Friday, 21 March 2014

રાગિણી એમ.એમ.એસ. 2 : ના સનીની ધમાલ, ના હોરર નો કમાલ





      ડર સબ કો લગતા હૈં... માણસની અંદર જો ડર નામની વસ્તુ ન રહે તો માણસ શું કરે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બને! ડર કોઈ પણ પ્રકારનો હોય શકે. ડર મા-બાપનો હોય, ભાઈ-બહેનનો હોય, સમાજનો હોય, ભગવાનનો હોય કે પછી શેતાનનો હોય. માત્ર ભારતમાં જ નહીં પણ સંપૂર્ણ વિકસિત દેશોમાં પણ પ્રેતાત્મા છે એવું સ્વીકારીને જીવતા અસંખ્ય લોકો છે. આપણી માયથોલોજીએ બીજુ કંઈ કર્યું હોય કે નહીં પણ એક ખૂબ સારી કંપેરીઝન તો લોકોના મગજમાં ઘુસાડી જ દીધી છે કે જો ઈશ્વરને સારા ગણવા હોય તો ઈશ્વર સાથે સરખામણી થઈ શકે એવા પાત્રો જોઈએ જ. આ પાત્ર એટલે ઈશ્વરથી તદ્દન વિરુદ્ધના પાત્રો. ઈશ્વર પોતાના બાળકો એટલે કે ધરતી પર જીવતા જીવોની રક્ષા કરે છે તો ભૂત, ડાકણ, પિશાચ, ખવીસ જેવા ઘણા નામો ધરાવતી સૃષ્ટિ એમને પરેશાન કરે છે, હણે છે. હવે જ્યારે લોકોની અંદર આ વાત પડેલી હોય ત્યારે એ વાત સાથે રમીને હોરર જેવું ઝોનર આપીને ફિલ્મ બનાવી કમાણી કરી જ લેવી પડે! હોરર ફિલ્મ તમને ડરાવે એ સૌથી અગત્યની વાત છે અને એમાં પણ જ્યારે સની લિયોની હોય ત્યારે એ એક્સાઇટ કરે એ પણ જરૂરી બની જાય પણ યાર ’રાગિણી એમ.એમ. 2’ માં ના તો સનીની ધમાલ જોવા મળી કે ના તો હોરર નો કમાલ....



        જેમને પણ ’રાગિણી એમ.એમ.એસ.’ જોઈ હશે એ એટલું કહેતા જ હશે કે વાહ. આખુ ફિલ્મ માત્ર બે પાત્રો પર ખેંચાયેલું છે, હાં એક ડાકણ ફિલ્મમાં છે પણ ચહેરા વગરની કે વધુ પડતા મેકઅપ વાળી માટે એ પાત્રને આપણે કૅરેક્ટર જ ન ગણીએ તો ચાલે! એમ છતા આખે આખી ફિલ્મ એક મીનીટ માટે પણ તમને ફિલ્મથી અલગ થવા નહીં દે. ફિલ્મમાં ભરપૂર અપશબ્દનો પ્રયોગ. ભરપૂર સેક્સ બતાવવાની કોશિશ પણ હતી એમ છતાં બધા જ પરિબળોને સાઇડલાઇન કરો તો પણ ફિલ્મ ખરેખર ડરાવવામાં સફળ ગઈ હતી. એ ફિલ્મમાં બે વાતોનું અજબ કોમ્બીનેશન હતું. એક તો ફિલ્મના બંને પાત્રો કૈનાઝ મોતીવાલા એટલે કે રાગિણી અને રાજકુમાર રાવનો અભિનય અને ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર જે એન્જલ રોમને આપ્યો હતો. જે ખરેખર ફિલ્મનો હીરો કહી શકાય. પહેલા ભાગનું ડિરેક્શન પવન ક્રિપાલીનીએ કરેલું. આ ભાગનું ડિરેક્શન ભૂષણ પટેલને સોંપવામાં આવ્યું હતું. આમ પણ એકતા સાથે કામ કરવામાં જરા પણ વાંધો પડે એટલે એક જ મીનીટમાં તમે બહાર હો. ’બડે અચ્છે લગતે હૈં માં સાક્ષી તનવરે ઇન્ટીમેટ સિન ભજવવાની ના પાડતા સાથે જ એને સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું હતું કે નેક્સ્ટ એપીસોડથી સિરિયલમાં તું નથી. આખરે સાક્ષીએ માનવું પડ્યું. એ રીતે જ આ ફિલ્મને ડિરેક્ટ કરવા માટે ’1920: ઇવિલ રિટર્ન ના ડિરેક્ટર ભૂષણ પટેલને સોંપવામાં આવ્યું. આ રીતે જ આ ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર લોકેશ બક્ષીને સોંપવામાં આવ્યો હતો જે કોઈ પણ રીતે આગલી ફિલ્મ સાથે કંપેર થઈ શકે એમ જ નથી...



