Friday, 10 January 2014

દેઢ ઇશ્કિંયાં: ઇશ્કિંયાંની લગોલગ





         ફિલ્મની સીક્વલની વાત આવે ત્યારે અનુભવના અંતે એક એલર્જી સાથે જ ફિલ્મ જોવા જવાનું થાય. લગભગ ફિલ્મની બીજી સીક્વલ પહેલીની સરખામણીએ નબળી જ સાબિત થઈ છે. જો કે દરેક ફિલ્મમાં એવું નથી બનતું પણ સરેરાશ કાઢો તો ૧૦ સીક્વલ માંથી ૯ ન જોવા લાયક જ હોય છે. ’ઇશ્કિંયાં જોઈ ત્યારે ફિલ્મના સ્ક્રીનપ્લે, ડાયલૉગ, ડિરેક્શન બધા જ પાસાંના વખાણ કરવા જ પડે. ટુ ટાઇટલ આપવાને બદલે ડેઢ ટાઇટલ આપવું એ જ યુનિક વાત હતી. કોઈને લાગે કે ડેઢ એટલે ડોઢ ડાહ્યું હશે પણ જેમ પહેલો પાર્ટ ખરા ફિલ્મના ચાહકોને ખૂબ ગમી હતી એમ જ ’ડેઢ ઇશ્કિંયાં પણ સુજ્ઞ દર્શકોને પસંદ પડશે જ. આ ફિલ્મ ’ઇશ્કિંયાંની લગોલગની જ ફિલ્મ છે...


        વિશાલ ભારદ્વાજે તો એક પાર્ટીમાં પહેલા પાર્ટની રજૂઆત સાથે જ કહી દીધું હતું કે આ ફિલ્મની સીક્વલ બનાવીશું પણ એ સમયે આ કૃ અને કાસ્ટ સાથે જ બનાવીશું એવી જાહેરાત પણ કરેલી. એપ્રિલ ૨૦૧૨ માં જ્યારે માધુરીને સાઇન કરવામાં આવી ત્યારે એક ડર તો લાગ્યો જ હતો કે મુખ્ય પેર નસીરૂદ્દીન શાહ અને અર્શદ વારસીને બદલવામાં ન આવે તો સારું પણ સદનસીબે આ બંનેને રીપીટ કરવામાં આવ્યા. જો કે ’ઇશ્કિંયાંની સીક્વલની કલ્પના નસીરજી અને અર્શદ વગર થઈ પણ ન શકે. સપોર્ટીંગ રોલ માટે અસીનને ઑફર કરવામાં આવી પણ અસીમે આ રોલ નકાર્યો અને પ્રેસ કૉન્ફરન્સમાં ખુલ્લે ખુલ્લું કહી દીધું કે એ રોલ મને એટ્રેક્ટીવ નથી લાગ્યો માટે મેં ના પાડી. આ પછી આ રોલ કંગના રાણાવતે સાઇન કર્યો. શૂટીંગ સપ્ટેમ્બર ૨૦૧૨માં શરૂ થવાનું હતું પણ કોઈ કારણસર નવેમ્બર પર ઠેલાયું. નવેમ્બરમાં કંગનાની ડેટ્સના લોચા પડવા લાગ્યા એટલે કંગનાને આઉટ કરવામાં આવી અને આખરે એ રોલ હુમા કુરેશીને આપવામાં આવ્યો તો પણ શૂટીંગ શરૂ તો ફેબ્રુઆરી ૨૦૧૩માં જ શરૂ થઈ શક્યું. તો પણ એટલું તો કહેવું જ પડે કે દેર આયે દુરસ્ત આયે...


        ફિલ્મ સફળ, સારી, ખરાબ જે કંઈ કહેવાતું હોય એનો યશ કે અપયશ આખરે ડિરેક્ટરને જ મળે છે. ઇંગ્લિશ લિટરેચરમાં ગ્રૅજ્યુએટ થયેલા અભિષેક ચૌબે આ ફિલ્મના ડિરેક્ટર છે. અભિષેકની ફિલ્મ કેરિયરની શરૂઆત જ વિશાલ ભારદ્વાજ સાથે થઈ હતી. ૨૦૦૨માં ’મખ્ખી ફિલ્મના કો-રાઇટર અને એસોસિયેટ ડિરેક્ટર હતા. આ પછી કો-રાઇટર અને એસોસિયેટ ડિરેક્ટર તરીકે એમણે વિશાલ ભારદ્વાજ સાથે ’ મકબુલ, ’ઓમકારા અને ’કમીને કરી. વિશાલ ભારદ્વાજ અને અભિષેક ચૌબે બંને ક્રીએટીવીટીના માસ્ટર એટલે બંને વચ્ચે ખૂબ સરી મિત્રતા જામી. અભિષેક પર પૂરો ભરોસો મૂકી વિશાલે એમના ઇન્ડીવીડ્યુઅલ ડિરેક્શનમાં ’ઇશ્કિંયાં આપી. પોતાની આવડતનો પૂરો ઉપયોગ કરી અભિષેકે ફિલ્મ જગતમાં પોતાનું નામ વહેતું મૂક્યું. જેટલાં મોઢા એટલી વાતો તો થવાની. એક મેગેઝીને તો એવું લખ્યું કે અભિષેક શૂડો ડિરેક્ટર છે, ખરા અર્થમાં તો વિશાલ જ ડિરેક્ટર છે. જે હોય તે પણ ફિલ્મ તો સારુ જ રહ્યું...


