કહેલું કે આ છોકરીમાં દમ છે. એકટીંગનો કમાલ તો છે જ પણ સાથેસાથે આ છોકરી પાસે યુનીક અવાજ છે. આ છોકરી ફિલ્મ ક્ષેત્રે નોંધનીય કામ કરશે. આ પછી તો રાનીની કેટલીયે ફિલ્મ્સ આવી જે રીમાર્કેબલ રહી. અમિતાભ સાથેનું ’બ્લેક જોયું ત્યારે તો આફરીન પોકારી જવાયું. રાનીના એક ઇન્ટર્વ્યૂમાં એવું પણ સાંભળ્યું કે ’મને વધારે ફિલ્મ કરવા કરતા, ક્વોલીટી ફિલ્મ કરવાનો શોખ છે. આ ફિલ્મ જોઈને ચોક્કસ પણે રાનીને પૂછવાનું મન થાય છે કે ’આ ક્વોલીટી?’. એક તો ફિલ્મમાં રાનીને લગ્ન લાયક છોકરી બતાવવામાં આવી છે પણ રાણીની ઉમર હાલ ૩૬ થઈ અને એ બરાબર ૩૬ની જ લાગે છે. ૩૬ વર્ષની સ્ત્રી જ્યારે જેવી લાગવી જોઇએ એવી જ આ ફિલ્મમાં રાની મુખર્જી લાગે છે. રાનીએ દરેક હીરોઇન જેમ જતી ઉમરે ટકી રહેવા માટે કરે છે એમ જ હોટ દેખાવાનો પ્રયત્ન કર્યો છે. ગીતમાં આટલાં જાડા શરીર સાથે જે રીતે ડાન્સ કરવાની કોશિશ કરી છે અને જે રીતે ભદ્દું લાગે એ રીતે જ ઓકવર્ડ લાગે છે. મેં રાનીને આટલી ખરાબ લાગતી ક્યારેય નથી જોઈ. ફિલ્મના દરેક ગીતમાં જાડું પેટ, જાડી કમર અને લટકા ઝટકા તમને બોર કરી જશે. ઓવર એક્ટીંગ તો છે જ પણ આ ફિલ્મમાં રાનીએ તો હદ વટાવી છે.

        ફિલ્મના ડિરેક્ટર છે ’સચીન કુંદલકર. સચીન માટે એકવાર દેશ આખુ વાહ વાહ બોલી ચૂકયુ છે. સચીનની કેરિયરની શરૂઆત આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે થઈ હતી. એફ.ટી.આઇ.માં ફ્રાન્સની સ્કૉલરશિપથી ફિલ્મ કોર્સ કરી ચૂકેલા સચીન મરાઠી એટલે થોડી શોર્ટ ફિલ્મ્સ બનાવીને મરાઠી સિનેમા તરફ વળ્યા. આ પહેલા સચીનની એકાદ-બે ફિલ્મ્સ કદાચ આવી પણ છે પણ નોંધનીય નથી રહી. સચીનની મરાઠી ફિલ્મ ’ગંધ નેશનલ એવૉર્ડ જીતી ચૂકી છે. આ ફિલ્મ એટલે માણસની ગંધવૃત્તિને ધ્યાનમાં લઈ બનેલી ત્રણ વાર્તાઓનું મીલન. ફિલ્મના ક્રીટીક્સ તો ખૂબ વખાણ કરી ચૂક્યા છે પણ મોટાભાગે ડિરેક્ટર માટે શરૂઆતમાં એવૉર્ડ મળવો એ ખરાબ નસીબ માનવામાં આવે છે. ’ગંધ ફિલ્મની જ એક વાતનું મોટું સ્વરૂપ એટલે ’ઐય્યા. એકવાર વાત સફળ થઈ હોય એટલે એ સફળ જ થાય એવું કોઈ પણ સંજોગોમાં સ્ટેટમેન્ટ આપી શકાય નહીં. સચીન અહીં ભૂલ ખાય ગયા. ’ગંધ ભલે નેશનલ એવૉર્ડ જીતી ચૂકી હોય પણ ’ઐય્યા બે-ચાર દિવસ થિયેટરમાં ટકી શકે તો પણ ઘણું. અનુરાગ કશ્યપ હાલમાં ખૂબ જાણીતો થયો છે અને ખૂબ રૂપિયા પણ કામાય ચૂક્યો છે એટલે આવા પ્રયોગ કરવાનું ચાલે. મારા ફેવરીટે ડિરેક્ટર અનુરાગનું નામ જ્યારે પ્રોડ્યુસરમાં વાંચ્યું ત્યારે મને થયુ કે ચોક્કસ પણે ફિલ્મ જોવું જ જોઇએ. સચીનના ખૂબ ખરાબ ડિરેક્શન પર અનુરાગને કેમ ભરોસો બેઠો હશે કે પછી બીજા કોઈ કારણો હશે એ તો અનુરાગ જ જાણે!


