Friday, 25 October 2013

મીક્કી વાયરસ: ઇન્ટરવલ પછીનું મનોરંજન





           ભારતમાં એક સમય એવો હતો જ્યારે આઇ.ટી. સેક્ટરની બોલબાલા હતી અને આજે પણ ઇન્ટરનેટ, મોબાઇલ, પેડ જેવા અનેક ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ભારતમાં ઉપયોગ ખૂબ વધારે થાય છે. કેટલા સમયથી આપણે વાંચતા આવ્યા છીએ કે ઇન્ટરનેટ બેકીંગ વાપરતા લોકોના ખાતા હેક થયા હોય. અસંખ્ય એવા માણસો છે જે આજે પણ ઘણા લોકોના પાસવર્ડ બ્રેક કરવાથી લઈને હેકીંગ દ્વારા કરોડપતિ બનવાના સપનાઓ જુએ છે. વિષય સરસ મઝાનો, વાતની ગૂંથણી પણ એટલી સરસ રીતે જો કરવામાં આવે તો ઇન્ટેલીજન્ટ લોકો માટે સારી ફિલ્મ બની જ શકે. આ વિચાર પર જ ફિલ્મની શરૂઆત કરવામાં આવી. માત્ર ૪૦ દિવસના જ શૂટીંગ શેડ્યુઅલમાં ફિલ્મ પૂરી કરવામાં આવી પણ જેમ દરેક લેખક કે ડિરેક્ટર એસ્ટાબ્લીસમેન્ટનો સમય લે છે એમ જ અહીં પણ થોડો વધારે લેવામાં આવ્યો છે એટલે ફિલ્મ ઇન્ટરવલ પછી ખૂબ સારુ મનોરંજન આપે છે...


        સૌરભ વર્માનું આ પહેલું ડિરેક્શન છે. જ્યારે પહેલી ફિલ્મ ડિરેક્ટ કરતા હોય ત્યારે મહેનત તો પૂરતી કરવામાં આવે જ. ફિલ્મમાં સૌરભની મહેનત દેખાય આવે છે પણ મોટાભાગે જેમ ડિરેક્ટર લખવાનું પસંદ કરે અને એ કન્વીન્સ હોય એવી જ સ્ક્રીપ્ટ પર કામ કરે એ લગભગ ચિલ્લો થઈ ગયો છે. સૌરભ વર્માએ જ ફિલ્મ લખ્યું છે એટલે લેખન માટે કોઈને દોષ આપી શકાય એમ નથી. ફિલ્મ એસ્ટાબ્લીશ કરવા માટે ખૂબ જ વધારે સમય લીધો છે. ફિલ્મની મૂળ વાત પર આવવા માટે જે સમય લેવામાં આવ્યો છે એ ખૂબ જ ખરાબ રીતે ગયો છે. ફિલ્મની રજૂઆત કૉમેડી સાથે કરવાનો પ્રયત્ન થયો છે પણ ખાસ અસરકારક રીતે નથી થઈ શકી. ફિલ્મની વાર્તા જ્યારથી થ્રિલર તરફ ટર્ન લે છે ત્યારથી ફિલ્મ લોજીકલી આગળ વધતી જાય છે. સસ્પેન્સ પણ પ્રમાણમાં સારુ છે. હીરોઇનની બાબતમાં થોડું લોજિક ચુકાયું છે હીરોઇન વિલન સાથે કામ કરવા માટે ક્યા કારણથી જોડાય છે એ કારણ આપવામાં આવ્યું નથી પણ ચાલે બધી જ રીતે સ્ટોરીને ક્યારેય સંપૂર્ણ બનાવી શકાય નહીં....


        મનીષ પૌલનું આ પહેલું લીડ રોલમાં ફિલ્મ છે. મનીષ સ્કૂલ-કૉલેજ સમયથી જ હોસ્ટીંગ કરતો આવ્યો છે. મનીષ દિલ્હીનો છે. મુંબઈ આવ્યા પછી તેને સૌથી પહેલું કામ સ્ટાર પ્લસ પર ’મોર્નીંગ ટેન્ગ પર હોસ્ટીંગ મળ્યું. મનીષનું હોસ્ટીંગ અને અવાજ બંને ખૂબ સારા એટલે મનીષને ઝી મ્યુઝિકમાં વિડીયો જોકી તરીકે કામ કરવા લાગ્યો. આ પછી ’ઘોસ્ટ બન ગયા દોસ્ત, ’રાધા કી બીટીયા કુછ કર દિખાયેગી, ’સીસ્સ ફિર કોઈ હૈં જેવી સિરિયલ્સમાં પણ જોવા મળ્યો. જો કે મોટા પડદે પહેલીવાર એક કીમિયો રોલમાં ’તીસ મારખાં ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં મનીષનો રોલ ખૂબ જ સરસ છે. છોકરો પ્રોમીસીંગ છે ભવિષ્યમાં હજુ પણ સારા કામ કરશે એવી આશા રાખી શકાય. ’બીગ બોસ નવા અને ખાસ કરીને ફોરેનની સ્ત્રીઓ માટે ફૂટ સ્ટેપ સાબિત થઈ રહ્યો છે. ’બીગ બોસ ૭ માં એલી એવરમ જોવા મળી હતી અને સીધી જ આ ફિલ્મ મળી. એલી આમ તો સ્વીડીશ અને ગ્રીક ફિલ્મની હીરોઇન છે. જો કે આ ફિલ્મમાં ખાસ જામી નહીં કેમ કે આખરે તો ભારતીય લોકોને ભારતીય સ્ત્રી જ ગમે. વરૂણ બડોલા ફિલ્મમાં ઇન્સ્પેક્ટર ભલ્લાના કૅરેક્ટરમાં છે. વરૂણને પહેલીવાર મેં ૧૯૯૪માં ’બનેગી અપની બાત સિરિયલમાં જોયો હતો. આ પછી તો નાના પડદે અસંખ્ય સિરિયલ્સમાં વરૂણને જોઈ ચૂક્યા છીએ. ’હાંસિલ ફિલ્મમાં પણ એનું સરસ કામ હતું. આ ફિલ્મમાં તો રીતસર પ્રેમમાં પડી જવાય એટલું સારુ એક્ટીંગ કર્યું છે. એસીપી સિધ્ધાર્થના પાત્રમાં મનીષ ચૌધરી ખાસ અસર નથી છોડી શક્યા પણ ખરાબ કામ તો નથી જ. નિતેષ પાંડે સાથે મેં એક એડમાં કામ કરેલું અને ઘણા સમયે ફિલ્મમાં સારુ કહી શકાય એવું પ્રોફેસરનું કૅરેક્ટર મળ્યું છે. નિતેષે પુરી વફાદારીથી પાત્ર નિભાવ્યું છે. ફ્લોપી તરીકે રાઘવ કક્કર, પન્ચો તરીકે વિકેશ કુમાર અને આ ગેંગમાં સૌથી સરસ ટોમ બોય જેવું કૅરેક્ટર પૂજા ગુપ્તાએ કર્યું છે. એક્ટીંગ માટે દરેકને માર્ક આપવા પડે એમ છે જ...


