વર્ષોથી લોકોના મનમાં છૂપાયેલી ઘણી બધી ઇચ્છાઓ સાથે એક અદમ્ય
ઇચ્છા અને ભાવના હોય તો સીસ્ટમનો વિરોધ કરવો પણ આ વિરોધ માત્ર અખબાર વાંચીને, ટી.વી.
ન્યૂઝ જોઈને કે પછી પાનના ગલ્લા પર કાંચી, ૧૩૫, મીડિયમ ચૂનો કહેતા થતી ચર્ચાઓ બનીને
રહી જાય છે! તો પણ જ્યારે એકાદ વિરલો એવો જાગે જે સીસ્ટમ સામે લડે તો ભલે માણસ પોતે
સાથે ન જોડાય પણ અંદરથી આનંદ તો આવે જ છે. એ વાત પણ એટલી જ સત્ય છે કે થોડા સમયમાં
બધું જ ભુલાય જાય છે અને લોકો એક આમ જિંદગી જીવવા લાગે છે. પ્રકાશ ઝા એક અનોખાં ફિલ્મ
સર્જક છે. એમની મોટાભાગની ફિલ્મ્સ સીસ્ટમની વિરુદ્ધની જ હોય છે. એક ગ્રેટ ડિરેક્ટર
પણ એમની છેલ્લી બે ફિલ્મ્સ ’આરક્ષણ’ અને ’ચક્રવ્યૂહ’ ખાસ
અસર છોડી શકી ન હતી ત્યારે ’સત્યાગ્રહ’ શું કરી શકશે એવો સવાલ થાય જ પણ ફિલ્મ ઇમોશન
અને એક્ટીંગથી ભરપૂર છે માટે જોવાનો આગ્રહ રાખો તો ખોટું નથી....
ફિલ્મની વાર્તા
અન્ના હજારેની આસપાસ છે પણ એકદમ અન્ના હજારે જેવી નથી. વાર્તા લખવા માટે એક પાત્ર મગજમાં
આવવું જોઈએ માટે અન્નાની જગ્યાએ દાદુ નામનું પાત્ર ઊભું કરવામાં આવ્યું છે અને પાત્ર
ઓલ ટાઇમ લિજેન્ડ અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યું છે. એક્ટીંગની વાત કરવી હોય તો બીજા
માટે ચર્ચા થઈ શકે બચ્ચન માટે તો ચર્ચા કરવા જેવું જ ન હોય. અન્નશન પર બેઠેલાં બચ્ચન
સાહેબને જોઈને કોઈ પણ સંજોગોમાં કહી ન શકાય કે બચ્ચન સાહેબ ઘણા દિવસોથી ભૂખ્યા નહીં
હોય! પ્રકાશ ઝાની લગભગ કાસ્ટ ફીક્સ જ હોય છે. અજય દેવગણ એમનો માનીતો અભિનેતા રહ્યો
છે. અજય ધીમે ધીમે પીઢ એક્ટર બનતો જાય છે. ફિલ્મ માટે કરીના કપૂરે ખૂબ મહેનત કરી છે.
કરીનાનું પાત્ર CNN પત્રકાર ક્રિષ્ટીની અમનપૌર
પરથી ઇન્સપાયર થયું છે. કરીના કપૂરે આ માટે ખાસ ક્રિષ્ટીની જોડે વાત કરી અને એની પાસેથી
ઘણું શીખી. બરખા દત્તને પણ કરીનાએ પોતાના પાત્ર માટે ધ્યાનમાં લીધી હતી. કરીનામાં લગ્ન
પછી સારો નિખાર આવ્યો છે. અર્જૂન રામપાલ સારો કલાકાર છે જ અને આ ફિલ્મમાં પણ સારુ કામ
કર્યું છે પણ એક વાત દેખાય આવે છે કે આ ફિલ્મમાં ખાસ ઉમેરવામાં આવ્યું છે. જો અર્જૂનનું
પાત્ર ફિલ્મમાં ન હોત તો ફિલ્મને કોઈ ફેર ન પડત.
મનોજ બાજપેયી માટે પણ એવું જ છે કે જે પાત્ર આપો એ ફીટ જ હોય અને એમાં પણ જ્યારે
નેગેટિવ પાત્ર હોય ત્યારે ઓર જામે. અજય દેવગણ સાથે અમ્રીતા રાવ, વિપીન શર્મા, ઇન્દ્રનીલ
સેનગુપ્તા બધા જ પોતપોતાના પાત્રમાં જામે છે. ઇન્દ્રનીલ અમિતાભ બચ્ચનના પુત્રના પાત્રમાં
છે. ઇન્દ્રનીલ કદાચ ભવિષ્યમાં સારા રોલમાં જોવા મળે તો નવાઈ નહીં..
