Thursday, 23 July 2015

ગૂડ બાય રીવ્યૂ....





ગૂડ બાય રીવ્યૂ....



            છેલ્લા ત્રણ વર્ષથી સતત એક એક ફિલ્મ જોઈ અને મને જેવી ફિલ્મ લાગી એવી રીતે જ રજૂ કરી. ફિલ્મના મૂલ્યાંકનમાં ઘણી વાર વિરોધ પણ સહન કર્યો અને દલિલો પણ થઈ છતાં હું કહેતો રહ્યો કે ફિલ્મની પસંદ એ દરેક વ્યક્તિની અંગત બાબત છે. જે વાર્તા મને ગમે એ તમને ન પણ ગમી શકે, જે રજૂઆત મને ન ગમે એ તમને ગમી પણ શકે પણ હાં વર્ષોના ફિલ્મના અનુભવને લીધે ટેક્નીકલ વાત હોય, સ્ક્રીનપ્લેની વાત હોય, એક્ટીંગની વાત હોય તો હું બીજા કરતા વધારે સારી રીતે સમજી શકું એટલે મારી રીતે ફિલ્મના દરેક પાસાં વિષે લખતો રહ્યો. ઘણી વાર મિત્રોની ફિલ્મ્સ માટે પણ લખવાનું આવ્યું અને ઘણી વાર ફિલ્મ પી.આર.ઓ. ટીમ તરફથી આર્થિક લાલચ પણ આપવામાં આવી પણ મારી જાત સાથે ઇમાનદાર રહીને હંમેશા લખ્યું છે. આવા તો અસંખ્ય સંભારણા રહ્યા છે રીવ્યૂ લખવાના પણ આજે સમય છે આ રીવ્યૂને ગૂડ બાય કહેવાનો...


            ફિલ્મ મારો જીવ છે. એક એક ફિલ્મને બારીકાઈથી જોઈ છે અને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ઘણીવાર તો ફરીથી ફિલ્મ જોઈ છે કે કોઈ મુદ્દો ચૂકી ન જવાય. આમ તો ફિલ્મ રીવ્યૂ નહોતો લખતો ત્યારે પણ જોતો જ હતો પણ ’અબતક’ તરફથી લખવાની ઓફર મળી કે તરત જ સ્વીકારી લીધી અને એ સાથે જ બ્લોગ શરૂ કર્યો. બ્લોગ લખવાનું શરૂ કરતા ફેસબૂક પર શેર કરવાનું શરૂ કર્યું. ક્યારેક ૫૦૦ જેટલા રીડરનો ફીગર જોઈને છાતી ફૂલાય જાય કે વાહ ઘણા વાંચકો છે અને ક્યારેક ૧૦ રીડર પણ જોયા છે અને મોરલ તૂટ્યું છે. સમય વિતતા એક વાત ખૂબ જ સરસ બની કે ૧૦૦ જેટલા એવા ફોલોવર્સ મળ્યા જે માત્ર રીવ્યૂ વાંચીને ફિલ્મ જોવી કે નહીં તે નક્કી કરતા થયા. ’અબતક’માં નંબર વાંચીને ફોન કરતા લોકો પણ મળ્યા જે દરેક રીવ્યૂ વાંચ્યા પછી ફોન કરે અને વધુ વિગતો પણ જાણે. રીવ્યૂમાં માત્ર ફિલ્મને જ નહીં પણ ફિલ્મના કલાકારો, ટેકનીશિયન્સ, રાઇટર્સ, ડિરેક્ટર્સ વિષે પણ લોકોને જણાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. માત્ર ફિલ્મ જ જોઈને જ નહીં પણ ફિલ્મમાં કોણ કોણ છે એ જાણવા માટે ઓછામાં ઓછા ૩ દિવસ સુધી પૂરો અભ્યાસ પણ કરતો રહ્યો છું...