        આ પહેલા ક્યારેય ન ચર્ચાયેલી એક વાત આપણે આ વખતે ચર્ચી લઈએ. ફિલ્મ જ્યારે લખવાની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલા એક નાની વાર્તા એટલે કે સેન્ટ્રલ આઇડિયા નક્કી કરવામાં આવે છે. આ પછી ફિલ્મના પાત્રો નક્કી કરવામાં આવે છે અને પાત્રોના નામ નક્કી કરવામાં આવે છે. પાત્રોના નામ નક્કી થઈ ગયા પછી દરેક પાત્રોનું પાત્રાલેખન કરવામાં આવે છે આ પાત્રાલેખન પર આખી ફિલ્મ આધારિત હોય છે. પાત્રાલેખન દરમિયાન ક્યા પાત્રની કઈ વિશેષતા હશે, ક્યુ પાત્ર કઈ ઉમરનું હશે, ક્યુ પાત્ર કઈ રીતે ડાયલૉગ બોલશે વગેરે નક્કી કરવામાં આવે. આ પછી ફિલ્મના સિનોફ્સીસ એટલે કે દરેક સિનમાં શું ઘટના બનશે એની ટૂંકી વિગત તૈયાર કરવામાં આવે. આ પછી એ ઘટના માટે જરૂરી સંવાદ એટલે કે ડાયલોગ્ઝ લખવામાં આવે અને છેલ્લે કૅમેરા પર શું અને કેવી રીતે દેખાશે એ માટે સ્ક્રીનપ્લે લખવામાં આવે. ’મીક્કી વાયરસની સૌથી સારી ખૂબી છે પાત્રાલેખન. એક એક કૅરેક્ટરને એક ખાસિયત આપીને ખાસ ડિઝાઇન કરવામાં આવેલ છે...


        ફિલ્મની સિનેમેટોગ્રાફી અંશુમલ મહાલેની છે. સિનેમેટોગ્રાફી ખરેખર સારી છે. મ્યુઝિક હનીફ શેખનું છે. બહુ જ વખાણવા લાયક નથી પણ ચાલેબલ મ્યુઝિક તો ખરું જ. ૧૩૫ મીનીટનો રન ટાઇમ ઇન્ટરવલ પહેલા અઘરો લાગે છે પણ ઇન્ટરવલ પછી આ સમય ખૂબ જ આસાનીથી સરી જાય છે. ફિલ્મની સૌથી નબળી વાત જો હોય તો એક જ છે કે જ્યારે હેકીંગની વાત હોય ત્યારે લોકોને હેકીંગ કેમ થાય એ જોવામાં રસ હોય નહીં કે હેકીંગ પછીની ઘટનાઓ. જો ડિરેક્ટરે ઇચ્છયુ હોત તો ચોક્કસ આ વિષયમાં થોડા ઊંડા ઊતરી વધુ સારી રજૂઆત કરી શક્યા હોત. જો કે સૌરભે લખતા પહેલા પોલીસના તમામ હાઇ પ્રોફાઇલ સાયબર ક્રાઇમ્સના કેસનો પૂરતો અભ્યાસ કર્યો જ હતો તો પણ ઘણું ચૂકી જવાયું છે. ફિલ્મના પ્રમોશન માટે પણ મહેનત લેવામાં આવી છે. સલમાન ખાન, માધુરી દિક્ષિત, રણબીર કપૂર, અનીલ કપૂર, કરણ જોહર જેવી હસ્તીઓએ આ ફિલ્મ પ્રમોટ કરી છે. જો કે આ શુક્રવારે એક સાથે ૬ સ્મૉલ બજેટ ફિલ્મ્સ રીલીઝ થઈ છે એટલે કઈ ચાલે એ કોણ જાણે! હું ફિલ્મને મસ્ટ વોચ લિસ્ટમાં મૂકતો નથી પણ જો તમે કદાચ જોઈ લો તો વાંધો નથી કેમ કે ફિલ્મ ૨.૫ સ્ટાર તો ડીઝર્વ કરે જ છે.....




પેકઅપ:

"તમે આ પરીક્ષામાં બેસી શકશો નહીં"


"આપણને ક્યાં અભિમાન છે ઊભા ઊભા જવાબો લખીશું"...

