માણસ જીવનમાં સૌથી વધુ કંઈ પણ ઇચ્છતો હોય તો પોતાની ખુશી. કોઈ
પણ વ્યક્તિનો પોતાનો પ્રયત્ન એક જ હોય છે કે મને આનંદ ક્યાંથી મળે? કોઈને ભક્તિમાં
આનંદ મળે, કોઈને વાંચનમાં આનંદ મળે, કોઈને ફિલ્મ જોઈને આનંદ મળે તો કોઈને અઢળક રૂપિયા
ભેગા કરવામાં આનંદ મળે. આ કારણોથી જ લોકોને હર હંમેશા ફિલ્મ ગમતી આવી છે. ફિલ્મ લોકોને
લાગણીમાં તાણી જાય છે, ફિલ્મ લોકોને રડાવે છે, ફિલ્મ લોકોને હિંમત આપે છે, ફિલ્મ લોકોને
સત્ય બતાવે છે પણ લોકોને ગમતો વિષય રહ્યો છે હાસ્ય. જો તમે મન મૂકીને ફિલ્મ જોતા હસી
શકો તો પૈસા વસૂલ. આ કારણોથી જ ફિલ્મ ઍક્શન હોય, હોરર હોય કે કોઈ પણ પ્રકારની હોય પણ
ફિલ્મમાં કૉમેડી તો હોવી જ જોઈએ એવો ટ્રેન્ડ શરૂ થયો. આવા કારણોથી જ રાજકુમાર ગુપ્તાએ
’ઘનચક્કર’ બનાવ્યું.
રાજકુમાર ગુપ્તાએ કહ્યું કે " અમે ’આમીર’માં લોકોને રડાવ્યા, ’નો વન કીલ્લ્ડ જેસીકા’માં
લોકોને ઉત્સુક બનાવ્યા અને હવે ’ઘનચક્કર’માં લોકોને હસાવવાનાં છીએ" પણ ખરેખર
તો આ ફિલ્મમાં એમણે રડાવ્યા એટલે લાગે છે કે ’ઘનચક્કર’નું
ચક્કર ચાલે એવું નથી!
રાજકુમાર ગુપ્તા
ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ઘણા સમયથી જોડાયેલા છે. લોકોને યાદ હોય તો ’નો સ્મોકીંગ’ અને
’બ્લેક ફ્રાયડે’ એટલે
કે અનુરાગ કશ્યપની બંને હટકે ફિલ્મમાં એસોસીયેટેડ ડિરેક્ટર હતા. અનુરાગ કશ્યપ હટકે
ડિરેક્ટર છે અને એમની નીચે તૈયાર થયેલા માણસ માટે શું શંકા હોય શકે? રાજકુમાર ગુપ્તાની
પહેલી ફિલ્મ હતી ’આમીર’ આ ફિલ્મથી જ લોકો રાજકુમારને એક સારા દિગ્દર્શક માનવા લાગ્યા
હતા. આ પછીની એમની ફિલ્મ ’નો વન કિલ્લ્ડ જેસીકા’ પણ બૉક્સ ઓફીસ પર હીટ રહી. રાજકુમાર
ગુપ્તા પોતે સારા લેખક પણ છે. એમની બંને ફિલ્મ એમણે લખી હતી અને આ ફિલ્મ પણ એમણે લખી
છે. વાતનો બેઝ મજબૂત છે પણ વાત પકડ વગરની છે એટલે રાજકુમારના ડિરેક્શનનો પણ કમાલ ન
જોવા મળ્યો.
ફિલ્મમાં પાત્રો
બહુ જ ઓછા છે અને લોકેશન પણ ઓછા છે એટલે ફિલ્મ ઓછા ખર્ચે બની હશે. અત્યારની ફૉર્મ્યુલા
મુજબ એક વીક ફિલ્મ ચાલી જાય તો ધંધો તો થઈ જ જાય એવી આશાથી જ યુટીવી મોશન પીક્ચર્સે
ફિલ્મ બનાવવા ઝંપલાવ્યું. સિદ્ધાર્થ રોય કપૂર અને રોની સ્કૃવાલાએ ફિલ્મ પ્રોડ્યુસ કર્યું
છે. હવે જ્યારે સિદ્ધાર્થ હોય ત્યારે વિદ્યા બાલન કપૂર તો સ્કીમમાં આવે જ. વિદ્યા બાલન
અત્યારે સાવ ફ્રી છે. ’ડર્ટી પિક્ચર’ પછી વિદ્યાએ વધારેલુ શરીર હવે યુટીવીની આવકની
જેમ જ વધતું જાય છે. ઇમરાન અને વિદ્યાની જોડીને જુઓ તો લાગે કે મા-દીકરાની જોડી છે.