            નથી ઇચ્છતો તો પણ ખૂબ જ દુ:ખ સાથે કોલમ બંધ કરી રહ્યો છું. મને પોતાને એવું લાગે છે કે જાણે શરિરનું કોઈ અંગ કાપીને મૂકી રહ્યો હોઉં. મારા પર અચાનક જ મારા ૨.૫ વર્ષના બાળકની જવાબદારી આવી ગઈ. બાળકને સવારે ૯ વાગ્યે પ્લેહાઉસ તૈયાર કરીને મૂકવા જવાનું અને ૧૧.૪૫ તેડવા જવાનું. આ પછી તેને જમાડવાનો, રમાડવાનો અને ઉંઘ કરાવવાની. બાળક સાંજે જાગે એટલે ફરી પપ્પા જોઈએ અને તેની સાથે રમવાનું. રાત્રે ચક્કર મરાવવા લઈ જવાનો, જમાડવાનો અને મહા મહેનતે ’મમ્મા સુવલાડે’ કહે છતાં બીજી વાતો પર ચડાવી અને કેટલીએ વાર્તાઓ કરીને ઊંઘાડવાનો. આ તમામ વચ્ચે બિઝનેસ પણ કરતો રહેવાનો એટલે રીવ્યૂ ઇમાનદારીથી ન થઈ શકે. તમે જે જવાબદારી ઇમાનદારીથી ન નિભાવી શકો એ ઉપાડવી જ નહીં. જ્યાં સુધી બાળક ૬ વર્ષનું ન થાય ત્યાં સુધી મારો ક્રમ આ જ રહેશે એટલે લગભગ ૩.૫ વર્ષના બ્રેક પછી ફરી લખવાનું શરૂ કરીશ, ત્યાં સુધી વાંચકોની બે હાથ જોડીને માફી...


            મને લખતો કરવા માટે શ્રી સતીષભાઈ મહેતાનો દિલથી આભાર અને મને સતત વાંચતા રહેવા માટે મારા તમામ વાંચકોને સલામ. હું આશાવાદી છું માટે આશા રાખું છું કે ફરી લખવાનો મોકો મળશે અને ફરી આપણો સેતુ બંધાશે...


પેકઅપ:

"કોઈના હોવા ન હોવાથી ક્યારેય દુનિયા અટકી નથી જતી"-દિલીપ કુમાર... યુસુફ સા’બ વાત સાચી પણ હકીકત એ છે કે એ વાતનો દુનિયાને ફેર ન પડે પણ લાગતા વળગતાને તો ચોક્કસ ફેર પડે છે અને તેની દુનિયા તો અટકી જાય જ છે...

Friday, 17 July 2015

બજરંગી ભાઈજાન: સલમાનની સ્ટાઇલથી અલગ

બજરંગી ભાઈજાન: સલમાનની સ્ટાઇલથી અલગ



            ભારતીય સિનેમા સ્થાપિત થયું ત્યારથી એક પછી એક સ્ટાર આવતા જ રહ્યા છે જેના નામ પર ફિલ્મ હીટ થાય પણ એક ગાળા પછી આમિર ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ જેવા સ્ટાર આવ્યા પછી તો સાવ નવો જ ચિલ્લો ચીતર્યો કે જો તેમની ફિલ્મ આવે એટલે ૧૦૦ કરોડની ફિલ્મ હોય જ અને કેમ ન હોય? સ્ક્રીનની નંબર ગેઇમ મુજબ તેમને મળતી સ્ક્રીન અન્ય ફિલ્મ કરતા વધારે જ હોવાની. સલમાનભાઈની ફિલ્મ એટલે પ્યૉર એન્ટરટેઇન્મેન્ટ પણ ’બજરંગી ભાઈજાનમાં સલમાને સાવ અલગ જ કામ કર્યું છે. સ્ટોરીમાં કોઈ જ નવીનતા નથી કે કોઈ જ મસાલો ઉમેરવામાં નથી આવ્યો. લગભગ બધાને ખબર છે કે એક નાની બાળકીને સલમાન પાકિસ્તાન મૂકવા જાય છે એટલે દર્શકોને એવી અપેક્ષા હોય કે પાકિસ્તાન જઈ ભાઈ સન્ની દેઓલની જેમ ધબાધબી બોલાવશે પણ વાત સાવ જ અલગ છે. આ ફિલ્મમાં સલમાન કોમૅડી પણ કરે છે અને ફાઇટ પણ કરે છે પણ અગાઉ કરી છે એમ નહીં. આ ફિલ્મ સલમાનની પોતાની આગવી સ્ટાઇલથી સાવ અલગ છે...


