Friday, 28 September 2012

ઓહ માય ગોડ: ઈશ્વરની વિરુદ્ધ, ઈશ્વરની સાથે


       



       ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહીં એ ઈશ્વર જ જાણે! તો પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો ઈશ્વરમાં અંધશ્રધ્ધાની હદ સુધી શ્રદ્ધાળુ છે. સલમાન ખાન ’ફીરોઝા પથ્થર પહેરે અને અચાનક ઇન્ડસ્ટ્રીમાં છવાય જાય, અમિતાભ બચ્ચન ’ઓપલ પથ્થર પહેરે અને જૂના દેવા માંથી બહાર નીકળી જાય. આ થઈ તાજાં જમાનાની વાત પણ જૂના જમાનામાં પણ દેવ આનંદ પોતાની ફિલ્મ પહેલાની રાતે પૂજા ગોઠવતા, રાજ કપૂર આખા ખાનદાન સાથે ગણપતિ પૂજા કરે. આવા તો હજારો કિસ્સા હસે અને આમ પણ ભારતીય પ્રજા ધાર્મિક તો છે જ અને ઈશ્વરથી ડરે પણ છે. પણ જો ઈશ્વર પર જ કેશ થાય તો? વાત મઝાની છે અને હાસ્યાસ્પદ પણ છે પણ ’ઓહ માય ગોડ જોઈને તમે પણ કહેશો કે ઈશ્વર વિરુદ્ધ કેશ કરી જ શકાય. ઈશ્વર સામેનો સાચો જંગ એટલે ઓહ માય ગોડ. આ ફિલ્મ પૈસા વસૂલ ફિલ્મ છે.


        ખૂબ ચાલેલુ નાટક ’કાનજી વિરુદ્ધ કાનજી ઘણા બધા ગુજરાતીઓએ જોયું હશે. લગભગ બધાં જ શહેરોમાં આ નાટક ભજવાઈ ચૂકયુ છે. આટલી બધી સફળતા પછી આ જ નાટક ’ક્રિશ્ના વર્સીસ ક્રિશ્ના અસ્તિત્વમાં આવ્યું અને આ નાટક લગભગ નેશનલ ફલક પર એક હદનું મનોરંજન પીરસવામાં સફળ રહ્યું. આ નાટકમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું પરેશ રાવલે એટલે આ ફિલ્મ માટે મુખ્ય પાત્રનો હક્ક પરેશ રાવલનો જ હતો. જો કે નાટક અને ફિલ્મ વચ્ચે ખાસ્સો ફેર છે. સૌથી મોટો ફેર છે ’વાઇડ એંગલનો. નાટક આખે આખુ સ્ટેજ દેખાડે છે જ્યારે ફિલ્મ દરેક પાત્ર બતાવે છે. સ્ટેજ એ લાઇવ મનોરંજન છે એટલે ક્યાંય પણ ફબલીંગ ન ચાલે કે કોઈ રીટેઇક ના મળે. જ્યારે ફિલ્મ નજીકથી ફિલ્માવવામાં આવે છે એટલે અગાઉ કહ્યું એમ વાઇડ એંગલ અને ક્લોઝ એંગલનો ફેર તો છે જ. આ અગાઉ પણ નાટક પરથી ફિલ્મ બની જ છે તો પણ એટલું તો કહી જ શકાય કે નાટકની ફિલ્મ નાટક જેવી થઈ જાય તો ફ્લોપ શો છે. મારા અભિપ્રાય મુજબ જો નાટક પરથી સારી ફિલ્મ બની શકી હોય તો ’આંધળો પાટો પરથી બનેલી ફિલ્મ ’આંખે અને બીજી ફિલ્મ એટલે ઓહ માય ગોડ. નાટકની જે નબળાઈ હતી એ આ ફિલ્મમાં કવર કરવામાં આવી છે. નાટકની મર્યાદા છે કે ફિલ્મની જેમ સ્ટેજ બદલી શકતા નથી, નાટકની બીજી મર્યાદા છે કે ઍક્સ્પ્રેશન બતાવી શકાતા નથી. ઓહ માય ગોડ એવી ફિલ્મ છે કે જે નાટકની મર્યાદાઓ બ્રેક કરીને, વાતને વધુ મઝેદાર બનાવીને દર્શકોને ખરા અર્થમાં મનોરંજન પીરસી શકી છે.
અક્ષય કુમાર અને પરેશ રાવલ ખૂબ જ સારા મિત્રો અને પરેશ રાવલ માટે નાટક એટલે સર્વસ્વ. પરેશ રાવલ સાથેની એક મુલાકાત વખતે પરેશ રાવલે કહેલું કે ’ફિલ્મ કરતા મને નાટક વધુ ગમે છે. મારી જીંદગીમાં મને બે નાટકો ખૂબ ગમ્યા છે. એક છે ’મહારથી અને બીજું ’ક્રિશ્ના વર્સીસ ક્રિશ્ના. મહારથી પરથી ’મહારથી તો બની ગયું એટલે હવે બાકી રહેલા નાટકનું ફિલ્મ બને એ પરેશ રાવલનું ડ્રીમ હતું. અક્ષય સાથે આ ફિલ્મ માટે વાતો તો ઘણા સમયથી થતી હતી પણ આખરે ૨૦૧૨માં આરો આવ્યો. અક્ષય કુમારનું પહેલું મંતવ્ય એ હતું કે આ નાટકના હજારો શો થઈ ચૂક્યા છે ત્યારે આ ફિલ્મને લોકો કેમ પસંદ કરશે? તો પણ એક વાત તો સાબિત થઈ ચૂકી હતી કે જો હજારો શો થઈ ચૂક્યા હતા અને છતાં બધા જ ફૂલ શો થતાં હોય તો ફિલ્મ પણ સફળ થઈ જ શકે. અક્ષય આ પહેલા ’રાવડી રાઠોરની સફળતાનો સ્વાદ ચાખી ચૂક્યો હતો એટલે એક ટ્રાય તો કરી શકે. મિત્રની મિત્રતાને કારણે પણ જો ઓહ માય ગોડ બનાવી હોય તો પણ આ જુગાર રમવો જ જોઇએ. રાવડી રાઠોરની ટીમ અક્ષયના પ્રેમમાં પણ ખરી અને એટલાં માટે જ પ્રભુ દેવા અને સોનાક્ષી સિંહા બંને ગેસ્ટ એપીરીયન્સમાં આવ્યા. ’ગોવિંદા...’ સોંગ પણ ગજબ રીતે ફિલ્માવવામાં આવ્યું.  જો કે એક સદનસીબે એક વાત તો સારી થઈ કે ભગવાન ક્રિશ્નનું પાત્ર અક્ષય કુમારે કર્યું જ્યારે આ પાત્ર માટે પહેલા શાહરુખ ખાનને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. શાહરુખ કરતા તો અક્ષય સારુ જ કરી શકે. મોસ્ટ સેલેબલને વાપરવાનું કોણ ચૂકવે? આ કારણથી જ સલમાન ખાનના અવાજ સાથે પ્રોમો રીલીઝ થયા. સલમાનના કહેવા મુજબ ’ક્રિશ્ના વર્સીસ ક્રિષ્ના નાટક સલમાને જોયેલું. આ નાટક ગમ્યું પણ ખરું એટલે એણે આ ફિલ્મ માટેના પ્રોમોમાં એણે પોતાનો અવાજ આપ્યો.


