મીસ
તનકપુર હાજીર હો: સારી ફિલ્મની ખરાબ રજૂઆત
વાર્તાનું મૂળ ખૂબ જ સરસ છે. ખાપ પંચાયતો
દ્વારા આપવામાં આવતા મનઘડંત ફેંસલાઓ સાથે ઊભો થતો વ્યંગ. ગામના મુખીની યુવાન પત્ની
એક ગામવાસીની સાથે સંબંધ રાખે છે અને એ વાતની જ્યારે મુખીને ખબર પડે છે એટલે પોલીસ
અને મળતિયાઓને મળીને યુવાનના ઉપર બળાત્કારનો આરોપ મૂકવામાં આવે છે. ફરિયાદ નોંધાય છે
અને કોર્ટમાં કેશ પણ ચાલે છે. હવે વાત ખૂબ જ સરસ પણ જો ફિલ્મનો સ્ક્રીનપ્લે જુઓ તો
એટલી હદે ધરાર હસાવવાનો પ્રયત્ન કે રડવું આવે. ફિલ્મની શરૂઆતની ૧૦ મીનીટ સુધી તો તમને
ખબર જ ન પડે કે આ દ્ગશ્યને ફિલ્મ સાથે શું લેવા દેવા? છાણ ઉડાડવું, ઓવર એક્ટીંગ કરવી,
ધરાર હરિયાણવી ભાષા જે આર્ટિસ્ટ એટલી ખરાબ રીતે બોલે કે આ કરતા હિન્દી બેઝ હોત તો સારુ
થાત જેવી અનેક બાબતો પછી એમ કહેવાય કે એક સારી ફિલ્મ બની શકે તેમ હતી પણ એટલી હદે સ્ક્રીનપ્લે
અને ડિરેક્શનની ખામી આવી કે આખી રજૂઆત ખરાબ રહી....
વિનોદ કાપરીનું આ પહેલું ફૂલ લેન્થ ફિલ્મ
છે પણ તેઓ મીડિયા સાથે વર્ષોથી જોડાયેલા છે. ૧૯૯૩માં ’અમર ઉજાલા’ અખબારમાં તંત્રી હતા.
૧૯૯૫માં તેમણે ઝી ન્યૂઝ એંકર તરીકે જોઇન કર્યું. એ સમયે ઝી ન્યૂઝ ટોપ ચેનલ હતી. ઝી
સાથે તેઓ ૨૦૦૪ સુધી જોડાયેલા રહ્યા અને પછી સ્ટાર ન્યૂઝ ઇન્ડિયા સાથે જોડાયા. બહુ જ
ઓછા સમયમાં મેનેજીંગ એડિટર બની ગયા. હાલમાં પણ ઇન્ડિયા ટીવીમાં મેનેજીંગ એડિટરની પોસ્ટ
પર છે. વિનોદ કાપરીની ૧૦૦થી વધારે ડોક્યુમેન્ટરી હશે જે તેમણે ડિરેક્ટ કરી હશે અને
લખી હશે. વિનોદને નેશનલ એવૉર્ડ પણ મળેલો છે. રાજસ્થાનનો એક કિસ્સો છે જ્યાં એક છોકરાને
ભેંસ પર બળાત્કાર કરવા માટે સજા કરવામાં આવી હતી. આ મુખ્ય વાતને ધ્યાનમાં લઈને તેમણે
હરિયાણા બૅકગ્રાઉન્ડ નક્કી કરી ફિલ્મ લખી. ફિલ્મમાં સત્ય ઘટના સમાયેલી છે આમ જુઓ તો
આજની પોલીટીકલ ઘટનાઓ પરનો એક જોરદાર વ્યંગ પણ વિનોદ કાપરી મૂળ તો ડોક્યૂમેન્ટરીના માણસ
એટલે ફિલ્મ કરતા ડોક્યૂમેન્ટરી વધારે લાગે છે...