            કબિર ખાનના ડિરેક્શનમાં સૌથી સારી બાબત એ છે કે કબિર સિનેમેટોગ્રાફર છે. જ્યારે ડિરેક્ટર સિનેમેટોગ્રાફી જાણતા હોય ત્યારે તેને ક્ટ્સ અને ફિલ્મની બ્યૂટી વિષે વધુ જાણકારી હોય છે. માત્ર ૨૪ વર્ષની ઉમરે જ તેમણે ડિસ્કવરી ચેનલ માટે ’બિયોન્ડ્સ ધ હિમાલયા  નામની ડોક્યૂમેન્ટરી માટે કૅમેરો હેન્ડલ કર્યો અને તેના ૩ વર્ષ પછી એટલે કે ૧૯૯૯માં તેમની પોતાની ડિરેક્ટ કરેલી ડોક્યૂમેન્ટરી એટલે ’ફરગોટન આર્મી. આ પછી તેમણે હિન્દી સિનેમા ક્ષેત્રે પ્રવેશ કર્યો પણ એ માટે તેમણે છેક ૨૦૦૬ સુધી રાહ જોવી પડી. તેમની પહેલી ફિલ્મ હતી ’કાબુલ એક્સપ્રેસ. ક્રીટીક્સની દ્રષ્ટિએ ખૂબ જ સારી ફિલ્મ રહી. આ પછી તેમની ’ન્યૂયોર્કઅને ’એક થા ટાઇગરબંને ફિલ્મ્સ બોક્ષ ઓફીસ પર સુપર ડુપર હીટ રહી. હવે એક ટ્રેન્ડ શરૂ થયો છે કે હીરો મુજબ ડિરેક્ટર. સલમાન સાથે તેમનું આ બીજુ ફિલ્મ છે. કદાચ સાંભળવા મળ્યું છે તેમ અગામી ફિલ્મમાં સલમાનની જગ્યા પર હૃત્વિક રોશનને હીરો તરીકે લેવામાં આવ્યા છે. આ ફિલ્મ ઇમોશનથી ભરપૂર છે માટે કબિરને ડિરેક્શનમાં જરૂર મહેનત પડી હશે...