Friday, 18 October 2013

શાહિદ: સારા વિષયની નબળી માવજત




         ફિલ્મ માટે જરૂરી કથાનક માટે અનેક લોકો હેરાન થતા હોય છે અને જ્યાં સુધી સારો વિષય ન મળે ત્યાં સુધી ફિલ્મ ફ્લોર પર નથી જતી, જો કે એવા ઘણા મૂર્ખ લોકો છે જે ગમે તેવા વિષય પર ફિલ્મ બનાવી નાખે છે. આ પ્રકારની ફિલ્મ્સ આખરે તો ઓડિયન્સના જ માથા પર હોય છે!  હંસલ મેહતા પાસે એક વિચાર હતો જે એમણે રજૂ કરેલો " શાહિદ આઝમી પોતાની વાત કહેવા માટે જીવતા નથી તો મને થયું કે એમના તરફની વાર્તા હું રજૂ કરુ અને એમને માટે, એમના તરફથી ઊભો રહું" શાહિદ આઝમી કોણ હતા? શું હતા? વગેરેની વાત આપણે આગળ કરીશું પણ અહીં એટલું નોંધી લઈએ કે આવા વિષય પર કામ કરવા માટે હંસલ પાસે એક કારણ એ પણ હતું કે આ પહેલા એમને એમની ફિલ્મ ’દિલ પે મત લે યાર વખતે શીવસેનાની ધમકીથી થઈ હતી. વાતનો વિષય ખરેખર ખૂબ જ મજબૂત છે પણ વિષયની માવજત ખરેખર ખૂબ જ નબળી છે...


        શાહિદ આઝમી મુંબઈ મુસ્લિમ વિસ્તારમાં રહેતો એક સામાન્ય માણસ હતો. રોજ છાશવારે થતા ઝગડા અને મુંબઈની પરિસ્થિતિ મુજબ મુંબઈના મુસ્લિમ છોકરાઓને આતંકવાદ તરફ ધકેલવા ખૂબ સહેલા પડે છે. શાહિદ પણ આતંકવાદી કૅમ્પમાં જોડાય ગયેલ અને અચાનક ફરી પાછો વળ્યો હતો. આ વાતની પોલીસને જાણ થતા તેના પર આરોપ મૂકી જેલ હવાલે કરવામાં આવેલ. જેલમાં રહીને ૨ વર્ષ અભ્યાસ કરી એ નિર્દોષ છૂટ્યો હતો. બહાર આવી શાહિદ ’એલ.એલ.બી.’ કરી વકીલાત શરૂ કરી હતી. આ દરમિયાનમાં હ્યુમન રાઇટ્સ એક્ટીવીસ્ટ તરીકે એમનું ખૂબ મોટું નામ બની ગયું. શાહિદ આઝમીને આતંકવાદીના કેશ ઘણા મળ્યા અને લગભગ ૧૭ કહેવાતા કે સાચા આતંકવાદીઓને એમણે બચાવ્યા હતા. આખરે એમનું ખૂન થયુ હતું.  ફિલ્મમાં સંપૂર્ણ પણે શાહિદ આઝમીનો જ પક્ષ લેવામાં આવ્યો છે જ્યારે મીડિયા કંઈક અલગ જ માને છે. હવે સત્ય શું એ વાત પર આખો રીવ્યુ લઈ જવાને બદલે આપણે ફિલ્મ પર જ વાત કરીએ...


        હંસલ મેહતાની શરૂઆતની વાર્તા અને પછીની વાર્તામાં ઘણો મોટો ફેર છે. માત્ર વાર્તા જ નહીં ફિલ્મના ડાય્લોગ્ઝ પણ ઘણીવાર રી-રાઇટ થયા છે. હંસલ મેહતા સાથે સૌથી પહેલા અપૂર્વ અસરાની જોડાયેલા. એમણે લખેલી વાત હજુ પણ નબળી લાગતા સમીર ગૌતમ સિંઘને પણ ડાયલૉગ અને સ્ક્રીનપ્લે લખવા માટે કહેવામાં આવ્યું. અનુરાગ કશ્યપ જ્યારે સુનીલ બોહરા, સિદ્ધાર્થ રોય કપૂર અને રોની સ્કૃવાલા જેવા ચાર પ્રોડ્યુસર્સ વચ્ચેનો એક પ્રોડ્યૂસર હોય ત્યારે થોડી ક્રીએટીવીટી માટે મહેનત ઉઠાવે એ સ્વભાવિક જ છે. હંસલ મેહતા ઉપરાંત અન્ય બે લેખકો જોડાયા એથી ડાયલોગ્ઝમાં તો ખૂબ મોટો ફેર પડ્યો પણ સ્ક્રીનપ્લે પર ઓછું કામ થયું. વાર્તાનું મૂળ તત્વ શું હતું એ ખાસ બહાર ન આવ્યું. શાહિદ આઝમી બુધ્ધીશાળી વકીલ હતો એ બતાવવું હતું? આતંકવાદના આરોપ હેઠળ પકડાયેલ દરેક વ્યક્તિ આતંકવાદી નથી હોતા? ઘર અને પત્નીનું પહેલા ધ્યાન રાખવું પછી એક્ટીવીસ્ટ થવું? કે પછી આ બધી જ બાબતોને ધ્યાનમાં લેવી? જ્યારે વાત મુખ્ય વાર્તા બહાર જતી રહે છે ત્યારે પ્રશ્ન થાય છે કે ક્યા ગોલ સાથે સ્ક્રીનપ્લે ડિઝાઇન કરવામાં આવ્યો હશે? ખૂબ પ્રયત્નો અને વિચાર છતા હું હજુ સુધી એ નિર્ણય નથી લઈ શક્યો કે આખરે ફિલ્મ શું સાબિત કરવા માગતી હતી? જો કે જ્યારે વાત રીવ્યુની થાય છે ત્યારે એક વાત અંદર ઘુસેડીને કહી દઉં કે ’બોસ જેવું ફિલ્મ જોવા કરતા આ નબળું ફિલ્મ પણ સારુ છે...