        એક્ટીંગ આમ તો દરેક ફિલ્મનો મુખ્ય હિસ્સો છે તો પણ જો સ્ક્રીનપ્લે યોગ્ય ન હોય તો કલાકારો વેડફાય જાય. આ ફિલ્મમાં દરેક કલાકારનો ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. મુખ્ય પાત્ર પરેશ રાવલ માટે તો કંઈ જ કહી શકાય નહીં કેમ કે એ ફિલ્મ ઘોળીને પી ચૂક્યો છે. મોટાભાગની પરેશ રાવલની ફિલ્મમાં કોઈ પણના અભિનયના વખાણ થયા હોય કે ન થયા હોય પરેશ રાવલના તો વખાણ થયા જ હોય. નબળા ડિરેક્ટર્સ પાસે ખરાબ પર્ફૉર્મન્સ પણ પરેશ રાવેલે આપ્યું જ છે તો પણ આર્ટિસ્ટ તરીકે તો પરેશભાઇ માટે કોઈ શંકા જ ન થઈ શકે. આ રીતે જ વર્ષોથી ફિલ્મમાં પોતાની જાતને એક સારા માણસ કે સારા કલાકાર તરીકે સાબિત કરી ચૂકેલા ’મીથુન ચક્રવર્તી આ ફિલ્મમાં જે હદે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા છે એ માટે મારી પાસે વખાણના શબ્દો નથી. આ રીતે જ બહુ ઓછા ડાયલૉગ અને બહુ ઓછી પ્રેઝન્ટ છતા સાઉથની હીરોઇન ’નીધી પણ ખૂબ સારુ કામ કરી શકી છે. મારા ખૂબ સારા મિત્ર અને ખૂબ સારા અભિનેતા ’ગોવિંદ નામદેવના વખાણ તો હું કરુ તો સંબંધ લાગે તો પણ એટલું તો કહીશ જ કે પૂરી ફિલ્મમાં જો સૌથી વધારે વખાણ થાય તો ગોવિંદ નામદેવના. પોતાના અભિનયમાં ક્યારેય કૉમ્પ્રોમાઇઝ ન કરતા ગોવિંદ નામદેવને આ ફિલ્મમાં જોવા એ એક લહાવો છે. બધાં જ પોત પોતાની ક્ષમતા મુજબ પોતાનું યોગદાન આપી શક્યા છે તો પણ ફિલ્મમાં ક્રિષ્નના પાત્રમાં અક્ષય કુમારનું પાત્ર ધરાર મુકવામાં આવ્યું હોય એવું લાગે છે. મોંઘુ બાઈક, સારુ ડ્રેસિંગ કે વધુ પડતું મહત્વ પણ પોતાની મુખ્ય ભૂમિકાને ન્યાય આપી શક્યું નથી. મુરલી શર્મા આ ફિલ્મમાં નેતાની ભૂમિકામાં છે. મેં જેટલી ફિલ્મમાં મુરલીને જોયો છે એટલાંમાં એટલું તો કહીશ કે સારી અભિનય ક્ષમતા ધરાવે છે. આ રીતે જ મહેશ માંજરેકર એક સારો ડિરેક્ટર હોવા ઉપરાંત એક સારો કલાકાર તો છે જ. ફિલ્મમાં ઓમપૂરી પણ છે અને ઓમપૂરીના વખાણ માટે તો કંઈ લખવાની જ જરૂર નથી.


        હ્રિમેશભાઇ ફરી માર્કેટમાં આવવા લાગ્યા છે. આ ફિલ્મનું મ્યુઝિક હ્રિમેશ રેશમીયા અને ગેસ્ટ મ્યુઝિશિયન તરીકે મ્યુટ બ્રો અંજાન લેવામાં આવ્યા છે. ’જાણ લે લો ના જાણ પછી લોકો હ્રિમેશને ફરી ચાન્સ આપતા શરુ થઈ ગયા છે. ફિલ્મ ડિરેક્ટ કર્યું છે ઉમેશ શુક્લાએ. ઉમેશ ક્રિષ્ના વર્સિસ ક્રિષ્ના નાટકનો પણ ડિરેક્ટર હતો. આ નાટક લખેલુ પણ ઉમેશનું જ હતું પણ ફિલ્મના સ્ક્રીનપ્લે માટે ભાવેશ મંડાલીયાનો સાથ લેવામાં આવ્યો. વાયાકોમ 18 દ્વારા ડીસ્ટ્રીબ્યુટ થયેલું ફિલ્મ બહુ જાજી સફળતા મેળવે કે ન મેળવે પણ એક સારા પ્રયત્નનું ફિલ્મ છે. ઉમેશ શુક્લાનું આ પહેલાનું ફિલ્મ પરેશભાઈ ’ઢુંઢતે રહે જાઓગેમાં પરેશભાઈ સાથે કામ કરી જ ચૂક્યા હતાં અને આ ફિલ્મના ઓરીજીનલ થીમના નાટક રહી ચૂક્યા હતા માટે આ ફિલ્મ એમને ડિરેક્ટ કરવા મળી. ઉમેશ માટે એટલું તો કહેવું જ પડશે કે ફિલ્મને નાટકથી અલગ ચોક્કસ પણે પાડી જ શક્યા છે. ઉમેશમાં કેટલો દમ છે એ તો એકાદ બે ફિલ્મ્સ વધુ કરે ત્યારે જ ખબર પડે. તો પણ ખરા અર્થમાં કહી શકાય તો આ ફિલ્મ એ એમનો પ્રથમ પ્રયત્ન કહી શકાય અને એ પ્રમાણમાં ખૂબ જ સારુ કામ છે.