        ફિલ્મમાં મરાઠી ડ્રામા કલાકાર ’સુબોધ ભાવે અને મલયાલમ સ્ટાર ’પૃથ્વીરાજ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. સુબોધ ઘણી બધી સિરિયલ્સમાં જોવા મળ્યો છે. સુબોધ માટે ફિલ્મમાં જે પ્રકારનો રોલ હતો એ પ્રકારનું જ એનું વ્યક્તિત્વ છે એટલે ધારવા છતા ઓવર એક્ટીંગ કરાવી શકાય નથી. કદાચ આખી ફિલ્મમાં જો કંઈક જોવા લાયક હતું તો સુબોધનો અભિનય. પૃથ્વીરાજ રાનીનો પ્રેમી છે પણ બંનેને જ્યારે જ્યારે સાથે જોયા ત્યારે માં-દીકરાની ફિલ આવી. બંને વચ્ચેના ઉમરનો ફેર સીધેસીધો જ દેખાય આવે છે. આમ તો રાની પર જ આખુ ફિલ્મ કેન્દ્રીત છે તો પણ ફિલ્મનો હીરો તો પૃથ્વીરાજ જ છે. કોઈ પણ એંગલથી હીરો ન લાગતો પૃથ્વીરાજ ફિલ્મના અંતમાં થોડું બોલે છે પણ આ બોલવું પણ એને હીરો સાબિત કરી શક્યું નથી. મને લાગે છે કે દરેક કલાકારને એક ખાસ સૂચના આપવામાં આવી હશે કે ઓવર એક્ટીંગ અને મેલોડ્રામા કરવાનું છે એટલે જ બધા એકથી એક ચડે એટલું ઓવર એક્ટીંગ કરતા જોવા મળ્યા. ’નિર્મિત સાવંત અને ’સતીષ આલેકર ફિલ્મમાં રાનીના માતા-પિતા છે. પિતા હજુ પણ થોડા વાજબી એક્ટીંગ કરી શક્યા પણ માતા તો એક સમયે એલર્જી થાય એટલી હદે ઓવર એક્ટીંગ કરે છે. ’આમેય વાઘ રાનીનો ભાઈ થયો છે. સતત કુતરાઓ સાથે રમતો અને કુતરાને જ પોતાની દુનિયા બનાવી રહેતો ઓવર એક્ટીંગનો બાદશાહ છે. આમેયને મેં એક મરાઠી ડ્રામામાં જોયો હતો ત્યારે મેં એને પૂછ્યું હતું કે ’કહીં આપ પુરાને એક્ટર ટી.પી. જૈન કે બેટે તો નહીં હૈં?’ જો કે ટી.પી. જૈન સાથે આમેયને કંઈ જ લાગતું વળગતું નથી છતાં એ ઘણી હદે ટી.પી. જૈન જેવો લાગે છે. ફિલ્મમાં ધરાર કૉમેડી ઉમેરવા માટે એક દાદીનું પાત્ર ઉમેરવામાં આવ્યું છે. ફિલ્મમાં દાદી ઓટોમેટીક વ્હીલચેર પર ગમે ત્યાં ફરતા નજર આવશે. આ દાદીનું પાત્ર ’જ્યોતી સુભાષે ભજવ્યું છે. ત્રાસની હદ હોય એટલું ઓવર એક્ટીંગ ઉપરાંત હથોડો મારતા ડાયલોગ્ઝ. જનરલી ફિલ્મમાં દાદીનું પાત્ર એવું રહ્યું છે કે બધાં વખાણ કરતા હોય પણ અહીં આ દાદી તમને વખાણનો એક પણ મોકો આપશે નહીં. રાની એક પેઇન્ટિંગ કૉલેજમાં ક્લાર્કની નોકરી કરે છે એ સાથે એની એક દોસ્ત બને છે જે પહેલેથી જ સાયકો બતાવવામાં આવી છે. કદાચ ડિરેક્ટરને અંદાજ હશે જ કે ઓવર એક્ટીંગ જ કરાવવું છે તો આવું કંઈક તો ઉમેરવું જ પડશે. આ પાત્ર ’અનીતા દાતે એ ભજવ્યું છે. ફિલ્મના અંતમાં આ પાત્ર મીનાક્ષી (રાની મુખર્જી)ના ભાઇ નાના (અમેય વાઘ)ની સાથે જોડાય જાય છે. અનીતા-આમેય પર એક ગીત ફિલ્માવવામાં આવ્યું છે. ગલગલીયા કરાવાની કોશિશ અને ખરાબ શબ્દો પણ ઉમેરવામાં આવ્યા છે તો પણ જામ્યું તો નહીં જ.