            સલમાન ખાન માટે કેરિયરની શરૂઆત ખૂબ સરળ હતી કેમ કે સલિમ ખાન જેવા મહાન લેખકના પુત્ર હતા એમ છતા તેની પહેલી ફિલ્મ ’બીવી હો તો ઐસી૧૯૮૮માં આવી હતી અને તેનો ખૂબ જ નાનો રોલ હતો. બહુ જ થોડા સમયમાં સુરજ બડજાત્યાની ફિલ્મ ’મૈને પ્યાર કીયા૧૯૮૯માં આવી અને એ સાથે જ ત્યારના ન્યુકમર સ્ટારમાં આવી ગયા. દરેકના જીવનમાં ઘણી ભૂલો થતી હોય છે એમ સલમાન ખાનને શરૂઆતમાં કંઈ ખાસ ન કહી શકાય તેવી ફિલ્મ્સ જ મળી અને લાગવા માંડ્યું કે બસ હવે કેરિયર ખતમ. સમય ચાલતા છેક ૨૦૦૯માં ’વોન્ટેડસાથે સલમાનના દિવસો બદલ્યા. એ પછી તો બસ માન્યતા જ શરૂ થઈ ગઈ કે સલમાન ભાઈની ફિલ્મ હોય એટલે ૧૦૦ કરોડની જ ફિલ્મ હોય. સલમાન માટે ભૂલોની પરંપરામાં ઘણી સ્ત્રીઓથી માંડીને કોર્ટ કેસ સુધીની છે પણ છતાં ટકી રહે છે. સલમાન સામે કરીના છે. કરીના માટે પણ એમ જ કહી શકાય કે ખાનદાની વારસો હોવાના લીધે તેને પણ ફિલ્મ મળવી ખૂબ જ સહેલી હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે ’કહો ના પ્યાર હૈની હીરોઇન તરીકે કરીના ફોક્સ હતી. એક શેડ્યૂલ પણ લેવામાં આવ્યું હતું પણ છેલ્લી ઘડી પર શું બન્યું કે તેણે ફિલ્મ છોડી અને ૨૦૦૦ની સાલમાં જે.પી. દત્તાની ફિલ્મ ’રૅફ્યૂજીસાથે પહેલી ફિલ્મ કરી. કરીના સાથે બધા જ સ્ટાર જોડે બને છે એવી જ ઘટના બની કે એન્ટ્રી સમયે ખાસ ન જામેલી કરીના ધીમેધીમે એક્ટીંગ શીખતી ગઈ અને નંબર ૧ ની દોડમાં જોડાય ગઈ. સૈફ સાથે તેના લગ્નનો નિર્ણય ભલે લોકોની દ્રષ્ટીએ જે હોય તે પણ તે નિર્ણય પર ઊભી રહી અને એ પણ સાબિત કરી દીધું કે લગ્ન પછી પણ તે હીટ ફિલ્મ આપી શકે છે. જો ભારત માટે કોઈ ઓસ્કાર લઈ આવી શકે એવી ક્ષમતા ધરાવતો આર્ટિસ્ટ હોય તો એ છે નવાઝુદ્દીન સીદ્દીકી. નવાઝુદ્દીન એટલે એન.એસ.ડી.નો ગ્રેજ્યૂએટ. ફિલ્મ મેળવવા માટે ઓછી મહેનત નથી કરી કે નવાઝુદ્દીને નાના રોલ માટે પણ ના નથી કહી. ’સરફરોશનો નાનો રોલ હોય કે પછી ’મુન્નાભાઇ એમ.બી.બી.એસ.’માં પોકેટ ચોરવા માટે ખાલી દેખાવાનું હોય તો પણ તેણે સ્વીકાર કર્યો છે. આ પછી તેણી ઘણી ફિલ્મ કરી પણ નવાઝુદ્દીન કેવા કલાકાર છે એ સમજવા માટે આપણે ’ગેંગ્સ ઑફ વસ્સેપુરસુધી રાહ જોવી પડી. આ ફિલ્મ પછી તો શું કહેવું? નવાઝુદ્દીનની કોઈ પણ ફિલ્મ જોવો કંપેર જ ન થઈ શકે કે કઈ સારી! મુન્નીના પાત્રમાં વૈશાલી મલ્હોત્રા છે. વૈશાલીની આ પહેલી ફિલ્મ છે. આ પહેલા વૈશાલી ’કબૂલ હૈઅને ’લૌટ આઓ ત્રીશાસિરિયલથી જાણીતી બની હતી. બાળક તરીકે વૈશાલીએ જે એક્ટીંગ કર્યું છે એ સૌથી શ્રેષ્ઠ છે. મીર્ઝા કબિર સાથે આ પહેલા ’ન્યૂયોર્કકરી ચૂક્યો હતો એટલે આ ફિલ્મ પણ તેને મળી છે. આ કલાકારો ઉપરાંત શરત સક્શેના અને ખૂબ નાના રોલમાં ઓમ પુરી જેવા મહાન કલાકારો પણ છે.