        વાતમાં દમ છે એ વાત તો એક નજરથી જ સાબિત થાય છે કે આ ફિલ્મ અક્ષય કુમાર, અશ્વિન યાર્ડી અને પરેશ રાવલ પોતે પ્રોડ્યુસ કરવા માટે તૈયાર થયા. ફિલ્મના એક એક સંવાદ પર વાહ બોલવું પડે એ રીતે વાર્તામાં વણી લેવામાં આવ્યા છે. બહુ જાજી પબ્લીસીટી નથી કરી તો પણ ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ને હાઉસફૂલ થતું જોઈને મને લાગે છે કે હવે ઑડિયન્સ એડલ્ટ થવા લાગ્યું છે. જો રેટીંગની વાત આવે તો હું ફિલ્મને ૪ સ્ટાર આપીશ. એક સ્ટાર એન્ડ માટે કાપવો જ પડે કેમ કે એન્ડ ધરાર ફિલ્મમાં ઘુસેડવામાં આવ્યો છે.





પેકઅપ:
        સારી મિત્રતા એને કહેવાય કે એક મિત્ર કહે ’યાર પ્લીઝ આ કામ કરી દે અને બીજો મિત્ર કહે કે ’ના...



Friday, 21 September 2012

હીરોઈન: મધુરનો ઓસરતો જાદુ





         ફિલ્મનું એક ખાસ ઝોનર અને મારા પસંદનું પણ ઝોનર છે રીયાલીસ્ટીક ફિલ્મ. મારી દ્રષ્ટિએ સૌથી અઘરું કામ પણ ખરું. બહુ ઓછા ડિરેક્ટર્સ છે આ ઝોનર પસંદ કરે છે કેમ કે આ ઝોનરની ફિલ્મ આમ જનતા માટે નહીં પણ ખાસ દર્શકો માટે બનાવવામાં આવે છે. ફિલ્મ સારી ન હોય અને પૂરતી કોમર્સિયલ હોય તો પ્રમોશન પર ૧૦૦ કરોડનો ધંધો લાવી શકે પણ ખૂબ સારી અને વખાણ કરવા લાયક હોય તો પણ રીયાલીટી પર બનેલી ફિલ્મ આટલો ધંધો ન કરી શકે. આવા જ ઝોનરનો એક ખાસ ડિરેક્ટર એટલે મધુર ભંડારકર. ક્રીએટીવીટીનો ખજાનો પણ કહે છે ગમે તેટલો મોટો ખજાનો હોય ક્યારેક તો ખલાસ થાય જ છે આ રીતે જ મધુર ભંડારકરે શરૂઆતમાં આપેલી ફિલ્મ્સની સરખામણી કરીએ તો ઉતરોતર ઘટાડો થતો જોવા મળ્યો છે અને હીરોઈન માટે તો એટલું જ કહી શકાય કે મધુર ભંડારકરના ડિરેક્શનનો એ જાદુ હવે સાવ ઓસરી રહ્યો છે.


        મધુર ભંડારકરના કેરીયરની શરૂઆત થઈ હતી ’ત્રીશક્તિથી પણ એ ફિલ્મ સમયે કોઈ મધુરને ઓળખતું જ ન હતું. મધુર રામ ગોપાલ વર્માને પણ આસીસ્ટ કરી ચૂક્યો છે અને તમને યાદ હોય તો રંગીલામાં એક નાના રોલમાં સ્ક્રીન પર જોવા પણ મળેલ. મધુરની સાચી કેરીયરની શરૂઆત થઈ એની ખરા અર્થમાં કહી શકાય એવી ફિલ્મ ’ચાંદની બારથી. તમે જે દુનિયા વિષે માત્ર સાંભળ્યું જ હશે કે ક્યારેક જોઈ હશે એવી મુંબઈના બારની જેટલી નજીકની અને સત્ય સાથે વાત રજૂ કરી ત્યારે ક્રીટીક્સથી લઈને સુજ્ઞ દર્શકો બધાં વખાણ કરતા થાકતા ન હતા. મધુરની બીજી ફિલ્મ આવી ’સત્તા આ ફિલ્મમાં પણ મધુરનો ચમકારો જોવા મળ્યો પણ જ્યારે મેં ’પેઇજ 3’ જોઈ ત્યારે તો હું આફરીન પોકારી ગયો. મારી સૌથી વધુ ગમેલી ફિલ્મ્સમાં પહેલી પાંચ ફિલ્મ્સ માંથી પેઇજ ૩ ક્યારેય નીચે ઊતરી નથી. એ પછીની ’કોર્પોરેટ ફિલ્મ પણ મને ગમી હતી પણ આ ફિલ્મ માટે મેં એક સ્ટેટમેન્ટ કરેલું કે ’જો ફિલ્મનું ટાઇટલ કોર્પોરેટ ના હોત તો ફિલ્મ સારી હતી. મધુરનો ખરો પીક પીરીયડ આ પછીની બે ફિલ્મ્સમાં રહ્યો. ’ટ્રાફિક સિન્ગ્નલ અને ’ફેશન બંને બોક્ષ ઓફીસ પર પણ સફળ રહી અને ડિરેક્શનની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારી ફિલ્મ સાબિત થઈ. ભારતીય પ્રેક્ષકોએ મધુરને એક રીયાલીસ્ટીક ફિલ્મ મેકર તરીકે સ્વીકારી લીધો. મધુર જે ઊંડાણથી પરિસ્થિતિનો અભ્યાસ કરે, જે રીતે સ્ટોરી ગૂંથે અને જે રીતે ફિલ્મના કલાકારો પાસેથી કામ લે એ માટે વખાણના શબ્દો શોધવા મુશ્કેલ પડે. મેં જ્યારે ’જેલ જોયું ત્યારે એ વાતનો અહેસાસ થયો કે આ તલવારની ધાર બુઠ્ઠી થઈ રહી છે તો પણ ફેવરીટ ડિરેક્ટર હોવાના લીધે આશા વધારે જ રહી. પોતાની ઓરીજીનલ સ્ટાઇલથી દૂર થઈને મુધુરે ’દિલ તો બચ્ચા હૈં બનાવી. ફિલ્મ બોક્ષ ઓફીસ પર ગમે તેવી સફળ રહી પણ જે રીતે ઇમોશન્સ બહાર લાવી શક્યો એટલે ફરી એમ થયું કે આવનારી ફિલ્મ ’હીરોઈન તો ચોક્કસ હટકે જ હશે. એક તો ફિલ્મનો માણસ અને પાછી ફિલ્મની જ વાતો. આ માટે મધુરને વધુ અભ્યાસ કરવાની કદાચ જરૂર પડે પણ નહીં. જે રીતે પેઇજ ૩ બની હતી અને મારા ટોપ લીસ્ટમાં હતી એ રીતે આ ફિલ્મ માટે ખૂબ જ અપેક્ષા હતી પણ સાવ ચિલ્લા ચાલુ ફિલ્મ. આમ જુઓ તો ફિલ્મની દ્રષ્ટિએ ફિલ્મમાં કંઈ વાંધો જ નથી તો પણ વાર્તા એટલી હદે પ્રીડીક્ટીબલ કે તમે જાણો જ કે હવે પછીનો સિન ક્યો હશે. હવે પછી શું થશે એ પણ ખબર હોય. જે ઝોનર મધુરનું છે, જે એરિયા મધુરનો છે, જે માહોલ વચ્ચે મધુર રહે છે અને પછી આ પ્રકારની સ્ટોરીનો મધુર સ્વીકાર કરે એ વાત ગળે ઊતરતી નથી છતાં પણ બની શકે!


