એક સવાલ હંમેશા થતો જ હોય છે કે ફિલ્મ હીટ શા માટે થાય છે?
ઘણા માને છે કે ફિલ્મની કથા ખૂબ સારી હોય તો ફિલ્મ હીટ થાય, ઘણા માને છે કે ફિલ્મના
ગીતો સારા હોય તો ફિલ્મ હીટ થાય, ઘણા માને છે કે ફિલ્મ કૉમેડી હોય તો ફિલ્મ હીટ જાય,
ઘણા માને છે કે ફિલ્મમાં ફાઈટ હોય તો ફિલ્મ હીટ થાય, આવા અનેક અભિપ્રાયો હોઈ શકે પણ
છેલ્લે તો એ ફિલ્મ જ હીટ થાય છે જે એન્ટરટાઇન્મેન્ટ પીરસે છે. એન્ટરટાઇન્મેન્ટ બીકતા
હૈં બોસ! આ વાત સલમાન ખાન કૅમ્પ શીખી તો ચૂક્યો જ હતો ’દબંગ’ સમયે.
હવે જ્યારે ’દબંગ 2’ બનાવવાનું હોય તો આ બધી વાતો ધ્યાનમાં રાખીને સૌથી વધારે મનોરંજનનો
ખ્યાલ રાખવામાં આવ્યો હોય એ સ્વભાવિક છે. સલમાન ખાન ઉર્ફે ચુલબુલ પાંડે ઉર્ફે રોબીનહુડ
પાંડે લોકોના મગજમાં ઘૂસી જ ગયા હોય ત્યારે બોલવું જ પડે ’કમાલ કરતે હો પાંડેજી આપ
ભી!’
ફિલ્મની સીક્વલ
બનાવતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. સૌથી વધુ જો ખ્યાલ રાખવો પડે છે
જૂની ફિલ્મમાં જે રીતે પાત્ર ભજવેલુ હોય એ રીતે જ સીક્વલના પાત્રમાં એમ જ અભિનય કરવો
પડે. તમે ગમે તેટલી સીક્વલ જોઈ હશે તમને પાત્રના અભિનયમાં તમને ફેરફાર દેખાયો જ હશે
પણ અહીં તો સલમાન ખાન છે. હું સ્ટેટમેન્ટ કરીશ કે ’દબંગ’ના ચુલબુલ
પાંડે અને ’દબંગ 2' ના ચુલબુલમાં તમને સલમાનના શરીરના વધારા સિવાય બહુ જ ઓછો ફર્ક જોવા
મળશે. એ જ ચાલ, એ જ સ્ટાઇલ, એ જ હસવું તમને સીક્વલ જુઓ છો એવું લાગવા જ નહીં દે. સલમાન
જેવો જ મોટો ફર્ક તમને દેખાશે સોનાક્ષી સિંહામાં. સોનાક્ષી અભિનય તો જુની રજ્જો જેવો
જ કરે છે પણ શરીર જૂની રજ્જો જેવું નથી ટકાવી શકી. ’દબંગ’ પછી
સોનાક્ષીને ઘણી સફળતા મળી એટલે કદાચ ખાધેપીધે વધારે સુખી થઈ ગઈ હોય અને બોડી બનાવી
લીધું હોય! વિનોદ ખન્નાની ઉમર ચાડી ખાય જ છે પણ છતાં ખૂબ મહેનત કરતા દેખાય છે. જો કે
આખા ફિલ્મમાં પોતાના પાત્રને ગયા પાર્ટ કરતા પણ અંડર રાખ્યું હોય તો અરબાઝ ખાને. અરબાઝ
સમય સાથે મેચ્યોર થવાને બદલે આ ફિલ્મમાં બુધ્ધી વધારે ઘટાડીને મેદાનમાં આવ્યો. જો કે
અહીં એવું કહી શકાય કે ડિરેક્ટર તરીકે પોતાની જવાબદારી સ્વીકારીને કદાચ પાત્રને ન્યાય
આપી શક્યો નહીં હોય.