            સલમાન ભાઈની સ્પીરીટ માટે તો સેલ્યૂટ જ કરવું પડે. અચાનક જ મુસ્લિમ સમાજ દ્વારા એક વોટ્સએપમાં મૅસેજ ફરતો થયો કે ઈદ જેવા પવિત્ર દિવસે બજરંગી જેવું પાત્ર ભજવતા સલમાન ખાનને કેમ જોવો? જો મુસ્લિમ હોય તો ફિલ્મ ન જોવી પણ ભાઈનો કોન્ફીડન્સ હતો કે તેણે મીડિયા સામે જાહેરમાં કહ્યું કે "હું મુસ્લિમો વગર પણ ફિલ્મ હીટ કરીને બતાવીશઆટલું જ નહીં પણ સલમાને આ મૅસેજ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી. મીડિયાએ ભલે એમ રજૂ કર્યું હોય કે આ માત્ર પબ્લીસીટી સ્ટંટ છે પણ સાચું રીએક્શન જો તમે ન્યૂઝ જોયા હોય તો સલમાનનો ચહેરો સત્ય બોલતો હતો. આ ફિલ્મ માટે સલમાન ખૂબ જ આશા રાખે છે કેમ કે મુખ્ય પ્રોડ્યૂસર તરીકે સલમાન જ છે. સલમાન સાથે રોકલીન વેંકટેસ બીજા પ્રોડ્યૂસર છે...


            ફિલ્મના સ્ક્રીનપ્લે માટે ખૂબ મહેનત કરવામાં આવી છે. કબિર ખાન ઉપરાંત વી. વિજયેન્દ્ર પ્રસાદ, પરવિઝ શૈખ અને અર્ષદ હુશેન ચાર વ્યક્તિએ મળીને સ્ક્રીનપ્લે લખ્યો છે. મૂળ વાર્તા વી. વિજયેન્દ્ર પ્રસાદની છે. મ્યુઝિક પ્રિતમ, કોમૈલનું છે અને બૅકગ્રાઉન્ડ સ્કોર જુલિયસનો છે. અસિમ મિશ્રા આ પહેલા બે ફિલ્મ કરી ચૂક્યા છે પણ ખાસ જાણિતિ નહીં છતા પણ અસિમ પર વિશ્વાસ મૂકી આ ફિલ્મની સિનેમેટોગ્રાફી તેમને સોંપવામાં આવી છે. જો કે ન્યૂઝ એવું કહે છે કે મોટા ભાગે સિનેમેટોગ્રાફી કબિરની જ છે. ઇરોઝ એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મને રીલીઝ કરવાની છે. જે તે સમયે ૭૦૦૦ સ્ક્રીન નક્કી કરેલ ઇરોઝ એટલી ખરાબ પરિસ્થિતિમાં મુકાયેલ છે કે ’બાહુબલીઉતારવા કોઈ ટૉકીઝ તૈયાર જ નથી! માનવામાં આવે છે કે આ ફિલ્મને ૪૦૦૦થી વધારે સ્ક્રીન મળે એમ નથી. ૧૫૪ મીનીટના રન ટાઇમ વાળી આ ફિલ્મ સારી હોવા છતા એક તરફ હીટ ચાલતી ફિલ્મ ’બાહુબલીછે અને બીજી તરફ સલમાન સ્ટાઇલ ન હોવાથી કોણ જાણે શું રિઝલ્ટ આવે! મારી રીતે હું ફિલ્મને ૩ સ્ટાર આપુ છું...



પેકઅપ:

"સલમાન ખાનના મૂવીનો રિવ્યૂ કરવો એટલે અંડર ગારમેન્ટ્સને ઇસ્ત્રી કરવા જેવું છે"