        સમય જતા કરીના કપુરના અભિનયમાં એક તાકાત આવી છે. કરીના ફિલ્મના સેન્ટર પાત્રમાં હોવાથી દુ:ખી થવું, રડવું, ક્રેઝી બીહેવ કરવું, ઓવર ઇમોશનલ થવું આ બધું જ એના હીસ્સે આવવાનું હતું. કરીનાએ પૂરતો ન્યાય આપવાની કોશિશ પણ કરી છે. ઘણી હદ સુધી કરીનાએ ડિરેક્ટરે જે માગ્યું તે આપ્યું છે તો પણ જ્યારે વાર્તામાં વજન નથી એટલે કરીનાની મહેનત એળે ગઈ હોય એવું લાગે છે. આ રીતે જે અર્જુન રામપાલ પણ પોતાની જગ્યાએ ખૂબ સારુ કામ આપી શક્યો છે. રણબીર હુડાતો હવે જાણે ઓફબીટ ફિલ્મ્સ માટે પસંદગીનું પાત્ર થઈ ગયો છે. આ ફિલ્મમાં પોતાના પાત્રને રણબીરે પણ ન્યાય આપ્યો જ છે. મધુરની ફિલ્મ્સમાં અમુક પાત્રો ફીક્ષ છે જેમ કે દિવ્યા દત્તા. દિવ્યા ફિલ્મમાં ફિલ્મ પબ્લીસીટી અને પર્સનાલીટી ડીઝાઈનર છે. દિવ્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહી ચૂકી છે એટલે એક ટીપીકલ પાત્ર ભજવી શકી છે. ગોવીંદ નામદેવ કરીનાના સેક્રેટરી તરીકે ફિલ્મમાં જોવા મળશે. ગોવિંદ નામદેવ જે હદે સારા આર્ટીસ્ટ છે એ હદે જ કંઈ કામ ન આપીને એમનો વ્યય થયો છે. આમ છતા પણ જે એક બે સારા સિન એમના હિસ્સે આવ્યા ત્યાં એમનો ચમકારો જોવા મળે જ છે. શહાના ગોસ્વામી તો ખલ્લાસ આર્ટીસ્ટ છે. મેં એ છોકરીને ક્યારેય નબળું કામ કરતા નથી જોઈ. આ ફિલ્મમાં એક બેંગોલી આર્ટીસ્ટનું પાત્ર ભજવે છે. રણબીર સુરી પણ ડિરેક્ટરનો જ એક્ટર છે. એક બેંગોલી ડિરેક્ટર તરીકે ફિલ્મમાં જોવા મળે છે. સંજય સુરી ઘણા સમયે સ્ક્રીન પર જોવા મળ્યો છે. હેલન જે રીતે જૂનાથી લઈને નવા જમાના સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સાક્ષી રહ્યા છે એ રીતે જ ફિલ્મમાં પણ એમનું પાત્ર છે. મુગ્ધા ગોડસે પણ મધુરની ફેવરીટ આર્ટીસ્ટ છે તો આ ફિલ્મમાં હોવાની જ. ઘણા બધા પાત્રો ફિલ્મમાં છે, બધાએ સારુ કામ કર્યું છે તો પણ નબળી વાર્તાના લીધે ઘણા કલાકારો વેડફાયા છે.


        કરીના કપુર ૧૬૦ કૉસ્ચ્યુમ બદલે છે. એવું કહેવાય છે કે મધુર ભંડાકરની પહેલી ફિલ્મનું જેટલું બજેટ હતું એટલું બજેટ આ ફિલ્મમાં કરીના કપુરના કોસ્ચ્યુમનું હતું. ફિલ્મમાં મ્યુઝિક સલિમ-સુલેમાનનું છે. રાહત સાહેબે ગાયેલું ’સંયા...’ વખાણવા લાયક છે. સંજય છેલ મારા મિત્ર છે, એમનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસ્સું યોગદાન રહ્યું છે પણ એ જાણીને સાચે જ આનંદ થયો કે ’મૈં હીરોઈન હું ...’ ગીત સંજયે લખ્યું છે.


        ફિલ્મ ગ્રીપ લે છે એના સ્ક્રીનપ્લે પરથી. આ ફિલ્મનો સ્ક્રીનપ્લે પ્રમાણમાં નબળો રહ્યો, જો કે અહીં એ નોંધવું જરૂરી છે કે મધુર ભંડારકરની ફિલ્મ્સના પ્રમાણમાં નબળો સ્ક્રીનપ્લે છે. મધુર પોતાની વ્યસ્તતાના કારણે કદાચ આ ફિલ્મ માટે સમય નહીં ફાળવી શક્યો હોય એટલે અનુરાધા તીવારી અને મનોજ ત્યાગીને સોંપવામાં આવ્યા. આ જોતા જ તરત ખબર પડે છે કે મધુરના સ્ક્રીનપ્લે અને અન્ય કોઈના સ્ક્રીનપ્લે વચ્ચે કેટલો મોટો ફેર છે. મધુર સાથે આ પહેલા ચાર ફિલ્મ કરી ચૂકેલ સિનેમેટોગ્રાફર મહેશ લીમીયેના હિસ્સે આ ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ આવી. મહેશે મહેનત ખૂબ કરી છે પણ જે દ્ર્શ્યોમાં હજુ ઘણું થઈ શકે તેમ હતું તેવા દ્ગશ્યોને સામાન્ય રીતે શૂટ કરીને વાતને વધુ નબળી પાડી છે. યુટીવી મોશન પીક્ચર દ્વારા ફિલ્મ રીલીઝ થયુ છે એટલે ઘણી બધી સ્ક્રીન, ઘણા બધા શો મળ્યા હશે તો ૩૨ કરોડનું રોકાણ તો નીકળી જ જશે. આ ઉપરાંત નાના પરદે ઠેકઠેકાણે હાજરી આપવાનો હવે તો રિવાજ થઈ ગયો છે એટલે આખી ટીમ ક્યાંક ને ક્યાંક જોવા મળી જ જાય છે. ઓવર ઓલ જો એટલું કહી શકાય કે જો તમે ખાસ અપેક્ષા લઈને ફિલ્મ જોવા જશો તો મારી જેમ નિરાશ થશો પણ એક સામાન્ય ફિલ્મની જેમ ફિલ્મ માણવા જશો તો ગમી પણ શકે. આશા રાખીએ કે મધુર ભંડારકર ફરી એકાદ પેઇજ ૩ આપે...



