ભારતમાં એનીમેશન ઇન્ડસ્ટ્રી જોર પકડતી જાય છે. ટેલિવિઝનમાં પણ કાર્ટૂન નેટવર્કની ટી.આર.પી. ને કોઈ તોડી શક્યું નથી. માત્ર કાર્ટૂન નેટવર્ક જ નહીં બીજી પણ ઘણી બધી ચેનલ્સ છે જેના પર માત્ર અને માત્ર એનીમેશન પ્રોગ્રામ જ આવે છે. બાળકના હાથમાં રીમોટ આવે એટલે ચેનલ સર્ફ થતા કાર્ટૂન પર જ અટકી જાય. જો કે મોટા ભાગે 2D એનીમેશન જોવા મળે પણ 3D એનીમેશન એટલી જ હદે આગળ વધતો જોવા મળે છે. ભારતમાં 3D એનીમેશનનો વાર્ષિક ધંધો ૧૧૦૦ કરોડનો છે..ના..ના.. ભારતનો હિસ્સો માત્ર ૨૦% જ છે, બાકી તો ફોરેનથી ભારત આવતું કામ ૮૮૦ કરોડ જેટલું છે! જો હવે આટલો મોટો હિસ્સો વિદેશી એનીમેશન ઇન્ડસ્ટ્રી લઈ જતી હોય તો ભારત કેમ પાછળ રહી જાય? આ કારણથી જ પેન ઇન્ડિયાએ નક્કી કર્યું કે આપણે પણ એક વિશ્વ કક્ષાની એનીમેશન ફિલ્મ બનાવીએ પણ ડિરેક્ટર બહુ જ મોટો ભાગ ભજવે છે અને ૬૦ કરોડના ખર્ચે બનેલી મહાભારત ૫૦ કરોડના વિમા સાથેની ’માય નેઇમ ઇઝ ખાન’ પછી સૌથી વધુ વિમો લેનારી ફિલ્મ બની ગઈ. ગમે તેમ હોય નિર્માતા બુધ્ધિશાળી તો ખરા જ. ’મહાભારત’ નક્કી ૫૦ કરોડનો વિમો પકાવ્યે પાર કરશે!!!
ભારતની સૌથી વધુ ખર્ચાળ એનીમેશન ફિલ્મ એટલે ’મહાભારત’. ફિલ્મ બનાવવા માટે પૂરા ૭ વર્ષનો સમય લાગ્યો છે. હવે તમને પ્રશ્ન થશે કે એક ફિલ્મ બનાવવા માટે ૭ વર્ષ કેમ લાગે? તો જવાબ સાવ સીધે સીધો છે પણ એ જવાબને સમજવા માટે પહેલા એનીમેશનની પ્રોસેસ જાણી લઈએ. કોઈ પણ એનીમેશનની સ્ટોરી, ડાયલૉગ અને સ્ક્રીનપ્લે લખાયા પછી પહેલું કામ પાત્રોના કેરી કેચીંગથી થાય છે. કેરી કેચીંગ એટલે ફિલ્મના પાત્રને એક સરખાં માપમાં ત્રણે એંગલથી ડ્રો કરવામાં આવે. આ ડ્રોઇંગના આધારે કૅરેક્ટર બનાવવામાં આવે છે. એનીમેશનની ભાષામાં આને 3D મોડેલીંગ કહેવામાં આવે છે.
3Dમાં બૅકગ્રાઉન્ડનો પણ સમાવેશ થાય છે. પાત્રની આજુબાજુ શું હશે, ઝાડ,પાંદડા, ગ્રાઉન્ડ બધું જ બનાવવામાં આવે. આ પછીનું સ્ટેજ હોય ટેક્સ્ચરીંગ. ટેક્સ્ચરીંગમાં પાત્ર કેવા કપડા પહેરશે, સ્કીનનો કલર કેવો રહેશે વગેરે નક્કી કરવામાં આવે છે. આ પછીનું સ્ટેપ છે રીગીંગ. રીગીંગ એટલે પાત્ર કેવા હાવભાવ આપશે, કઈ રીતે ચાલશે, કેવી રીતે એના આંગળાં પગ વળશે વગેરે. આ પછી એનીમેશનનું સ્ટેપ આવે. એનીમેશન શોટ બાય શોટ કેમ પાત્ર શું કરશે એ ગોઠવવામાં આવે. ક્યાં એંગલથી કેવી રીતે શોટ દેખાડવો વગેરે નક્કી કરવામાં આવે. એનીમેશન પછીનું સ્ટેપ છે લાઇટીંગ. સમય મુજબ બૅકગ્રાઉન્ડથી શરૂ કરીને પાત્રના ચહેરા કે અન્ય જગ્યા પર કઈ રીતે લાઇટીંગ આપવું એ નક્કી કરવામાં આવે છે. અને આખરી સ્ટેપ છે કંપોઝીટીંગનું પાત્રો, હલન ચલન, કૅમેરા એંગલ, લાઇટીંગ, બૅકગ્રાઉન્ડ બધું જ કંપોઝ કરવામાં આવે. આટલી બધી પ્રોસેસ પછી આવે રેન્ડરીંગ. આ બધી જ પ્રોસેસને ફિલ્મ રૂપે રેન્ડરીંગ પછી જ જોઈ શકાય છે. તમારા માટે સૌથી આશ્ચર્યની વાત એ હશે કે ૫ મીનીટનું રેન્ડરીંગ કાઢતા એક ખૂબ આધુનિક કોમ્પ્યુટરને ઓછામાં ઓછા ૨૦ દિવસ લાગે! હવે વિચાર કરો કે આખુ ફિલ્મ બહાર કાઢતા કેટલો સમય લાગતો હશે? એક એનીમેશન ફિલ્મમાં અસંખ્ય પાત્રો હોય છે. અસંખ્ય પ્રૉપર્ટી પણ હોય છે. આવા સંજોગોમાં ૭ વર્ષ લાગે એ વાજબી છે.
સાત વર્ષ પૂરા કર્યા પછી પણ જો ઉત્તમ કક્ષાની ફિલ્મ ન આપી શકાય તો એનું કારણ શું? કારણ છે ભારતમાં વિદેશ જેવા એનીમેશન ફિલ્મના ડિરેક્ટર્સ નથી. એક ઉદાહરણ અહીં ટાંકવાની ઇચ્છા થાય છે કે ’લાઇફ ઑફ પાઇ’ ફિલ્મમાં બતાવવામાં આવેલા તમામ પ્રાણીઓ અને ખાસ કરીને ટાઇગર એનીમેટેડ છે પણ તમે કોઈ પણ સંજોગોમાં કહી નહીં શકો કે ટાઇગર ઓરીજીનલ નથી. આ પાછળનું કારણ તમે જાણો છો? ડિરેક્ટરે પોતે જાતે સાથે રહીને ઓરીજીનલ ટાઇગરની દરેક મૂવમૅન્ટ ૧૦૦ દિવસ સુધી શૂટ કરી હતી અને દરેક એનીમેટરને આ મૂવમૅન્ટ મુજબ જ એનીમેટેડ ટાઇગરનું રીગીંગ કરાવવામાં આવ્યું હતું. અહીં ખાટલે મોટી ખોટ જ એ દેખાણી કે એક પણ મૂવમૅન્ટ રીયલ નથી લાગતી. આ ઉપરાંત એક પોઇન્ટ તો ભારતીય એનીમેશન માટે સમજાતો જ નથી કે શા માટે સતત માયથોલોજી પાછળ જ પડી રહેવું? શું તમારી પાસે એવી કોઈ સ્ટોરી નથી જે નવી વસ્તુ આપી શકે? જ્યાં પણ ભારતના 3D એનીમેશન જુઓ એટલે ગણેશ, મહાદેવ, મહાભારત, રામાયણ, ભીમ થી આગળ વધતું જ નથી! જો ૬૦ કરોડના ખર્ચે ફિલ્મ બનાવવું હોય તો એક નવું પાત્ર, નવો વિચાર, નવી ટેક્નિક આવી જ શકે...