Friday, 3 July 2015

ગુડ્ડુ રંગીલા: અંત પહેલાનું મનોરંજન



ગુડ્ડુ રંગીલા: અંત પહેલાનું મનોરંજન



            સુભાષ કપૂર નેશનલ એવૉર્ડ વિજેતા છે એટલે આશા તો વધારે રાખી જ શકાય તો પણ ’ગુડ્ડુ રંગીલા’ માટે એક તો કહેવું જ પડે કે ફિલ્મ અંત સુધી સરસ રીતે હસાવવામાં અને સાથે સાથે સ્ટોરીને આગળ વધારવામાં સફળ રહી. વાત પણ બહુ જ સામાન્ય છે પણ ટ્રીટમેન્ટની રીતે મજબૂત બનાવી શક્યા છે. જુના પુરાણા જોક પણ અમીત પણ ખૂબ સારી રીતે અર્ષદ વારસીને સાથ આપી શક્યો છે પણ ફિલ્મને જો ફિલ્મી બનાવવાનો અભરખો ડિરેક્ટર માંથી જતો રહે તો સાચે જ ફિલ્મ વધુ સારી બની શકે. આખી ફિલ્મ અંત સુધી આવે અને પછી શ્રીસ્વારાનું સ્ત્રી પરનું બધે જ સાંભળેલુ લેક્ચર ખૂંચે છે અને એ ઉપરાંત વિલન રોનીત રોયને ન મારે તો કેમ ચાલે? વિલનને મારવામાં પણ જો હથિયાર હોવા છતા હાથો હાથની ફાઇટ ન થાય તો પણ કેમ ચાલે? આવી લાલચને ન રોકવાને લીધી ફિલ્મ અંત પહેલા પૂરી માણી શકાય એમ છે...



            સુભાષ કપૂરે નક્કી જ કરી લીધું છે કે કૉમેડી ફિલ્મ્સ જ કરવી. સુભાષના નસીબ સારા છે કે તેમણે એમ.એ. પુરુ કર્યા પછી તરત જ પોલીટીકલ જર્નાલિસ્ટ તરીકે નોકરી મળી. હવે જ્યારે પોલીટીકલ જર્નાલિસ્ટ હોય ત્યારે હસવું તો આવે જ એટલે કૉમેડી ઝોનર જ બેસ્ટ માન્યું હશે. ૨૦૦૬માં મુંબઈ આવીને તેને પહેલું ફિલ્મ ’સે સલામ ઇન્ડિયા’ ૨૦૦૭માં રીલીઝ કરી. ફિલ્મ ક્યાંય ન ચાલી. આ પછી ત્રણ વર્ષે એટલે કે ૨૦૧૦માં ’ફંસ ગયા રે ઓબામા’ રીલીઝ થઈ અને એ સાથે જ સુભાષને લોકો ઓળખવા લાગ્યા. ઘણા કોમેડિયન સાથે બનેલી ફિલ્મ જોવી ગમે તેવી તો રહી જ. ૨૦૧૩માં ’જોલી એલ.એલ.બી.’ ખૂબ સારી રીતે બનેલી ફિલ્મ હતી. ઘણા ખાંચા હોવા છતા જોવા લાયક તો હતી જ. આ ફિલ્મ પછી તેમણે ’મુન્નાભાઈ ચલે દિલ્હી’ એનાઉન્સ કરી પણ શૂટ શરૂ થઈ શક્યું નથી. આશા રાખીએ કે તેમની આ ફિલ્મ હીટ જાય તો જલ્દી બીજુ ફિલ્મ મળે. એક ડિરેક્ટર માટે એક પછી બીજી ફિલ્મ માટે ત્રણ ત્રણ વર્ષ બેસવું પડે એ દુ:ખની વાત જ કહેવાય...


            ફિલ્મની વાર્તાનો મૂળ આધાર મનોજ-બબલી ઓનર કીલીંગ પર છે. હમણાં હમણાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખાપ પંચાયતની પાછળ પડી છે. થોડા સમય પહેલા જ ખાપ પંચાયત પર આધારિત ’મીસ તનકપુર હાજીર હો’ આવી અને તરત જ આ પણ ખાપ પંચાયતના જ ફેંસલાની વાત છે. મનોજ અને બબલી એક બીજાના પ્રેમમાં પડ્યા હતા અને હરિયાણા ખાપ પંચાયતે ફરમાન આપ્યું કે બંનેને મારી નાખવા. મનોજ-બબલીના લગ્ન ખાપ પંચાયતને મંજૂર ન હતા. આ મૂળ વાત પણ ફિલ્મની કથા ફેરવવામાં આવી છે અને રમૂજ ઉમેરવામાં આવી છે. કથા મુજબ...