પેકઅપ:
"મારી પાછળ લખેલું આ વંચાય તો માનજો કે મારી પત્ની સ્કૂટરની પાછળની સીટ પરથી પડી ગઈ છે.
.
.
મને જાણ ન કરવી...."

Friday, 14 September 2012

બરફી! : લાગણીઓનો ખજાનો




     ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અભ્યાસ કરીએ તો મુખ્યત્વે બે બાબતો ઊડીને આંખે વળગે છે. એક તો ભારતીય પ્રજાની ધર્મ પ્રત્યેની લાગણી અને બીજુ મેલોડ્રામા. જૂની કોઈ પણ ફિલ્મ જુઓ તો મેલોડ્રામેટીક ફિલ્મ જ મળે. કેમ ન હોય? આપણી પ્રજાને મૂળગત રીતે જ વેવલા વેડા ગમે છે અને ન ગમે તો પોતે જે ડ્રીમ લઈને રહેતો હોય એ ડ્રીમ ફિલ્મનો હીરો પૂરો કરતો હોવો જોઇએ. મેલોડ્રામા વર્ષોથી ચાલ્યું આવે છે પણ માત્રા અને લાગણીઓની રજૂઆતમાં સતત ફેર પડતો રહ્યો છે. ’અમર અકબર એન્થોનીમાં જેમ ત્રણે દીકરાઓનું લોહી સીધુ જ માં ને ચડતું હોય એવું હવે નથી બનતું. પ્રજાની માનસિકતામાં ફેર પડ્યો જ છે અને એટલે જ મેલોડ્રામા કહી શકાય એ પ્રકારની વાર્તા પણ લાગણીઓનો ખજાનો અને એટલી સરળતાથી રજૂઆત કે માનવું જ પડે ફિલ્મ હસાવી પણ શકે અને રડાવી પણ શકે. સાવ સામાન્ય કહી શકાય એવી વાર્તાની સચોટ અને લોજીકલ રજૂઆત એટલે બરફી!

બરફીની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ બધું જ અનુરાગ બસુનું. ફિલ્મ જોતા પ્રશ્ન એ થતો હતો કે ફિલ્મનું ક્યુ પાંસુ વધારે સારુ હતું. ફિલ્મ જે રીતે વર્ષોથી આગળ નીકળી જાય છે અને વર્ષોથી પાછળ જતી રહે છે એ જોતા થયું કે સ્ક્રીનપ્લે ખૂબ જ સરસ છે. વાતને જોડવા માટે ઘણીવાર વોઇસઓવરનો સહારો લેવામાં આવે છે પણ જો સ્ક્રીનપ્લે રાઇટર સારા હોય તો એનો રસ્તો અલગ રીતે કાઢી લે છે. અહીં અનુરાગ બરફી સાથે જોડાયેલા માણસોને મોઢે બરફી વિશે વાત કરતા ફિલ્મને જોડે છે. આ રીતે જ એક વાત જ્યાંથી અટકે છે ત્યાંથી જ ઉપાડવાને બદલે થોડી પહેલાથી ઉપાડી આગલી વાત સાથે જોડી દેવી એ સ્ક્રીનપ્લેની ખૂબી છે. અનુરાગ બસુને સારા ડિરેક્શન માટે પણ ક્રેડિટ આપવી ઘટે. અનુરાગ બસુ માટે એમ કહી શકાય કે મૌત સામે ઝઝૂમીને ઊભો થયો છે. ૨૦૦૪માં ’તુમસા નહીં દેખાના શૂટીંગ વચ્ચે ખ્યાલ આવ્યો કે અનુરાગ બસુને કેન્સર છે. લગભગ છેલ્લું સ્ટેજ ડીક્લેર થઈ ગયું હતું પણ અનુરાગ મૌતને પણ અંગૂઠો દેખાડીને પાછાં આવ્યા. અનુરાગની મજલ ખૂબ લાંબી છે. જો તમને યાદ હોય તો ઝી ટીવી પર ’તારા સિરિયલ આવતી, આ સિરિયલ અનુરાગ બસુ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ પછી બાલાજી સાથે જોડાયા અને બાલાજી તરફથી જ પહેલી ફિલ્મ ’કુછ તો હૈંનું ડિરેક્શન સોંપવામાં આવ્યું. ફિલ્મનો હીરો તુષાર કપૂર હતો એટલે ફિલ્મ સારી ન હોય એ સમજી શકાય! તો પણ ડિરેક્શનમાં દમ તો દેખાણો જ હતો. આ પછી અનુરાગ ભટ્ટ કૅમ્પમાં જોડાયા. ભટ્ટ કૅમ્પની પહેલી ફિલ્મ એમને મળી ’સાયા. બોક્ષ ઓફીસ પર પણ ઠીકઠીક ધંધો કર્યો અને લોકોને પણ પસંદ આવી. ભટ્ટ કૅમ્પ સાથે એક પછી એક ફિલ્મ એમને મળતી ગઈ. ’મર્ડર ને તો અણધારી સફળતા મળી. મને અનુરાગ એક સારા ડિરેક્ટર છે એવું લાગ્યું એમની ફિલ્મ ’લાઇફ ઇન અ મેટ્રો વખતે. જે ફિલ્મના ચાહકો છે એમણે આ ફિલ્મ જોઈ જ હશે અને જોઇને એકવાર તો વાહ પોકાર્યું જ હશે. ૨૦૧૦માં ’કાઇટ્સની નિષ્ફળતા પછી બે વર્ષે આ ફિલ્મ આવી. અને કહેવું જ પડે કે ખૂબ સરસ કમ બેક. ફિલ્મને પુરતી પ્રોમોટ કરવામાં આવી છે માટે સફળતા માટે શંકા નથી તો પણ જો આ ફિલ્મ હીટ જશે તો મારા અભિપ્રાય મુજબ આખી ફિલ્મનો શ્રેય અનુરાગ બસુને જ આપવો જોઇએ.