પ્રકાશ ઝા એટલે
વર્ષોથી ચાલતી બ્રાન્ડ. એમના ફિલ્મ ક્ષેત્રના અભ્યાસ દરમિયાન જ એમણે બનાવેલી પહેલી
ડોક્યુમેન્ટરી ’અંડર ધ બ્લ્યુ’ને ૧૯૭૫માં નેશનલ એવૉર્ડ મળ્યો હતો. જો કે એમના ડિરેક્શનમાં
પહેલી ફિલ્મ છેક ૧૯૮૪માં આવી અને એ પણ ધુરંધર ગુલઝાર સાહેબની ફિલ્મ ’હીપ હીપ હુર્રે’. આ
પછીની એમની ફિલ્મ ’દામુલ’ને પણ નેશનલ એવૉર્ડ મળ્યો. વાંચકોને ખ્યાલ ન હોય તો કહી દઉં
કે પ્રકાશ ઝાએ દીપ્તી નવલ સાથે લગ્ન કર્યા છે અને એમણે એક ’દિશા’ નામની
છોકરી એડપ્ટ કરી છે. પ્રકાશ ઝા સમૂહના ડિરેક્ટર છે. પ્રકાશ ઝાની કોઈ પણ ફિલ્મ હોય ક્રાઉડ
તો હોય જ અને એ ક્રાઉડને જે રીતે પ્રકાશ ઝા મેનેજ કરી શકે એ રીતે કોઈ પણ ન કરી શકે.
સામાન્ય રીતે પ્રકાશ ઝા હાર્ડકોર ક્રાઇમ અને હાર્ડકોર સ્ટોરી લઈને આવે છે પણ ’સત્યાગ્રહ’માં
થોડો ફેરફાર છે. ફિલ્મમાં જ્યારે લોકોના ઇમોશન સાથે રમવાનું હોય ત્યારે ફિલ્મને ઇમોશનલ
બનાવવી જ પડે. ફિલ્મની અંદર થોડું મેલોડ્રામા એડ કરવું જ પડે. ફિલ્મના ઇમોશનલ દ્ગશ્યો
કદાચ રડાવવા માટે પૂરતા ન હોય તો પણ ફિલ્મ સાથે તમને વહેવામાં મદદરૂપ તો થાય જ છે.
ઇન્ડસ્ટ્રીમાં રહીને પ્રકાશ ઝા ફિલ્મ પ્રમોટ કરતા પણ શીખી ગયા છે. ’કૉમેડી નાઇટ વિથ
કપીલ’માં
પ્રકાશ ઝા અને અજય દેવગણ બંને એ હાજરી આપી. આ ઉપરાંત આજતક, એબીપી ન્યૂઝ, ટાઇમ નાવ,
સી.એન.એન., આઇ.બી.એમ અને એબીપી ન્યુઝને તો ફિલ્મ સાથે જ રાખવામાં આવ્યું. કરીનાને એબીપી
ન્યુઝની રિપોર્ટર બતાવવામાં આવી છે. પ્રકાશ ઝાની સૌથી અનોખી પ્રોમોટ કરવાની રીત પણ
આ ફિલ્મ સાથે જોવા મળી. જાણીતી લેખિકા પૂજા વર્માને આ ફિલ્મ પર બૂક લખવાનું કહેવામાં
આવ્યું. ’સત્યાગ્રહ-અ સ્ટોરી બિહાઇન્ડ રેવોલ્યુશન’ નામની બૂક જે ફિલ્મ વિશે અને
ફિલ્મના સર્જન વિશે માહિતી આપે છે એનું ૨૭ ઓગસ્ટ વિમોચન કરવામાં આવ્યું. આ બૂકના લોંચીંગમાં
પ્રકાશ ઝા સાથે અર્જૂન રામપાલ અને કરીના કપૂરે પણ હાજરી આપી. બૂકની કિંમત ૯૭૫ રૂપિયા
હોવા છતા ૨૦૦૦૦ કોપી ચપોચપ વેચાય ગઈ છે.
આપણે જેમ સેન્સર
સર્ટીફીકેટમાં 'U', 'A', 'UA' આપવામાં આવે છે એમ અન્ય દેશમાં ક્રાઇટેરીયન અલગ હોય છે.