        ફિલ્મનું લીડ રાજકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે. રાજકુમાર યાદવ એક ટીપીકલ સ્ટાઇલનો આર્ટિસ્ટ છે. હજુ સુધી જોયેલા એના દરેક ફિલ્મમાં લગભગ કોઈ જ અલગ સ્ટાઇલ નજર નથી આવી. રાજકુમારની એક્ટીંગથી લઈને ડાયલોગની બધી જ સ્ટાઇલ ’રાગિણી એમ.એમ. એસ.’ જુઓ, ’કાય પો છે જુઓ, ’લવ સેક્સ ધોખા જુઓ કે પછી ’શૈતાન જુઓ એની એજ લાગશે તો પણ રાજકુમાર ખરેખર ખૂબ જ સારો એક્ટર છે. રાજકુમાર સામે તેની પત્નીના પાત્રમાં પ્રભલીન સંધુને લેવામાં આવી છે. પ્રભલીન ફિલ્મમાં એકદમ સ્પષ્ટ વિચાર વાળી સ્ત્રી છે પણ કહ્યું એમ નબળા સ્ક્રીનપ્લેને લીધી લગ્ન કરવાની ના પાડીને જતી પ્રભલીન એ પછીના બીજા જ શોટમાં રાજકુમાર સાથે લગ્ન કરતી બતાવવામાં આવે છે. જ્યારે સ્ક્રીનપ્લે લખાતો હોય ત્યારે આવા શોટ ઉમેરીને પાત્રની ઊંચાઈ નીચી પાડવાનો કોઈ અર્થ નથી. અનુરાગના કહેવાથી એક નાના પાત્રમાં કેય કેય મેનન કામ કરવા તૈયાર થયા. મેનન માટે તો ક્યાં કંઈ કહેવું જ પડે? કોઈ પણ પ્રકારનું પાત્ર હોય મેનનમાં ક્ષમતા છે કે યોગ્ય રીતે જ નિભાવી જાણે. યુસુફ હુસેન પ્રોફેસર સક્સેના બન્યા છે. યુસુફ હુસેને ઘણી ફિલ્મ્સ કરી છે એટલે જેટલું કામ મળે એટલું યોગ્ય જ હોય. શાહિદના ભાઈના પાત્રમાં મહમદ ઝીશાન અયુબ છે. ઝીશાન ધીમેધીમે ઇન્ડસ્ટ્રીમાં એસ્ટાબ્લીશ થતો જાય છે. ઝીશાનને હવે ઘણી ફિલ્મ્સમાં જોઈ ચૂક્યા છીએ પણ મેં પહેલી ફિલ્મ જોઈને જ કહ્યું હતું કે દમ વાળો છોકરો છે. ’રાંઝણાનો પંડિત હોય કે પછી ’શાહિદનો આરીફ ઝીશાન યોગ્ય કાસ્ટિંગ જ બની રહે છે. જો કે ફિલ્મના અન્ય પાત્રો બજીન્દર કૌર (અમ્મી), વિપીન શર્મા (પબ્લિક પ્રોસીક્યુટર, શાલીની વત્સ (પબ્લિક પ્રોસીક્યુટર), પરિતોષ સંદ (જજ), તિગ્માંશુ ધુલીયા (ઍડ્વોકેટ મેનન) બધા જ પાત્રો ખરેખર વખાણવા લાયક એક્ટીંગ કરે છે...


        ફિલ્મની સૌથી ખરાબ બાબત હોય તો ફિલ્મની સિનેમેટોગ્રાફી. સિનેમેટોગ્રાફર અનુજ ધવને જાણે કોઈ મહેનત જ નથી લીધી. દરેક શોટની એક વેલ્યૂ હોય છે અને સાથેસાથે એક એક કંપોઝીશનની પણ વેલ્યૂ હોય છે. જ્યારે ફિલ્મ બનાવતા હોઈએ ત્યારે પાત્રનું મોઢું ન દેખાય અને અચાનક એ ખ્યાલ આવતા તમે કૅમેરાની પોઝીસન ઉપર લઈ જઈ બતાવો ત્યારે તમે સૌથી નબળા સિનેમેટોગ્રાફર છો એની સાબિતી આપો છો. ચલો માની લઈએ કે આવી ભૂલ એકાદવાર થઈ ગઈ હોય પણ ’શાહિદમાં તો એક એક પગલે આવા દ્ગશ્યો જોવા મળે છે. આ રીતે જ શોટ ટેઇકીંગની પણ એક ટેકનિક હોય છે. જ્યારે બે પાત્રોને ન્યાય આપવાનો હોય ત્યારે એટલીસ્ટ ડાયલૉગ બોલે એ પાત્ર પર કેમેરો ફોકસ થયેલો હોવો જોઈએ. સિનેમેટોગ્રાફરને એ પણ નથી ખબર કે ક્યારે ક્યા પાત્ર પર ફોકસ કરાય. ફોકસ-ડીફોકસની ગેઇમ ગમે જ પણ અહીં તો મોટાભાગનું આઉટ ઑફ ફોકસ છે...


        ટૂંકમાં એકદમ સારી વાત છે. બજેટ પણ એકદમ ઓછું જ છે. પાત્રો પણ એકથી એક સારા કલાકાર છે પણ નબળા સ્ક્રીનપ્લે અને ખરાબ સિનેમેટોગ્રાફીએ આખા ફિલ્મના મુખ્ય હાર્દનું ખૂન કરી નાખ્યું છે. ફિલ્મ ઘેર બેસીને ડીવીડીમાં જોવી યોગ્ય છે તો પણ ’બોસ કરતા ’શાહિદની ડીવીડીનો ખર્ચ કરજો કેમ કે ફિલ્મ પૂરા ૨ સ્ટાર તો ડીઝર્વ કરે જ છે...