વિદ્યા એક્ટીંગ તો સારુ કરી જ શકે પણ હવે શરીર પણ સાચવે તો ફરી ફિલ્મ કરશે નહિતર જેવી
સિધ્ધાર્થની દયા! ફિલ્મ બનતી હતી ત્યારે ફિલ્મનું એક ગીત વરસાદમાં શૂટ કરવાનું નક્કી
થયું હતું પણ ઇમરાન હાઝમી ’રાઝ 3’ના પ્રમોશનમાં બીઝી હતો એટલે એ શક્ય ન બન્યું. રાજકુમાર
ગુપ્તાએ પોતાનું સ્ટેટમેન્ટ પણ કર્યું કે "અમારે ઓગસ્ટમાં આ ગીત શૂટ કરવું હતું,
વિદ્યા હાલ કોઈ ફિલ્મ ન કરતી હોવાથી ફ્રી હતી પણ ઇમરાન પોતાની ફિલ્મના પ્રમોસનમાં બીઝી
હતો એટલે શક્ય ન બન્યું" ઇમરાન હાઝમી ધીમી ગતીએ આગળ વધી રહ્યો છે. ભટ્ટ કૅમ્પ
પછી બાલાજી ટેલી ફિલ્મનો હાથ પકડ્યો અને હવે યુટીવી મોશન પીક્ચર્સ સાથે પણ જોડાય ગયો
છે. સિદ્ધાર્થ કપૂરે કહ્યું કે " ઇમરાન સૌથી વધુ ચાલતા કલાકારો માંનો એક છે અને
આ ફિલ્મ માટેનું પર્ફેક્ટ કાસ્ટિંગ છે" ઇમરાને સારુ એક્ટીંગ કર્યું છે પણ સ્ક્રીપ્ટની
થોડી નબળાઈ ઉપરાંત રીયલ કૉમેડીનો આર્ટિસ્ટ ન હોવાના કારણે થોડો નબળો પડ્યો છે જો કે
ઇમરાનનું સ્ટેટમેન્ટ કંઈક આવું હતું કે "ઘનચક્કર હમણાંના સમયમાં સાંભળેલી બેસ્ટ
સ્ક્રીપ્ટ છે. કોમર્સિયલ છે, હટકે છે અને ખૂબ એન્ટર્ટાઇનીંગ છે. હું ખાત્રી પૂર્વક
માનુ છું કે આ ફિલ્મ મારી કેરિયરમાં લેન્ડમાર્ક સાબિત થશે"... કદાચ ઉંધી રીતે
કે આવી ફિલ્મ ન કરવી...
રાજેશ શર્માને
હું લગભગ ૧૯૯૬થી જોતો આવું છું. મને રાજેશ શર્મા કાયમ માટે સારો કલાકાર લાગ્યો છે.
રાજેશ શર્મા આ ફિલ્મમાં પંડિતના કૅરેક્ટરમાં છે. જો હું ભુલતો ન હોઉં તો ’માચીસ’ એમનું
પહેલું ફિલ્મ હતું અને આ એમની ૩૭મી ફિલ્મ છે. રાજેશ શર્માની ફિલ્મી સફર મોટી છે પણ
અહીં પંડીતજી ખાસ જામ્યા નથી. રાજેશ શર્મા સાથે ઇદ્રીસ નામના પાત્રમાં નીમીત દાસ છે.
નીમીત દાસને મેં ’વેક અપ શીદ’માં અને ’લફંગે પરીંદે’માં જોયો હતો. મને ખાસ અસર છોડી શકે એવો છોકરો
નહોતો લાગ્યો અને આ ફિલ્મમાં પણ એવું જ રહ્યું. કદાચ આ માટે ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ
કારણભૂત હોઈ શકે. આ ફિલ્મના સ્ક્રીનપ્લે પરવેઝ શેખ અને રાજકુમાર ગુપ્તાએ જ લખ્યા છે.
ફિલ્મનું મ્યુઝિક
અમીત ત્રીવેદીએ આપ્યું છે. અમીત ત્રીવેદીના સંગીતનો હું આશિક રહ્યો છું પણ કોણ જાણે
આ ફિલ્મમાં મને ખાસ મઝા ન પડી. આ ફિલ્મમાં ખૂબી એ છે કે ઓરીજીનલ રેકૉર્ડ થયેલા પાંચ
ટ્રેકમાં બધા જ ગીતોમાં અમીત ત્રીવેદીનો પોતાનો અવાજ છે જ. અમીતે પોતાની બીજી દુકાન
પણ ખોલવાની શરૂ કરી દીધી છે. કદાચ નવું સારુ સંગીત ન સૂઝે તો પછી ગીત ગાયને પણ ગુજરાન
ચલાવી શકાય.
ફિલ્મની વાર્તા
ખરેખર સરસ છે. ત્રણ વ્યક્તિ મળીને એક બેંક લૂટે છે અને ત્રણ મહીના પછી લૂટેલા ૩૦ કરોડનો
ભાગ પાડવાનું નક્કી કરે છે. ત્રણ મહીને જ્યારે રૂપિયાની ઉઘરાણી થાય ત્યારે ઇમરાન પોતાની
યાદ શક્તિ ગુમાવી ચૂક્યો હોય છે. આ રૂપિયા પાછાં લેવા માટેની જે રમત થાય છે અને એ દરમિયાન
બનતા પ્રસંગોની ઘટના એટલે આ ફિલ્મ. ફિલ્મના અંતમાં ખૂબ સારી રીતે વાતને પલ્ટી મરાવવામાં
આવી છે પણ તો પણ કોથળા માંથી બિલાડા જેવું લાગે છે. ખરેખર જો એક પર્ફેક્ટ ક્રાઇમ સ્ટોરી
બની હોત તો ફિલ્મ વધુ સારી થઈ શકી હોત. ઓવર ઓલ ફિલ્મનું રેટીંગ આપવું હોય તો હું ૨.૫
સ્ટાર આપીશ. ટૂંકમાં ફિલ્મ જુઓ તો પણ ચાલે અને ન જુઓ તો પણ ચાલે...
પેકઅપ:
પાગલ ખાનાની નર્સ (એક પાગલને): " ચલ મારી સાડી, બ્લાઉઝ,
ઇનરવેર બધું ઉતાર..... અને ખબરદાર જો હવે પછી ક્યારેય મારા કપડા પહેર્યાં છે તો....."