’દબંગ’ના ડિરેક્ટર
અભિનવ કશ્યપ એટલે કે અનુરાગ કશ્યપના ભાઈ પોતે સલમાનની આગલી હીટ ફિલ્મ ’વોન્ટેડ’ના સ્ટંટ
ડિરેક્ટર રહી ચૂક્યા હતા. ફિલ્મ ખાસ્સી હીટ પણ રહી હતી એટલે બધાં માનતા હતા કે ’દબંગ2’નું
ડિરેક્શન પણ એમને જ સોંપવામાં આવશે પણ આગલાં ’દબંગ’ વખતે અભિનવ અને આરબાઝ વચ્ચેનો
ઝગડો કેમ ભૂલી શકાય? તમને યાદ હશે કે ટ્વીટર પર અભિનવે એવી કૉમેન્ટ કરી હતી કે ’સલમાન
ખાન માને છે કે એણે ’દબંગ’ દ્વારા એના ભાઈની જિંદગી બનાવી દીધી, આશા રાખીએ કે આ વાત
’દબંગ 2’માં પણ કન્ટીન્યુ રહે’. આ ઝગડો ખાસ્સો ચાલ્યો હતો અને છેલ્લે એઝ યુઝવલ માફા માફી
પણ થઈ ગઈ હતી પણ અરબાઝે કદાચ યાદ રાખીને આ ફિલ્મનું દિગ્દર્શન જાતે જ કરવાનું નક્કી
કર્યું. મારી દ્રષ્ટિએ ’દબંગ 2’નું ડિરેક્શન પણ ગાજ્યું જાય એવું નથી. દર્શકોને જે
જોઈએ છે એ આપવાનું કામ તો એટલીસ્ટ આ ફિલ્મ કરી જ શકી છે. અરબાઝ પોતાની રીતે પહોંચતો
માણસ તો છે જ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો ખાન ખાનદાનમાં ગળથૂથીમાં આવી છે. સલમાન સુપર
સ્ટાર ન ગણો તો પણ મોસ્ટ સેલેબલ આઇટમ તો છે જ એટલે એનો પુરેપુરો ફાયદો મળે જ. ઘરનું
જ પ્રોડક્શન હોય, બધા ઘર ઘરના જ લોકો ભેગાં હોય ત્યારે ’ભાઇ મરે અને બહેન કૂટવામાં
બાકી રાખે?’ જેવો માહોલ થાય. આ વખતે ગયા વખત કરતા વધારે સારા સ્ટંટ આપવા જ પડે અને
અભિનવ સાથે પણ નથી માટે અનલ અરસુને આ જવાબદારી સોંપવામાં આવી. ’દબંગ’ના સ્ટંટ
કરતા આ ફિલ્મના સ્ટંટ વધારે સારા છે. સલમાનને ડૉક્ટર્સ સ્ટંટ કરવાની ના પાડે છે પણ
જ્યારે સ્ટંટ જ માર્કેટમાં ચાલતા હોય ત્યારે બીજો ઉપાય શો? સલમાને વિચાર્યું હશે કે
એકાદ ઓપરેશન વધારે કરાવી લઈશુ.
સંગીતની દ્રષ્ટિએ
’દબંગ’ કરતા
’દબંગ2’નું સંગીત ઊતરતી કક્ષાનું કહી શકાય તો પણ એન્ટરટાઇન્મેન્ટ વેલ્યૂ તો છે જ. ગયા
વખતે પણ સાજીદ-વાજીદને જ મ્યુઝિક સોંપવામાં આવ્યું હતું અને આ વખતે પણ સોંપવામાં આવ્યું.
આ વખતે એકાદ-બે સોંગ બીજાને પણ સોંપવામાં આવ્યા. મ્યુઝિક માટે પણ ખ્યાલ રાખવામાં આવ્યો
કે સીક્વલ છે તો મ્યુઝિક પણ સીક્વલમાં આવે પણ અહીંયાં એ ભુલાઈ ગયું કે તાજેતરના સંગીતનો
એક જ વાંધો છે કે એ લોંગ લાસ્ટીંગ નથી હોતું. નવા જમાના અને ટેસ્ટ સાથે મ્યુઝિકનો ટેસ્ટ
ઓડિયન્સનો બદલતો રહે છે. પહેલા ભાગમાં સિનેમેટોગ્રાફી મહેશ લીમીયેને સોંપવામાં આવી
હતી પણ મહેશ વધુ ઘરોબો અનુરાગ સાથે ધરાવતો હોવાથી આ વાર આ જવાબદારી અસીમ મીશ્રાને સોંપવામાં
આવી. બંનેની સરખામણી થઈ શકે એમ નથી કારણ કે બંને એ પોતપોતાની જગ્યાએ શ્રેષ્ઠ દ્ગશ્યો
આપ્યા જ છે. ટીમ તો બદલાતી રહે છે પણ સૌથી
સહેલું કામ બની ગયું લેખકનું. ’દબંગ’ સમયે લેખકોએ પૂરી મહેનત કરી હતી. સાંભળ્યું
છે કે અનુરાગ કશ્યપ પોતે ડાયલોગ્ઝ માટે ખાસ સમય ફાળવીને બેઠો હતો. હવે જ્યારે આગલી
વાત પણ દિલીપ શુક્લા એ લખી હોય ત્યારે હીટ શું છે એ તો એને ખબર હોય જ એટલે માત્ર વિલન
જ નવો ચીતરવાનો હતો જે એક સામાન્ય લેખક માટે પણ ઇઝી થઈ પડે ત્યારે દિલીપભાઈ તો અનુભવી
લેખક. નાના નાના પંચની મઝા અલગ જ મઝા કરાવી જાય છે.
