આ શુક્રવારે એક પણ ફિલ્મ રાજકોટમાં રીલીઝ ન થઈ. માઇક્રો અને
મેટ્રો વચ્ચે આ જ ફરક છે. મુંબઈમાં ત્રણ ન જાણીતી એવી ફિલ્મ્સ ’સિગારેટ કી તરાહ’, ’મૈં
રોની ઔર જોની’ અને
’અમ્મા કી બોલી’ રીલીઝ
થઈ છે. રાજકોટવાસીઓને આ જોવા મળશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. તો આજે આપણે વાત કરીએ
પોલીટીક્સ અને મૂવીઝની. ફિલ્મ બનાવવા માટે હંમેશા હોટ સબ્જેક્ટની શોધ થતી જ હોય છે
ત્યારે રાજકારણથી વધારાનો સારો વિષય કયો હોય? ડર તો બધાને લાગે તો પણ હિંમતવાળા ડિરેક્ટર
અને રાઇટર્સ આવા વિષયો પર ફિલ્મ બનાવતા રહ્યા છે અને બનાવતા રહેશે. ભારતીય સિનેમામાં
પોલીટીક્સ પર ફિલ્મ્સ તો બની જ છે પણ મહદંશે કોઈને કોઈના ડરથી હકીકત છુપાવીને કે પછી
ખોટી રીતે વાત રજૂ કરીને ક્યાંક ઢાંક પિછોડો કરેલો જોવા મળે. સમય અને યુગ બદલાયો છે
એટલે હવે ફિલ્મ્સ બોલ્ડ થવા લાગી છે. રાજકારણના એવા એવા પાસાંઓને પબ્લિક સમક્ષ રાખવામાં
આવ્યા છે કે આમ આદમીનુમ લોહી ઊકળી જાય તો પણ દર પાંચ વર્ષે દેખાતા એના એ ચહેરાઓને આપણે
ચૂંટી લઈએ છીએ અને પછી આગળના પાંચ વર્ષ સુધી ગાળો આપતા રહીએ છીએ. આ અગાઉ પણ હું લખી
ચૂક્યો છું કે ફિલ્મ માણસની માનસિકતા રજૂ કરે છે. વ્યક્તિ પોતે જે નથી કરી શકતો એ વાત
એ ફિલ્મના કેરેક્ટર્સમાં જુએ છે અને આ કારણથી જ રાજકારણ અને ફિલ્મ એટલે એક બીજાની સાથે
પણ અને સામે પણ કહી શકાય...
રાજકારણ પર પહેલીવાર
ખૂબ સારી ચર્ચામાં જો કોઈ ફિલ્મ આવી હોય તો એ હતી ’આંધી’. સુચિત્રા
સેન, સંજીવ કુમારને લઈને બનાવેલી ફિલ્મમાં સુચિત્રા સેન એક પક્ષની લીડર છે. મૂળ વાત
તો પ્રેમ કહાની જ છે પણ સુચિત્રા સેનનો દેખાવ એકદમ ઇંદિરા ગાંધી જેવો બનાવવામાં આવ્યો.