પેકઅપ:


"દરેક સ્ત્રી એક પતિ ઇચ્છે છે કેમ કે બધો જ દોષ ભગવાન અથવા સરકાર પર આપી શકાતો નથી"

Friday, 11 October 2013

વોર છોડ ના યાર: અઘરાં વિષયની સરળ રજૂઆત





             માત્ર ભારતમાં જ નહીં પણ બધા જ દેશને પાડોશી દેશ સાથે વાંધો હોય જ અને જે વાતનું રીફ્લેક્શન ત્યાં બનતી ફિલ્મ પર પડતું જોવા મળ્યું જ છે. જે દેશ ફિલ્મ બનાવતું હોય તે હંમેશા પોતાના દેશને જીત મળતી હોય એવું જ દેખાડે અને તો જ પબ્લીકની તાલીઓ અને સીટીઓ મળે. ભારત માટે પણ આ વાત બહુ જ સામાન્ય છે કે કોઈ પણ રીતે પાકિસ્તાનને ફિલ્મમાં ઘુસેડવું. જોકે પાકિસ્તાન આપણી ઇન્ડસ્ટ્રીને મસાલો પૂરો પાડવા માટે કારણો પણ આપતું જ રહ્યું છે. વિષય આતંકવાદીનો હોય, ઘૂસણખોરીનો હોય, હથિયાર સપ્લાયનો હોય, જાસૂસીનો હોય કે સ્પોર્ટ્સનો હોય પાકિસ્તાન સાથે જોડીને ઘણી ફિલ્મને સ્ટોરી મળી રહી છે. ’ગદર જેવી ખરાબ ફિલ્મ હોય તો પણ સુપરહીટ થાય, કારણ એટલું જ કે પાકિસ્તાનમાં જઈને સની દેઓલ એકલે હાથે જંગ જિતાવી આવે, ભલે પછી પાઇપ વગરની ડંકી ઉપાડીને ફાઇટ કરતા દ્ગશ્યો હોય. આવો જ હોટ ટોપીક એટલે પાકિસ્તાન સાથેની વોર અને પહેલીવાર જોયું કે કોઈ માણસાઈનો સહારો લઈને યુદ્ધ રોકવાની વાત કરવામાં આવી હોય! આટલાં અઘરા વિષયની રજૂઆત કૉમેડીમાં સરળ રીતે કરવી એ ખૂબ જ મુશ્કેલ કામ છે પણ ’વોર છોડ ના યાર સાચે જ સફળ રહ્યું...


        ફિલ્મ લખ્યું અને ડિરેક્ટ કર્યું છે ફરાઝ હૈદરે. ફરાઝ હૈદરનું આ પહેલું ડિરેક્શન છે. ફરાઝ આ પહેલા દિબાકર બેનર્જીના ’ઓયે લકી, લકી ઓયમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. આમ જોઈએ તો ફરાઝને બહુ જ ટૂંકા ગાળામાં બહુ જ મોટો બ્રેક મળ્યો કહેવાય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ છે જે કેપેબલ હોવા છતા આખી જિંદગી ડિરેક્ટર બની શકતા નથી. એ.ઓ.પી.એલ. એન્ટરટાઇન્મેન્ટનું પણ આ પહેલું બોલીવુડ મૂવી છે. આ પહેલા એ.ઓ.પી.એલ. એન્ટરટાઇન્મેન્ટ ૩ મલયાલમ ફિલ્મ્સ બનાવી ચૂક્યું છે. ફરાઝની વાત સાંભળી કંપનીએ તેના પર ટ્રસ્ટ મૂક્યો અને ૩૦ માર્ચ ૨૦૧૩ના રોજ ફિલ્મ જાહેર કરવામાં આવી. ડિરેક્ટર નવો હોય ત્યારે અમુક ક્ષતિઓ દેખાય તો પણ ફરાઝનું ડિરેક્શન જરા પણ અમેચ્યોર નથી લાગતું. જ્યાં સુધી એક્ટર્સની વાત છે એ મજબૂત રીતે કામ લઈ શક્યો છે. ફરાઝ અને ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર અસ્લમ કેયી સારા મિત્રો છે. અસ્લમે પોતાના મ્યુઝિક આલબમનું ડિરેક્શન ફરાઝને સોંપ્યું હતું. ફિલ્મનું મ્યુઝિક ખૂબ વખાણવા લાયક નથી પણ સારુ ચોક્કસ છે. જો કે મ્યુઝિકમાં મને એક સૌથી મોટું આશ્ચર્ય એ થયું કે કુલ ૨૩ સીંગર્સ એ મળીને ફિલ્મના ગીત ગાયા છે. 