     મોડેલ માંથી ઍક્ટ્રેસ બનેલી અને તેલુગુ ફિલ્મમાં સ્થાન ધરાવતી ઇલેના ડીકૃઝ આ ફિલ્મ સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરે છે. ઇલેનાનું પહેલું હિન્દી ફિલ્મ ભલે રહ્યું પણ એટલું નક્કી કે આ પછી ઘણી બધી ફિલ્મ્સ મળશે જ. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી ન હોવા છતા એ મુખ્ય હીરોઇન છે જ. એ રીતે જ પ્રિયંકા ચોપ્રા કોઈ પણ પ્રકારનો અભિનય કરવા માટે સમર્થ છે. આ ફિલ્મમાં પ્રિયંકાના અભિનય માટે વાહ જ નહીં પણ આહ પણ કહેવું પડે. ફિલ્મમાં પોતાની ઉમર કરતા ઓછા વિકાસ વાળી છોકરી બતાવવામાં આવી છે. અભિનયની ખરી કલા એ છે કે તમે જે જેસ્ચર ફિલ્મની શરૂઆતમાં પકડો એ ફિલ્મના અંત સુધી જળવાય રહેવા જોઈએ. પ્રિયંકા ફિલ્મના અંતમાં બુઢ્ઢી બતાવવામાં આવે છે પણ જેસ્ચરમાં કોઈ જ ફેરફાર નથી. ફિલ્મનું શૂટીંગ સામાન્ય રીતે એકાદ વર્ષ ચાલતું હોય ત્યારે એક જ અભિનયને છેવટ સુધી નિભાવવો એ સારા અભિનેતા કે અભિનેત્રીનું જ કામ છે. રણબીર કપૂર મને પર્સનલી ક્યારેય સારો કલાકાર લાગ્યો નથી પરંતુ બરફી જોયા પછી હું મારુ સ્ટેટમેન્ટ બદલુ છું કે રણબીર પાસેથી લોકોને કામ લેતા નહોતું આવડતું. ફિલ્મમાં બહેરા મુંગાનું પાત્ર નિભાવતા રણબીર પાસે એક જ ડાયલૉગ છે એ છે પોતાનું નામ. આમ તો ફિલ્મમાં ખરુ નામ મરફી છે પણ બોલવામાં બરફી થઈ જતા લોકો બરફી તરીકે જ રણબીરને ઓળખે છે. આ એક જ શબ્દને પણ રણબીરે પૂરો ન્યાય આપ્યો છે. સૌરભ શુક્લા પાસે ઘણા સમયે દમદાર રોલ આવ્યો. પોલીસ ઇન્સ્પેક્ટરના પાત્રમાં સૌરભ કમાલ એક્ટીંગ કરી રહ્યો છે. સૌરભ શુક્લા આમ તો દમદાર ભૂમિકા માટે તૈયાર જ હોય છે અને એના ગજાની ઘણી ફિલ્મ્સ મળી જ છે. કલ્લુમામા થી લઈને બરફીના પોલીસ ઇન્સ્પેક્ટર સુધીની કોઈ પણ ભૂમિકા હોય સૌરભ શુક્લા તો સૌરભ શુક્લા જ છે. આશિષ વિદ્યાર્થી ઘણા લાંબા સમયે આ ફિલ્મમાં જોવા મળ્યો. આશિષ પણ ખૂબ સારો એક્ટર છે. જો કે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાના પિતાના પાત્રમાં બહુ જાજુ કામ ન હતું એટલે ખાસ રહ્યું નહીં તો પણ પોતાના પાત્રને ન્યાય તો આપ્યો જ છે. વર્ષો પછી દ્રૌપદી એટલે કે રૂપા ગાંગુલી પણ ઘણા સમયે ફિલ્મમાં જોવા મળી. ફિલ્મનું કાસ્ટિંગ એકદમ પર્ફેક્ટ છે. ફિલ્મના એક પણ પાત્ર માટે એવું ન કહી શકાય કે લાયક નથી. એક્ટીંગના આ વર્ષના ઘણા એવોર્ડ્સ આ ફિલ્મને ચોક્કસ મળશે.



     પ્રિતમને બધા ભલે ચોર કહે તો પણ પ્રિતમ ખૂબ સારુ મ્યુઝિક તો આપે જ છે. બરફીના ગીતો કર્ણપ્રિય છે. લગભગ બધા જ ક્રિટીક્સ બરફીના ગીતોના વખાણ કરી ચૂક્યા છે. ખૂબ સીધા સાદા શબ્દો, એક સામાન્ય રીતે થતી વાતચીતને પણ ગીત સ્વરૂપે રજૂ કારાયેલ છે છતાં ગમે છે. બરફીના મ્યુઝિક રાઇટ્સ ખૂબ સારા ભાવે વહેંચાયા છે એવું સાંભળવા મળ્યું છે. ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર ખૂબ ખૂબ ખૂબ સરસ છે. દરેક પ્રસંગ, દરેક વાત, દરેક રજૂઆત પર વાગતું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વખાણવું જ પડે. બૅકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરતી વખતે અમુક બાબતોનો ખાસ ખ્યાલ રાખવો પડે છે અને ઘણીવાર સાઇલન્સ પણ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હોય છે. બરફીમાં જ્યાં જ્યાં સાઇલન્સ જરૂરી હતું ત્યાં એ ખાંચો અદભૂત રીતે વણી લેવામાં આવ્યો છે. સાઉથની ફિલ્મ્સ માટે એવૉર્ડ જીતી ચૂકેલ રવિ વર્મન ફિલ્મના સિનેમેટોગ્રાફર છે. પ્રમાણમાં એ પણ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શક્યા છે.



     ફિલ્મની બધી સારી બાબતોની આપણે વાત કરી પણ ચાલો થોડી ખરાબ વાતો પણ કરી લઈએ. ફિલ્મ ૧૯૭૨ થી ૧૯૭૮ વચ્ચે વધારે રમે છે. ફિલ્મમાં સજાવવામાં આવેલ બેકડ્રોપ, ગાડીઓ, ડ્રેસિંગ બધું જ હાલના જમાના જેવું જ છે. ફિલ્મ જૂના સમયની ફીલ આપવામાં નિષ્ફળ રહી છે. એ રીતે જ કેમેરો ઘણીવાર ડી-ફોકસ થઈ જાય છે. કલકત્તા જોતા જ લાગે છે કે આ ૧૯૭૮નું કલકત્તા નથી. દુકાનના દ્ગશ્યોમાં આજે માર્કેટમાં મળતા તેલના નામ વાંચવા મળે. તો પણ ફિલ્મ જોવાનું ચૂકશો નહીં. એક ક્લાસ ફિલ્મના તમામ લક્ષણો આ ફિલ્મમાં છે.