સમય હતો ૧૯૭૫ એટલે કે ઇમર્જન્સીનો અને એમાં પણ જો ઇંદિરાજીને વણી લેવામાં આવે તો થોડો
હોબાળો થવાનો જ હતો. એક સમયે આ ફિલ્મ પર રોક લગાવી દેવામાં આવી અને વાતાવરણ શાંત થયા
પછી ૧૯૭૭માં ફરી રીલીઝ કરવામાં આવી. ગુલઝારે પોતાની રીતે બચાવની ઘણી કોશિશ કરી પણ સત્તા
આગળ બધા જ વામણા. ગુલઝારે જ્યારે ’આંધી’નું નિર્માણ હાથમાં લીધું ત્યારે કદાચ કોઈ
કોન્ટ્રાવર્સી ધ્યાનમાં લઈને નહીં જ કર્યું હોય કેમ કે એ સમયે આવી સસ્તી પ્રસિધ્ધીની
નિર્માતાઓને જરૂર પડતી નહીં. અત્યારના સમયમાં આવી કોન્ટ્રાવર્સી થતી હોય તો એને પ્રાધાન્ય
આપવામાં આવે છે. જો વાંચકોએ ’આંધી’ ન જોઈ હોય તો જોઈ લેવી. આ ફિલ્મમાં ગુલઝારના
ગીતો આજની તારીખ સુધી કર્ણપ્રિય છે. ૧૯૭૭માં ફિલ્મની સફળતા જોઈને અનેક લોકો પોલીટીક્સ
પર ફિલ્મ બનાવવા આગળ આવ્યા. ૧૯૭૫માં જ ફિલ્મનું નિર્માણ અમ્રીત નહાટાએ કરી દીધું. ફિલ્મ
હતી ’કિસ્સા કુર્સી કા’. શબાના આઝમી, રાજ
બબ્બર, મનોહર સિંહ, રહેના સુલતાન, ઉત્પલ દત્ત વિગેરેને લઈને બનેલી આ ફિલ્મ પણ માણવા
જેવી હતી. આ ફિલ્મમાં સીધો કટાક્ષ કરવાને બદલે વ્યંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ
સમયે ચાલતી એક કાર્ટૂન શ્રેણી ’નેતાજી’ પરથી આ ફિલ્મનો વિચાર શરૂ થયેલો. અમ્રીત
નહાટાની ઇચ્છા તો હતી કે આ ફિલ્મ પર થોડી બબાલ થાય પણ એવું કંઈ જ ન થયું. આ પાછળનું
કારણ હતું કે ફિલ્મ સીધેસીધુ કોઈ પર નિશાન તાકતી ન હતી. ફિલ્મની વાત ઓવર ઓલ સીસ્ટમ
પરનો કટાક્ષ હતી. ગમે તે હોય પણ આ ફિલ્મ પછી નિર્માતા-નિર્દેશકોની હિંમત ખૂલવા લાગી
અને રાજકારણ પર ખુલ્લા હાથે વ્યંગ કરી શકાય એવો કોન્ફીડન્સ વધ્યો. જરૂરી નથી કે દરેક
પોલીટીક્સ પરની ફિલ્મ લોકો પસંદ કરે જ તો પણ આ પછી લગભગ બધી જ ફિલ્મ્સમાં કોઈને કોઈ
નેતાનું પાત્ર આવવા લાગ્યું. આ પહેલા બ્લેક & વ્હાઇટના જમાનામાં પણ નેતાઓ આવતા
જ પણ એક લાંબા ગાળા પછી સાવ પોલીટીકલ પાત્રો ઊપજવા લાગ્યા.
સમય સાથે પોલીટીક્સ
પર ફિલ્મ્સ પણ બનતી રહી અને કોઈ ને કોઈ પાત્ર પણ ફિલ્મમાં એક નેતા તરીકે આવતું જ રહ્યું
પણ જેમ જેમ સિનેમાનો વિકાસ થતો ગયો એમ એમ ફિલ્મ સાથે પોલીટીકલ ઇશ્યુઝ પણ જોડાવા લાગ્યા.
મલયાલમ સિનેમાં એ ઘણી બધી પોલીટીકલ ઇશ્યુ પર ફિલ્મ્સ બનાવી અને મલ્લુ પ્રજાએ ખાસ પસંદ
પણ કરી તો પણ હિન્દી મૂવીઝ માટે ફરી એક ફૂટમાર્ક ફિલ્મ આપવાનું સાહસ ગુલઝારે જ કર્યું.