            થોડા સમય પહેલા જ અર્ષદનું ફિલ્મ આવ્યું હતું ’વેલકમ ટુ કરાચી’ અને ખૂબ જ ખરાબ કામ આપ્યું હતું. અર્ષદ વિષે તેના રિવ્યૂમાં ઘણું લખી ચૂક્યો છું એટલે ટૂંકમાં લખુ તો ૨૦૦૪થી કેરિયરની શરૂઆત કરનાર અર્ષદને ૧૧ વર્ષના ગાળામાં ૧૪ એવૉર્ડ મળી ચૂક્યા છે. એવરેજ કાઢો તો દર વર્ષે એક કરતા વધારે એવૉર્ડ. મોટા ભાગના એવૉર્ડ તેને કોમીક રોલ માટે જ મળ્યા છે. અર્ષદનો કૉમેડીમાં જોટો શોધવો જ મુશ્કેલ છે. આ ફિલ્મમાં અર્ષદ રંગીલાના પાત્રમાં છે. અર્ષદ સાથે ગુડ્ડુ તરીકે અમીત સાધ છે. અમીત સાધને લોકો ટેલિવિઝનને લીધે વધારે ઓળખે છે. અમીત આ પહેલા પણ ફિલ્મ્સ કરી ચૂક્યો છે. અમીતની પહેલી ફિલ્મ ૨૦૧૦માં ’ફૂંક 2’ હતી. આ પછી તેણે ’મેક્સીમમ’ પણ કરી અને ’કાય પો છે’ કર્યા પછી લોકોના ધ્યાનમાં આવવા લાગ્યો. સાંભળ્યું છે કે ૨૦૧૫માં આ ફિલ્મ ઉપરાંત તેની બીજી ત્રણ ફિલ્મ્સ રીલીઝ થવાની છે. ભારત નાટ્યમ વિશારદ અદિતી રાવ હૈદરીની પહેલી ફિલ્મ મલયાલમ ભાષામાં ’પ્રજાપથી’ હતી. જો કે શૂટ પહેલા તામીલ ફિલ્મ ’શ્રીનગરમ’નું થયું પણ પહેલા રીલીઝ ’પ્રજાપથી’ને મળ્યું. ૨૦૦૭થી તેણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ પેસારો કર્યો. હિન્દીમાં તેની પહેલી ફિલ્મ ’દિલ્હી 6’ હતી. આ પછી અદિતિએ ’યહ સાલી જિંદગી’, ’રોકસ્ટાર’, ’લંડન પેરીસ ન્યૂયોર્ક’, ’મર્ડર 3’, ’બોસ’ અને ’ખુબસુરત’ જેવી સારા બૅનરની ફિલ્મ્સ કરી. અદિતિ સારી એક્ટર બનવા માટે પ્રયત્ન કરતી જોવા મળી જ છે. રોનીત રોય માટે તો શું લખવું? એક અદનો અદાકાર એટલે રોનીત રોય. ૧૯૮૪માં  ’દુશ્મનો કા દુશ્મન’ ફિલ્મ કરી પણ એ ફિલ્મ ક્યારેય રીલીઝ જ ન થઈ. ખૂબ લાંબા ગાળા એટલે કે છેક ૧૯૯૨માં  ’જાન તેરે નામ’ લીડ રોલમાં મળી. આ પછી તેમને ફિલ્મ તો મળતી રહી પણ ૧૯૯૭માં ટેલિવિઝનમાં કામ કરવાનું શરૂ કર્યા પછી તો ટેલિવિઝનના સુપર સ્ટાર બની ગયા. ખૂબ લાંબા અનુભવ પછી તેમણે સીલેક્ટેડ ફિલ્મ્સ કરવાનું નક્કી કર્યું અને એટલે જ કદાચ આજે ખૂબ સારા સારા ડિરેક્ટર્સના માનિતા કલાકાર છે. આ ઉપરાંત સંદીપ ગોયત અને શ્રીસ્વારા પણ છે. રાજીવ ગુપ્તા હવાલદાર ગુલાબસિંહના પાત્રમાં સાચે જ મઝા કરાવી જાય છે અને બ્રેજેન્દ્ર કાલા તો ખરેખર સારા કલાકાર છે જ. એક્ટીંગ માટે સૌથી વધુ માર્ક રોનીત રોયને જ આપવા પડે. ટેલિવિઝનના અમિતાભ બચ્ચન તરીકે ઓળખાતા રોનીત હવે સિનેમામાં પણ માનીતા કલાકાર બનતા જાય છે...


            મને ઘણી વાર થાય છે કે સંગઠનો કેટલો બધો ફિલ્મને કેટલો બધો સાથ આપે છે. એક ગીત ’માતા કા ઇમેલ’ માટે એટલો બધો વિરોધ દેખાડ્યો કે ગીત એમ જ હીટ થઈ ગયું. હાં સેન્સર બોર્ડ ઘણી બધી ગાળો ફિલ્મ માંથી કાપી નાખી. હવે જો સેન્સર બોર્ડને આ ગીત પણ કાપવા જેવું લાગ્યું હોત તો કાપી જ નાખત તો પછી આ ગીતનો વિરોધ કરીને મફતની પબ્લીસીટી આપવાની શું જરૂર હતી? અરે કોઈને ફિલ્મના ટાઇટલ ’ગુડ્ડુ રંગીલા’ સામે વિરોધ નથી જ્યારે ભોજપુરીનો આ નામનો ગાયક માત્ર અને માત્ર અશ્લીલ ગીતો જ ગાય છે. તમને સમય મળે તો ક્યારેક યુટ્યુબ પર એકાદ ગીત જોઈ લેજો એટલે ખબર પડી જશે. કોણ જાણે ક્યારે આપણી જનતા ફિલ્મને એક આર્ટ તરીકે સ્વીકારતી થશે!!!


            આજકાલ ગુજરાતી લોકો હિન્દી ફિલ્મમાં ખૂબ રોકાણ કરવા લાગ્યા છે. ગુજરાતની મુખ્ય મેન્ટાલીટી જ બિઝનેસ છે. કોઈ પણ ફિલ્મ જો રીલીઝ થાય તો એટલો ધંધો તો કરી જ લે કે પ્રોડ્યૂસર કમાણી કરે. આ કારણોથી જ આ ફિલ્મના પ્રોડ્યૂસર સંગીતા આહીર પણ ગુજરાતી જ છે. સુભાષ કપૂરે પોતે જ ફિલ્મ લખી છે. મ્યુઝિક અમિત ત્રીવેદીનું છે. અમીત એક ગીત તો એવું આપે જ જે લોકોની જીભ પર ચડી જાય. આ ફિલ્મનું ’કલ રાત માતા કા મુજે ઇમેલ આયા હૈ’ ધૂમ મચાવી રહ્યું છે. હિતેષ સોનીક પણ હવે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક માટે જાણીતું નામ છે. જેમી ફોલ્ડ્સની સિનેમેટોગ્રાફી છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો ખૂબ પાછળથી જોડાયું અને રીલીઝની જવાબદારી સ્વીકારી. ઓવરઓલ મનોરંજન માટે ફિલ્મ ૩ સ્ટાર આપવાને લાયક છે...




પેકઅપ:
"હમ ગયે થે ઉનકો મનને કે લીયે, વો ખફા લગે તો હમને ખફા હી રહેને દીયા..."- આ પંકતિ અનુસાર ગીતકાર પ્રેમિકાને કહેવા માગે છે કે તેલ લેવા જા