પેકઅપ:
મુંગી પત્ની અને બહેરો પતિ એ જગતનું આદર્શ કપલ છે

Friday, 7 September 2012

રાઝ ૩: સારુ 3D વર્ક, ખરાબ ફિલ્મ





ફિલ્મ માટે દરેક વ્યક્તિના અલગ અલગ વિચાર હોય શકે. કો’ક ફિલ્મ અમુક પ્રકારના લોકોને ગમે તો કો’ક ફિલ્મ અમુક પ્રકારના લોકોને ગમે, પરંતુ અંતે તો ફિલ્મ્સ બને છે બિઝનેસ માટે. જે ફિલ્મ બોક્ષ ઓફીસ પર સારો ધંધો કરી શકે એ ફિલ્મ જ વખણાય છે. મારા જેવા ક્રિટીક્સ ગમે તેટલી રાડો પાડે તો પણ ફિલ્મ સફળ થાય. મહેશ ભટ્ટ કૅમ્પ આ માટે ખાસ વખણાતું ગૃપ છે. વર્ષોથી આ કૅમ્પ લોકોને ગમે તેવી ફિલ્મ, લોકોને ગમે તેવું મ્યુઝિક અને સેક્સ પીરસતું રહ્યું છે. ૨૦૦૨માં કોઈ પણ ખાસ કહી શકાય એવી ફિલ્મ આવી નહોતી. “દેવદાસ” પાસે લોકોને ઘણી આશા હતી પણ ’દેવદાસ’ બોક્ષ ઓફીસ પર ખાસ કમાલ દેખાડી શકી નહીં. આ ગાળામાં જ ”રાઝ”નો પહેલો ભાગ રજૂ થયો અને પ્રમાણમાં ખૂબ સારુ કહી શકાય તેટલું કલેક્શન કરવામાં સફળ રહી. સફળ ગયેલી ફિલ્મની સીક્વલ બનાવવાનો ટ્રેન્ડ ચાલુ થયો એટલે ૨૦૦૬માં “રાઝ- ધ મીસ્ટ્રી કન્ટીન્યુઝ” બનાવવામાં આવી. ’રાઝ’ના બીજા ભાગના ટાઇટલ માટે પૂજા ભટ્ટ સાથે મારી મુલાકાતમાં સરસ મઝાની વાત જાણવા મળી. હોલીવુડનું એક ફિલ્મ હતું “આઇ નોવ વોટ યુ ડીડ ઇન લાસ્ટ સમર” આ પછી જ્યારે આ ફિલ્મનો જ બીજો ભાગ બનાવવામાં આવ્યો ત્યારે ટાઇટલ ખૂબ સરસ આપવામાં આવ્યું. “આઇ સ્ટીલ નોવ વોટ યુ ડીડ ઇન લાસ્ટ સમર”. આ વાત પરથી જ પૂજાએ ’રાઝ-2’નું ટાઇટલ રાખ્યું. સમય સાથે ફિલ્મ્સના પરિમાણ બદલતા રહે છે એમ જ ફરી ’રાઝ’ની સીક્વલનો વિચાર આવ્યો પણ આ વખતે ટાઇટલ એમનું એમ જ રાખવામાં આવ્યું “રાઝ” પણ “રાઝ-3” સાથે વધારામાં જોડાયું 3D


       સૌથી પહેલા આપણે એ જાણીએ કે 3D એટલે શું? ત્રણ ડાયમેન્સન એ બધા જ જાણે છે પણ આ પ્રકારની ફિલ્મ્સ બને કેમ એ પ્રશ્ન બધાને થતો જ હશે. આપણી જમણી અને ડાબી બંને આંખો અલગ અલગ જુએ છે. આ બે આંખો જ જો કૅમેરા થઈ જાય તો આપણે દ્ગશ્યને ત્રણ ડાયમેન્સનથી જોઈ શકીએ. જૂની ટેક્નોલૉજી મુજબ 2Dમાં જ ફિલ્મ રેકોર્ડ થતી. ઘણી વાર CGI એનીમેટેડ ટેક્નોલૉજી એટલે કે 3D મોડેલ્સનો ઉપયોગ કરવામાં આવતો. જેમ કે ૧૯૯૩માં અંગ્રેજી ફિલ્મ “ધ નાઇટમેર બીફોર ક્રિસ્ટમસ ની એક એક ફ્રેમને સ્કેન કરી અને બંને આંખોના એંગલ સેટ કરી 3D બનાવવામાં આવી હતી. આ મેથડને ડેપ્થ બેઇઝ મેથડ તરીકે ઓળખાય છે. આ પછી તો ટ્રેન્ડ ખૂલ્યો અને એમાં પણ નવી નવી એડીટીંગ ટેક્નોલૉજી આવતી ગઈ એટલે પ્રોડ્યુસર્સ 2D ફિલ્મ્સને 3Dમાં ફેરવીને ફેર રીલીઝ કરવા લાગ્યા. જેમ બચારા શાહરુખભાઇએ “રા-વન” એમને એમ ન ચાલી તો 3Dમાં પણ રીલીઝ કરી જોઈ પણ જેવા એમના નસીબ. આ ટેક્નોલૉજીનો બેસ્ટ ઉપયોગ જોવો હોય તો “ટાઇટેનીક” 3D છે. ૨૦૦૮ પછી ખરા અર્થમાં કહી શકાય તેવું 3D સિનેમા અસ્તિત્વમાં આવ્યું. આ વર્ષમાં “જર્ની ટુ ધ સેન્ટર ઑફ ધ અર્થ આ ફિલ્મને ખરા અર્થમાં 3D ફિલ્મ કહી શકાય કારણ કે માત્ર એડીટીંગ પ્રોસેસ જ નહીં પણ શૂટીંગ પણ 3D ટેક્નોલૉજીથી કરવામાં આવ્યું. 3Dનું શૂટીંગ જાણવા જેવી વાત છે. બે કૅમેરા એવા એંગલથી એકબીજા સાથે જોડવામાં આવે કે જાણે એક કેમેરો ડાબી આંખ હોય અને બીજો જમણી આંખ. આ બંને જોડાયેલા કૅમેરા એક સાથે એક જ દ્ગશ્યનું શૂટીંગ કરે જેથી જ્યારે આ દ્ગશ્યને તમે પડદા પર જુઓ તો તમને ત્રણ ડાયમેન્સન દેખાય. આ ફિલ્મ પછી “અવતાર” પણ આ ટેક્નોલૉજીથી બની. ’અવતાર’માં વધારાની વાત હતી એનીમેશન. એનીમેશન કોમ્પ્યુટરમાં તૈયાર થાય છે અને ખાસ પ્રકારના સોફ્ટવેરથી. આ સોફ્ટવેરમાં વર્ચ્યુલ કૅમેરા પણ ડાબી અને જમણી આંખની જેમ સેટ કરવામાં આવે છે. આ પછી તો ઘણી 3D ફિલ્મ્સ બની અને ટેક્નોલૉજીના સુધારા રૂપે IMAX 3D અને Cine 160 જેવા ડીજીટલ કૅમેરા માર્કેટમાં આવ્યા. આ કૅમેરામાં બે લેન્સ સાથે જ લાગેલા હોય અને ડબલ રેકોર્ડીંગ સીસ્ટમથી સીંગલ કૅમેરા દ્વારા તમે 3D શૂટ કરી શકો. રાઝ ૩ પણ આ ટેક્નોલૉજીથી જ શૂટ કરવામાં આવી છે માટે એક સલાહ કે રાઝ ૩ જોવું હોય તો 3Dમાં જ જોવું નહિતર રૂપિયા ખર્ચવા નહીં.