૧૯૯૯માં ’હુ તુ તુ’ ટાઇટલ સાથે ગુલઝારે ફિલ્મ આપી. તબુ, સુનીલ શેટ્ટી, નાના પાટેકરને
લઈને પ્યૉર પોલીટીકલ સબ્જેક્ટ પર બનેલી ફિલ્મ જો ન જોઈ હોય તો જોઈ જ લેવી. મારી દ્રષ્ટિએ
આ ફિલ્મ સાથે લોકોને ગંદા પોલીટીક્સ વિષે ખ્યાલ આવતો થયો. એક અદભૂત વાર્તા, અદભૂત ડિરેક્શન
અને લાજવાબ એક્ટીંગથી ભરેલી આ ફિલ્મ જોતા તમને ખ્યાલ આવી જશે કે પછાત વર્ગનું રાજકારણ
શું છે. પૈસા શું છે, પાવર શું છે. બોક્ષ ઓફીસ પર સારી ફિલ્મ્સ ઓછી ચાલે છે એટલે ’
હુ તુ તુ’ ને
ખાસ પ્રોત્સાહન નહોતું મળ્યું પણ એક ઇન્ડસ્ટ્રી માટે આ ફિલ્મ ટર્નીંગ પોઇન્ટ ચોક્કસ
લાવી શકી. આ પછી પોલીટીક્સની જ આડ અસર એટલે માવવાદી સંગઠન. આ વિષય પર એક ફિલ્મ બની
’લાલ સલામ’. ૨૦૦૨માં
રીલીઝ થયેલી આ ફિલ્મ પણ બોક્ષ ઓફીસ પર ખાસ ધંધો ન કરી શકી પણ એક ઇન્ટલ ઍકચ્યુઅલ વર્ગનું
ધ્યાન ખેંચવામાં ચોક્કસ સફળ રહી. નંદીતાદાસના ખરા અભિનયનો પરિચય કદાચ તમને આ ફિલ્મમાં
મળશે. નક્સલાઇટ માટે તો જેટલી વાત કરો એટલી ઓછી તો પણ ’લાલ સલામ’માં
ઘણા ખરા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. અહીં એક ફિલ્મ જે આમ તો તાજેતરનું છે પણ
રાજકારણનો જ એક ભાગ છે એટલે ૨૦૧૧ના ’જય બોલો તેલંગાના’ને યાદ
કરી લઈએ. આમ તો તેલુગુ ફિલ્મ છે પણ મેટ્રો સીટીઝમાં હિન્દી ડબ થયેલી આ ફિલ્મને ખાસ્સી
વખાણવામાં આવી હતી.
અગાઉ વાત થઈ
એ મુજબ આપણે કરવાનું કામ જ્યારે હીરો કરે ત્યારે આપણે ખૂબ રાજી થઈને સીટીઓ કે તાલીઓ
વગાડીએ છીએ. આવું જ એક ફિલ્મ ’નાયક’ ભલે સાઉથના ફિલ્મની રીમેક હતી પણ અનીલ કપૂર,
અમરીશ પૂરીના આ ફિલ્મને ૨૦૦૧માં ખૂબ સારી સફળતા મળી હતી. એક સામાન્ય પત્રકાર અનીલ કપૂર
એક દિવસ માટે મુખ્યમંત્રી બને છે અને જે રીતે આખી સીસ્ટમને સુધારે છે એ જોઈને લોકો
આફરીન પોકારી ગયા હતા. હજુ પણ કેટલીક ટેલિવિઝન ચેનલ પર આ ફિલ્મ આવતું હોય તો અટકી જવાય
છે. અહીં રવિના ટંડન અને અતુલ કુલકર્ણીની ’સત્તા’ને પણ યાદ કરવી જ પડે. ૨૦૦૩માં
રીલીઝ થયેલી આ ફિલ્મમાં પહેલીવાર કોઈ મહિલાને સત્તા માટે રમત રમતી બતાવવામાં આવી છે.
