Friday, 25 October 2013

મીક્કી વાયરસ: ઇન્ટરવલ પછીનું મનોરંજન





           ભારતમાં એક સમય એવો હતો જ્યારે આઇ.ટી. સેક્ટરની બોલબાલા હતી અને આજે પણ ઇન્ટરનેટ, મોબાઇલ, પેડ જેવા અનેક ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ભારતમાં ઉપયોગ ખૂબ વધારે થાય છે. કેટલા સમયથી આપણે વાંચતા આવ્યા છીએ કે ઇન્ટરનેટ બેકીંગ વાપરતા લોકોના ખાતા હેક થયા હોય. અસંખ્ય એવા માણસો છે જે આજે પણ ઘણા લોકોના પાસવર્ડ બ્રેક કરવાથી લઈને હેકીંગ દ્વારા કરોડપતિ બનવાના સપનાઓ જુએ છે. વિષય સરસ મઝાનો, વાતની ગૂંથણી પણ એટલી સરસ રીતે જો કરવામાં આવે તો ઇન્ટેલીજન્ટ લોકો માટે સારી ફિલ્મ બની જ શકે. આ વિચાર પર જ ફિલ્મની શરૂઆત કરવામાં આવી. માત્ર ૪૦ દિવસના જ શૂટીંગ શેડ્યુઅલમાં ફિલ્મ પૂરી કરવામાં આવી પણ જેમ દરેક લેખક કે ડિરેક્ટર એસ્ટાબ્લીસમેન્ટનો સમય લે છે એમ જ અહીં પણ થોડો વધારે લેવામાં આવ્યો છે એટલે ફિલ્મ ઇન્ટરવલ પછી ખૂબ સારુ મનોરંજન આપે છે...


        સૌરભ વર્માનું આ પહેલું ડિરેક્શન છે. જ્યારે પહેલી ફિલ્મ ડિરેક્ટ કરતા હોય ત્યારે મહેનત તો પૂરતી કરવામાં આવે જ. ફિલ્મમાં સૌરભની મહેનત દેખાય આવે છે પણ મોટાભાગે જેમ ડિરેક્ટર લખવાનું પસંદ કરે અને એ કન્વીન્સ હોય એવી જ સ્ક્રીપ્ટ પર કામ કરે એ લગભગ ચિલ્લો થઈ ગયો છે. સૌરભ વર્માએ જ ફિલ્મ લખ્યું છે એટલે લેખન માટે કોઈને દોષ આપી શકાય એમ નથી. ફિલ્મ એસ્ટાબ્લીશ કરવા માટે ખૂબ જ વધારે સમય લીધો છે. ફિલ્મની મૂળ વાત પર આવવા માટે જે સમય લેવામાં આવ્યો છે એ ખૂબ જ ખરાબ રીતે ગયો છે. ફિલ્મની રજૂઆત કૉમેડી સાથે કરવાનો પ્રયત્ન થયો છે પણ ખાસ અસરકારક રીતે નથી થઈ શકી. ફિલ્મની વાર્તા જ્યારથી થ્રિલર તરફ ટર્ન લે છે ત્યારથી ફિલ્મ લોજીકલી આગળ વધતી જાય છે. સસ્પેન્સ પણ પ્રમાણમાં સારુ છે. હીરોઇનની બાબતમાં થોડું લોજિક ચુકાયું છે હીરોઇન વિલન સાથે કામ કરવા માટે ક્યા કારણથી જોડાય છે એ કારણ આપવામાં આવ્યું નથી પણ ચાલે બધી જ રીતે સ્ટોરીને ક્યારેય સંપૂર્ણ બનાવી શકાય નહીં....


        મનીષ પૌલનું આ પહેલું લીડ રોલમાં ફિલ્મ છે. મનીષ સ્કૂલ-કૉલેજ સમયથી જ હોસ્ટીંગ કરતો આવ્યો છે. મનીષ દિલ્હીનો છે. મુંબઈ આવ્યા પછી તેને સૌથી પહેલું કામ સ્ટાર પ્લસ પર ’મોર્નીંગ ટેન્ગ પર હોસ્ટીંગ મળ્યું. મનીષનું હોસ્ટીંગ અને અવાજ બંને ખૂબ સારા એટલે મનીષને ઝી મ્યુઝિકમાં વિડીયો જોકી તરીકે કામ કરવા લાગ્યો. આ પછી ’ઘોસ્ટ બન ગયા દોસ્ત, ’રાધા કી બીટીયા કુછ કર દિખાયેગી, ’સીસ્સ ફિર કોઈ હૈં જેવી સિરિયલ્સમાં પણ જોવા મળ્યો. જો કે મોટા પડદે પહેલીવાર એક કીમિયો રોલમાં ’તીસ મારખાં ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં મનીષનો રોલ ખૂબ જ સરસ છે. છોકરો પ્રોમીસીંગ છે ભવિષ્યમાં હજુ પણ સારા કામ કરશે એવી આશા રાખી શકાય. ’બીગ બોસ નવા અને ખાસ કરીને ફોરેનની સ્ત્રીઓ માટે ફૂટ સ્ટેપ સાબિત થઈ રહ્યો છે. ’બીગ બોસ ૭ માં એલી એવરમ જોવા મળી હતી અને સીધી જ આ ફિલ્મ મળી. એલી આમ તો સ્વીડીશ અને ગ્રીક ફિલ્મની હીરોઇન છે. જો કે આ ફિલ્મમાં ખાસ જામી નહીં કેમ કે આખરે તો ભારતીય લોકોને ભારતીય સ્ત્રી જ ગમે. વરૂણ બડોલા ફિલ્મમાં ઇન્સ્પેક્ટર ભલ્લાના કૅરેક્ટરમાં છે. વરૂણને પહેલીવાર મેં ૧૯૯૪માં ’બનેગી અપની બાત સિરિયલમાં જોયો હતો. આ પછી તો નાના પડદે અસંખ્ય સિરિયલ્સમાં વરૂણને જોઈ ચૂક્યા છીએ. ’હાંસિલ ફિલ્મમાં પણ એનું સરસ કામ હતું. આ ફિલ્મમાં તો રીતસર પ્રેમમાં પડી જવાય એટલું સારુ એક્ટીંગ કર્યું છે. એસીપી સિધ્ધાર્થના પાત્રમાં મનીષ ચૌધરી ખાસ અસર નથી છોડી શક્યા પણ ખરાબ કામ તો નથી જ. નિતેષ પાંડે સાથે મેં એક એડમાં કામ કરેલું અને ઘણા સમયે ફિલ્મમાં સારુ કહી શકાય એવું પ્રોફેસરનું કૅરેક્ટર મળ્યું છે. નિતેષે પુરી વફાદારીથી પાત્ર નિભાવ્યું છે. ફ્લોપી તરીકે રાઘવ કક્કર, પન્ચો તરીકે વિકેશ કુમાર અને આ ગેંગમાં સૌથી સરસ ટોમ બોય જેવું કૅરેક્ટર પૂજા ગુપ્તાએ કર્યું છે. એક્ટીંગ માટે દરેકને માર્ક આપવા પડે એમ છે જ...