         હોરર વિષય જ એવો છે કે ડર લાગવો તો ફરજિયાત છે. એ સાથે જો 3Dમાં હોય તો ડરમાં ઉમેરો થઈ શકે. આ વાતને ધ્યાનમાં લઈને ’રાઝ’ બન્યું. 3Dની દ્રષ્ટિએ જોઈએ તો અમુક દ્ગશ્યો ખરેખર સુંદર રહ્યા અને અમુક દ્ગશ્યો ડરાવી શક્યા. હવે આપણે એવું માની લઈએ કે આ ફિલ્મ 3Dમાં નથી અને મૂલ્યાંકન કરીએ તો ક્યા એંગલથી ફિલ્મને સારી કહેવી એ એક પ્રશ્ન છે. ફિલ્મની કથા એકદમ ચીલાચાલુ, એક્ટીંગ ખરેખર ખરાબ કહી શકાય એવું, ગીતો પણ એવરેજ અને કથામાં ક્યાંય પણ લોજીક જોવા જ ન મળે. શનાયા (બીપાસા બસુ) એક વખતની હીરોઇન અને એ હીરોઇનનું સ્થાન સંજના (ઇશા ગુપ્તા) લઈ લે છે. વાતને વધુ ફિલ્મી બનાવવા માટે ઇશાને બીપાસાના ખરા પપ્પાની પ્રેમિકાની છોકરી બનાવવામાં આવે છે જેથી બદલો યોગ્ય લાગે. આદિત્ય (ઇમરાન હાશમી) બીપાસાનો પૂર્વ પ્રેમી છે. ઇશા જ્યારે બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ જીતે છે અને બીપાસા ખૂબ દુખી થાય છે ત્યારે કોઈ કારણ વગર જ બીપાસાનો જૂનો ડ્રાયવર કાળા જાદુની વાત કરી જાય છે. બીપાસા તારદત નામના એક આત્માને મળે છે. આ આત્મા શા માટે બીપાસાને મદદ કરવા તૈયાર થઈ જાય છે એ તો સમજાયું જ નહીં તો પણ વાતને આગળ વધારીએ. આ આત્મા પાણી મંત્રીને  બીપાસાને આપે છે અને કહે છે કે ઇશાને આ પાણી રોજ પિવડાવવું જેથી એ તારા વશમાં આવી જશે. આ કામ કરવા માટે ઇમરાનને બીપાસા તૈયાર કરે છે. પ્રીડીક્ટેબલ સ્ટોરીની જેમ જ ઇમરાન ઇશાને પ્રેમ કરવા લાગે છે. ઇશા જ્યારે જ્યારે આ પાણી પીવે છે ત્યારે તેને અલગ અલગ ભૂતના અહેસાસ થાય છે. પાણી ન પીવે ત્યારે ફરી એકદમ સરસ પ્રેમ કરે અને ગીતો પણ ગાવા લાગે આમ છતાં એ સમજાયું નહીં કે ઇશાની આત્મા પ્રેતના કબજામાં કેવી રીતે છે? ઇમરાન ભાઇ પ્રેમમાં એટલે છેવટે તેમણે આ વાતનો સ્વીકાર તો કરવો જ પડે. ઇમરાનની ફરજ પણ થઈ જાય કે ઇશાના આત્માને મુક્તિ અપાવવી. આ સાથે એક સારો તાંત્રીક પણ આવે અને ઇમરાન ચાલ્યો જાય ભૂતોના વાસમાં ઇશાને છોડાવીને ફરી પાછી લઈ આવે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ રહી કે છેલ્લે જ્યારે બીપાસા ઇશાનો જીવ લેવા માટે તૈયાર થાય ત્યારે પેલો તારદત નામનો આત્મા આ માટે બીપાસાને ઇલાજ આપે કે બીપાસા જે રીતે મનુષ્ય સાથે શારીરિક સંબંધ બાંધે છે એ રીતે જ પ્રેત સાથે પણ બાંધવાનો! હવે જો એવું લોજીક જોડીએ તો બની શકે કે કદાચ આ આત્મા આ કારણથી જ શરૂઆતમાં બીપાસાને મદદ કરવા તૈયાર થઈ હોય!



      ઇશા હજુ એક્ટીંગ શીખી રહી છે, બીપાસાની ઉમર હવે ચાળી ખાય છે. જો કે ફિલ્મનું ઓરીજીનલ કાસ્ટિંગ થયુ ત્યારે જેક્વીલને બીપાસા વાળા રોલ માટે લેવામાં આવી હતી પણ અંગત કારણસર સમય ન આપી શકતા આ રોલ બીપાસાના ભાગે આવ્યો હતો. આ રીતે જ આ ફિલ્મ રીલીઝ થવામાં પણ ઘણા સંઘર્ષ કરી ચૂકી છે. સૌપ્રથમ ૬ જુલાઈ નક્કી થઈ હતી પણ રોહીત શેટ્ટીની “બોલ બચ્ચન” નડી ગઈ, એ પછી આ જ કૅમ્પની બીજી ફિલ્મ “જીસ્મ 2” ઓગસ્ટમાં રીલીઝ થઈ. અને છેક છેલ્લે સપ્ટેમ્બરમાં વારો આવ્યો અને એ પણ ડરતા ડરતા કે “બરફી” ક્યાંક રીલીઝ ન થઈ જાય. જો કે મહેશ ભટ્ટ કૅમ્પની એક ખૂબી રહી છે કે ઓછા બજેટમાં ફિલ્મ બનાવવી એટલે એટલું તો નક્કી જ છે કે નફો તો કમાય જ લેવાનો. 3D સ્ક્રીન ભારતમાં ઓછી છે માટે જે ફિલ્મની માણવા જેવી વાત છે એ ઘણા લોકો ચૂકી જશે. ફિલ્મનું પ્રોમોશન નાની સ્ક્રીન પર પણ થયું છે એટલે એવું માનીએ કે એકવાર તો દર્શકોને થિયેટર સુધી લઈ આવશે. તમે ડાહ્યાં દર્શક હો તો 3D મળે તો જોઈ લેજો બાકી નહીં જુઓ તો કંઈ ગુમાવવા જેવું નથી.



પેકઅપ:

આ અડધી રાતે કબરની ઉપર બેઠાં છો તો તમને ડર નથી લાગતો?”
એમાં ડર શા નો લાગે? અંદર ગરમી થતી હતી તો બહાર બેઠો છું