વાર્તાનું મૂળ તો સ્ત્રીનો બદલો જ છે પણ સત્તા માટે ચાલતી રમત, લોકોનો ઉપયોગ માણવા
લાયક છે. રાજકારણમાં ફેરફારો સાથે બધા લોકોએ જેમ યુવાનો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું
શરૂ કર્યું એમ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ ખ્યાલ આવી ગયો કે યુવાનો અને પોલીટીક્સને જોડીને
એકાદ ફિલ્મ બનાવવી જોઈએ. ૨૦૦૪માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જાણીતા નિર્માતા નિર્દેશક
મણીરત્નમે ’યુવા’ બનાવી. ’યુવા’ એક અનોખી ફિલ્મ સાબિત થઈ. મને પહેલીવાર ખબર
પડી કે અભિષેક બચ્ચનને એક્ટીંગ પણ આવડે છે! અહીં પણ એ નોંધવું જ રહ્યું કે આ ફિલ્મ
પણ ખાસ નફો કરી શકી ન હતી. કોઈ ખાસ વ્યક્તિને ધ્યાનમાં રાખીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં
ખૂબ ઓછી ફિલ્મ્સ બને છે પણ રામગોપાલ વર્માએ આવી શરૂઆત કરી ’સરકાર’ ફિલ્મથી.
૨૦૦૫માં બાલા સાહેબ ઠાકરેને ધ્યાનમાં રાખીને અમિતાભ બચ્ચનને આ પાત્ર આપવામાં આવ્યું.
બચ્ચન માટે તો કશું કહેવું જ ક્યાં પડે? કોઈ પણ પાત્રને જીવતું કરવાની તાકાત ધરાવતા
બચ્ચન સાહેબના વખાણ બાલાસાહેબ ઠાકરે એ પણ કરવા પડ્યા. આ ફિલ્મની સફળતા પછી આ જ ફિલ્મની
સીક્વલ ’સરકાર રાજ’ ૨૦૦૮માં આવી. મને ’સરકાર રાજ’ ’સરકાર’ કરતા
વધારે ગમી હતી. ’સરકાર’ની ઘણી ક્ષતિઓ આ ફિલ્મમાં દૂર કરવામાં આવી હતી.
પોલીટીક્સ પર
મને ગમેલી ફિલ્મ છે ’ગુલાલ’. ૨૦૦૯માં રીલીઝ થયેલી આ ફિલ્મના આ પહેલા પણ હું વખાણ કરી ચૂક્યો
છું એટલે અહીં એટલું જ કહીશ કે ’વાહ અનુરાગ વાહ’. ૨૦૧૦માં ’રાજનીતિ’ અને
’રણ’ બે
ફિલ્મ્સ પોલીટીક્સ પર આવી. બોક્ષ ઓફીસની દ્રષ્ટિએ ’રાજનીતિ’ ખૂબ
સફળ રહી. મોટા ભાગના ક્રીટીક્સ આ ફિલ્મ વખાણી ચૂક્યા છે પણ મને એક સામાન્ય વાત લાગી.
એવી જ રીતે અમિતાભ બચ્ચન હોવા છતા ’રણ’ સફળ ન રહી.. ફરી એક એવી જ નિષ્ફળ ફિલ્મ રહી
૨૦૧૧માં ’આરક્ષણ’. અમિતાભ અને શૈફને લઈને પછાત વર્ગ માટેની ખાસ ફિલ્મ પણ નબળા
ડિરેક્શન, નબળા સ્ક્રીનપ્લેને લીધે ખૂબ જ સ્ટ્રોંગ વિષય હોવા છતા સુપર ફ્લોપ રહેલી.
એવી કેટલીએ ફિલ્મ્સ
હશે જેનો ઉલ્લેખ રહી ગયો હશો તો સુજ્ઞ વાંચકો તમે મને જણાવી શકો છો. ક્યારેક સમય મળ્યે
રહી ગયેલી ફિલ્મ્સની પણ ચર્ચા કરીશું.
પેકઅપ:
"૧૦/૧૦/’૧૦ હોય, ૧૧/૧૧/'૧૧ હોય કે ૧૨/૧૨/’૧૨ હોય ૩૬-૨૪-૩૬
ને કોઈ હરાવી શક્યું નથી"
No comments:
Post a Comment