ચારે તરફ ઘોંઘાટ,
દેકારો, ચિચિયારીઓ, ચીકી, જીંજરા, શેરડી અને એથી પણ વિશેષ લોકોના ચહેરા પર છવાયેલા
આનંદને માણવા માટે ગુજરાત પધારવું પડે. એમાં પણ અમદાવાદ, સુરત અને બરોડા તો ઉતરાણ પછી
વાસી ઉતરાણનો માહોલ પણ અનેરો હોય છે. આ આનંદની પરિસીમા એટલે જોરથી આવતો અવાજ ’કાયપો
છે’.
આમ તો એકબીજાની કાપવી એ આજકાલ સામાન્ય વાત છે પણ જ્યારે મકરસંક્રાંતિ પર પતંગ કાપો
ત્યારે આવી કોઈ દુશ્મનાવટ જોવા મળતી નથી. ધાબા પર ચડેલો માણસ હિન્દુ છે કે મુસ્લિમ
એવો સવાલ પણ ઊભો થતો નથી પણ જો આ માહોલમાં રાજકારણ ભળે તો? ચેતન ભગતની નોવેલ પરથી ઘણી
બધી ફિલ્મ્સ ઇન્સ્પાયર થઈ છે. ચેતન ભગતની કલમ જે રીતે વાત રજૂ કરે છે એ વખાણ કરવા લાયક
જ છે. ચેતન ભગતની નોવેલ ’થ્રી મેસ્ટેક્સ ઑફ માય લાઇફ’ જેની અત્યાર સુધીમાં
૪૨૦૦૦૦ કોપી વેચાય ચૂકી છે. આ આંકડામાં મુંબઈની ફૂટપાથ પર મળતી પાયરેટેડ કોપીનો હિસાબ
ઉમેરવામાં આવે તો આંકડો ક્યાં પહોંચે એનો અંદાજ લગાવવો મુશ્કેલ બને. આ નોવેલ પરથી બનેલી
માણવા લાયક ફિલ્મ એટલે ’કાય પો છે’
નોવેલ અને ફિલ્મમાં ઘણો બધો ફેર છે. નોવેલ
સરળતા મુજબ પ્રસંગોથી જોડાયેલી હોય છે અને તેમાં વર્ણન કરી શકાય છે. નોવેલમાં લખી શકાય
કે ’ભમરો ફૂલ પર બેઠો’ પણ જો આ વાત ફિલ્મમાં લેવાની હોય તો? આ
દ્ગશ્ય દેખાડવા માટે કેમેરો કયા એંગલ પર રહેશે? સમય શું હશે? કેટલી લાઇટ્સ લાગશે? આવા
ઘણા બધા પ્રશ્નો પર કામ કરવું પડે. આ કારણથી જ લોકોની દ્રષ્ટિએ ભલે નોવેલ પરથી ફિલ્મ
બનાવવી સહેલી હોય પણ ખરેખર ખૂબ જ અઘરું કાર્ય છે. એટલે જ આ નોવેલને ફિલ્મમાં બદલવા
માટે પ્રભાલી ચૌધરી, સુપ્તીક સેન, અભિષેક કપૂર અને ચેતન ભગતે પોતે પણ સ્ક્રીનપ્લે લખ્યા
છે. નોવેલને પૂરતો ન્યાય તો જ મળે જો સ્ક્રીનપ્લે મજબૂત હોય. ફિલ્મમાં સ્ક્રીનપ્લે
પર ખૂબ મહેનત થઈ છે એ દેખાય આવે છે. જો કે હવે એક રિવાજ થઈ ચૂક્યો છે કે ફિલ્મના સ્ક્રીનપ્લે
પર ડિરેક્ટર કામ કરતા જ હોય છે પણ સાંભળવા મળ્યું છે કે ડિરેક્ટર અભિષેક કપૂર આ ફિલ્મના
સ્ક્રીનપ્લેની દરેક બેઠકમાં હાજર રહ્યા હતા. અભિષેકને શોખ તો હતો એક્ટીંગનો એટલે એમણે
પડદા પર પદાર્પણ કર્યું હતું ’આર્યન’ ફિલ્મમાં હીરો તરીકે. સુપર ફ્લોપ ફિલ્મ
બનાવો ત્યારે તમે ઘણું શીખો છો. કદાચ આ શીખથી જ અભિષેક સારા ડિરેક્ટર બન્યા હશે. અભિષેકના
ડિરેક્શનનો ચમકારો ’રોક ઓન’માં થોડો ઘણો જોવા મળ્યો હતો. ’રોક ઓન’ માટે એમને ફિલ્મફેર
એવૉર્ડ પણ મળ્યો. એક ખાસ વર્ગને ’રોક ઓન’ ખૂબ જ ગમી હતી. પૂરતો સમય લીધા પછી અભિષેકે
’થ્રી મીસ્ટેક્સ ઑફ માય લાઇફ’ એડપ્ટ કરી. નોવેલ તો મેં પહેલા જ વાંચેલી
એટલે મનમાં ઘણી શંકાઓ સાથે ફિલ્મ જોવા ગયેલો પણ પ્રમાણમાં અભિષેકના ડિરેક્શન અને સારા
સ્ક્રીનપ્લેના વખાણ કરવા જ પડ્યા.