ભારતમાં એક ખૂબી છે કે જો તમે કંઈ પણ નવીન
કરો અને સારુ કરો તો તરત જ વિરોધ થાય છે. આ ફિલ્મ વિષે જ્યારે ખાપ પંચાયતોને ખબર પડી કે તરત જ ફતવો બહાર આવ્યો
કે જે કોઈ ફિલ્મ ડિરેક્ટરનું માથુ હાજર કરશે તેને ૫૧ ભેંસ ભેટ આપવામાં આવશે. વિનોદ
કાપરીનો વિરોધ હતો કે ફિલ્મ જોયા પહેલા કેમ આવા ફતવા બહાર પાડતા હશે અને હવે માની લો
કે ફિલ્મમાં ખાપ પંચાયતનો વિરોધ પણ કરવામાં આવ્યો છે તો પણ ફિલ્મ માત્ર ફિલ્મ જ છે
તેને હકીકત સાથે કોઈ જ નિસ્બત નથી. આવી ઘટના સામે સરકાર ફિલ્મ સર્જકની પડખે કેમ નહીં
ઊભી રહેતી હોય? તો પછી સેન્સર બોર્ડનો અર્થ શું છે? જો ફિલ્મમાં કોઈ વાંધાજનક દ્ગશ્યો
હોય તો સેન્સર બોર્ડ કાતર ફેરવે જ છે. આવું જ વર્તન રહ્યું તો સારા ક્રીએટીવ મૂવી બનશે
જ નહીં. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માંધાતા કહી શકાય તેવા લોકો અમિતાભ બચ્ચન, રાજકુમાર હીરાણી,
સુભાષ કપૂર જેવા લોકોએ ટ્વિટર પર પોતાનો ઓપીનીયન આપ્યો કે ખૂબ જ સરસ ફિલ્મ હશે જો કે
એ વાત અલગ છે કે ફિલ્મ જોયા પછી તેમનો અભિપ્રાય બદલાઈ પણ શકે! ટ્રેલર રીલીઝ થતાની સાથે
જ માત્ર ત્રણ દિવસમાં ૧૦ લાખથી ઉપર હીટ મળી હોય એવી ઘટના પણ પહેલીવાર જ બની છે. આ વાત
જ સાબિત કરે છે કે લોકોને વિષય કેટલો પસંદ પડ્યો છે પણ વિષયની માવજત અંગે તો ફિલ્મ
જોયા પછી જ નક્કી થઈ શકે...
જાણીતા કલાકારો લેવાના બદલે સારા કલાકારો
લઈ નાના બજેટની ફિલ્મ બનાવવી એ યોગ્ય નિર્ણય છે. અનુ કપૂર એટલે એક દરજજાના કલાકાર.
અનુ કપૂરનું મૂળ નામ અનીલ કપૂર પણ તેમણે સ્ક્રીન નામ અનુ કપૂર પસંદ કર્યું. છેક ૧૯૮૩થી
ફિલ્મ સાથે જોડાયેલા રહ્યા છે. ખૂબ જ નાના રોલમાં તેમનું પહેલું ફિલ્મ ’મંડી’ હતું.
જો કે તેમનું શૂટની દ્રષ્ટિએ ગણીએ તો પહેલું ફિલ્મ ’એક રુકા હુઆ ફૈસલા’ હતું. આ પછી
તેમની ૧૯૮૮ની ફિલ્મ ’તેઝાબ’ સુધીની સફર તો ઠીક ઠીક રહી પણ ’તેઝાબ’ પછી તેમનો ગ્રાફ
સતત ઉપર જતો ગયો. આ પહેલા પણ તેઓ ટેલિવિઝન સીરીઝ કરી ચૂક્યા હતા પણ ભાગ્યે જ કોઈ હશે
જેને પૂછો તો અંતાક્ષરી યાદ ન આવે. આજે પણ જો સમય મળે તો બીગ એફ.એમ. પર તેમને ’સુહાના
સફર વીથ અનુ કપૂર’માં સાંભળી લેજો. અવાજ, એક્ટીંગ અને ૩૦ વર્ષના અનુભવનો નિચોડ તેમનામાં
જોવા ન મળે તો જ નવાઈ. આ ફિલ્મમાં ગામના સરપંચની ભૂમિકામાં છે. હર્ષિતા ભટ્ટનું આમ
નામ તો ઋષિતા ભટ્ટ છે પણ લોકો હર્ષિતા તરીકે જ ઓળખવા લાગ્યા છે. ૨૦૦૧માં શાહરુખ ખાન