        સૌથી સરસ મઝાની વાત છે ફિલ્મની વાર્તા. વાર્તા એટલી સરળ છે અને જે લગભગ ભારતીય કે પાકિસ્તાની નાગરિકના મનમાં હોય જ છે કે યુદ્ધ શા માટે? આવા યુદ્ધથી ફાયદો કોને? આમ જનતાને યુદ્ધ કરવામાં કોઈ જ રસ નથી હોતો. યુદ્ધ થાય છે માત્ર વિદેશી સત્તાઓના પાપે કે પછી ખોટી રાજકીય દોરવણીથી. અહીં પણ એવું જ છે. બોર્ડર પર સામસામે બે બટાલિયન છે. ભારતની બટાલિયનનો કૅપ્ટન છે શરમન જોષી અને સામે તરફ સંજય મીશ્રા અને જાવેદ જાફરી છે. શરમન જોષીના એક્ટીંગ માટે તો ક્યારેય શંકા કરી જ ન શકાય. શરમનની ફિલ્મની સફર સાથે નાટ્ય જગતની સફર પણ એટલી જ લાંબી છે. શરમન સમય સાથે ઘડાયેલો કલાકાર છે અને સાથેસાથે કુટુંબનો પણ એટલો મોટો વારસો પણ ખરો. સંજય મીશ્રા હવે કૉમેડી પર એટલો મોટો હાથ જમાવતો જાય છે કે કોઈ પણ કૉમેડી વિષય હોય સંજયનો એક રોલ તો ફીક્સ જ હોય. ટીપીકલ પાકિસ્તાની બ્રીગેડીયર તરીકે સંજયને જોઈને જ કૉમેડી ઊભી થાય છે. જાવેદ જાફરી પોતે તો સારો કલાકાર છે જ પણ જાવેદનો અવાજ તેની અદાકારીમાં ચાર ચાંદ પૂરે છે. સોહા અલી ખાન સમય જતા વધારેને વધારે એની માં શર્મીલા ટાગોર જેવી દેખાતી જાય છે. સોહા એક પત્રકારના પાત્રમાં છે. સોહા માટે ખાસ રોલ લખવામાં આવ્યો હોય એમ ફિલ્મમાં શરમન કરતા પણ વધારે એના પાત્રને વજન આપવામાં આવ્યું છે. વર્ષોથી સિરિયલ્સ અને ફિલ્મમાં દેખાતા દિલીપ તાહીલને બહુ ઓછા પ્રમાણમાં કૉમેડી રોલમાં જોયા છે. દિલીપ તાહીલ ફિલ્મમાં ત્રણ રોલ કરે છે. પાકિસ્તાની પ્રાઇમ મીનીસ્ટર, ભારતના રક્ષા મંત્રી અને અમેરિકાના આર્મ સેલર. આ ત્રણે પાત્રની ખાસિયત બાખુબી નિભાવી છે. એકદમ મઝાનું પાત્ર જો કોઈએ ભજવ્યું હોય તો મુકુલ દેવે. ઘણી બધી સિરિયલ્સમાં અને ’દસ્તક ફિલ્મમાં ક્લાસ રોલ કરી ચૂકેલો મુકુલ આ ફિલ્મમાં એકદમ મૂર્ખ અફઘાની ખાન બતાવવામાં આવ્યો છે. ફિલ્મ દરમિયાન માત્ર બે થી ત્રણ વાર જ દેખાય છે પણ એ પાત્રને યાદ કરીને તમે ફરી ફરીને હસશો....



        ફિલ્મનું સૌથી અઘરું ઝોનર એટલે કૉમેડી. કૉમેડીની અંદર પણ ઘણા પેટા વિભાગો છે. ઘણી ફિલ્મ સેટાયર હોય છે એટલે કે ફિલ્મમાં તમને હાસ્ય તો જ આવે જો તમે ફિલ્મની શાર્પ કટ્સ સમજો અને ઘણી સીધી જ કૉમેડી હોય છે. એમાં પણ બે પ્રકારની કૉમેડી હોય છે એક કે જે ડાયલોગ્ઝથી ઊભી થાય છે અને બીજી જે સીચ્યુએશનથી ઊભી થાય છે. જેમ કે ’હેરાફેરી એ ડાયલોગ્ઝથી ઊભી થતી કૉમેડી ફિલ્મ હતી અને ’હંગામા સીચ્યુએશનથી ઊભી થતી કૉમેડી ફિલ્મ હતી. ’વોર છોડ ના યાર ખરા અર્થમાં સૂક્ષ્મ અને સ્થૂળ બંને કૉમેડીને મહદ અંશે નિભાવી શકી છે. વોર જેવા સમયે પણ વાતને એકદમ લાઇટ બનાવીને રજૂ કરવી અને ત્યારે વોરની પરિસ્થિતિ સાથે કૉમેડીની મઝા બંને સુભગ રીતે જોવી અને ફીલ કરવી એ એક લહાવો જ છે. સૈનિકો આખરે તો માણસ જ છે. યુદ્ધ બે દેશ વચ્ચેની વાત છે પણ માણસ માણસ વચ્ચેના પ્રેમને કોણ રોકી શકે? વાતના વિષય અને મર્મને સમજી, હસી અને ફિલ્મને માણજો.



        ફિલ્મની સૌથી મોટી નબળાઇ છે ફિલ્મનું લાઇટીંગ. સારો કેમેરામેન હંમેશા ફિલ્મનું દ્ગશ્ય રાતનું હોય તો પણ મુખ્ય પાત્રને કી લાઇટ એ રીતે આપવામાં આવે કે પાત્રોના ચહેરા ડાર્ક ન જાય અને ફેશ એક્ટીંગ માણી શકાય પણ અહીં એવું કરવામાં આવ્યું નથી જે સીધી જ નબળી ટેક્નિકની ચાળી ખાય છે. આ રીતે જ ફિલ્મની શરૂઆત ખરેખર નબળી છે પણ થોડા સમય જતા જ ફિલ્મ ગ્રીપ પકડી લે છે. સેજલ શાહની સિનેમેટોગ્રાફી થોડી નબળી છે પણ ફિલ્મનું કંટેઇન જ્યારે સારુ હોય ત્યારે ટેકનિકલ વાતો જતી કરવી જોઈએ. સ્ટાર આપવાની વાત હોય તો ૩ સ્ટાર અચૂક આપી જ શકાય...