UAEમાં 12A એટલે કે ૧૨ વર્ષ ઉપરના બાળકો જોઈ શકે અને ઓસ્ટ્રેલીયામાં M એટલે કે ૧૪ વર્ષ
ઉપરના લોકો જોઈ શકે એમ આપવામાં આવ્યું છે. UAEમાં એક દિવસ અગાઉ ફિલ્મ રીલીઝ કરવામાં
આવી છે. ફિલ્મ તૈયાર તો ઘણા સમયથી થઈ ગઈ છે પણ ઓગસ્ટમાં એક પછી એક બ્રાન્ડેડ ફિલ્મ્સ
રીલીઝ થઈ. ’ચેન્નાઈ એક્સપ્રેસ’ની પાછળ જ રીલીઝ કરવું એવું નક્કી થયા છતા ’મદ્રાસ કાફે’ને થોડી
આગળ એન્ટ્રી આપી રીલીઝ ૩૦ સુધી લંબાવવામાં આવ્યું. હવે પછી દરેક ફિલ્મની રણનીતિમાં
બસ એક વીક ફિલ્મ ચલાવવું એ જ ટાર્ગેટ બનાવવામાં આવે છે. આ ફિલ્મનું બજેટ ૫૦ કરોડ છે
એટલે અને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી ૧૫૦૦ સ્ક્રીન નક્કી કરવામાં આવી છે. જો એક વીક
પણ ફિલ્મ ચાલશે તો ૫૦ કરોડ તો વકરો કરી જ લેશે. આમ પણ UTV અને સિધ્ધાર્થ રોય કપૂર હોય
ત્યારે રીલીઝ અને વધુ સ્ક્રીન માટે મહેનત ઓછી કરવી પડે. ફિલ્મના પ્રોડ્યુસરમાં રોની
સ્કૃવાલાનું પણ નામ છે. રોની પણ હવે ઇન્ડસ્ટ્રીનો પાયો છે. ફિલ્મનું મોટાભાગનું શૂટીંગ
ભોપાલમાં કરવામાં આવ્યું છે. કરીના માટે પોતાનું ઘર. ભોપાલ ઘરાનાની વહુ એટલે શૂટીંગ
દરમિયાન એને તો મઝા મઝા જ હતી. જો કે ભોપાલમાં શૂટીંગ દરમિયાન ભોપાલ સિટીઝન ફોરમે બેનઝીર
પૅલેસના શૂટીંગનો વિરોધ કર્યો અને વાત કોર્ટ સુધી ગઈ હતી પણ આખરે બધું સમુંનમું થઈ
ગયું.
મ્યુઝિકની ક્રેડિટ
સલીમ-સુલેમાનને મળી છે પણ મીત બ્રોઝ અન્જાન અને આદેશ શ્રીવાસ્તવને પણ મ્યુઝિક આપવામાં
આવી છે. ગીત પ્રશુન્ન જોષીના છે. બે ગીતો ’રઘુપતિ રાઘવ’ અને
’સાવરીયા’ વખાણવા
લાયક છે. હાં જો કોઈ ઘટતી વાત રહી તો એક જ કે ફિલ્મને ફિલ્મી બનાવવામાં અમુક વાતો ગળે
ન ઉતરે એ રીતે આલેખવામાં આવી, ખાસ કરીને ફિલ્મના અંતને ફિલ્મી અંત જ બનાવી દીધો. કદાચ
વાત અધ્યાર મૂકીને પણ ફિલ્મનો અંત આવ્યો હોત તો પણ ફિલ્મ ચાલી જાત પણ આખરે તો ભારતીય
દર્શકો માટે ફિલ્મ બનાવવાની હોય ત્યારે લેખકો અંજૂમ રજબઅલ્લી, રુત્વીક ઓઝા અને પ્રકાશ
ઝાએ આટલું કૉમ્પ્રોમાઇઝ તો કરવું જ પડે! સચીન ક્રિષ્નાની સિનેમેટોગ્રાફી અને એમાં પણ
અમુક રીતે લાઇટ્સનો ઉપયોગ પણ માણવા લાયક છે. હાં ફિલ્મનો ૧૫૩ મીનીટનો રન ટાઇમ થોડો
મોટો લાગે પણ ચાલે... ફિલ્મને ૩ સ્ટાર આપવા જ પડે એમ છે...
પેકઅપ:
"પાકિસ્તાને ડુપ્લીકેટ ભારતીય રૂપિયા છાપવાનું માંડી વાળ્યું.....
કહે છે કે પ્રિન્ટિંગ કોસ્ટ ડોલરમાં હોવાથી મોંઘાં પડે છે"