Friday, 20 December 2013

ધૂમ ૩: કોથળા માંથી બિલાડું






       મોસ્ટ અવેટીંગ મૂવી ઑફ ધ યીયર, પહેલું ટ્રેલર રીલીઝ થતા સાથે જ માત્ર છ દિવસમાં ૬૦ લાખ ક્લિક મળે એ ફિલ્મનો લોકોમાં ક્રેઝ કેવો હોય? ’ધૂમ એટલી બધી હીટ ફિલ્મ રહી કે બીજો ભાગ તો બનાવવો જ પડે. પહેલી ફિલ્મ વખતે સંજય ગઢવી ડિરેક્ટર હતા ત્યારે એમની સાથે એક મીટિંગમાં ચર્ચા થઈ ત્યારે મેં સ્ટોરી લેવલે એક વાત કહી હતી કે ફિલ્મમાં જો કંઈ પણ ખૂટતું હોય તો એ કે જહોનને ચેઝ કરાતો જ બતાવવામાં આવ્યો પણ ચોરી કેમ થઈ એ વાત જ બહાર ન આવી. સંજય ગઢવીએ આ વાત ધ્યાનમાં રાખીને સ્ક્રીનપ્લે વિજય ક્રિષ્ના આચાર્યની સાથે ચર્ચા પણ કરવામાં આવી અને વિજયે જ્યારે ’ધૂમ 2’નો સ્ક્રીનપ્લે લખ્યો ત્યારે ચોરીની ટ્રીક બતાવવામાં આવી પણ કોણ જાણે કેમ ’ધૂમ 2’ જોઈએ એવી મઝા આપી ન શકી છતાં હીટ તો રહી જ. ૨૦૧૧માં જ ’ધૂમ 3’ની જાહેરાત થઈ ચૂકી હતી. આમિર ખાન ફિલ્મમાં હશે એવું પણ જાહેર થયું એટલે લોકોની ઇંતેજારી ઓર વધી ગઈ પણ જ્યારે ફિલ્મ જોઈ ત્યારે ખબર પડી કે આલે લે આ તો કોથળા માંથી બિલાડું નીકળ્યું!!!!


        ફિલ્મની સફળતાનો આધાર ડિરેક્ટર પર હોય છે. વિજય ક્રિષ્ના આચાર્ય ઇંગ્લિશ લિટરેચરમાં ગ્રૅજ્યુએટ છે અને લખવામાં સારો મહાવરો છે. એમની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કુંદન શાહના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે થઈ. કુંદન શાહને એમણે ’કભી હાં કભી નામાં આસિસ્ટ કર્યા હતા. વિજય સારા ગીતો પણ લખે છે. ’બ્લફ માસ્ટરનું દર્દ સોંગ એમનું લખેલું હતું. એમના યાદગાર લેખનનો અનુભવ લેવો હોય તો ’ગુરૂ ફિલ્મ જોઈ લેવી. ’ધૂમ, ’ધૂમ 2’ બંનેના સ્ક્રીનપ્લે, ડાયલોગ્ઝ એમણે લખેલા હતા માટે આદિત્યનો એમના પર વિશેષ વિશ્વાસ હતો અને આ કારણથી જ આ ફિલ્મનું ડિરેક્શન એમને સોંપવામાં આવ્યું પણ અનુભવની કમી સાફ દેખાય આવે છે. 


        ફિલ્મનું કાસ્ટિંગ એક્સ્ટ્રા ઓર્ડીનરી કહી શકાય એવું છે. ખાસ કરીને જ્યારે આમિર ફિલ્મમાં આવ્યો એટલે આ વાત લોકો કહેતા થયા. જો કે એ વાત અલગ છે કે જો આમિરને આ ફિલ્મમાં જોશો તો ખબર પડશે કે આમિરની ઉમર હવે ચાડી ખાય છે. આમિરે સ્ટેટમેન્ટ આપ્યું કે એણે કરેલા અત્યાર સુધીના રોલમાં આ સૌથી અઘરો રોલ રહ્યો પણ આમિરને કોણ કહે કે એટલો જ ખરાબ પણ રહ્યો! કેટરીના આમિરની પાસે ખૂબ જ નાની લાગે છે. અભિષેકે આ ફિલ્મ માટે પોતાનું ૯ કીલો વજન ઘટાડ્યું પણ ભાઈની એક્ટીંગમાં એકાદ કીલો વધારો આવ્યો હોત તો કંઈક વાત બનત. ઓસ્ટ્રેલિયન ઍક્ટર ટબ્રેટ બેથલ જામે છે પણ બહુ નાનો રોલ છે. ઉદય ચોપરા તો સ્કીમમાં આવવાનો જ હતો. આગલાં બે ભાગમાં ભલે ભાઈ ન જામે તો પણ થોડી ઘણી કૉમેડી કરવામાં તો સફળ રહ્યો જ હતો. આ ભાગમાં તો ભાઈને કામ ખૂબ જ ઓછું આપવામાં આવ્યું છે અને ઉપરાંત એ જ ઘીસીપીટી વાત કે ગમે તે છોકરી સાથે સપના જોવા લાગવાના. સૌથી સુખી થઈ ગઈ રીમી સેન. આગલાં બંને ભાગમાં રીમી હતી અને આ ભાગમાં રીમીને પૂછવામાં પણ નથી આવ્યું. રીમીએ પ્રેસ સામે કહ્યું કે જો તેને રોલ ઑફર થયો હોત તો પણ એ ના પાડવાની હતી. અંગુર ખટ્ટે હૈં કહેવત અમસ્તા નહીં પડી હોય! ફિલ્મનો રન ટાઇમ ૧૭૭ મીનીટ અને સતત ખેંચાતું ફિલ્મ એટલે કંટાળો તો આવવાનો જ!


        ફિલ્મ બનાવવા માટે પણ આદિત્યએ ઘણા ચણા ચાવવા પડ્યા છે. ૨૦૧૧માં ’ધૂમ 3’ ડિક્લેર થઈ ગયું હતું. જાન્યુઆરી ૨૦૧૨માં ફિલ્મ શરૂ કરવાનું હતું પણ અભિષેક પેટર્નીટી લીવ પર જતો રહ્યો. અભિષેક પરત આવ્યો ત્યાં આમિર ’સત્યમેવ જયતે માટે કમિટ થઈ ચૂક્યો હતો માટે શૂટીંગ શેડ્યૂલ જૂનમાં શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું પણ ત્યાં વળી આમિર પોતાની પરફેક્ટનેસ ન બતાવે તો કેમ ચાલે? આમિરે કહ્યું કે ફિલ્મમાં તેના પાત્ર માટે એ એક મહીનો જીમ જવા માગે છે અને પછી જ ફિલ્મ શૂટ કરશે. આદિત્યની સહન શક્તિ પૂરી થતી હતી માટે આદિત્યએ કોઈની રાહ જોયા વગર ૮ જૂને આમિર ખાનનું બાળપણનું કૅરેક્ટર ભજવતા આર્ટિસ્ટ અને જેકી શ્રોફને લઈને શૂટ શરૂ જ કરી દીધું. આમ તો આ શરૂઆતથી પ્લાનિંગ 3D બનાવવાનું હતું પણ આખરે 2D થી જ સંતોષ લેવો પડ્યો છે. સારુ થયું બે ડાયમેન્સનથી ફિલ્મ સહન નથી થતી તો ત્રીજો ડાયમેન્સન ક્યાંથી સહન થાત! આમિરની ઇચ્છા આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૧૨માં રીલીઝ કરવાની હતી પણ ૨૦૧૩ કેમ આવી ગયું એ જ ખબર ન પડી. ફિલ્મને ખરાબ બનાવવું હોય તો એક વર્ષનો સમયગાળો તો જોઈએ જ ને?


