Friday, 23 August 2013

મદ્રાસ કાફે: ટાઇટ સ્ક્રીનપ્લેનો ઉત્તમ નમૂનો

      



        ફિલ્મનું અભિન્ન અંગ એટલે સ્ક્રીનપ્લે અને એમાં પણ જ્યારે ફિલ્મ જૂની વાતને લઈને રજૂ કરવાની હોય ત્યારે વાત કઠિન બને. હજુ તાજેતરમાં જ ૧૯૮૦ના દાયકાની ફિલ્મ ’વન્સ અપોન અ ટાઇમ દુબારા જોઈ પણ એ સમયગાળાના ડાયલોગ્ઝ, વાર્તા અને સ્ટાઇલ એ જમાવટ ન કરી શકી જે થવી જોઇએ, આ પાછળનું કારણ પણ નબળો સ્ક્રીનપ્લે જ હતો. ’મદ્રાસ કાફે પણ આવા જ એક ગાળાનું ફિલ્મ છે. ’લીબ્રેશન ટાઇગર્સ ઑફ તમીલ ઇલમ એટલે કે એલ.ટી.ટી.ઈ. નામનું સંગઠન અસંખ્ય લોકોની હત્યા માટે જવાબદાર હતું. ભારત શાંતિ ઇચ્છતું હતું અને સ્વ. રાજીવ ગાંધીએ ભારતીય સેનાને શાંતિ સ્થાપના માટે શ્રીલંકા મોકલી હતી. એ સમયે ચાલતું પોલીટીક્સ કંઈક ઓર જ હતું. આ ગાળાને ફરી જીવતો કરવો અને વીસરાયેલ વાતને અતિ સરસ રીતે રજૂ કરવી હોય તો ફિલ્મને માત્ર ઉગારી શકે એવું પાસું હોય તો સ્ક્રીનપ્લે. શુભેન્દુ ભટ્ટાચાર્ય, સોમનાથ ડે અને ડુસમ ટોલમેક એમ ત્રણ ત્રણ ભેજાઓએ મળીને સ્ક્રીનપ્લે પર કામ કર્યું છે. ’મદ્રાસ કાફે ખરેખર ઉત્તમ સ્ક્રીનપ્લેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે...


        શુજીત સિરકરે પોતાના કેરિયરની શરૂઆત એડ ફિલ્મ્સથી કરી હતી. સફોલા, રીલાયન્સ 2G, ફેર & લવલી , મારૂતિ વેગન આર, ડવ જેવી ઘણી એડ ડિરેક્ટ કરી છે. ૨૦૦૫માં ’યહાં એમની પહેલી ફૂલ લેન્થ ફિલ્મ હતી. બોક્ષ ઓફીસ પર આ ફિલ્મ ખાસ ચાલી ન હતી પણ ડિરેક્શન સારુ જ રહ્યું. ૨૦૧૨માં વિક્કી ડોનર તો સાવ અનોખી ફિલ્મ. ડિરેક્શન એટલે ૧૦૦ ટચના સોના જેવું. સ્ક્રીનપ્લે એટલે જમાવટ. માત્ર ૫.૧૫ કરોડના બજેટમાં બનેલી ફિલ્મ જ્યારે ૧૧૩ કરોડનો ધંધો કરે ત્યારે ફિલ્મ સારી બનાવવાનો યશ ડિરેક્ટરને જ જાય. શુજીત સિરકરની ત્રીજી ફિલ્મ એટલે ’મદ્રાસ કાફે. ફિલ્મ માટે દરેકની મહેનત સીધેસીધી રીતે દેખાય આવે છે. શુજીત વર્સેટાઇલ ડિરેક્ટર છે એવું સ્વીકારવું પડે. શુજીતને પૂછવામાં આવ્યું હતું કે  ’યહાં-’વિક્કી ડોનર-’મદ્રાસ કાફે સફરમાં ક્યાં સેટ થશો? જેના જવાબમાં શુજીતે સરસ રીતે કહ્યું કે "હું સ્ટોરી રજૂ કરવા વાળો માણસ છું એટલે ક્યાંય અટકવું નથી. ઑડિયન્સ શું પસંદ કરે એ નક્કી કરી જ શકાય નહીં. મને હતું કે વીક્કી ડોનર-સ્પર્મ ડોનેશનની વાત ઑડિયન્સ નહીં સ્વીકારે પણ સુપરહીટ નીવડી". આમ તો આ ફિલ્મ શુજીતે ૨૦૦૬માં જહોન અબ્રાહમને સંભળાવી હતી પણ સંજોગોના હિસાબે શક્ય ન બન્યું. જહોનના કહેવા મુજબ શુજીતની અને એમની શરૂઆત આ ફિલ્મથી થઈ હતી તો ફરીથી એ ફિલ્મ પર પાછાં ફરીએ અને ફિલ્મ બનાવીએ. જે સમયે સ્ક્રીપ્ટ સાંભળવામાં આવી હતી એ સમયે ટાઇટલ ’જાફના નક્કી થયું હતું પણ રાજીવ ગાંધીની હત્યાનો પ્લાન એક કાફેમાં બનાવવામાં આવ્યો હતો એટલે ’મદ્રાસ કાફે રાખવામાં આવ્યું.