        આ પહેલા ક્યારેય ન ચર્ચાયેલી એક વાત આપણે આ વખતે ચર્ચી લઈએ. ફિલ્મ જ્યારે લખવાની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલા એક નાની વાર્તા એટલે કે સેન્ટ્રલ આઇડિયા નક્કી કરવામાં આવે છે. આ પછી ફિલ્મના પાત્રો નક્કી કરવામાં આવે છે અને પાત્રોના નામ નક્કી કરવામાં આવે છે. પાત્રોના નામ નક્કી થઈ ગયા પછી દરેક પાત્રોનું પાત્રાલેખન કરવામાં આવે છે આ પાત્રાલેખન પર આખી ફિલ્મ આધારિત હોય છે. પાત્રાલેખન દરમિયાન ક્યા પાત્રની કઈ વિશેષતા હશે, ક્યુ પાત્ર કઈ ઉમરનું હશે, ક્યુ પાત્ર કઈ રીતે ડાયલૉગ બોલશે વગેરે નક્કી કરવામાં આવે. આ પછી ફિલ્મના સિનોફ્સીસ એટલે કે દરેક સિનમાં શું ઘટના બનશે એની ટૂંકી વિગત તૈયાર કરવામાં આવે. આ પછી એ ઘટના માટે જરૂરી સંવાદ એટલે કે ડાયલોગ્ઝ લખવામાં આવે અને છેલ્લે કૅમેરા પર શું અને કેવી રીતે દેખાશે એ માટે સ્ક્રીનપ્લે લખવામાં આવે. ’મીક્કી વાયરસની સૌથી સારી ખૂબી છે પાત્રાલેખન. એક એક કૅરેક્ટરને એક ખાસિયત આપીને ખાસ ડિઝાઇન કરવામાં આવેલ છે...


        ફિલ્મની સિનેમેટોગ્રાફી અંશુમલ મહાલેની છે. સિનેમેટોગ્રાફી ખરેખર સારી છે. મ્યુઝિક હનીફ શેખનું છે. બહુ જ વખાણવા લાયક નથી પણ ચાલેબલ મ્યુઝિક તો ખરું જ. ૧૩૫ મીનીટનો રન ટાઇમ ઇન્ટરવલ પહેલા અઘરો લાગે છે પણ ઇન્ટરવલ પછી આ સમય ખૂબ જ આસાનીથી સરી જાય છે. ફિલ્મની સૌથી નબળી વાત જો હોય તો એક જ છે કે જ્યારે હેકીંગની વાત હોય ત્યારે લોકોને હેકીંગ કેમ થાય એ જોવામાં રસ હોય નહીં કે હેકીંગ પછીની ઘટનાઓ. જો ડિરેક્ટરે ઇચ્છયુ હોત તો ચોક્કસ આ વિષયમાં થોડા ઊંડા ઊતરી વધુ સારી રજૂઆત કરી શક્યા હોત. જો કે સૌરભે લખતા પહેલા પોલીસના તમામ હાઇ પ્રોફાઇલ સાયબર ક્રાઇમ્સના કેસનો પૂરતો અભ્યાસ કર્યો જ હતો તો પણ ઘણું ચૂકી જવાયું છે. ફિલ્મના પ્રમોશન માટે પણ મહેનત લેવામાં આવી છે. સલમાન ખાન, માધુરી દિક્ષિત, રણબીર કપૂર, અનીલ કપૂર, કરણ જોહર જેવી હસ્તીઓએ આ ફિલ્મ પ્રમોટ કરી છે. જો કે આ શુક્રવારે એક સાથે ૬ સ્મૉલ બજેટ ફિલ્મ્સ રીલીઝ થઈ છે એટલે કઈ ચાલે એ કોણ જાણે! હું ફિલ્મને મસ્ટ વોચ લિસ્ટમાં મૂકતો નથી પણ જો તમે કદાચ જોઈ લો તો વાંધો નથી કેમ કે ફિલ્મ ૨.૫ સ્ટાર તો ડીઝર્વ કરે જ છે.....




પેકઅપ:

"તમે આ પરીક્ષામાં બેસી શકશો નહીં"


"આપણને ક્યાં અભિમાન છે ઊભા ઊભા જવાબો લખીશું"...

No comments:

Post a Comment