        'અમીત ત્રીવેદીને હું ખૂબ સારો મ્યુઝિક ડિરેક્ટર માનુ છું. અમીત અત્યાર સુધી યુનિક મ્યુઝિક આપી શક્યો છે. અમીતના અમુક ગીતો અદભૂત હોય છે. આમ છતા પણ આ ફિલ્મમાં અમીતની ક્રીએટીવીટી પણ માણવા ન મળી તો પણ અમીતનું સંગીત થોડી ઘણી રાહત આપે છે.


        આમ તો ફિલ્મ માટે એવું બને છે કે લેખક બીજા હોય ત્યારે ’વાર્તા જ નબળી હતી એવું કહી છૂટી શકાતું હોય છે પણ અહીં તો સ્ક્રીનપ્લે, ડાયલૉગ, સ્ટોરી બધું જ સચીન કુંદલકરનું એટલે કોઈ રીતે પણ છૂટી શકાય એમ નથી. આ પહેલા પણ વિચિત્ર ખાનદાન હોય એવું ઘર ઘણી બધી ફિલ્મ્સમાં જોયું છે પણ આથી ખરાબ રીતે ચિત્રાંકન થયુ હોય એવું ક્યારેય નથી જોયું. ખીચડી જેવી સિરિયલમાં પણ ઓવર એક્ટીંગ કરતા અને ગાંડા ગદડતા ફેમિલી મેમ્બર્સ જોયા છે તો પણ એમાંથી એક સેન્સ બહાર આવે છે અને એક ખાસ પ્રકારની કૉમેડી બહાર આવે છે. ઐય્યામાં ન તો કૉમેડી છે, ન ઇમોશન છે, ન એક્ટીંગ છે, ન વાર્તા છે કે ન તો પ્રેમ કહાની છે. સ્ટાર આપવાની હિંમત નથી થતી એટલે ઝીરો નથી આપતો કારણ કે ઝીરોને કદાચ ખરાબ લાગી જાય, પણ તમારા જીવનની કલાકો મહત્વની હોય તો સાચવજો અને સદુપયોગ કરજો પણ ઐય્યામાં નહીં બગાડતા.




પેકઅપ:

"એક હાથ ફ્રાયપેન પર હોય, બીજા હાથમાં મોબાઇલ, એક કાન કુકરની સીટી પર હોય, બીજા કાનમાં ગપસપ ચાલતી હોય, એક આંખ ટી.વી. જોતી હોય બીજી આંખ પાડોશી શું કરે છે એના પર હોય.... કોણે કહ્યું સ્ત્રીની જિંદગી સહેલી છે?"

2 comments: