આખરે તો બધું ખુશી માટે જ ને? એટલે જ કદાચ લોકો કૉમેડી ફિલ્મ
જોવી પસંદ કરે છે. માત્ર કૉમેડી ફિલ્મમાં જ નહીં પણ સિરિયસ ફિલ્મમાં પણ કૉમેડી તો રાખવી
જ પડે કેમ કે વાત જો અત્યંત ગંભીર બની જાય તો દર્શકો ખરાબ મૂડ સાથે બહાર નીકળે. અમિતાભના
આવ્યા પછી નવો જ ટ્રેન્ડ શરૂ થયો કે હીરો પોતે જ કૉમેડી કરે, આ ટ્રેન્ડ આજની તારીખ
સુધી ચાલુ છે. અક્ષય કુમાર હોય કે સલમાન ખાન મસલ સાથે દર્શકોને હસાવવાનું કામ પણ એમણે
કરવાનું જ. રોહિત શેટ્ટીએ તો કરોડો રૂપિયાના ખર્ચે કૉમેડી બનાવવાનો અખતરો પણ કર્યો
એમ છતા પણ નાના બજેટની કૉમેડી બનાવવાનું ચાલુ જ છે. આવા જ એક પ્રયાસ રૂપે ૧૫ કરોડના
બજેટમાં આ ફિલ્મ બનાવવામાં આવી. ફિલ્મના હદ બહાર વખાણ ન થઈ શકે તો ફિલ્મ વખોડી શકાય
એમ પણ નથી. આ ફિલ્મ માટે કહી જ શકાય કે કૉમેડીનો સારો પ્રયાસ છે...
અમુક આર્ટિસ્ટ
કૉમેડી માટેના ખાસ હોય છે કેમ કે કૉમેડીમાં જરૂરી ટાઇમીંગમાં એમની માસ્ટરી હોય છે.
કાદર ખાન, ગોવિંદા, શક્તિ કપૂર, અક્ષય કુમાર જેવા ઘણા અર્ટીસ્ટ્સ આ માટે પ્રખ્યાત છે
પણ વર્તમાન સમયમાં અર્શદ વારસી માટે વખાણ કરવા જ પડે. વર્ષોથી ટકી રહેલો અને પોતાની
આગવી છાપ ઊભી કરી શક્યો છે. ફિલ્મનું નામ જ ’મી. જો બી. કરવાલો’ અને
જવાબ આવે જ કે ’અભી નહીં, બાદ મેં’, સોહા અલી ખાનને હું સારી એક્ટર જ ગણું છું
પણ હવે ઉમર દેખાય છે. આ ઉપરાંત સોહાએ ખાસ્સું વજન રીડ્યુસ કર્યું છે જે એને સુંદર બનાવવાને
બદલે ખરાબ લગાડે છે. આશા રાખીએ કે કુણાલ ખેમુ એને સુખ આપે અને ફરી થોડી જાડી થાય! જાવેદ
જાફરી માટે દરેક ડિરેક્ટર એવું બોલે છે કે જાવેદને તો બસ કોઈ પણ રોલ માટે સિલેક્ટ કરો
અને પછી પોતાની મેળે એ પોતાનું પાત્ર બહાર લઈ આવે. અહીં કાર્લોસનું પાત્ર એવું છે કે જે અલગ અલગ ગેટઅપમાં
આવે છે. જાવેદ દરેક ગેટઅપ માટે તમને એબ્સોલ્યુટ ફીટ જ લાગશે. આ રીતે જ વિજય રાજ માટે
હવે ઇન્ડસ્ટ્રીમાં એક ટીપીકલ કૅરેક્ટર થઈ ગયું છે. મોટા ભાગની ફિલ્મ્સમાં અડિયલ ગુંડા
તરીકે બિન્દાસ પાત્ર ભજવે છે. અહીં પણ એવો જ રોલ છે. વિજય રાજના બે સાળા એટલે વ્રજેશ
હીરજી અને રાજેશ બલવાણી પોતાના યોગ્ય પાત્રને ન્યાય આપી શક્યા છે. સૌથી મઝાનું પાત્ર
રહ્યું હોય તો હિમાની શિવપુરી. અર્શદની મમ્મી અને ન દેખતી હોવા છતા પણ દેખતી હોય એ
રીતે વર્તન કરતી હિમાની સાચે જ ખૂબ હસાવી જાય છે. શક્તિ કપૂર અને અર્શદ વારસી વચ્ચેના
અમુક શોટ્સ પણ આનંદ કરાવી જ જાય છે. ગહેના એટલે ગીતા બસરા અને નીના એટલે કરિશ્મા કોટક
નાના પાત્રમાં ઠીક ઠીક રહ્યા. રણજીત એક નાનકડા પાત્રમાં દેખાયા અને હજુ પણ સદાબહાર
છે...
કૉમેડી અને લોજિક
બંને વચ્ચે સંબંધ વર્ષોથી નથી કેમ કે જો લોજિક ચલાવવામાં આવે તો કૉમેડી કૉમેડી જ ન
રહે. ’મી. જો બી. કરવાલો’ની સ્ટોરીમાં ઘણી જગ્યા પર લોજિક ખૂટે છે. મી. જો પ્રાઇવેટ
ડીટેક્ટીવ છે. કોઈ અર્થ વગરના કેશ હાથમાં લે છે. બીજી તરફ સ્નેહલ ધાબી એટલે કે કબાના
પોતે જેને પ્રેમ કરે છે એના લગ્ન રોકવા માટે સોપારી આપવા ગુંડાઓની મીટિંગ બોલાવે છે.
અચાનક જ કાર્લોસ એટલે જાવેદ જાફરી આવીને સોપારી લઈ જાય છે. વિજય રાજને એમની મદદ કરવાનું
કહેવામાં આવે છે પણ વિજય રાજ જાવેદ જાફરીને મારવાની યોજના કરે છે. સોહા અલી પોલીસ ઇન્સ્પેક્ટર
છે અને અર્શદની પૂર્વ પ્રેમિકા. કમિશ્નર તરીકે હરીશ પટેલ છે. પોતાના કામના અનુસંધાને
અર્શદ અને સોહા એક સ્થળે ભેગાં થાય છે. અને સોહા અર્શદને કાર્લોસ સમજી બેસે છે. હવે
આ ગોટાળો સતત ચાલ્યા રાખે છે. વાતમાં કંઈ જ દમ નથી પણ અમુક પંચ તમને ખડખડાટ હસાવશે...
સમીર તેવારીના
ડિરેક્શનમાં આ પહેલું ફિલ્મ છે. સામાન્ય રીતે ડિરેક્ટર જ્યારે પોતાને ઇન્ટ્રોડ્યુસ
કરતો હોય ત્યારે સબ્જેક્ટિવ ફિલ્મ પસંદ કરતો હોય પણ જો ડિરેક્ટર સૌથી અઘરા વિષય કૉમેડીને
પસંદ કરે તો માણસમાં દમ છે એવું માનવું પડે. હજુ પહેલું જ ફિલ્મ છે એટલે ઘણી ક્ષતિઓ
દેખાય છે તો પણ પ્રમાણમાં સારી મહેનત કરી છે. ભોલારામ માલવિયા અને શિતલ માલવિયાનું
પણ પહેલું પ્રોડક્શન જ છે. ફિલ્મ રીલીઝ થવી એ જ ઘટના હોય છે. પ્રોડ્યુસર્સના સારા સંબંધોને
કારણે બી.આર. એન્ટરટાઇન્મેન્ટ ફિલ્મને ડીસ્ટ્રીબ્યુટ કરવા રાજી થઈ ગયા. હું સ્યોર નથી
પણ કદાચ આ ફિલ્મને ૧૨૦૦ ટૉકીઝ રીલીઝ મળ્યું છે. મ્યુઝિક અમાર્ત્ય રાહુતનું છે. એક ગીતને
બાદ કરતા બધા જ એટ લીસ્ટ સાંભળવા ગમે એવા તો છે જ. કૉમેડી ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ
અઘરી હોય છે કેમ કે ગૃપ કૉમેડીનો કૉન્સેપ્ટ હોય ત્યારે કેમેરો એવા એંગલથી લાગવો જોઈએ
કે બધાને પૂરતું વજન મળે. આ ઉપરાંત કૅમેરાનું ટ્રાન્સીસન પણ એટલું જ જરૂરી છે. અસીન
બજાજે સારી સિનેમેટોગ્રાફી કરી છે...
ઓવર ઓલ ફિલ્મનો
પ્રયાસ વખાણવો પડે એમ છે પણ જ્યારે ભારતનું પ્રથમ નંબરનું ફિલ્મ ’શોલે 3D’ રીલીઝ થતું
હોય ત્યારે એની સામે આ ફિલ્મ ટકી શકશે કે કેમ એ પ્રશ્ન છે. ’શોલે’ ને
માત્ર 3Dમાં જ બનાવવામાં નથી આવી પણ ડીજીટલ ટેક્નોલૉજીથી ડાયલોગ્ઝ પણ રીફાઇન કરવામાં
આવ્યા છે. મારી જિંદગીમાં સૌથી વધુવાર જોયેલા ફિલ્મમાં ’શોલે’ આવે
છે. મેં ઓછામાં ઓછી ૨૬ વાર આ ફિલ્મ જોયું છે. આજની તારીખે પણ એક એક રોલ યાદ છે. જોઈએ
’મી. જો બી. કરવાલો’ ’શોલે’ સામે કેટલું કરી શકે છે. સ્ટાર આપવાની વાત હોય તો ફિલ્મને
૨.૫ સ્ટાર આપવા જ પડે. કૉમેડી ગમતી હોય તો એકવાર ફિલ્મ જોઈ આવજો પણ ’ગ્રેન્ડ મસ્તી’ની જેમ
ચીપ કૉમેડીની આશા રાખશો નહી...
પેકઅપ:
આજના ’મી. જો બી. કરવાલો’ના પહેલા શો માં માત્ર ૧૫ વ્યક્તિ
જ હતા... ’શોલે’નો ડાયલૉગ
યાદ આવી ગયો " ઇતના સન્નાટા ક્યોં હૈં ભાઈ?"
:-)
ReplyDelete