સામે ’અશોકા’માં રોલ કર્યા પછી ફિલ્મ તો દર વર્ષે મળતી રહી પણ રોલ કપાતો ગયો. હર્ષિતાની
સરસ એક્ટીંગ જોવી હોય તો ’હાસિલ’ જોઈ લેવી. આ ગુજરાતી છોકરી આ ફિલ્મમાં માયા નામના
પાત્રમાં છે. ઓમ પૂરી માટે પણ એમ જ કહેવું પડે કે દેખાવ નહીં પણ એક્ટીંગ અને અવાજ પર
તમે હીરો બની શકો. થિયેટર સાથે જોડાયેલા અને એફ.ટી.આઈ.આઈ.માં અભ્યાસ કરી ચૂકેલા ઓમ
પુરીનું પહેલું ફિલ્મ ૧૯૭૬માં ’ઘાંસીરામ કોટવાલ’ મરાઠી ફિલ્મ હતું. આ પછી ૧૯૭૭ સુધી
તેમણે થોડી ફિલ્મ્સ કરી પણ ૧૯૮૦ની ફિલ્મ ’આક્રોશ’ પછી તો તેમની એક છાપ ઊભી થઈ. અમરીશ
પુરી, શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, સ્મીતા પાટિલ જેવા આર્ટ ફિલ્મ્સ કરતા મહાન કલાકારો
વચ્ચે પણ તેમની પસંદગી મુખ્ય નાયકમાં થતી. આટલી લાંબી ઇનિંગમાં નેશનલ એવૉર્ડ સહિત અસંખ્ય
એવોર્ડ્સ પણ જીત્યા. સમય સાથે તેમણે બધી જ પ્રકારે પોતાનામાં ફેરફાર લાવ્યો છે. ક્યારેક
વિલન તો ક્યારેક કોમેડિયન બનીને પણ તેમની વર્સેટાઇલીટીનો પ્રેક્ષકોને અનુભવ કરાવ્યો
છે. આ ફિલ્મમાં તેઓ મતંગ સિંઘના પાત્રમાં છે. રાહુલ બગ્ગા લીડ રોલ પહેલીવાર કરી રહ્યો
છે. લીડ રોલમાં તે પોતાનું જરા પણ વજન બતાવી નથી શક્યો. સંજય મીશ્રા, રવિ કિશન ઠીક ઠીક રહ્યા છે...
વિનોદ કાપરીની પોતાની જ વાર્તા છે. ફિલ્મનો
સ્ક્રીનપ્લે લખવામાં વિનોદની મદદ વરૂણ ગૌતમે કરી છે. ફિલ્મના ડાયલૉગ પણ વિનોદની સાથે
અભિષેક શર્માએ લખ્યા છે. ક્રૉસવર્ડ ફિલ્મ્સ પ્રોડ્યૂસર છે. સુષ્મીત સેન અને પલાસનું
સંગીત છે. ફોક્સ સ્ટાર ઇન્ડિયા રીલીઝર છે. ફિલ્મ આમ તો ૧૯ જૂન રીલીઝ થવાની હતી પણ
’એબીસીડી2' ના લીધે ફિલ્મને એક અઠવાડિયું પાછળ લઈ જવામાં આવી. વિનોદે એટલે જ પ્રેસમાં
કહ્યું કે ફિલ્મ બનાવવી એ અલગ વાત છે અને બિઝનેસ કરવો એ અલગ વાત છે. મોટી ફિલ્મ નડે
એવું કંઈ જ નહોતું કરવું એટલે એક વીક ફિલ્મને પાછળ લઈ ગયો છું. ફિલ્મ જોતા એવું લાગે
છે કે આ એક વીક પાછળ લઈ જઈને કોઈ જ ફાયદો નહીં થાય. આજના દિવસે આ ફિલ્મ બે નાના બજેટની
ફિલ્મ્સ ’યુવા’ અને ’લાયન્સ ઑફ ગુજરાત’નો સામનો કરી રહી છે. જો કોઈએ બે માંથી એક પણ
ફિલ્મ જોઈ હોય તો મારી સાથે શેર કરજો. આ ફિલ્મને માત્ર અનુ કપૂરના ક્લાસ પાત્ર માટે
૨ સ્ટાર મળે છે....
પેકઅપ:
"સાંભળ્યું કે
બેલ મળ્યા પછી સલમાન ખાન સાઇકીયાટ્રીસ્ટ પાસે ગયા હતા. સલ્લુ ભાઈ લગ્ન કરી લો, જે સલાહ
સાઇકીયાટ્રીસ્ટ રૂપિયા લઈને આપે છે તે ઘેર રોજ મફત મળશે"