        માધુરીનું કમબેક નબળું તો હોઈ જ ન શકે. આજની તારીખે પણ ધકધક ગર્લ ઘણા હ્રદય પર રાજ કરે છે. ફિલ્મમાં મેઇકઅપના કમાલે માધુરીની ઉમર ઘણી ઘટાડી દીધી છે. નસીર સાહેબની તો વાત જ શું કરવી? નસીર સાહેબના એક્ટીંગ સાથે એમનો અવાજ પણ એક્ટીંગ કરતો જ હોય. ફિલ્મમાં નકલી નવાબ બનેલા નસીર સાહેબને શાયરી કરતા જોઈને ’મિરઝા ગાલીબ સિરિયલની યાદી અપાવી દીધી. વિજય રાજ કૉમેડીમાં પોતાની છાપ સરસ ઊભી કરી ચૂક્યો છે અને એ પછી વિલન તરીકે પણ. વિજયની એક ટીપીકલ સ્ટાઇલ બની ગઈ છે અને એ સ્ટાઇલને એ જાળવી પણ શક્યા છે. આ ફિલ્મમાં નવાબ બનવા મથતા કૅરેક્ટરને ક્લાસિક રીતે નિભાવ્યું છે. મનોજ પાહવા માટે રોલ નાનો હોય કે મોટો કોઈ ફેર નથી પડતો. વિજય રાજને શાયરી શિખવાડતો મનોજ નાના કૅરેક્ટરમાં પણ આનંદ કરાવે છે. સલમાન શહીદ આગલી ફિલ્મની જેમ જ આ લોકોની પાછળ પડેલ હોય છે. મુસ્તાકભાઈનો રોલ એના સિવાય કોઈને પણ શૂટ થઈ જ ન શકે. સિરિયલ જગત માંથી ફિલ્મમાં પગ મૂકતો રવિ ગોસાઈ વિજય રાજનો સહાયક છે. એ પણ આનંદ તો અપાવે જ છે. બધા પોત પોતાની રીતે શ્રેષ્ઠ જ છે પણ જો ફિલ્મમાં કોઈએ મેદાન માર્યું હોય તો અર્શદ વારસીએ. એ.બી.સી.એલ.ની પહેલી ફિલ્મ ’તેરે મેરે સપનેમાં લીડ ચંદ્રચુર સિંઘને આપવામાં આવ્યું હતું પણ એ સમયે પણ એમ જ લાગતું હતું કે મેદાન તો અર્શદ જ મારશે. આજે અર્શદ કૉમેડી માટે વાહ વાહ કહેવું જ પડે. અર્શદે ’ઇશ્કિંયાંની જેમ જ પોતાનું કૅરેક્ટર સસ્ટેઈન કરવાનું હતું. ’ઇશ્કિંયાં કરતા પણ આ ફિલ્મમાં તેની એક્ટીંગ ઓર નીખરી છે. અર્શદ ડિરેક્ટરનો એક્ટર છે. સારા ડિરેક્શન હેઠળ એ ઓર ખીલ્યો છે...