માત્ર ફરક એટલો
જ છે કે ગયા વખતે ૧૮૦૦ ટૉકીઝ રીલીઝ હતી જ્યારે સફળતા ખેંચે જ છે એટલે આ વખતે ૩૦૦૦ સ્ક્રીનનું
રીલીઝ મળ્યું છે. આજે સવારે જ્યારે સિનેમેક્સમાં હું ફિલ્મ જોઈ ત્યારે આશ્ચર્ય થયું
કે ત્રણે ત્રણ સ્ક્રીનમાં માત્ર અને માત્ર ’દબંગ 2’ જ હતું અને શો ગણ્યા ત્યારે ખબર
પડી કે એક જ દિવસમાં ૧૭ શો હતા અને આથી પણ વિશેષ એ કે બધા જ શો ફૂલ સવારમાં જ થઈ ગયા
હતા. હવે હિસાબ લગાવો કે ૪૦૦ ટીકીટ્સ, ૧૭ શો, ૫૦/-રૂ જ જો રેવેન્યૂ શેરીંગ આવે તો એક
જ દિવસનું રાજકોટનું એક જ ટૉકીઝનું એટલે કે ૩ સ્ક્રીનનું કલેક્શન થાય ૩,૪૦,૦૦૦/- રૂપિયાનું
થયું તો હવે તમે જાતે જ ૩૦૦૦ સ્ક્રીનનો હિસાબ લગાવી જુઓ. આ રીતે બને છે ૧૦૦ કરોડની
ક્લબ!
યુટીવી માટે
મડિયામાં ખૂબ સમાચાર ચગ્યા કે ’દબંગ 2’ના રાઇટ્સ ૧૮૦ કરોડમાં ખરીદ્યા પણ થોડા સમય પછી
રદિયો પણ આવ્યો કે આ વાત ખોટી છે. આમ છતા પણ ૧૪૦ કરોડમાં રાઇટ્સ વેચાણા એવા તો પાક્કે
પાક્કા સમાચાર માર્કેટમાં ફરતા થયા છે. નેટ પર લીક થયેલા આંકડાઓ સાચા માનીએ તો આ રાઇટ્સની
કિંમત આ મુજબ નક્કી થઈ છે
નૉર્થ ૮૦
કરોડ
સાઉથ ૧૦
કરોડ
ઇસ્ટ ૧૦
કરોડ
સેટેલાઇટ ૪૫
કરોડ
ઓવરસીઝ ૨૫
કરોડ
ઓડિયો ૧૦
કરોડ
ફિલ્મનો કુલ
ખર્ચ માત્ર ૪૦ કરોડ જ છે! અધધ કમાણી છે ને? એટલે જ તો ફિલ્મ સારુ હોય કે ખરાબ ખોટ તો
ઓડિયન્સે જ કરવાની હોય છે. તમને યોગ્ય રીલીઝ મળે એટલે તમે તો કમાઈ જ ચૂક્યા છો. ઓવરઓલ
વાત કરીએ તો ફિલ્મ તમને ચોક્કસ આનંદ કરાવી જ જશે માટે એકવાર જોઈ આવજો...
પેકઅપ:
અબ્રાહમ લીંકને કહ્યું કે ’’ કોઈ પણ દેશ આઇડિયા, લિબર્ટી, ટ્રસ્ટ
અને ફ્રીડમથી આગળ વધે છ”
ભારતમાં આઇડિયા એટલે સીમ કાર્ડ, લિબર્ટી એટલે ચપ્પલ, ટ્રસ્ટ
એ કોન્ડમની બ્રાન્ડ છે અને ફ્રીડમ વર્ડસ સેનેટરી નેપકીન સાથે જોડાઈ ગયો છે...