ફિલ્મ માટે મોટા સ્ટાર પસંદ કરી શકાયા હોત
પણ સાવ સામાન્ય લેવલના કલાકારોને લેવાનું નક્કી કરવામાં આવ્યું પણ એક વાતનું ખાસ ધ્યાન
રાખવામાં આવ્યું છે કે એક પણ આર્ટિસ્ટ એક્ટીંગની દ્ગષ્ટિથી નબળો ન હોવો જોઈએ. નોવેલમાં
મુખ્ય પાત્રનું નામ ગોવિંદ છે પણ ફિલ્મમાં આ પાત્રની જગ્યાએ ઇશાનને વધારે મહત્વ આપવામાં
આવ્યું છે. ઇશાન એટલે સુશાંત સીંઘ રાજપૂત. આમ તો આ છોકરો એન્જીનીયર છે પણ ફિલ્મ એવો
વિષય છે કે સારા સારાને ઘેલું લગાડી શકે. 'રાઝ-2' માં મોહિત સુરીની સાથે સુશાંત આસિસ્ટન્ટ
ડિરેક્ટર રહી ચૂક્યો છે. આ સાથેસાથે ટેલિવિઝનની
દુનિયામાં પણ સુશાંતના પગલા પડી ચૂક્યા હતા. ’કીસ દેશ મેં હૈં મેરા દિલ?’ બાલાજીની
ટી.વી. સિરિયલથી એક્ટીંગની શરૂઆત કરી અને એ પછી ’પવિત્ર રીસ્તા’ સિરિયલમાં એની એક્ટીંગના
ખૂબ જ વખાણ થયા. ફિલ્મની વાત કરીએ તો આ સુશાંતનું પહેલું ફિલ્મ જ છે પણ સાંભળવામાં
આવ્યું છે કે યશરાજ બેનરની આદિત્ય ચોપરા દિગ્દર્શીત એક અન ટાઇટલ ફિલ્મમાં પણ એને લેવામાં
આવ્યો છે જેનું શુટીંગ શરૂ થવાની તૈયારીમાં છે. રાજકુમાર હીરાણી ’પીકેય’ ફિલ્મમાં માટે પણ
સુશાંત સાઇન થઈ ચૂક્યો છે. ફિલ્મનું બીજુ પાત્ર છે ઓમી એટલે અમીત સાધ. અમીત ન્યુયોર્કમાં
બે વર્ષનો એક્ટીંગ કોર્સ કરીને આવ્યો ત્યાર પછી ફિલ્મ માટે સ્ટ્રગલ કરી રહ્યો હતો.
અમીતની કેરિયરની શરૂઆત ’ફૂંક2’ ફિલ્મમાં કામ મળ્યું. આ ઉપરાંત ’મેક્સીમમ’માં પણ જર્નાલિસ્ટ
તરીકે જોવા મળ્યો હતો. આ ઉપરાંત ’ક્યોં હોતા હૈં પ્યાર?’ સિરિયલમાં પણ કામ કર્યું.
આ ફિલ્મ કદાચ અમીતની કેરિયરમાં નવો વળાંક આપી શકે. રાજકુમાર યાદવ એટલે ફિલ્મમાં ગોવિંદ
માટે તો કહેવું જ શું? છોકરો ધીમેધીમે એટલો બધો એસ્ટાબ્લીસ થઈ રહ્યો છે કે ધીમેધીમે
દર ચાર ફિલ્મ મૂકીને જોવા મળી રહ્યો છે. એક્ટીંગનો તો એક્કો છે આ બંદો. ’રાગિણી એમ.એમ.એસ.’
ફિલ્મ માત્ર બે પાત્રો પર જ હતું. હવે જો સ્ટ્રોંગ આર્ટિસ્ટ ન હોય તો કેમ ચાલે? રાજકુમાર
યાદવ ફિલ્મ ખેંચવામાં સફળ રહ્યો હતો. આ ફિલ્મમાં પણ પોતાના પાત્રને પૂરેપુરો ન્યાય
આપી શક્યો છે. ફિલ્મમાં વિદ્યાનું પાત્ર ભજવતી અમ્રીતા પૂરી ગર્ભ શ્રીમંત છોકરી છે.