        ફિલ્મનું મ્યુઝિક વિશાલ ભારદ્વાજે જ આપ્યું છે. વિશાલ ભારદ્વાજના મ્યુઝિકનો હું તો પહેલેથી જ આશિક રહ્યો છું. આ ફિલ્મના મ્યુઝિકમાં ક્યાંય ધબાધબી નથી પણ એટલું કર્ણપ્રિય છે કે તમને સતત સાંભળવું ગમશે. ઘણા સમયે ફિલ્મમાં મુજરો (ઠૂમરી) અને કવ્વાલી સાંભળવા મળી. મુજરાની કોરિયોગ્રાફી પંડિત બીરજુ મહારાજે કરી છે. લીરીક્સ ગુલઝારના હોય, વિશાલ ભારદ્વાજનું સંગીત હોય, માધુરી જેવી ડાન્સર હોય અને બીરજુ મહારાજની કોરિયોગ્રાફી હોય પછી શું ઘટે? બાકીના ગીતોની કોરિયોગ્રાફી રેમો એ કરી છે. દરબ ફારુકીની વાર્તા પણ સરસ અને એના સ્ક્રીનપ્લે પર અભિષેક અને વિશાલે લખ્યો છે જે વાર્તાને ચાર ચાંદ લગાવે છે. સિનેમેટોગ્રાફીનો અમુક કમાલ પણ ઊડીને આંખે વળગે એવો છે. નસીર સાહેબ મહેફિલમાં એક નઝમ બોલે છે અને એ નઝમમાં એટલાં બધા કટ લીધા છે કે તમને ક્યાંય કંટાળો ન આવે. અમુક કંપોઝીશન અને કટ્સ તો એટલાં બધા સરસ લાગે છે કે વાત ન પૂછો. ફિલ્મના ઓરીજીનલ કલર ટોનને સાચવવા માટે નવા ફોરમેટમાં શૂટ કરવાને બદલે ફિલ્મ રીલ પર જ શૂટ કરવામાં આવ્યું છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ક્લિન્ટન સીરેજોનું છે. પાયલ સુરેજાએ કૉસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે. કૉસ્ચ્યુમ પણ ફિલ્મના ભાગરૂપે જ, ફિલ્મની ડીઝાઈનને અનુરૂપ કૉસ્ચ્યુમ ન હોય તો પણ ફિલ્મ નબળું લાગે...


        ફિલ્મ આમ લોકોની ફિલ્મ નથી એટલે બોક્ષ ઓફીસ પર શું કરે એ ખબર નથી પણ ફિલ્મ માણવા લાયક છે. ઉત્તમ સ્ક્રીનપ્લેના નમૂના તરીકે આ ફિલ્મ મૂકી શકાય એમ છે. ડાયલોગ્ઝ પણ કમાલના છે અને સૌથી વધુ ખૂબી વાળી વાત એ છે કે ફિલ્મનો એક પણ સિન કોઈ કારણ વગરનો નથી. દરેક પ્રસંગ પછી એક નવો પ્રસંગ ઊભો જ હોય છે. બે આર્ટીસ્ટ્સ વચ્ચે કેવી કેમેસ્ટ્રી હોવી જોઈએ એ જોવું હોય તો નસીર-અર્શદની જોડી આ ફિલ્મમાં જોઈ લેવી. આજે જ ’યારિયાં રીલીઝ થઈ છે. યંગ સ્ટાર્સ જ આમ તો ફિલ્મનું મુખ્ય ઑડિયન્સ હોય છે અને પહેલા જ શો માં ખબર પડી કે ’યારિયાં ફૂલ છે જ્યારે ’દેઢ ઇશ્કિયાં માં માંડ પચ્ચાસ- સાંઠ જેટલું ઑડિયન્સ હતું. એમ છતા પણ ફિલ્મના તમે આશિક હો તો ફિલ્મ જોવાનું ચૂકશો નહીં. હું સ્ટાર આપવામાં કંજૂસ છું તો પણ આ ફિલ્મને ૪ સ્ટાર આપું છું...



પેકઅપ:

અભિષેક ચૌબે- "The feel of film is different from the first one. There will be a flavor, which will be unique and something that you haven't experience before"

દરેક ડિરેક્ટરે આવા થોડા વાક્યો ગોખી રાખવાના હોય...

Friday, 3 January 2014

મી. જો બી. કરવાલો: કૉમેડીનો સારો પ્રયાસ



          આખરે તો બધું ખુશી માટે જ ને? એટલે જ કદાચ લોકો કૉમેડી ફિલ્મ જોવી પસંદ કરે છે. માત્ર કૉમેડી ફિલ્મમાં જ નહીં પણ સિરિયસ ફિલ્મમાં પણ કૉમેડી તો રાખવી જ પડે કેમ કે વાત જો અત્યંત ગંભીર બની જાય તો દર્શકો ખરાબ મૂડ સાથે બહાર નીકળે. અમિતાભના આવ્યા પછી નવો જ ટ્રેન્ડ શરૂ થયો કે હીરો પોતે જ કૉમેડી કરે, આ ટ્રેન્ડ આજની તારીખ સુધી ચાલુ છે. અક્ષય કુમાર હોય કે સલમાન ખાન મસલ સાથે દર્શકોને હસાવવાનું કામ પણ એમણે કરવાનું જ. રોહિત શેટ્ટીએ તો કરોડો રૂપિયાના ખર્ચે કૉમેડી બનાવવાનો અખતરો પણ કર્યો એમ છતા પણ નાના બજેટની કૉમેડી બનાવવાનું ચાલુ જ છે. આવા જ એક પ્રયાસ રૂપે ૧૫ કરોડના બજેટમાં આ ફિલ્મ બનાવવામાં આવી. ફિલ્મના હદ બહાર વખાણ ન થઈ શકે તો ફિલ્મ વખોડી શકાય એમ પણ નથી. આ ફિલ્મ માટે કહી જ શકાય કે કૉમેડીનો સારો પ્રયાસ છે...