        ફિલ્મના કાસ્ટિંગ માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મેજર વિક્રમનું કૅરેક્ટર જહોન અબ્રાહમને આપવામાં આવ્યું એ પહેલા શુજીતે એક સ્ટેટમેન્ટ કર્યું હતું કે " હું ઇન્ટેલીજન્ટ ઓફીસર આપણા માંનો જ એક છે એવું બતાવવા માગતો હતો. એવો કલાકાર જે લોકોના ટોળા સાથે ભળી જાય. જહોન માટે આવું કરવું લગભગ અશક્ય હતું  પણ જહોને આ માટે પૂરતી મહેનત કરી અને પોતાના મસલ પણ ઘટાડ્યા". જહોને ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપ્યો જ છે. આ રીતે જ કોઈ પણ પ્રકારની છેડછાડ કર્યા વગર અંગ્રેજી પત્રકારની ભૂમિકામાં નરગીસ ફખ્રી પાસે બધા જ સંવાદો અંગ્રેજીમાં જ બોલાવવામાં આવ્યા છે. જહોનની પત્ની તરીકે રાશી ખન્નાને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. નાના પાત્રમાં પણ રાશી સારુ કામ આપી શકી છે. ક્વિઝ કીંગ સિદ્ધાર્થ બસુ ઇન્ટેલીજન્ટ હેડના પાત્રમાં છે. સિધ્ધાર્થને ઘણા સમયે જોયો પણ જોવો ગમે એવું પાત્ર છે. સત્તા અને પોતાની ગડમથલ વચ્ચે રમતું અદભૂત પાત્ર ભજવ્યું છે. પ્રભાકરનને ફિલ્મમાં અન્ના નામ આપવામાં આવ્યું છે જે સાઉથની ઘણી ફિલ્મ કરી ચૂકેલ અજય રત્થનમને આપવામાં આવ્યું છે. અજયની આ પહેલી હિન્દી ફિલ્મ છે. ફિલ્મમાં એક પણ પાત્ર વધારાનું નથી. દરેક પાત્ર પાસે કોઈને કોઈ કારણ છે અને એટલે જ એ પાત્ર ફિલ્મમાં છે.


        ફિલ્મ શ્રીલંકા, મલેસીયા, થાઇલેન્ડ, લંડન અને ભારતમાં શૂટ કરવામાં આવ્યું છે. જાફના શહેરમાં શૂટ શક્ય ન હોવાથી ભારતમાં જાફના શહેર ઊભું કરવામાં આવ્યું હતું.  ફિલ્મને રીયલ બતાવવા માટે અસલી એ.કે. ૪૭, બૉમ્બ બેટરી, એમ-૬૦ જેવા હથિયારોની જરૂર હતી પણ ભારતમાં એવી મંજૂરી ન મળે માટે થાઇલેન્ડ ઓથોરિટીની ખાસ મંજૂરી લઈને બેંગકોકમાં ફિલ્મ શૂટ કરવામાં આવી છે. એક એક દ્ગશ્ય માટે ગોઠવાયેલ બેકડ્રોપ પણ અનોખી રીતે કંડારવામાં આવ્યા છે. ફિલ્મનું મ્યુઝિક શાંતનુ મોયત્રાનું છે જો કે ફિલ્મમાં એક જ ગીત છે.