અમ્રીતાના પિતા આદિત્ય પૂરી એચ.ડી.એફ.સી. બેંકના ડિરેક્ટર છે. ૨૦૧૦માં ’આઇશા’માં અમ્રીતા કામ
કરી ચૂકી હતી. જો કે અમ્રીતાના નસીબ થોડા ખરાબ એટલે ’ફિલ્મફેર’, ’ઝી સીને એવૉર્ડ’ અને ’સ્ટાર સ્ક્રીન
એવૉર્ડ’
બધામાં નોમીનેશન મળ્યું પણ એવૉર્ડ નહીં. ’બ્લડ મની’માં પણ અમ્રીતાએ રોલ કર્યો હતો. અમ્રીતા
ફિલ્મમાં એકદમ છવાઈ ગઈ છે. માનવ કોલને બીટ્ટુ મામા તરીકે ફિલ્મમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં
આવ્યા છે. ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવવું સૌથી અઘરું હોય છે પણ માનવે યોગ્ય ન્યાય આપ્યો
છે. મને સૌથી વધુ કામ ગમ્યું હોય તો ફિલ્મમાં બાળકલાકાર અલીનું પાત્ર. અલી એટલે દિગ્વિજય
દેશમુખ. ખૂબ ઓછા ડાયલૉગ પણ આંખોથી અભિનય કરતો આ બાળકને જોવો એ લહાવો છે.
ફિલ્મની સિનેમેટોગ્રાફી અનય ગોસ્વામીને સોંપવામાં
આવી છે. અમુક દ્ગશ્યો તો એટલાં બધાં સારી રીતે શૂટ કરવામાં આવ્યા છે કે વાહ બોલવું
જ પડે. અનયની મારા ખ્યાલ મુજબ આ ત્રીજી ફિલ્મ જ છે. આ પહેલા શૉર્ટ ફિલ્મ ’ચાબીવાલી
પોકેટ વોચ’
માટે અનયને કોડાક એવૉર્ડ-એશિયા પેસીફીક માટે મળેલો. રાહુલ બોઝ અને રાઇમાં સેન અભિનીત
ફિલ્મ ’જાપાનીઝ વાઇફ’
ભાગ્યે જ કોઈએ જોઈ હશે પણ આ ફિલ્મના સિનેમેટોગ્રાફર પણ અનય ગોસ્વામી જ હતા. જો હું
ભૂલતો ન હોઉં તો આ ફિલ્મ માટે પણ અનયને કોઈ એવૉર્ડ મળેલો. અમીત ત્રીવેદીના મ્યુઝિકનો
હું તો પહેલેથી જ આશિક રહ્યો છું અને એમાં પણ ગુજરાતી બંદાને ગુજરાતી માહોલની ફિલ્મ
મળે તો પૂછવું જ શું? કોઈ ખોટો ઘોંઘાટ કે સોર સરાબા વગરનું મ્યુઝિક સાંભળવું ગમે એવું
છે.
અમદાવાદના માહોલ અને ૨૦૧૦ની ગુજરાતમાં બનેલી
બે મોટી ઘટનાઓ સાથે આગળ વધતી વાર્તા પણ અનોખી છે. ફિલ્મના દરેક પાત્રોની વિચારસરણી
અલગ છે પણ બધા જ એકબીજા સાથે જોડાયેલા છે. અહીં કોણ સાચું છે કે ખોટું એના પ્રશ્ન કરતા
ઘટનાઓ વધારે મહત્વની બની જાય છે. ૨૦૦૧ના ભૂકંપ અને ૨૦૦૨ના ગોધરા કાંડને ફિલ્મમાં વણી
લેવામાં આવ્યો છે. ભારતમાં ક્રિકેટ સૌના રસનો
વિષય રહ્યો છે માટે ફિલ્મમાં સપ્લીમેન્ટ તરીકે ક્રિકેટને પણ વાપરવામાં આવ્યું છે. અમદાવાદ,
વડનગર, પોરબંદર અને દિવ એટલે કે આખુ ફિલ્મ ગુજરાતમાં જ શૂટ કરવામાં આવ્યું છે. અમદાવાદની
પોળનો ઓરીજીનલ માહોલ જોઈને અમદાવાદીઓ ખુશ થશે જ. જ્યારે પણ પૈસા આવે ત્યારે પહેલો વિચાર
દિવ જવાનો આવે. આ ફિલ્મમાં પણ દિવ ફરવા જતા ત્રણે મિત્રો તો જોવા ગમશે જ પણ સુંદર સિનેમેટોગ્રાફીને
લીધે તમને દિવ વધારે ગમવા લાગશે. હું તો આવતા અઠવાડિયે જવાનું વિચારુ જ છું ;). આમ
તો આ ફિલ્મને કોમર્સિયલ કેટેગરીમાં મૂકી ન શકાય માટે સ્ટાર આપવા એ યોગ્ય છે કે નહીં
એ ખબર ન હોવા છતા હું ફિલ્મને ૪ સ્ટાર આપીશ. ’જિલ્લા ગાજીયાબાદ’ પણ આજે જ રીલીઝ
થયુ છે. જોઈએ બોક્ષ ઓફીસ કોના પર વારી જાય છે!
પેકઅપ:
ભિખારી
"સાહેબ પાંચ
રૂપિયા આપોને’
અમદાવાદી
"મારી પાસે
સો રૂપિયા છે. તારી પાસે છૂટ્ટા છે?"
ભિખારી
"હાં"
અમદાવાદી
"અલ્યા તો
પહેલા એ જ વાપરને બકા..."