        ફિલ્મ માટે જરૂરી એવી તમામ ટેક્નીક્સનો પૂરતો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમુક વિઝ્યુલ સ્પેશીયલ ઇફેક્ટ્સ વખાણવા લાયક છે જ પણ જો ફિલ્મની સ્ટોરી જ ગુલાટીયા ખાતી હોય તો ટકવું અઘરું પડે જ. બોલીવુડના પ્રોડ્યુસર્સ હવે હોલીવુડની સરખામણીના ફિલ્મ્સ બનાવવા માગે છે પણ વાર્તાના લોજિક પર નજર કરવાનું જ ભૂલી જાય છે. અચાનક જ ડબલ રોલ આવી જાય, કોઈ કારણ વગરના લોજિક ટાર્ગેટ બનાવીને બેંક લૂટવામાં આવે પણ જો હોલીવુડ લેવલની ફિલ્મ બનાવવી હોય તો એક વાત તો યાદ રાખવી જ ઘટે કે હોલીવુડ ક્યારેય અચાનક ડબલ રોલ કાઢીને ફિલ્મને ખેંચતી નથી. ફિલ્મમાં ડોલ્બી એટોમ્સ સાઉન્ડ ટેક્નોલૉજી વાપરવામાં આવી છે. સ્વીટ્ઝરલેન્ડમાં એકદમ ઍકસ્ટ્રા ઓર્ડીનરી લોકેશન પણ વાપરવામાં આવ્યા છે. ભારતમાં પહેલીવાર IMAX ટેક્નોલૉજીથી પણ ફિલ્મ રીલીઝ કરવામાં આવી રહ્યું છે. IMAX DRM ટેક્નોલૉજી એટલે ફિલ્મને રી-માસ્ટરીંગ કરીને એકદમ કલિયર દેખાય એ રીતે ડીજીટલી રીલીઝ કરવાની ટેક્નોલૉજી. ભારતમાં માત્ર ૧૫ જ IMAX થીયેટર્સ છે. આ થિયેટરમાં ઓછામાં ઓછી ૧૫૦૦ રૂપિયા ટીકીટ હોય છે. 


        આ ફિલ્મ અત્યાર સુધીનું મોટામાં મોટું રીલીઝ છે. ૪૫૦૦ સ્ક્રીન હિંદી, તામીલ, તેલુગુ અને ઓવર્સિઝ મળીને બીજી ૭૦૦ સ્ક્રીન રીલીઝ કરવામાં આવ્યું છે. બંગાળમાં આ પહેલા ’ચેન્નાઈ એક્સપ્રેસ ૨૦૦ સ્ક્રીન રીલીઝ મેળવી શક્યું હતું જ્યારે ’ધૂમ 3’ ૨૫૦ સ્ક્રીન મેળવી શક્યું છે. ફિલ્મનું બજેટ પણ આશ્ચર્ય પમાડે એટલું મોટું છે! ૧૫૦ કરોડનું મેકીંગ બજેટ છે. ફરીથી નંબર ગેઈમ શરૂ થશે. ’ધૂમ 3’ના ક્રેઝમાં ફિલ્મ એક અઠવાડિયામાં બધા જ રેકૉર્ડ બ્રેક કરી દેશે કેમ કે ૫૨૦૦ સ્ક્રીન, ૮ શો અને એવરેજ ગણો તો ૪૦૦ ટીકીટ્સ પર શો.. હવે ગુણાકાર કરવા લાગો. સમય સાવ બદલાય ગયો છે. ફિલ્મ સારી હોય કે ન હોય ધંધો તો પૂરતો જ કરી લેવાની! મારા જેવા થોડા લોકો ફિલ્મ વિશે નેગેટિવ લખે તો પણ ફિલ્મને એક વીકનું ઑડિયન્સ તો મળી જ રહેવાનું માટે આંકડાની દ્રષ્ટિએ તો ફિલ્મ હીટ જ રહેશે. ફિલ્મની ખૂબ સારી ટેક્નોલૉજી અને કેટરીનાના ડાન્સ માટે ૨ સ્ટાર ડીઝર્વ કરે છે....



પેકઅપ:

"જેણે પૈસા આપવાનાં હોય એ હંમેશા બીઝી હોય છે, લેવાના હોય છે એ ફ્રી અને ખોવાના હોય છે એ ’ધૂમ 3'માં હોય છે...."

3 comments:

  1. THANX... SAMIRDA.....AMARA PAISA BACHAVYA...

    ReplyDelete
  2. બીજાજ દિવસે અહી IMAX પર જોઈ નાખી.
    IMAX પર તો જોવાની મઝા આવી.
    એક આડ વાત. IMAX સ્ક્રીન નોર્મલ સ્ક્રીન કરતા આઠ ગણો મોટો હોય છે.
    ટોટલ સાઉન્ડ આઉટ પૂટ 12000 વોટ્સ.
    અને અહી દરેક ફિલ્મ નોર્મલ સ્ક્રીન કે IMAX સ્ક્રીન પર DIGITAL 8000 HD ફોરમેટ માં બતાવવામાં આવે છે.
    ભારતભરમાં માત્ર 15 આઈમેક્સ થીએટર છે.
    જ્યારે અમારે અહી માન્ચેસ્ટરમાં બબ્બે આઈમેક્સ થીએટર છે.

    ReplyDelete