એક વધુ મૂર્ખામી આ ફિલ્મમાં ડિરેક્ટર અમાન ખાને
એ કરી કે રામાયણના પાત્રોનું એનીમેશન જાણીતા હિન્દી અભિનેતા મુજબ કરવામાં આવ્યું. હવે જો એ પાત્રોને જ લેવા હોય તો પછી શા માટે ઓરીજીનલ પાત્રો લઈને ફિલ્મ ન બનાવવી? ભિષ્મનું પાત્ર અમિતાભ બચ્ચન, ક્રિષ્નનું પાત્ર શત્રુઘ્ન સિંહા, અર્જુનનું પાત્ર અજય દેવગણ, ભીમનું પાત્ર સન્ની દેઓલ, કર્ણનું પાત્ર અનિલ કપૂર, દ્રૌપદીનું પાત્ર વિદ્યા બાલન, યુધિષ્ઠિરનું પાત્ર મનોજ બાજપેયી, કુંતિનું પાત્ર દિપ્તી નવલ, શકુનિનું પાત્ર અનુપમ ખૈર અને દુર્યોધનનું પાત્ર જેકી શ્રોફ જેવું બનાવવામાં આવ્યું છે. આ દરેક પાત્રોને અવાજ પણ ઉપર મુજબના પાત્રોએ જ આપ્યો છે. ફિલ્મ પણ ઉલ્ટી સીસ્ટમથી જ બનાવવામાં આવ્યું છે. પહેલા દરેક પાત્રોના અવાજ રેકૉર્ડ કરવામાં આવ્યા અને એ પછી એના પર એનીમેશન કરવામાં આવ્યું છે. અનિલ કપૂરે ડબીંગ માટે ૧૫ દિવસ લીધા હતા જ્યારે મનોજ બાજપેયીએ માત્ર ૪ દિવસમાં પોતાનું ડબીંગ પૂરુ કરી આપ્યું હતું. અનિલ કપૂરે દુર્યોધનના પાત્ર માટે જેકી શ્રોફનું નામ સજેસ્ટ કર્યું હતું. અમિતાભ બચ્ચને એમની કેરિયરના ૪૫ વર્ષમાં પહેલીવાર કોઈ કાર્ટૂન પાત્રને પોતાનો અવાજ આપ્યો છે...
૨૫ વર્ષ પહેલા બી.આર. ચોપરા દ્વારા દિગ્દર્શિત ’મહાભારત’ સિરિયલ જેણે પણ જોઈ હશે એ એટલું તો કહેશે જ કે એ ’મહાભારત’ના પાત્રો જેટલી સચોટ પાત્રાવરણી કોઈ કરી જ ન શકે. ’મહાભારત’ સિરિયલના કાસ્ટિંગ ડિરેક્ટર ગુફી પેન્ટલ હતા. અહીં ભલે ભીષ્મ પિતામહ તરીકે બચ્ચન સાહેબનો ચહેરો વાપરવામાં આવ્યો છે પણ જો ભીષ્મની કલ્પના કરો તો મુકેશ ખન્ના જ નજર સામે આવે. શ્રી ક્રિષ્નના પાત્રમાં યુવાન શત્રુઘ્ન સિંહા જેવું એનીમેશન કરવામાં આવ્યું છે પણ ગમે તે રીતે વિચારો અવાજ અથવા ચહેરો ક્રિષ્નના પાત્રને અનુરૂપ લાગતો જ નથી. અમાન ખાને ઘણા બધા ઇન્ટર્વ્યુઝમાં ઘણી ઘણી વાતો કરી પણ આખરે ડિરેક્ટરનું વિઝન દેખાય જ આવે છે કે સ્ટોરી લાઇન, ડાયલૉગ અને પાત્રોના એનીમેશન સુધી ક્યાંય ખરા ઊતરી શક્યા નથી. અમાન ખાનના માનવા મુજબ આ ફિલ્મ બાળકો થી લઈને મોટાં બધા માટે બનાવવામાં આવી છે પણ ખરા અર્થમાં જોઈએ તો બાળકોને પણ આ ફિલ્મ પસંદ નહીં જ પડે. માયથોલોજી હોય ત્યારે કથાનું ઇન્ટરપ્રિટેશન ગમે તેમ કરવાની છૂટ હોય અને થોડો ઘણો મસાલો પણ ઉમેરી શકાય પણ જ્યારે ’મહાભારત’ જેવું ઇપીક ઉપાડ્યું હોય ત્યારે અસંખ્ય એવા પ્રસંગો છે જે અહીં રજૂ કરેલા પ્રસંગો કરતા સારા છે. ભારતની એનીમેશન ઇન્ડસ્ટ્રીએ વિશ્વ કક્ષાએ પહોંચવા હજુ ઘણી લાંબી મજલ કાપવી પડશે! આશા રાખીએ કે હવે પછી આવનારું એનીમેશન ફિલ્મ ખરા અર્થમાં વિદેશી એનીમેશન ફિલ્મ્સને ટક્કર આપી શકશે. નબળા કામ છતા ૭ વર્ષની અથાક મહેનત અને પ્રયત્ન માટે ૨ સ્ટાર....
પેકઅપ:
રીતુ શિવપૂરીએ કરેલી એક સરસ કૉમેન્ટ..."કેજરીવાલ સાહેબ, એકાદ ઝાડુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ફેરવી જાવને..."