        અમુક આર્ટિસ્ટ કૉમેડી માટેના ખાસ હોય છે કેમ કે કૉમેડીમાં જરૂરી ટાઇમીંગમાં એમની માસ્ટરી હોય છે. કાદર ખાન, ગોવિંદા, શક્તિ કપૂર, અક્ષય કુમાર જેવા ઘણા અર્ટીસ્ટ્સ આ માટે પ્રખ્યાત છે પણ વર્તમાન સમયમાં અર્શદ વારસી માટે વખાણ કરવા જ પડે. વર્ષોથી ટકી રહેલો અને પોતાની આગવી છાપ ઊભી કરી શક્યો છે. ફિલ્મનું નામ જ ’મી. જો બી. કરવાલો અને જવાબ આવે જ કે ’અભી નહીં, બાદ મેં, સોહા અલી ખાનને હું સારી એક્ટર જ ગણું છું પણ હવે ઉમર દેખાય છે. આ ઉપરાંત સોહાએ ખાસ્સું વજન રીડ્યુસ કર્યું છે જે એને સુંદર બનાવવાને બદલે ખરાબ લગાડે છે. આશા રાખીએ કે કુણાલ ખેમુ એને સુખ આપે અને ફરી થોડી જાડી થાય! જાવેદ જાફરી માટે દરેક ડિરેક્ટર એવું બોલે છે કે જાવેદને તો બસ કોઈ પણ રોલ માટે સિલેક્ટ કરો અને પછી પોતાની મેળે એ પોતાનું પાત્ર બહાર લઈ આવે. અહીં  કાર્લોસનું પાત્ર એવું છે કે જે અલગ અલગ ગેટઅપમાં આવે છે. જાવેદ દરેક ગેટઅપ માટે તમને એબ્સોલ્યુટ ફીટ જ લાગશે. આ રીતે જ વિજય રાજ માટે હવે ઇન્ડસ્ટ્રીમાં એક ટીપીકલ કૅરેક્ટર થઈ ગયું છે. મોટા ભાગની ફિલ્મ્સમાં અડિયલ ગુંડા તરીકે બિન્દાસ પાત્ર ભજવે છે. અહીં પણ એવો જ રોલ છે. વિજય રાજના બે સાળા એટલે વ્રજેશ હીરજી અને રાજેશ બલવાણી પોતાના યોગ્ય પાત્રને ન્યાય આપી શક્યા છે. સૌથી મઝાનું પાત્ર રહ્યું હોય તો હિમાની શિવપુરી. અર્શદની મમ્મી અને ન દેખતી હોવા છતા પણ દેખતી હોય એ રીતે વર્તન કરતી હિમાની સાચે જ ખૂબ હસાવી જાય છે. શક્તિ કપૂર અને અર્શદ વારસી વચ્ચેના અમુક શોટ્સ પણ આનંદ કરાવી જ જાય છે. ગહેના એટલે ગીતા બસરા અને નીના એટલે કરિશ્મા કોટક નાના પાત્રમાં ઠીક ઠીક રહ્યા. રણજીત એક નાનકડા પાત્રમાં દેખાયા અને હજુ પણ સદાબહાર છે...