        ફિલ્મ ખાસ્સા વિવાદમાં સપડાયેલી રહી. ફિલ્મનો મુખ્ય બેઝ જ એલ.ટી.ટી.ઇ. છે અને સરેઆમ આતંકવાદી સંગઠન હોવા છતા સાઉથની કેટલીક પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું. નામ તમીલરે નામની એક સંસ્થાએ તો તમીલ ટાયગર્સને આતંકવાદી કહેવા બદલ જબરજસ્ત વિરોધ નોંધાવ્યો અને મદ્રાસ હાઇકોર્ટમાં ફિલ્મ રીલીઝ ન કરવા દેવા માટે દાવો નોંધાવ્યો પણ મદ્રાસ હાઇકોર્ટે દાવો વખોડી કાઢ્યો. રહી જતુ હતું તો મુંબઈ બી.જે.પી. પ્રેસિડન્ટ આશિશ સેલરે કહ્યું "ફિલ્મ કોઈ એક પાર્ટી અને એના લીડરને ચમકાવવાનું કામ કરે છે માટે આ ફિલ્મને મંજૂરી ન જ મળવી જોઈએ". જહોન આ ફિલ્મનો પ્રોડ્યૂસર પણ છે એટલે મીડિયા, કોર્ટ, સંગઠનો બધાનો સામનો એણે જ કરવાનો હતો. મર્દના બચ્ચાએ ખુલ્લે ખુલ્લું જણાવી દીધું કે "સેન્સર બોર્ડ ફિલ્મના મૂલ્યાંકન માટે છે જ. જેણે જે કરવું હોય એ કરી લે હું ફિલ્મમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નહીં કરું". વાત મુદ્દાની છે જો રાજકારણીઓ કે કોઈ સંસ્થાઓ જ ફિલ્મ રીલીઝ કરવું કે નહીં એ નક્કી કરતી હોય તો પછી સેન્સર બોર્ડની જરૂર જ શું છે?


        ફિલ્મમાં એક પણ દ્ગશ્ય વધારાનું નથી. ફિલ્મમાં સતત ઘટનાઓ બનતી રહે છે એટલે જ કહ્યું કે ફિલ્મ ટાઇટ સ્ક્રીનપ્લેનું સુંદર ઉદાહરણ છે પણ આ ટાઇટ સ્ક્રીનપ્લેની લાયમાં થોડું ઇલોજીકલ પણ બની જાય છે જેમ કે જહોન ગમે તેને પકડે એ વગર ટોર્ચરે બધી જ વાતો પોપટની જેમ બોલવા લાગે. ભલે ફિલ્મમાં પાંચેક મીનીટ વધી જતી પણ એકાદ વ્યક્તિને ટૉર્ચર કરીને બોલાવતો દેખાડત તો વાત લોજીકલ બની શકી હોત. આમ પણ ૧૩૦ મીનીટનો રન ટાઇમ એટલે ખાસ લાંબો રન ટાઇમ કહી શકાય નહીં. ફિલ્મમાં ક્યાંય પણ મેલોડ્રામા નથી. જહોનની પત્ની મરે છે અને બસ ૨ મીનીટનું રડવાનું ઘણી બધી લાગણીઓ દેખાડી જાય છે. આ રીતે જ સતત દોડતી સ્ટોરી ઘણા દેશ અને ભારતના ઘણા સ્થળો પલક ઝપકતા જ ફરી જાય છે પણ વાતને ક્યાંય ડીસ્ટર્બ નથી કરતી. ફિલ્મનો ટેઇકઓફ પોઇન્ટ રાજીવ ગાંધીની હત્યા પછીનો છે એટલે શરૂઆત જહોનથી જ કરવામાં આવે છે. ફ્લેશબેક હોવા છતા ક્યાંય ફ્લેશબેકનો અહેસાસ થતો નથી. જહોનની વાત સાથે પ્રસંગો એટલાં છે કે તમે ફિલ્મ ક્યાંથી શરૂ થઈ હતી એ અંતે પહોંચશો ત્યારે જ ખબર પડશે. ઓવરઓલ ફિલ્મ માટે એટલું કહી શકાય કે ફિલ્મ માસની નથી પણ ક્લાસની છે. યંગ સ્ટાર્સને એલ.ટી.ટી.ઇ. અને ભારતમાં પહેલીવાર થયેલા માનવ બૉમ્બનું જ્ઞાન નહીં જ હોય એટલે આ યુથને આકર્ષી શકશે કે કેમ એ પ્રશ્ન છે. ફિલ્મને ૩.૫ સ્ટાર આપવા જ પડે....




પેકઅપ:

જો તમે ભૂલથી ’ચેન્નઇમાં ચડવાનું પાપ કરી બેઠાં હોવ અને પ્રાયશ્ચિત કરવું હોય તો ’મદ્રાસ સારો વિકલ્પ છે!


1 comment: