એક સમય હતો જ્યારે
ધર્મેન્દ્ર પ્રેમ કરતો જોવા મળતો, એક સમય આવ્યો જ્યારે ધર્મેન્દ્રને હી-મેન કહેવામાં
આવ્યો અને માત્ર ગુંડાઓનો નાશ કરતો જોવા મળતો, એક સમય આવ્યો જ્યારે ચારિત્ર્ય અભિનેતા
બનવાનો પણ પ્રયત્ન કર્યો અને અત્યારે એ સમય આવ્યો કે કૉમેડી કરવાની કોશિશ પણ કરી. આ
રીતમાં ધર્મેન્દ્ર કરતા સની દેઓલમાં અલગ તરી આવ્યો છે. સનીએ કોઈ પણ કારણ વગર મારામારી
જ કરી છે, હાં અમુક ફિલ્મ્સમાં પ્રેમ કર્યો છે પણ પ્રેમમાં પણ મારામારી જ કરી છે. બોબી
માટે તો કંઈ કહી જ શકાય એમ નથી કેમ કે એક્ટીંગ શું કહેવાય એ સમજવા માટે કદાચ હજુ એક
દશકો કાઢવો પડશે. એક માત્ર બોબી દેઓલ એવો આર્ટિસ્ટ છે જે સમયની સાથે શીખ્યો નથી બાકી
અજય દેવગણ અને સૈફ અલી ખાન સમય સાથે પાક્યા છે. લોકોનું કહેવું છે કે આ ત્રણે બાપ દીકરામાં
એક હોય તો પણ સહન કરવા અઘરા પડે જ્યારે અહીં તો ત્રણે ત્રણ સાથે છે એટલે માથાના દુખાવાની
ગોળી તો સાથે રાખવી જ પડે!
આમ જોઈએ તો
’યમલા પગલા દિવાના’ પણ ક્યાં જામ્યું હતું પણ કલેક્શન મળ્યું હતું એટલે બીજો ભાગ
બનાવવાની ઇચ્છા રોકી ન શકાય. આ ફિલ્મથી ધર્મેન્દ્ર ફેમિલી એટલું બધું ખુશ થઈ ગયું કે
વાય.એમ.ડી. જ પોતાના પ્રોડક્શન હાઉસનું નામ રાખી દીધું. આ પહેલા આ ત્રણે પિતા-પુત્રોએ
મળીને ’અપને’ બનાવી
પણ એટલી હદે મેલોડ્રામા કે લોકોએ આ ફિલ્મ જોવાનું ટાળ્યું. ફિલ્મનું પ્રોમોશન યશરાજ
ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે. યશરાજનું પ્રોમોશન ખરેખર વખાણવા લાયક હોય છે એટલે
જ ૫૦ લાખ હીટ યુ ટ્યૂબ પર મળી. ફિલ્મ એનાઉન્સ તો પહેલા ભાગના કલેક્શન પછી જ એનાઉન્સ
થયું હતું. પહેલો ભાગ સમીર કાર્તિકે ડિરેક્ટ કર્યો હતો એટલે સૌથી પહેલા કાર્તિક જ ડિરેક્ટ
કરશે એવું માનવામાં આવતું હતું પણ થોડા સમય પછી સામે આવ્યું કે રાહુલ રવૈલ આ ફિલ્મ
ડિરેક્ટ કરશે પણ અંતે ડિરેક્શન આવ્યું સંગીથ શિવન પાસે. સંગીથ શિવન મલયાલમ ફિલ્મના
ડિરેક્ટર તરીકે એસ્ટાબ્લીશ ડિરેક્ટર છે. એમની હિન્દી પહેલી ફિલ્મ હતી ’ઝોર’. આ
ફિલ્મનો હીરો સની દેઓલ જ હતો. સની સાથે સંગીથ શિવનની ત્યારથી જ પાક્કી દોસ્તી એટલે
આ ફિલ્મ આખરે એના હિસ્સે જ આવી. આ ઉપરાંત લગભગ ૫ ફિલ્મ્સ સંગીથ શિવને ડિરેક્ટ કરી છે
પણ એક પણ ફિલ્મ એવી નથી આપી શક્યો કે જેના વખાણ થઈ શકે. ’ક્યા કુલ હૈં હમ’ જેવી
ચીપ કૉમેડી પણ સંગીથે ડિરેક્ટ કરી હતી. ફિલ્મની વાર્તા લીન્ડા દેઓલ અને શુભાંગી રાઠોડે
લખી છે. જો કે એ વાત અલગ છે કે લીન્ડા આમ તો જટ ફેમીલીમાં રહીને જટ જેવી જ થઈ ગઈ હોય
એટલે કેવું લખાય એ ખબર ન પડે!
ફિલ્મમાં ખાસ
ખર્ચ ન થાય એ માટે સસ્તી હીરોઇન્સ પણ શોધવામાં આવી છે. સાંભળવામાં આવ્યું છે કે ફિલ્મની
હીરોઇન નેહા શર્માને માત્ર ૨૦ લાખ જ આપવામાં આવ્યા છે. નેહાની કેરિયરની શરૂઆત ’ચીરુથા’ નામની
તેલુગુ ફિલ્મથી થઈ હતી. નેહાની પહેલી હિન્દી ફિલ્મ હતી મોહિત સુરીના ડિરેક્શન વાળી
’કૄક’ જેમાં
નેહા સામે સિરિયલ કીસર ઇમરાન હાઝમી હતો. ફિલ્મ ઠીક ઠીક સફળ ગઈ હતી. શહીદ કપૂર સાથે
’તેરી મેરી કહાની’ પણ કરી અને છેલ્લે ’ક્યા સુપર કુલ હૈં હમ’ કરીને
કારકિર્દી પર પાણી ફેરવી દીધું. આ રીતે જ ક્રિષ્ટીના રીખવીની પણ આ પહેલી ફિલ્મ. ફિલ્મનું
બૅકગ્રાઉન્ડ યુનાઇટેડ કીંગ્ડમ છે એટલે એ મુજબના ઉચ્ચારણ કરતી છોકરીની જરૂરિયાત હતી.
યુ.કે.માં પણ લેસ્ટર શહેરમાં મોટાભાગનું શૂટીંગ કરવામાં આવ્યું છે. લેસ્ટર એટલે આમ
જુઓ તો બીજુ ગુજરાત જ છે. લેસ્ટરમાં યુ.કે. રહેતા ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે.
ફિલ્મમાં સુચેતા ખન્નાને સાઇડ રોલમાં લેવામાં આવી છે. સુચેતા ’લાપતા ગંજ’ સિરિયલથી
પ્રખ્યાત થયેલી. સુચેતા સાથે વિલન પાર્ટનરમાં જહોની લીવર છે. જહોની ભાઈની કૉમેડી હંમેશા
કમાલ હોય છે પણ આ ફિલ્મમાં ઘણા ગેટઅપ બદલવા છતા ભાઈ હસાવી શક્યા નથી. આ રીતે જ ફિલ્મમાં
અનુપમ ખૈરનો પણ પુરેપુરો દુરુપયોગ થયો છે. અનુપમ ખૈરના હિસ્સે ખૂબ થોડું કામ આવ્યું
છે. એમણે પણ ખાસ મહેનત કરી નથી. અનુ કપૂર એક અદનો અભિનેતા છે. અનુ કપૂરને હિસ્સે સારો
રોલ છે અને પ્રમાણમાં ઘણો ન્યાય આપવાની કોશિશ પણ કરી છે.
આ ફિલ્મમાં જટ
ખાનદાનના એક વધુ જટ એટલે કે સની દેઓલનો છોકરો કરણ ઉર્ફે રોકી દેઓલ પણ સમાવવામાં આવ્યો.
રોકીએ આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરશીપ કરી. બે દીકરા, બાપ, પત્ની બધા જ તો છે અને આ ખાનદાન આમ પણ પોતાની જાતને સદાબહાર જ ગણે
છે. હવે જો એકાદ છોકરો ડિરેક્શન પણ શીખી જાય તો ખર્ચ બચી જાય અને હાં ભવિષ્યમાં નક્કી
નહીં કે એકાદને કૅમેરા ચલાવતા અને એકાદને એડીટીંગ પણ શિખવાડી દે તો ઘરનું જ બધું ગોઠવાય
જાય!
ફિલ્મની વાર્તાનો
પ્લોટ ખૂબ સામાન્ય છે. સની દેઓલ સારો માણસ છે અને યુ.કે.માં એક બૅન્કની લોન રીકવરી
એજન્ટ તરીકે કામ કરે છે. ધર્મેન્દ્ર અને બોબી બંને ઠગ છે. ધર્મેન્દ્રના હાથમાં બીઝનેસમેન
મુરગો એટલે કે અનુ કપૂર ફસાય છે. બંને બાપ દીકરો ભારતના ખૂબ મોટા બીઝનેસ ટાયફૂન્સ બનીને
યુ.કે. જાય છે. યુ.કે. જતા જ ખબર પડે છે કે અનુ કપૂરની દીકરી નેહા શર્મા છે એટલે બોબી
પટાવવા લાગી જાય છે અને બંનેની સગાઈ થાય છે પણ સની દેઓલ અનુ કપૂરને ત્યાં રીકવરી કરવા
જતા તેની ક્લબનો મૅનેજર બની જાય છે. સગાઈ પછી ધર્મેન્દ્ર અને બોબીને ખબર પડે છે કે
નેહા અનુ કપૂરની સગી દીકરી નથી અને સગી દીકરી ક્રિષ્ટીના છે. હવે ક્રિષ્ટીનાને પટાવવા
માટે બોબીનો એક ભાઈ પણ છે એવું કહીને ’ક્ય” નામ સાથે બીજો બોબી દેઓલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં
આવે છે. ધર્મેન્દ્ર-બોબીની ઠગવાની પ્રવૃતિ
અને સનીની બચાવવાની પ્રવૃતિ વચ્ચે ચાલતું ફિલ્મ એટલે ’યમલા પગલા દિવાના-2’ પણ આ વચ્ચેની
પ્રવૃતિ માટેનો ૧૫૫ મીનીટનો રન ટાઇમ તમને ચોક્કસ પણે વચ્ચે માથાના દુખાવાની ગોળી ખાઈ
આવવા પ્રેરશે જ. સંગીત નામે તો હથોડા જ છે. કૉમેડીમાં તમારે મગજ મૂકીને જ જોવાની હોય
તો પણ મગજ મૂકવાની એક લીમીટ હોય. સની દેઓલ ૫૦૦ વ્યક્તિઓ સામે એકલો ફાઇટ કરે એ ગળે ઉતારવા
તમારે મગજ ખંજવાળવું જ પડે. ચાર સુમો પહેલવાન મળીને આખે આખુ પ્લેન રેડવે, સની દેઓલ
એક રાડ પાડે અને ૫૦ જેટલા વ્યક્તિઓ ઘા થઈને દૂર પડે અને એ પણ એવા કે ઊભા થઈ જ ન શકે.
સાઉથના ફિલ્મમાં બતાવવામાં આવતી અતિશયોક્તિ કરતા પણ વધારે અતિશયોક્તિ સહન થઈ શકે એમ
જ નથી. ટૂંકમાં ફિલ્મ જોવાનું ટાળશો તો એ સમયનો બીજે સારો ઉપયોગ કરી શકશો. સ્ટાર આપવાની
હિંમત નથી થતી માટે સ્ટાર આપતો જ નથી.....
પેકઅપ:
"તમારા મૃત્યુ પછી પણ તમે સુંદર છોકરીઓ જોવા માંગતા હો
તો નેત્રદાન કરો"
ગઈ કાલે જોયું. રીવ્યુ પણ વાંચ્યો હતો પણ મારે વિક એન્ડ લાંબુ છે એટલે ખાલી ટાઈમ પાસ કરવા ગયો હતો.
ReplyDeleteઅને આમેય અહી આજ કાલ વેધર મસ્ત રહે છે એટલે થોડું રખડી આવ્યો.
બેકાર ને કચરો મુવી.
મફતમાં જોવા મળે તો પણ નહિ જોતા.
પૈસા અને સમયનો બગાડ થશે.
જો કે મેં DIGITAL-8000 HD માં જોયું એટલે નોર્મલ પ્રિન્ટ કરતા રીઝલ્ટ સારું હતું.
- અરવિંદભાઈ પટેલ.
બોલ્ટન, યુ.કે.