        જો સની લીયોનીને લીધી હોય તો સ્વભાવિક રીતે એના શરીરનો ઉપયોગ ન થાય તો શું કામનું? સનીને ભાગે એક્ટીંગ તો હોય જ નહીં. સનીના લોકો પાસે ૧૦૦ જીબીના કલેક્શન પડ્યા હોય ત્યારે એમ.એમ.એસ. માં શા માટે રસ લે? સનીને સતત ટૂંકા કપડા પહેરાવી કે ન પહેરાવીને દર્શકોને આકર્ષવાની કોશિશ કરી છે પણ સેન્સરની કાતર અને સનીની ઉમર બંને આ વાત પર પાણી ફેરવી જાય છે. જો કે એકતાની દ્રષ્ટિએ સનીનું સિલેક્શન યોગ્ય જ હતું કેમ કે સની શરીર સાથે મીડિયા માટે પણ હોટ છે જ અને એથી પણ વિશેષ જ્યારે સનીને ભૂત બનાવવામાં આવે ત્યારે બહુ વધારે મેઇકઅપનો ખર્ચ ન લાગે! એકતાની ફિલ્મ બનાવવા બાબતે એક વાત તો વખાણવી જ પડે કે ઓછા જાણીતા પાત્રો લેવાના, ઓછા લોકેશન રાખવાના અને સસ્તા ખર્ચે ફિલ્મ બનાવી પૂરતી કમાણી કરી લેવાની. આ ઉપરાંત પોતાની એક્ટીંગ એકેડેમીમાં કામ કરતા છોકરાઓને ચાન્સ આપી વધારાના સ્ટુડન્ટ ભેગાં કરી લેવાના. હમણાં જ મારી સાથે ’સાથિયો ચાલ્યો ખોડલધામ માં કામ કરી ચૂકેલ સંદીપ ભટનાગર એકતાની એકેડેમીનો સ્ટુડન્ટ છે. આ ફિલ્મમાં સેક્રેટરી પાંડેજીના પાત્રમાં છે. સંદીપ ખરેખર સારો એક્ટર છે. નાના રોલમાં પણ મઝા આવી...


        ફિલ્મની વાર્તા લખવા માટે મીટિંગ થાય છે ત્યારે ઘણી વાતો મારી મચડીને બેસાડવામાં આવે છે. જેમ કે ગમે તેમ કરીને વાર્તાને જો ભૂત બંગલા સુધી ન લઈ જવામાં આવે તો વાતને હોરર કેમ બનાવી શકાય? આ માટે ’રાગિણી એમ.એમ.એસ. 2’માં સ્ટોરી લાઈન એવી લેવામાં આવી કે રાગિણી પર ફિલ્મ બનાવવામાં આવે. જૂની રાગિણીને જીવતી રાખીને સની લીયોનીની એની સાથે મુલાકાત ગોઠવવામાં આવે. આ એટલાં માટે કે તો અને તો જ રાગિણીમાં રહેલી આત્મા સનીમાં ટ્રાન્સ્ફર થઈ જાય. આ ઉપરાંત હોરર મુવીની બીજી ખાસિયત એવી છે કે કોઈ ડૉક્ટર અથવા કોઈ તાંત્રિક રાખવો પડે જે ફિલ્મને અંતે ભૂત ભગાડવામાં સફળ રહે. અહીં આવું પાત્ર દિવ્યા દત્તાને આપવામાં આવ્યું છે. આ રીતે જ સનીને કોઈ સાથે તો જોડવી જ પડે જ્યાં એને બચાવવા માટે કોઈ ઇનીસિયેટીવ લે. અહીં એવા પાત્રમાં ફિલ્મના રાઇટર તરીકે હીરોને રાખવામાં આવ્યો છે. ફિલ્મના ડિરેક્ટર તરીકે પ્રવિણ દબાન છે. જે એક ટીપીકલ ડિરેક્ટર જેવો રોલ નિભાવવામાં સફળ રહ્યો છે. આર્ટ ડિપાર્ટમેન્ટ, સાઇડ આર્ટિસ્ટ, આસિસ્ટન્ટ ડિરેક્ટર જેવા પાત્રો રાખવામાં આવ્યા છે પણ લગભગ બધાને મરવા માટે જ રાખવામાં આવે છે. અંતે જેમ રાક્ષસનો જીવ પોપટમાં હોય એમ ચુડેલનો જીવ ડમરુમાં હોય એ ખબર પડે અને સૌ સારાવાના થાય...



        દરેક ફિલ્મમાં બનતું હોય એમ અમુક પાત્રો અચાનક જ ખોવાય જાય. આ પાછળ ઘણા કારણો હોય શકે. ક્યારેક બને કે એક્ટર્સ પાસે સમય ના હોય, ક્યારેક બને કે યુનિટ સાથે વાંધો પડતા તગડી કાઢવામાં આવ્યા હોય કે પછી અન્ય જેન્યુઇન કારણ પણ હોય શકે. આ ફિલ્મમાં પણ કપૂર સાહબ કી બેટી અને આસિસ્ટન્ટ ડિરેક્ટરનું કપલ છે જે રાતે ભૂત બંગલામાં રોકાય ગયું છે. બાકી બધાને મરતા બતાવવામાં આવ્યા છે પણ આ પાત્રોને ભુલાવી દેવામાં આવ્યા છે. હવે એ બચી ગયા કે મરી ગયા એ એકતા કપૂર જાણે આપણે શું?



        હોરર અને સેક્સનો નાતો રામ સે બ્રધર્સે ખૂબ સારી રીતે નિભાવ્યો છે. આ સંબંધોને અહીં પણ સાચવવાની કોશિશ કરવામાં આવી છે પણ કોશિશ જ છે, કામયાબી નથી! સનીની ઉમર ૪૫ની તો લાગે જ છે, એક્ટીંગ કે ડિરેક્શન નામે કંઈ ખાસ ઉકાળવા જેવું નથી. એકાદ સ્ટાર આપવો હોય તો આપી શકાય અને તમે જો મારી વાત માન્ય રાખો તો તમે પૈસા બચાવી લેજો...




પેકઅપ:

"આજે તો રજનીકાંતના મમ્મી એને બહુ જ ખીજાણા અને કહ્યું કે ’બેટા, તારુ રમવાનું પૂરુ થઈ ગયું હોય તો મલેસિયાને પ્લેન પાછું આપી દે... નક્કામી આખી દુનિયા ચિંતા કરે છે"