        કૉમેડી અને લોજિક બંને વચ્ચે સંબંધ વર્ષોથી નથી કેમ કે જો લોજિક ચલાવવામાં આવે તો કૉમેડી કૉમેડી જ ન રહે. ’મી. જો બી. કરવાલોની સ્ટોરીમાં ઘણી જગ્યા પર લોજિક ખૂટે છે. મી. જો પ્રાઇવેટ ડીટેક્ટીવ છે. કોઈ અર્થ વગરના કેશ હાથમાં લે છે. બીજી તરફ સ્નેહલ ધાબી એટલે કે કબાના પોતે જેને પ્રેમ કરે છે એના લગ્ન રોકવા માટે સોપારી આપવા ગુંડાઓની મીટિંગ બોલાવે છે. અચાનક જ કાર્લોસ એટલે જાવેદ જાફરી આવીને સોપારી લઈ જાય છે. વિજય રાજને એમની મદદ કરવાનું કહેવામાં આવે છે પણ વિજય રાજ જાવેદ જાફરીને મારવાની યોજના કરે છે. સોહા અલી પોલીસ ઇન્સ્પેક્ટર છે અને અર્શદની પૂર્વ પ્રેમિકા. કમિશ્નર તરીકે હરીશ પટેલ છે. પોતાના કામના અનુસંધાને અર્શદ અને સોહા એક સ્થળે ભેગાં થાય છે. અને સોહા અર્શદને કાર્લોસ સમજી બેસે છે. હવે આ ગોટાળો સતત ચાલ્યા રાખે છે. વાતમાં કંઈ જ દમ નથી પણ અમુક પંચ તમને ખડખડાટ હસાવશે...


        સમીર તેવારીના ડિરેક્શનમાં આ પહેલું ફિલ્મ છે. સામાન્ય રીતે ડિરેક્ટર જ્યારે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરતો હોય ત્યારે સબ્જેક્ટિવ ફિલ્મ પસંદ કરતો હોય પણ જો ડિરેક્ટર સૌથી અઘરા વિષય કૉમેડીને પસંદ કરે તો માણસમાં દમ છે એવું માનવું પડે. હજુ પહેલું જ ફિલ્મ છે એટલે ઘણી ક્ષતિઓ દેખાય છે તો પણ પ્રમાણમાં સારી મહેનત કરી છે. ભોલારામ માલવિયા અને શિતલ માલવિયાનું પણ પહેલું પ્રોડક્શન જ છે. ફિલ્મ રીલીઝ થવી એ જ ઘટના હોય છે. પ્રોડ્યુસર્સના સારા સંબંધોને કારણે બી.આર. એન્ટરટાઇન્મેન્ટ ફિલ્મને ડીસ્ટ્રીબ્યુટ કરવા રાજી થઈ ગયા. હું સ્યોર નથી પણ કદાચ આ ફિલ્મને ૧૨૦૦ ટૉકીઝ રીલીઝ મળ્યું છે. મ્યુઝિક અમાર્ત્ય રાહુતનું છે. એક ગીતને બાદ કરતા બધા જ એટ લીસ્ટ સાંભળવા ગમે એવા તો છે જ. કૉમેડી ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ અઘરી હોય છે કેમ કે ગૃપ કૉમેડીનો કૉન્સેપ્ટ હોય ત્યારે કેમેરો એવા એંગલથી લાગવો જોઈએ કે બધાને પૂરતું વજન મળે. આ ઉપરાંત કૅમેરાનું ટ્રાન્સીસન પણ એટલું જ જરૂરી છે. અસીન બજાજે સારી સિનેમેટોગ્રાફી કરી છે...


        ઓવર ઓલ ફિલ્મનો પ્રયાસ વખાણવો પડે એમ છે પણ જ્યારે ભારતનું પ્રથમ નંબરનું ફિલ્મ ’શોલે 3D’ રીલીઝ થતું હોય ત્યારે એની સામે આ ફિલ્મ ટકી શકશે કે કેમ એ પ્રશ્ન છે. ’શોલે ને માત્ર 3Dમાં જ બનાવવામાં નથી આવી પણ ડીજીટલ ટેક્નોલૉજીથી ડાયલોગ્ઝ પણ રીફાઇન કરવામાં આવ્યા છે. મારી જિંદગીમાં સૌથી વધુવાર જોયેલા ફિલ્મમાં ’શોલે આવે છે. મેં ઓછામાં ઓછી ૨૬ વાર આ ફિલ્મ જોયું છે. આજની તારીખે પણ એક એક રોલ યાદ છે. જોઈએ ’મી. જો બી. કરવાલો ’શોલે સામે કેટલું કરી શકે છે. સ્ટાર આપવાની વાત હોય તો ફિલ્મને ૨.૫ સ્ટાર આપવા જ પડે. કૉમેડી ગમતી હોય તો એકવાર ફિલ્મ જોઈ આવજો પણ ’ગ્રેન્ડ મસ્તીની જેમ ચીપ કૉમેડીની આશા રાખશો નહી...




પેકઅપ:


આજના ’મી. જો બી. કરવાલોના પહેલા શો માં માત્ર ૧૫ વ્યક્તિ જ હતા... ’શોલેનો ડાયલૉગ યાદ આવી ગયો " ઇતના સન્નાટા ક્યોં હૈં ભાઈ?"