પેકઅપ:
"લગ્નની પહેલી રાતે પણ ચાંદલાનો ટોટલ લગાડવામાં વ્યસ્ત રહે એ ગુજરાતી"

Wednesday, 2 October 2013

બેશરમ: જોવા જતા શરમાજો






            દરેક પ્રકારની ફિલ્મ બનાવવા પાછળ બે ઉદ્દેશ હોય છે, એક તો રૂપિયા કમાવવાનો અને બીજો નામ કમાવવાનો એટલે કે એવૉર્ડ જીતવાનો. જો કે એવૉર્ડ જીતવા માટે ખૂબ જ ઓછી ફિલ્મ્સ બનતી હોય છે રૂપિયા કમાવવા માટે દર અઠવાડિયે એક ફિલ્મ તો આવે જ છે. હવે એ કમાય છે કે નહીં એ વાત અલગ છે પણ ખર્ચ ચોક્કસ કાઢી જ લે છે. મહદ અંશે માણસો માત્ર ફિલ્મ એન્ટરટાઇન્મેન્ટ માટે જોવા જાય છે. ઘણી એવી ફિલ્મ્સ છે જેને કેટ કેટલાં લોકો વખોડતા હોય પણ બોક્ષ ઓફીસ પર ફિલ્મ પૂરતો ધંધો કરી જાણે છે. મારા રીવ્યુમાં પણ એવું થયું છે કે જે ફિલ્મને મે વખોડી હોય એ ૧૦૦ કરોડનો ધંધો કરી ગઈ હોય. ’બેશરમ પણ આવા જ હેતુથી બનાવવામાં આવી છે. રણબીર કપૂર જેવો સેલેબલ સ્ટાર હોય તો પછી એનકેશ તો કરી જ લેવાય ને? પણ ફિલ્મ જોવા જાઓ એ પહેલા એક વાર વિચાર કરજો અને જો શક્ય હોય તો ફિલ્મ જોવા જતા પહેલા થોડા શરમાજો તો રૂપિયા બચી જાશે...


        અભિનવ કશ્યપ એટલે અનુરાગ કશ્યપ જેવા ગ્રેટ ડિરેક્ટરનો મોટો ભાઈ. અભિનવ અભિનવ માટે ફિલ્મમાં એન્ટ્રી સરળ હતી કેમ કે ઇન્ડસ્ટ્રીમાં અનુરાગનું ઘણું મોટું નામ થઈ ગયું છે. અભિનવની પહેલી જ ફિલ્મ ’દબંગ સુપર ડુપર હીટ રહી. જો કે ’દબંગ 2’ માંથી અભિનવની બાદબાકી થઈ અને એ કેમ થઈ એ ચર્ચા ન કરતા ’દબંગ માટે તો એને અભિનંદન આપવા જ પડે. ’દબંગની વાર્તા પણ અભિનવે જ લખી હતી. અભિનવ આ પહેલા ઘણી ફિલ્મ્સ લખી પણ ચૂક્યો છે અને એક્ટીંગમાં પણ ’યુવા અને ’પાંચમાં હાથ અજમાવી ચૂક્યો છે. અનુરાગ કશ્યપ પોતાની ફિલ્મને પ્રમોટ કરવામાં કંઈ બાકી જ ન રાખે એ જ રસ્તે ચાલતા અભિનવે પણ ’બેશરમ પ્રમોટ કરવા માટે ’કૉમેડી નાઇટ્સ વિથ કપીલ;, ’ઝલક દીખલા જા ઉપરાંત ’કૌન બનેગા કરોડપતિ જેવા મોસ્ટ હીટ શો નો સહારો લીધો. પ્રોમોશન અને પ્રયત્ન જોઈ ફિલ્મ જોતા પહેલા એક વાત મગજમાં હતી જ કે અભિનવને પબ્લીક્ને કેમ ખુશ કરવી એ આવડે છે એટલે ડિરેક્શન અને રાઇટીંગમાં આ વાતનો ખાસ ખયાલ રાખવામાં આવ્યો હશે પણ હાય રે નસીબ! ફિલ્મ નથી કૉમેડી, નથી લવ સ્ટોરી, નથી ઍક્શન કે નથી એન્ટરટાઇનીંગ. હવે એ માટે ડિરેક્શનનો વાંક કાઢવો, સ્ટોરીનો વાંક કાઢવો કે પછી એક્ટર્સનો એ ઑડિયન્સ જ નક્કી કરે તો સારુ...


        ફિલ્મની ટેગલાઇન ખૂબ સરસ છે ’ના સન્માન કા મોહ, ના અપમાન કા ભય. સાચે જ ફિલ્મ પ્રોડ્યુસર્સ હિંમાશુ મહેરા અને સંજીવ ગુપ્તાને આ વિચાર આવ્યો જ હશે એટલે જ આટલી ચીલાચાલુ વાર્તા પર ૫૦ કરોડ નાખવા તૈયાર થયા! એક અનાથ આશ્રમમાં મોટો થયેલો રણબીર એટલે કે બબલી અને એનો મિત્ર અમિતોષ નાગપાલ એટલે કે ટીટુ મોટર મીકેનીક છે અને સાથે ગાડીઓ ચોરવાનું કામ કરે છે. રણબીર પોતાના એક્ટીંગને ન્યાય આપે છે પણ એટલી હદે બેશરમી નથી કરી શક્યો કે ફિલ્મને ન્યાય આપી શકે. રણબીરને પલ્લવી શરદા એટલે કે તારા શર્મા સાથે પ્રેમ થઈ જાય છે. પલ્લવી શરદાને માટે આ ખૂબ સારો બ્રેક હતો કેમ કે મીસ ઇન્ડિયા-ઓસ્ટ્રેલીયા બનેલી પલ્લવી આ પહેલા નાના રોલમાં ’માય નેઇમ ઇઝ ખાનમાં ઇન્ટ્રોડ્યુસ થઈ હતી. આ પછી ’દશ તોલા, ’વોક વે, ’લવ બ્રેકઅપ જિંદગી અને ’હીરોઇન જેવી ફિલ્મ્સમાં નાના મોટા રોલ કરી ચૂકી છે પણ એક પણ જગ્યાએ છાપ નથી છોડી શકી. રણબીરને એકદમ બેશરમ માનતી પલ્લવી પોતાની ગાડી પાછી મેળવવા માટે તેની સાથે ચંદીગઢ જવા રવાના થાય છે. ગાડી રણબીરે જ ચોરી હતી અને એ ગાડી ભીમસિંઘ ચંડાલ એટલે કે જાવેદ જાફરી જે હવાલા કીંગ છે એની પાસે હતી. આ સફર દરમિયાન અચાનક જ પલ્લવીને રણબીર સાથે પ્રેમ થવા લાગે છે. સ્ટોરી લાઇન એટલી નબળી પડે છે કે આ પ્રેમનું ટ્રાન્સીસન જ ખબર નથી પડતી. હવે જ્યારે રણબીરને હીરો બનાવ્યો હોય તો સ્કીમમાં ઋષિ કપૂર અને નિતુ સિંઘ આવી શકે. ફિલ્મમાં ઇન્સ્પેક્ટર ચુલબુલ ચૌટાલા અને હેડ કૉન્સ્ટેબલ બુલબુલ ચૌટાલા બનેલું આ કપલ ધરાર સ્ટોરીમાં ઘુસેડવામાં આવે છે. મેં ઋષિ કપૂરની બીજી ઇનિંગના ખૂબ જ વખાણ કર્યા છે પણ ’બેશરમ માટે વખાણ નહીં કરી શકું. નીતુ સિંઘનું વર્ષો પછી સ્ક્રીન પર આવવું જામ્યું પણ જે રીતે તેની ઉમર ૫૩ વર્ષ વારંવાર બોલાવવામાં આવે છે એ સ્ક્રીન પર દેખાતી નથી! ઉલ્ટુ એથી ઘણી વધારે દેખાય છે. ફિલ્મના અંતમાં ફાઇટ તો રાખવી જ પડે. હવે અત્યાર સુધી હીરો બનાવેલો રણબીર સાથે ખાસ પ્રસંગમાં ઋષિ કપૂરને પણ વજન આપવામાં આવ્યું. કૉમેડી કરવા દબંગ સ્ટાઇલ અવાજ થી ઉડાડી દેતા દ્ગશ્યો અને ધરાર કરાવતી ફાઇટ્સમાં ઋષિ કપૂરની આબરૂ ઓછી કરવાનું કામ જ ડિરેક્ટરે કર્યું છે...


        ફિલ્મનું મ્યુઝિક લલિલ પંડિતનું છે. ફિલ્મ મ્યુઝિક માટે ક્રીટીક્સનો અલગ અલગ અભિપ્રાય છે પણ મને સુપર ડુપર હીટ થાય એવું એક પણ સોંગ લાગ્યું નહીં. હાં બહુ ખરાબ મ્યુઝિક છે એવું કહી શકાય એમ નથી પણ ખૂબ સારુ છે એમ પણ નથી કહી શકાય એમ. ફિલ્મનો રન ટાઇમ ૧૪૨ મીનીટ્સનો છે પણ આ ૧૪૨ મીનીટ સહન કરવી અઘરી તો પડે જ છે. એમ છતાં પણ ફિલ્મ ચાલશે અને પૂરતો ધંધો કરશે એ વાત નક્કી છે કેમ કે ૩૬૦૦ ભારતીય સ્ર્કીન અને ૭૦૦ વિદેશી સ્ક્રીન અને એ પણ શુક્રવારની જગ્યાએ બુધવારે રીલીઝ કરવામાં આવી તો પણ મળ્યાં છે. પ્રોડ્યુસર્સ ધારે છે કે શુક્રવારે તેઓ બીજા ૨૦૦૦ સ્ક્રીન મેળવી લેશે. આ પહેલા જેમ કચરા છાપ ફિલ્મ ’ચેન્નાઇ એક્સપ્રેસ પણ ૩૭૦૦ થીયેટર્સમાં રીલીઝ થઈ હતી અને ફિલ્મ સારી ન હોવા છતા પૂરતો ધંધો કરી શકી હતી. રણબીરના નામ પર એક મોટો જુગાર ખેલાય રહ્યો છે પણ બે દિવસ પહેલા ફિલ્મ રીલીઝ કરીને કદાચ ઉલ્ટુ પરિણામ પણ આવે કે શુક્રવારે અમુક સ્ક્રીન ખાલી કરવાનું કહે! તો પણ ૫૦ કરોડનું બજેટ છે એટલે એટલો ધંધો તો થઈ જ જશે. હવે પછી રીલીઝ થતી દરેક ફિલ્મમાં ખોટ માત્ર ઑડિયન્સ જ કરે છે. પ્રોડ્યુસર્સે દાવો કર્યો છે કે અમે ’બેશરમ ને ’ચેન્નાઇ ઍક્સ્પ્રેસ કરતા વધારે સ્ક્રીનમાં રીલીઝ કરીશું. જોઈએ કે તેઓ આવું કરી શકે છે કે નહીં...


        અલ્ટીમેટલી તો ફિલ્મનું ઓવર ઓલ આઉટપુટ જ મહત્વ રાખતું હોય છે. મારી દ્રષ્ટિએ આ ફિલ્મ ન જોઈએ તો કંઈ ગુમાવવા જેવું નથી એમ છતા ઑડિયન્સ બેટર જજ છે. સ્ટાર આપવાની વાત કરીએ તો હું ૧.૫ સ્ટાર જ આપીશ અને એ પણ એના ટ્રેઇલર માટે કેમ કે આખી ફિલ્મમાં જે પંચ છે એ બધા જ ફિલ્મના ટ્રેઇલરમાં આવી જાય છે! તો પછી આખુ ફિલ્મ શા માટે જોવું?




પેકઅપ:
"આ દેશની કેવી ખરાબ પરિસ્થિતિ આવી છે કે ગાંધી જંયતીના દિવસે ’બેશરમ રીલીઝ થાય છે!"